
રાજ ગોસ્વામી
સડક પરની બોલચાલની ભાષામાં કહેવું હોય, તો એવું કહેવાય કે ભારતની જનતાએ ભા.જ.પ.ની હવા કાઢી નાખી છે. રાજનીતિની ડાહી ભાષામાં કહેવું હોય, તો એવું કહેવાય કે મતદારોએ ભા.જ.પ. સામે આક્રોશ નથી કાઢ્યો, પણ અંકુશ મુક્યો છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભા.જ.પ. સરકારે, મોંઘવારી, ગરીબી, આર્થિક અસમાનતા, બેરોજગારી જેવા મુદ્દાઓને નજરઅંદાજ કર્યા અને લોકતાંત્રિક અને બંધારણીય વ્યવસ્થાઓને કમજોર કરવા પ્રયાસ કર્યો હતો, તેનાથી ત્રસ્ત જનતાએ સરકારના ગળે ઇન્ડિયા ગઠબંધનની એક ધૂંસરી મૂકી છે.
2024ની ચૂંટણીમાંથી જો કોઈ બોધપાઠ લેવા જેવો હોય તો તે એ છે કે લોકશાહીમાં જનતા કેન્દ્રમાં હોવી જોઈએ. આ ચૂંટણીમાં જનતાએ તેનો એ અધિકાર બતાવ્યો છે.
ભા.જ.પ. એકલાની 240 બેઠકો આવી છે. 2019માં મળેલી 303 બેઠકોની તાકાતમાં 63 બેઠકોનું ગાબડું છે. તેના બે સહયોગીઓ, બિહારમાં જે.ડી.યુ. અને આંધ્ર પ્રદેશમાં ટી.ડી.પી.ને અનુક્રમે 12 અને 16 બેઠકો મળી છે, અને લોકસભામાં તેમનો દબદબો વધ્યો છે. એન.ડી.એ. 272 બેઠકો સાથે સૌથી મોટું ગઠબંધન સાબિત થયું છે. જનતાનો મત સાફ છે : તેણે ભા.જ.પ.ને તોડફોડની રાજનીતિ છોડીને, સૌને સાથે રાખીને જનતાના મુદ્દાઓ પર ધ્યાન આપવા કહ્યું છે.
જનતાના ફેંસલામાં એક બીજો પણ સંદેશ છે: કોમી ધ્રુવીકરણ સામે સુખેથી જીવન જીવવા માટેના મુદ્દાઓ વધુ અગત્યના છે. એ વાત સાચી કે હિંદુઓ રામભકત છે, પણ એ વાત ખોટી કે હિંદુઓ મુસ્લિમ વિરોધી છે. એટલા માટે, સાત તબક્કાના ચૂંટણી પ્રચારમાં ક્રમશ: ધ્રુવીકરણ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે.
ચૂંટણી પ્રચારમાં, ભા.જ.પ. દ્વારા વિપક્ષને હિંદુ વિરોધી ચીતરવાનો ભરપૂર પ્રયાસ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને એવું કહીને ડરાવા કોશિશ કરી હતી કે કાઁગ્રેસ તમારી ભેંસ લઇ જશે અને તમારી સંપત્તો મુસ્લિમોને આપી દેશે. ભા.જ.પ.ને બહુમતી ન મળી તે સંકેત છે કે ભારતમાં નફરતના રાજકારણનું વર્ચસ્વ મુશ્કેલમાં છે.
આવી વિભાજનકારી રાજનીતિથી નારાજ લોકોએ ભા.જ.પ.ને વધુ સકારાત્મક રીતે કામ કરવાનો બીજા પાંચ વર્ષનો અવસર આપ્યો છે (અને તેના પર નજર રાખવાનું કામ નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુને સોંપ્યું છે!). મતદારોએ ઇન્ડિયા ગઠબંધનને બહુમતી નથી આપી, પરંતુ સંસદમાં સડક પર લડવાની તાકાત આપી છે. આશા રાખીએ કે સંસદ હવે પાછી લોકતાંત્રિક ઢબે ચાલે.
ભા.જ.પ.ની સત્તામાં ત્રીજી વાર વાપસી થઇ છે, પરંતુ દેશના ભવિષ્યને દિશા આપવાની મોદીની તાકાત થોડી કમજોર થઇ છે. ભા.જ.પ.ને એકલા હાથે બહુમતી મળી હોત તો વાત જુદી હતી, પણ ભારતીય રાજકારણમાં અસ્થિરતાનો દૌર પાછો આવ્યો છે.
ભા.જ.પ. નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ જેવા સહયોગીઓની મદદથી સરકાર બનાવી શકશે, પરંતુ આ બંને અગાઉ વિશ્વાસઘાત કરી ચુક્યા છે. ચંદ્રાબાબુ તો 2018માં આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે મોદી સરકાર સામે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી ચુક્યા છે. નીતીશ બાબુ તો ઓળખાય છે જ ‘પલટુ રામ’ તરીકે. બંને જણા તેમના રાજ્યો માટે જબરદસ્ત બાર્ગેઇન કરવાના છે, અને મોદીએ તેમાં હા પણ પાડવી પડશે, નહીં તો તેઓ ક્યારે ભા.જ.પ.ને છોડી દે અને ફરી ચૂંટણી આવી પડે તો નવાઈ નહીં.
ભારતના રાજકારણમાં ભાગ્યે જ એવો પ્રસંગ આવે છે જ્યારે વિજેતા પક્ષ કરતાં પરાજિત પક્ષ વધુ ખુશ હોય. મોદીના ભા.જ.પ.નો ‘400નો પાર’નો નારો વાજપેયી વાળા ભા.જ.પ.ના ‘ઇન્ડિયા શાઈનિંગ’ જેવો સાબિત થયો છે. મતદારોએ સીધો સંદેશો આપ્યો છે કે તેમને કોમવાદી હિન્દુત્વ મંજૂર નથી. તેમને તેમના રોજ બ રોજના પ્રશ્નોની વાત કરે તેવી સરકારની જરૂર છે.
આ સંદેશનું જ્વલંત ઉદાહરણ ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ બેઠક છે, જ્યાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાંધવામાં આવ્યું છે. આ બેઠક પર, સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ, ભા.જ.પ.ના લલ્લુ સિંહને 56,000 મતોથી હરાવીને વિજયી નીવડ્યા છે. જે રામ મંદિરના નામે ભા.જ.પ. ‘400 પાર’ જવા માંગતી હતી, તે અયોધ્યાની બેઠક પણ હાથમાં જતી રહી તે પ્રતિકાત્મક રીતે બહુ મહત્ત્વની હતી. આ એ જ રામ મંદિર છે જ્યાં ચૂંટણી પહેલાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને જ્યાં સેલિબ્રિટી મુલાકાતીઓઓની લાઈન લગાડવામાં આવી હતી.
2024ની લોકસભા ચૂંટણીનાં પરિણામોને, જનતાની નજરે, મોટા-મોટા સ્તરે બે રીતે જોઈ શકાય છે: એક, સત્તાધારી ભા.જ.પ. અને એન.ડી.એ. બાજુએ શું થયું, અને બે, કાઁગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન બાજુએ શું થયું. એન.ડી.એ. તરફથી જોઈએ તો, જનતાએ ભા.જ.પ.ને પોતાના દમ પર સરકાર રચતી અટકાવી દીધી છે.
‘400 પાર’ના હવાઈ અતિ આત્મવિશ્વાસ સાથે ચૂંટણીમાં ઉતરેલી ભા.જ.પ.ને જનતાએ જમીન પર લાવીને મૂકી દીધી છે. સંદેશો સાફ છે; જનતાને સ્પર્શતા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવામાં આવશે, તો 2029 હાથમાંથી જશે. જનતામાં કેન્દ્ર સરકાર સામે અસંતોષ હતો, પણ રોષ નહોતો. રોષ હોત, તો ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી હોત, પરંતુ મતદારોએ ભા.જ.પ.ની બેઠકો ઓછી કરીને ચાવી ટાઈટ કરી છે કે તે હવે પછીનાં પાંચ વર્ષ માટે બહુ હવામાં ન રહે.
ઇન્ડિયા ગઠબંધન તરફથી જોઈએ તો, લોકોએ એક મજબૂત વિરોધ પક્ષની ચૂંટણી કરી છે. ભા.જ.પે., કાઁગ્રેસ મુક્ત ભારતના નામે વિપક્ષ મુક્ત ભારત રચવા માટે જે પણ કંઈ રમતો અને જોર-જબરદસ્તી કરી હતી, મતદારોએ ગઠબંધનનો પક્ષ લઈને એક સ્વસ્થ અને તંદુરસ્ત લોકશાહીને જીવતી રાખવાનું કામ કર્યું છે.
ટૂંકમાં, આ ચૂંટણીનો સાર એટલો જ છે કે દેશના શાણા મતદારોએ એક સરકાર ચૂંટી છે અને તેની પર અંકુશ રહે તે માટે વિરોધ પક્ષ ચુંટ્યો છે. જે.ડી.યુ. અને ટી.ડી.પીને. કાઢી નાખો તો ભા.જ.પ.ને સાદી બહુમતી પણ નથી મળી. મોટા મોટા નેતાઓ, સંસદ સભ્યો અને ધારાસભ્યો ભા.જ.પ.માં જતા રહ્યા (અથવા ખેંચી જવામાં આવ્યા) છતાં કાઁગ્રેસે જનતાઓના મુદ્દા આધારિત રાજનીતિના દમ પર વાપસી કરી છે. કાઁગ્રેસે 99 બેઠકો સાથે 2019ના તેના દેખાવમાં સુધારો કર્યો છે. તેમાં પણ જનતાનો એક સંદેશ છે : વિપક્ષ તરીકે તમે જનતાના પ્રશ્નોને વાચા આપો અને ખીચડી સરકાર રચવાની હજુ આઘા રહો.
કાઁગ્રેસે તેના અનેક આંતરિક વિરોધાભાસો વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના સાંધા સીવવાનું સફળ કામ કર્યું હતું અને તેના નેતા રાહુલ ગાંધીએ પણ જનતાના પ્રશ્નો પર ટકી રહીને મોદી સામે એક પડકાર ઊભો કરવાનું કામ કર્યું હતું. આ વખતે કાઁગ્રેસનું સંગઠન, તેની રણનીતિ અને તેનું પ્રચારતંત્ર રંગ લાવ્યું છે, જેની સામે ભા.જ.પ. ત્રણે મોરચે કમજોર પુરવાર થઇ હતી.
ભા.જ.પ.ની 2024ની જીત, તેની 2014 અને 2019ની જીત કરતાં જુદી અને નબળી છે. 2024માં, સમગ્ર ચૂંટણી પ્રચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસ રચવામાં આવ્યો હતો. ‘400 પાર’નો નારો પણ એ જ આશામાં રચવામાં આવ્યો હતો કે ભારતની જનતાને મોદીમાં અતૂટ વિશ્વાસ છે અને તે પ્રત્યેક ચૂંટણીમાં તેમને વધુને વધુ મોટો બહુમત આપવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે, ‘મહાભારત’ના યુધિષ્ઠિરની જેમ, તેમનો રથ બે વેંત નીચો આવી ગયો છે.
નરેન્દ્ર મોદીએ તેમની દરેક રેલીઓમાં (તેમણે 200 સભા કરી હતી) મતદારો પાસે તેમના નામે મત આપવાની અપીલ કરી હતી. ઉમેદવારનું નામ ગમે તે હોય, મોદીએ ખુદને જ ઉમેદવાર તરીકે રજૂ કર્યા હતા. 63 બેઠકો પર મતદારોએ તેમની અપીલને ઠુકરાવી દીધી છે.
પહેલા તબક્કાના ચૂંટણી પ્રચારથી જ ભા.જ.પ. કોઈ નિર્ણાયક રાજકીય નેરેટિવ પ્રસ્તુત કરવામાં સફળ રહી હતી. તેણે શરૂઆત રામ મંદિર અને ‘400 પાર’થી કરી હતી, પરંતુ પહેલાં અને બીજા તબક્કાના મતદાનમાં લોકોએ ઉત્સાહ ન બતાવતાં પાર્ટીને ખ્યાલ આવી ગયો હતો તેની આશા પ્રમાણે ‘મોદી લહેર’ દેખાતી.
પરિણામે, મોદીએ ‘કાઁગ્રેસ ભેંસ લઇ જશે,’ ‘મંગળસૂત્ર ખેંચી જશે,’ ‘સંપત્તિ છીનવી લેશે’ અને ‘વોટ જેહાદ’ જેવા ધ્રુવીકરણ કરતાં મુદ્દાઓ પર વધુને બધું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું (જે બનાસકાંઠાની રેલીમાં તેમણે ‘કાઁગ્રેસ સત્તામાં આવી તો તમારી ભેંસ લઇ જશે’ એવું વિધાન કર્યું હતું, ત્યાં કાઁગ્રેસનાં ગેનીબહેન ઠાકોરે નિર્ણાયક જીત હાંસલ કરી છે. તે સાથે જ, બહુ વર્ષો પછી, કાઁગ્રેસે ગુજરાતમાં ખાતું ખોલાવ્યું છે).
આ મુદ્દાઓ કોઈ નિર્ણાયક રાજકીય નેરેટીવ બનાવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાં સુધી કે મોદીના કટ્ટર સમર્થકો પણ તેમનાં અમુક વિધાનોથી અચંબિત રહી ગયા હતા અને કહેતાં હતા કે ચૂંટણી સભામાં મતોને આકર્ષવા માટે આવાં ગીમિક કરવાથી મતદારો પર અવળી અસર પડશે. વિપક્ષોએ, ખાસ કરીને કાઁગ્રેસે, તેના પ્રચારમાં ગરીબ, પછાત અને ગ્રામ્યવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમને સ્પર્શતા મુદ્દાઓ પર બોલવાનું ચાલુ રાખ્યું હતું એટલે મોદીએ તેનો પ્રતિકાર કરવા માટે તેમનાં ભાષણોમાં હિંદુ જાતિની મોટી છત્રી ખોલી હતી, એવી આશાએ કે આ બધા વર્ગો તેની નીચે શરણ લેવા આવી જશે. એવું થયું નથી. મતદારોએ આ વખતે, 14 અને 19ની જેમ, હિન્દુત્વને ખોબલે ખોબલે મત આપ્યા નથી, કારણ કે રોજીંદા જીવનના પ્રશ્નો આ વખતે હાવી હતા અને વિપક્ષો તેના પર જ ટકી રહ્યા હતા.
જો તમને યાદ હોય તો, શરૂઆતના બે તબક્કાના ચૂંટણી પ્રચાર પછી, ભા.જ.પે. કાઁગ્રેસના ઘોષણાપત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમના ચૂંટણી પ્રચારનું સ્વરૂપ બદલ્યું હતું. ભેંસ અને મંગલસૂત્ર, કાઁગ્રેસના વેલ્થ ડિસ્ટ્રબ્યૂશન નામના આર્થિક વિચારના ધજાગરા ઉડાડવા માટેની દેશી ભાષા હતી. મોદીને એમ હતું કે તેમનો સમર્થક વર્ગ “એલિટ” ભાષા સમજતો નથી, એટલે તેમને તેમના જીવનના પ્રતિકોથી કાઁગ્રેસનો સંપત્તિ વિતરણનો વિચાર કેટલો ખતરનાક છે તે સમજાવવું પડશે, પરંતુ અંતે તો કાઁગ્રેસનું ઘોષણાપત્ર ભા.જ.પ. માટે એક બૌદ્ધિક પડકાર સાબિત થયું હતું.
લાસ્ટ લાઈન:
“લોકશાહીમાં, ધનવાનો કરતાં ગરીબ લોકોની શક્તિ વધુ હોય છે, કારણ કે તેમની સંખ્યા વધુ હોય છે, અને બહુમતીની ઈચ્છા જ સર્વોચ્ચ હોય છે.”
— એરીસ્ટૉટલ
——————————————–
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 09 જૂન 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર