રિતેશ(નામ બદલ્યું છે)ની ઉંમર હજુ 17 વર્ષની હતી. તેનું ધોરણ બારની બોર્ડ પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. તે ખુશ હતો. તેના દોસ્તો સાથે તેણે બારમાં પાર્ટી યોજી હતી. ખૂબ મજા કરી. શરાબ અને કબાબ પાછળ 48,000 રૂપિયા ખર્ચાયા હતા. વહેલી સવારે 2 વાગે પાર્ટી પૂરી કરીને રિતેશ તેની લક્ઝરી પોર્શે કારના વ્હીલ પાછળ ગોઠવાયો અને કારને ઝાટકા સાથે સ્ટાર્ટ કરી.
તેના શરીરમાં અનગિનત પેગની અને કારમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની તાકાત હતી. કાર પૂણેની શાંત રાતને ચીરતી નીકળી. રિતેશના નશામાં કારની સ્પીડનો ઉમેરો થયો. એ ઘાતક કોકટેલ હતી. થોડેક દૂર ગયા પછી રિતેશે ભાન ગુમાવ્યું અને કાર આગળ જઈ રહેલી એક મોટરબાઈક સાથે ધડામ કરતી અથડાઈ અને ફૂટપાટ પાસે પાર્ક કરેલાં બીજાં વાહનોમાં ઘૂસી ગઈ.
બાઈક પર બે મિત્રો, અનીસ અવધિયા અને અશ્વિની કોસ્તા, એક પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા. પોર્શે કાર તેમની સાથે એટલી જોરથી અથડાઈ હતી કે બંનેનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયાં. રિતેશના પિતા પૂણેના એક અગ્રણી બિલ્ડર છે અને ડ્રાઈવિંગ લાઇસન્સ વગર તેમણે તેમના લાડલાને પોર્શે કાર આપી હતી.
ઘટનાસ્થળે આવેલી પોલીસે રિતેશની ધરપકડ કરી. તેને રવિવારે બપોર પછી હોલીડે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને તેની કસ્ટડી માંગી, પરંતુ કોર્ટે એવું કહીને તેને જામીન આપી દીધા કે તેણે યરવડાની ટ્રાફિક પોલીસ સાથે 15 દિવસ કામ કરવું પડશે અને ‘રોડ અકસ્માતની અસરો અને તેના ઉપાય’ એ વિષય પર 300 શબ્દોનો એક નિબંધ લખવો પડશે.
કલ્પના કરો કે એક અમીર બાપનો સગીર છોકરો પબમાં દારૂ પીવે છે, નશામાં તે બેફામ કાર ચલાવીને બે માણસોને કચડી મારે છે અને 15 કલાકમાં કોર્ટ તેને નિબંધ લખવાની સજા કરીને છોડી મૂકે છે!
માત્ર પૂણે જ નહીં, પૂરા દેશમાં હાહાકાર મચી ગયો. આમાં ઘણા બધા મુદ્દા ભેગા થઇ ગયા. એક તો વગર લાઈસન્સે કાર ચલાવી હતી, સગીર ઉંમરે દારૂ પીધો હતો, કોર્ટે ખાલી ઉંમર જોઇને 15 કલાકમાં જ તેને જમીન આપી દીધા, બે આશાસ્પદ યુવાન-યુવતીનાં ઘટના સ્થળે જ મોત થયું હતું તે કોર્ટને ન દેખાયું, પિતા અમીર હતા એટલે મોંઘા વકીલને રોક્યા હતા.
મહારાષ્ટ્રમાં લોકસભાના ચૂંટણી પ્રચાર વચ્ચે જ આ કરુણ અને આઘાતજનક ઘટના બની હતી. લોકોનો ગુસ્સો તો ફૂટી પડ્યો, રાજકારણીઓ પણ એમાં કુદ્યા. નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવિસે જાતે પૂણે પોલીસ સાથે મિટિંગ કરી.
કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો જારી કરીને એક અણિયાળો સવાલ પૂછ્યો : “અમીર લોકો માટે દેશમાં અલગ કાનૂન છે? જો કોઈ બસ ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર, ઓલા કે ઉબેર ડ્રાઈવરે કોઈને ભૂલથી કચડી નાખ્યા હોય તો, તેને 10 વર્ષ માટે જેલમાં પૂરી દેવામાં આવે છે, પણ એક અમીર પરિવારનો 16-17 વર્ષનો છોકરો દારૂના નશામાં તેની પોર્શે કાર નીચે બે લોકોને મારી નાખે તો તેને નિબંધ લખવાનું કહેવામાં આવે છે. કેમ ઉબેર કે ઓટો ડ્રાઈવરને એવું લખવાનું કહેવામાં આવતું નથી?”
પૂણેના આ નબીરાને છોડી મુકવા માટે સ્થાનિક કોર્ટ પાસે ગમે તે કાનૂની તર્ક હોય, દેશમાં આમ લોકોની અંદર એક માન્યતા લગાતાર બળવત્તર બની રહી છે કે અમીર લોકો માટે ન્યાય જેટલો સુલભ છે, ગરીબો માટે નથી. 2021ના આંકડા પ્રમાણે, ભારતમાં 4,34,302 કાચા કામના કેદીઓ છે, જે કાં તો જેલમાં છે અથવા રિમાન્ડ પર છે. તેમની સામે કેસ જલદી નથી ચાલતા કારણ કે તેમની પાસે લડવા માટેનાં સંસાધનો નથી. નામદાર જજ સાહેબો આનાથી વાકેફ છે અને ઘણા વખત બોલતા પણ હોય છે.
2011માં, દિલ્હી હાઈ કોર્ટના જજ, જસ્ટિસ એસ.એન. ધિંગરાએ કહ્યું હતું કે આપરાધિક ન્યાય વ્યવસ્થામાં બદલાવની જરૂર છે અને મોટી અદાલતો પૈસાવાળા અને તાકાતવાળા લોકોમાં વ્યસ્ત છે. 2013માં, એક કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એચ.એલ. દત્તુ અને એસ.જે. મુખોપાધ્યાયની બેન્ચે કહ્યું હતું કે ગરીબ લોકોને એવું લાગે છે કે ન્યાય વ્યવસ્થા જાણીતા લોકોની જ દરકાર કરે છે અને ગુમનામ લોકોની ઉપેક્ષા કરે છે. 2020માં, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યું હતું કે કાનૂન અને ન્યાય વ્યવસ્થા અમીર અને તાકાતવર લોકોને ફેવર કરે છે.
તમને અભિનેતા સલમાન ખાનનો કિસ્સો યાદ હશે. 2015માં, અભિનેતાને દારૂ પીને કાર ચલાવાના અને જીવ લેવાના કેસમાં સેશન્સ કોર્ટે કસુરવાર ઠેરવ્યો તેના ગણતરીના કલાકોમાં તેના મોંઘા વકીલો હાઈ કોર્ટમાંથી જામીન લઇ આવ્યા હતા. ત્યારે પણ આ ચર્ચા ઊઠી હતી કે અમીર અને સેલિબ્રિટી લોકો માટે ન્યાય કેટલો ઝડપી અને આસાન છે. તેની સામે ગરીબ લોકોને વર્ષો સુધી જેલોમાં સબડવું પડે છે.
2021માં, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચુડે હત્યા કેસના આરોપી એક ધારાસભ્યની અરજી પર સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, “ભારતમાં બે સમાંતર કાનૂની વ્યવસ્થા ના હોઈ શકે, એક અમીર અને સાધન સંપન્ન તેમ જ રાજનૈતિક તાકાત અને પ્રભાવ રાખનારાઓ માટે અને બીજી ન્યાય મેળવવા કે અન્યાય સામે લડતા ક્ષમતાઓ વગરના નાના લોકો માટે.”
ન્યાયનો સિદ્ધાંત કહે છે કે તે દરેક વ્યક્તિઓ સાથે, તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિની પરવા કર્યા વિના, નિષ્પક્ષ અને સમાન રીતે વ્યવહાર કરે છે. વ્યવહારમાં, ન્યાય મેળવાનું અઘરું છે કારણ કે વ્યવસ્થાગત પૂર્વગ્રહો અને અસમાનતાઓ કાનૂની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. તેમાં બદલાવ ત્યારે જ આવે જયારે કાનૂની કાર્યવાહીમાં પારદર્શિતા આવે અને સુધાર આવે.
સુપ્રીમ કોર્ટે એવી રેકોર્ડ પર કહ્યું છે કે તેનો 5 ટકા સમય જ સાધારણ નાગરિકો માટે વ્યય થાય છે. જેને પણ ભારતની અદાલતોનો અનુભવ છે તે કહેશે કે કેસ દાખલ કરવાથી લઈએ ધરપકડથી બચવા માટે અરજી કરવા અથવા ઝડપથી સુનાવણી કરવાથી લઈને અનુકૂળ ફેંસલો મેળવવાની સંભવાના, વડી અદાલતો અપીલ સ્વીકાર કરે અને ત્યાં રાહત મેળવવાની સંભાવના સુધીની કાનૂની ઝંઝટ અરજીકર્તા કેટલો સક્ષમ છે તેનાથી પ્રભાવિત થાય છે.
ભારતમાં આપણે બ્રિટિશ ન્યાય પ્રણાલી અપનાવી છે, જેમાં પક્ષોનું પ્રતિનિધિત્વ એડવોકેટ દ્વારા થાય છે. આ એડવોકેટો પાસે તેમના અરજદારોના પક્ષમાં મામલાને પ્રભાવિત કરવાની અલગ અલગ ક્ષમતાઓ હોય છે. અદાલતો અરજદારો પ્રત્યે કેવું વલણ અખત્યાર કરે છે તેનું પ્રમુખ શ્રેય એડવોકેટની પ્રતિષ્ઠા પર નિર્ભર કરે છે. એડવોકેટ જેટલો રુઆબદાર હોય, કોર્ટ એટલી અનુકૂળ હોય.
એટલા માટે અમીર અને તાકાતવર લોકો તેમના કેસ માટે શહેરના સૌથી વરિષ્ઠ એડવોકેટ(જેમની ફી લાખો રૂપિયામાં હોય છે)ને રોકે છે. એવા એડવોકેટ કાનૂનના અચ્છા જાણકાર જ નથી હોતા, કોર્ટમાં તેમની ઉપસ્થિતિ પણ વજનદાર હોય છે અને તેમને વિશેષ રીતે સાંભળવામાં આવે છે.
આ સ્થિતિનું એક સંભવિત સમાધાન મફત કાનૂની સહાય છે. ભારતીય ન્યાય વ્યવસ્થામાં મફત કાનૂની સહાયની જોગવાઈ છે. એ એક આશ્ચર્ય છે કે નાગરિક સમાજમાં આ જોગવાઈને લઈને બહુ જાગૃતિ નથી. કાનૂન વ્યવસ્થામાં સુધાર કરવાની જરૂરિયાત પર વાત થાય છે ત્યારે, આ મફત કાનૂની સહાયતાની જોગવાઈ પર નવેસરથી વિચાર કરવાની અને તેને વધુને વધુ સુલભ અને લોકપ્રિય કરવાની જરૂર છે. ગરીબ અને વંચિત લોકો માટે એ જ એક આશાનું કિરણ છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 26 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર