૧૯૫૩માં, જ્યારે એર ઇન્ડિયાનો કારભાર સરકારે લઇ લીધો હતો, ત્યારે ભારતની પહેલી એરલાઈન્સના જનક જે.આર.ડી. ટાટાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “એ મારા માટે સૌથી મોટો માનસિક અને નૈતિક આઘાત હતો. મને લાગ્યું હતું જાણે એક પેરન્ટ પાસેથી એના લાડકા સંતાનને છીનવી લેવામાં આવ્યું છે. એ એકમાત્ર એવી કંપની હતી, જેને મેં જાતે રસ લઈને ઊભી કરી હતી અને તેને સંભાળી હતી. એકંદરે અમે બહુ નાના હતા, પરંતુ અમારું સ્ટાન્ડર્ડ બને એટલું શ્રેષ્ઠ હતું.”
ત્યારે જવાહરલાલ નહેરુની સરકાર હતી. ૧૯૩૨માં, જે.આર.ડી.એ સ્થાપેલી એર ઇન્ડિયા ત્યારે દુનિયાની શ્રેષ્ઠ એર લાઈન્સ પૈકીની એક હતી. નહેરુ અને ટાટા આમ દોસ્ત હતા, પરંતુ આર્થિક નીતિઓને લઈને બંને વચ્ચે સો ગાઉંનું છેટું હતું. દેશના વિકાસ માટે ટાટા ખાનગી ઉધોગોની તરફેણમાં હતા, અને રશિયન સમાજવાદના રંગે રંગાયેલા નહેરુ માનતા હતા કે ઉદ્યોગો પર રાજ્યનું નિયંત્રણ હોવું જોઈએ.
‘બોમ્બે ક્લબ’ તરીકે જાણીતા મુંબઈના બિઝનેસમેનો વતીથી ટાટા એકવાર ભારતે કેવી આર્થિક નીતિ અપનાવી જોઈએ તેની ચર્ચા કરવા માટે નહેરુને મળવા દિલ્હી ગયા હતા, ત્યારે વડાપ્રધાને ગળું ખંખેરીને કહ્યું હતું, “મારી પાસે પ્રોફિટની વાત ન કરતા. પ્રોફિટ ગંદો શબ્દ છે.”
નહેરુ અને ઇન્દિરા બંનેને ઉદ્યોગપતિઓથી ‘સુગ’ હતી. ટી.એન. નિનાન નામના એક વરિષ્ઠ પત્રકારે ૧૯૮૬માં એક ઇન્ટરવ્યૂમાં જે.આર.ડી.ને પૂછ્યું હતું કે, “ઉદ્યોગમાં તમે જે કરવા માંગતા હતા એમાં કેટલા સફળ રહ્યા હતા?”
જે.આર.ડી. : “સાચું કહું તો મને બહુ હતાશા થઇ હતી. યુવાન હતો ત્યારે હું એન્ગ્રી યંગ મેન હતો. આપણે ગુલામ હતા, લોકોનું શોષણ થતું હતું. આપણે અવસરો ગુમાવી દીધા અને હવે હું એન્ગ્રી ઓલ્ડ મેન છું.”
નિનાન : “તમારી મોટી હતાશા આ હતી?”
ટાટા : “યેસ, ઓફકોર્સ. ૩૫ વર્ષ પહેલાં આ દેશમાં હું પહેલો માણસ હતો જેણે વસ્તી વધારા સામે લાલ બત્તી ધરી હતી. મેં એક ભાષણ આપ્યું હતું, અને મને કોણે ટકોર્યો હતો ખબર છે? નહેરુએ. મારા કાનમાં એ બોલ્યા હતા, ‘નોનસેન્સ વાત છે, જે. વિશાળ વસ્તી કોઈપણ રાષ્ટ્રની તાકાત હોય છે.’ એ પછી આપણે ૩૫ કરોડ લોકો ઉમેર્યા.”
નિનાન : “તમે તેમની સાથે દલીલો કરતા ન હતા?”
ટાટા : જવાહરલાલ સાથે દલીલો ન થાય. એમને એની વાત જ કરવી ન હતી. હું એમનો સારો દોસ્ત હતો. તેમને મારામાં વિશ્વાસ હતો. એમને ખબર હતી કે હું તેમની કદર કરતો હતો, પણ એ જાણતા હતા કે તેમની આર્થિક નીતિમાં હું સંમત નથી. હું તો તેમની વિદેશ નીતિ સાથે પણ સંમત ન હતો. એટલે તેમની સાથે આર્થિક ચર્ચા શક્ય બનતી ન હતી.”
નિનાન : “તમે પ્રયાસ કર્યો હતો?”
ટાટા : “યેસ. તેમને અને પછીથી મિસિસ ગાંધીને સારી ભાષામાં મને ‘શટ અપ’ કહેતાં આવડી ગયું હતું. હું આર્થિક નીતિનો વિષય છેડું એટલે જવાહરલાલ ગોળ ફરીને બારી બહાર જોવાનું ચાલુ કરી દેતા. મિસિસ ગાંધી કંઇક બીજું કરતાં.”
નિનાન : “એ કાગળ પર ચિતરામણ કરતાં?”
ટાટા : “યેસ, પણ મને એનો બહુ વાંધો ન હતો. એ એન્વેલોપ્સ ઉપાડતાં, એને ખોલતાં અને અંદરથી કાગળ બહાર કાઢીને વાંચતાં. શિષ્ટ રીતે એ ઈશારો હતો કે એ મારાથી કંટાળ્યાં છે.”
નિનાન : “આ કંઈ શિષ્ટ ન કહેવાય.”
ટાટા: “ચાલે એ તો. એકવાર તો એ ગુસ્સે થઇ ગયાં હતાં. હું બોલતો હતો, એ એન્વેલોપ્સ ખોલતાં હતાં. રૂસી મોદી મારા કાનમાં જોરથી બબડ્યા- મને લાગે છે તેઓ કંટાળ્યાં છે. અને એ બોલ્યાં : “ના, ના, ચાલુ રાખો પ્લીઝ, હું ધ્યાનથી સાંભળું છું. પણ મારા સંબંધો મૈત્રીપૂર્ણ હતા.”
નહેરુના સમયમાં (અને પાછળથી ઇન્દિરાના સમયમાં) રાષ્ટ્રીય ઉધોગો સરકારના હાથમાં જ હોવા જોઈએ અને તેમાં ખાનગી ઉધોગપતિ માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ તેવી નીતિ વિકસી હતી. નહેરુએ એટલા માટે આખા એવિયેશન સેક્ટરનું રાષ્ટ્રીયકરણ કરીને એર ઇન્ડિયા સહિત નવ ખાનગી એર લાઈન્સનું વિલીનીકરણ કરીને એક સ્થાનિક એર લાઈન્સ (ઇન્ડિયન એર લાઈન્સ) અને બીજી આંતરરાષ્ટ્રીય એર લાઈન્સ(એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ)નું સર્જન કર્યું હતું.
નહેરુ વળી ટાટાની લાજ રાખવા માટે તેમને એર ઇન્ડિયાના ચેરમેન પદે ચાલુ રાખ્યા હતા. જે.આર.ડી. ટાટાને ગાંધી પરિવાર સાથે સારો ઘરોબો છે એવી બધાને ખબર હતી, અને એમાં ઇન્દિરાના કટ્ટર હરીફ મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા એટલે ૧૯૭૮માં તેમણે તો ટાટા પાસેથી ચેરમેનપદ પણ ખુંચવી લીધું હતું. કેવું કહેવાય કે એક બીજા ગુજરાતી વડા પ્રધાને એર ઇન્ડિયાને પછી ટાટા ગ્રૃપને આપી!
ઇન્દિરા ગાંધીએ ત્યારે જે.આર.ડી. ટાટાને એક પત્ર લખીને કહ્યું હતું,” તમે હવે એર ઇન્ડિયા સાથે નથી એ જાણીને મને દુઃખ થયું છે. તમારા જવાથી એર ઇન્ડિયાને પણ દુઃખ થયું હશે. તમે માત્ર ચેરમેન જ નહીં, જનક પણ હતા. તમે વિમાનોના ડેકોરથી લઈને એર હોસ્ટેસની સાડીઓ સુધીની સુક્ષ્મ બાબતોમાં રસ લઈને એર ઇન્ડિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોખરે મૂકી હતી. અમને તમારું અને એર ઇન્ડિયાનું ગૌરવ હતું. તમારી પાસેથી એ કોઈ છીનવી નહીં લે. આપણા વચ્ચે થોડી ગેરસમજ હતી, પણ હું કેવા દબાણ હેઠળ કામ કરતી હતી અને એવિયેશન મંત્રાલયમાં કેવી અદેખાઈ ચાલતી હતી એ હું તમને નહીં કહી શકું. મારે વધુ કંઈ કહેવું નથી.”
જે.આર.ડી.ના જવાબમાં ન તો કોઈ કડવાશ હતી કે ન તો આખી વાતનો ઉલ્લેખ સુદ્ધાં. તેમણ લખ્યું હતું, “તમે પત્ર લખવાની તસ્દી લીધી તે બદલ આભાર. એરલાઈનને ઊભી કરવામાં મેં જે ભૂમિકા ભજવી હતી તેનો તમે ઉલ્લેખ કર્યો તેનાથી મને આનંદ થયો છે. મને મારા સાથીદારો અને સ્ટાફની વફાદારી અને ઉત્સાહ મળ્યો અને સરકારોનો ટેકો મળ્યો તે મારું નસીબ હતું, તેના વગર મેં કશું સિદ્ધ કર્યું ન હોત. તમારી તબિયત સારી હશે. “
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”’ ૧૭ ઑક્ટોબર ૨૦૨૧
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર