સ્વામી વિવેકાનંદ વિશે ઘણી બધી વાતો પ્રચલિત છે, પરંતુ એક વાત ખાસી વિસ્મયકારી છે; એવું કહેવાય છે કે તેઓ એક કલાકમાં 700 પાનાનું પુસ્તક વાંચી નાખતા હતા. એટલું જ નહીં, તેઓ એમાંથી શબ્દશ: આખો ફકરો બોલી જતા હતા. વિકિપીડિયા પર “ઈડેટિક મેમરી” નામનું એક પેઈજ છે. ઈડેટિક મેમરી એટલે અલ્પકાલીન સ્મૃતિનું એક આવું અસ્થાયી રૂપ, જેમાં તમે કોઈ ચીજ પર નજર નાખો, તો તે ઈડેટિક મેમરીમાં તબ્દીલ થઇ જાય અને તે ચીજ હાજર ન હોય તો પણ હૂબહૂ યાદ રહે. તેને ફોટોગ્રાફિક મેમરી પણ કહે છે; ફોટો પડ્યો હોય તે રીતે ચીજ યાદ રહી જાય.
વિકિપીડિયાના તે પેઈજમાં આ પ્રકારની સ્મૃતિવાળા 23 લોકોની એક યાદી છે. તેમાં સ્વામી વિવેકાનંદનું પણ નામ છે. તેમના નામ સામે લખવામાં આવ્યું છે; “તેઓ એક જ વાર પુસ્તક વાંચીને તેને યાદ રાખતા હતા.” એ યાદીમાં 15મી સદીના કૃષ્ણ-ભક્ત ચૈતન્ય મહાપ્રભુ, ઇન્ડોનેશિયાના પહેલા પ્રેસિડેન્ટ સુકર્ણો અને ઇટાલિયન જીનિયસ લિયોનાર્ડો દા વિન્સીનાં નામ પણ છે. પેઈજમાં જો કે એક સૂચના પણ મુકવામાં આવી છે; ઘણા લોકોએ ઈડેટિક મેમરીનો દાવો કર્યો છે, પરંતુ વિજ્ઞાનને તેનું વિશ્વસનીય પ્રમાણ મળ્યું નથી. વયસ્ક લોકોમાં તો તે સંપૂર્ણપણે ગેરહાજર હોય છે. સ્મૃતિનું વિજ્ઞાન ગજબનું છે, પણ પહેલાં વિવેકાનંદની વાત.
તેમના અમુક કિસ્સાઓ મશહૂર છે (તેની સત્યતાની ખબર નથી). એક કિસ્સો વિવેકાનંદ જ્યારે નરેન્દ્રનાથ હતા ત્યારનો છે. 1890માં નરેન્દ્રનાથ મેરઠ ગયા હતા. ત્યાં રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી અભેદાનંદ રહેતા હતા, અને તેમની મદદથી નરેન્દ્ર સ્થાનિક પુસ્તકાલયમાંથી રોજ એક ચોપડી લાવતા અને રાત સુધીમાં પૂરી કરી દેતાં. ત્યાંનો લાઈબ્રેરિયન માનવા જ તૈયાર નહોતો કે નરેન્દ્ર એક દિવસમાં ચોપડી વાંચે છે. લાઈબ્રેરિયને પરીક્ષા લેવા ચોપડીઓ સંબંધી અનેક પ્રશ્નો પૂછ્યા હતા, અને નરેન્દ્રએ શાંતિથી દરેકના જવાબ આપ્યા હતા.
એ પછી રાજસ્થાનના ખેત્રી સ્ટેટના રાજા અજીત સિંહને પણ તેમના ઝડપી વાંચનનો અનુભવ થયો હતો. રાજાએ તેનું રહસ્ય પણ પૂછ્યું હતું, અને નરેન્દ્રનાથે કહ્યું હતું કે એક બાળક જ્યારે કક્કો-બારાખડી વાંચતું હોય, ત્યારે તેનું સમ્પૂર્ણ ફોકસ એક શબ્દ પર હોય. એ મોટું થાય એટલે અભ્યાસથી ઉત્તરોત્તર એક સાથે બે-ત્રણ શબ્દો પર ફોકસ કરી શકે. એ રીતે જો કોઈ તેની એકાગ્રતાની ક્ષમતા વધારતું જાય, તો તે એક નજરમાં આખું પાનું વાંચી શકે.
“રેમિનિસન્સ ઓફ સ્વામી વિવેકાનંદ” (સ્વામી વિવેકાનંદનાં સંભારણાં) નામના પુસ્તકમાં, હરિપદા મિત્રા (જે 1892માં બેલગામમાં સ્વામીના યજમાન હતા), એક પ્રસંગ ટાંકે છે. એક દિવસ, વિવેકાનંદે મશહૂર ઇંગ્લિશ લેખક ચાર્લ્સ ડિકન્સની પહેલી નવલકથા “પિકવિક પેપર્સમાં ત્રણ-ચાર પાનાં શબ્દશ: ટાંક્યાં. મિત્રા લખે છે, “મને આશ્ચર્ય થયું કે એક સંન્યાસીને કેવી રીતે એક સેક્યુલર પુસ્તકમાંથી આટલું બધું દિલથી યાદ હોય! મને થયું કે તેમણે આ પુસ્તક બહુ વખત વાંચ્યું હોવું જોઈએ. તેમણે કહ્યું કે તેમણે બે વાર વાંચ્યું છે – એક વાર તે સ્કૂલમાં હતા ત્યારે, અને બીજી વાર પાંચ-છ મહિના પહેલાં. મેં પૂછ્યું કે તમને યાદ કેવી રીતે રહે છે, અને તેમણે કહ્યું કે, ‘સમગ્ર એકાગ્રતાથી વાંચવું પડે. જે પણ કરતા હો, તેમાં સંપૂર્ણ ધ્યાન અને ઉર્જા આપવી જોઈએ. ગાઝીપુરના પહાડી બાબા પાણી ભરવાનું વાસણ એવી રીતે સાફ કરતાં જાણે ધ્યાન, જપ કે પ્રાર્થના કરતા હોય, અને વાસણ સોનાની જેમ ઝગારા મારતું.’”
તેમના અવસાન (4 જુલાઈ 1902) પહેલાં વિવેકાનંદ બીમાર પડ્યા હતા, ત્યારે તેમના શિષ્ય સરતચંદ્ર ચક્રવર્તીએ તેમની પથારી પાસે નવા પ્રકાશિત થયેલા એન્સાઈક્લોપીડિયા ઓફ બ્રિટાનિકાના 25 ભાગ જોયા હતા. તેણે ટીપ્પણી કરી કે એક જિંદગીમાં આટલું બધું વાંચી ન શકાય. એ જાણીને છક થઇ ગયો કે વિવેકાનંદ દસ ભાગ પૂરા કરી ચુક્યા હતા અને અગિયારમો વાંચી રહ્યા હતા. એટલું જ નહીં, વિવેકાનંદે શિષ્યને પડકાર પણ ફેંક્યો હતો કે દસ ભાગમાંથી તારે જે પૂછવું હોય તે પૂછ.”
સ્મૃતિનું વિજ્ઞાન આ બાબતે શું કહે છે?
મનુષ્યના દિમાગમાં 2.5 પેટાબાઈટ્સની મેમરી સંઘરવાની ક્ષમતા છે. એક પેટાબાઈટ એટલે 1024 ટેરાબાઈટ્સ અથવા 10 લાખ ગીગાબાઈટ્સ. ચંદ્ર પર પહેલું એપોલો યાન ઉતર્યું હતું, તેમાં ખાલી 64 કિલોબાઈટ્સ (64 KB) મેમરી સ્ટોરેજની ક્ષમતાવાળી ઓપરેટિંગ સિસ્ટમ હતી. દિમાગ પ્રતિ સેકન્ડે 6,418 નર્વ ઇમ્પલ્સ (તાંત્રિક આવેગ) ચલાવે છે. દિમાગ કોઈપણ ક્ષણે 1.1 કરોડ ઈન્ફોર્મેશન અંદર સમાવી શકે છે. સાદા ઉદાહરણ મુજબ, આપણું દિમાગ વિશ્વનું સમગ્ર ઇન્ટરનેટ સમાવી શકે તેમ છે! એક સર્વસ્વીકૃત અનુમાન પ્રમાણે, આમાંથી આપણને માત્ર 40 ટકા ઈન્ફોર્મેશનનો જ સચેત રૂપે પરિચય હોય છે.
એક વાત સાચી કે સ્મૃતિની ક્ષમતાનો સંબંધ પ્રેકટીસ સાથે છે. જેમ વ્યાયામ કરવાથી સ્નાયુઓની ચુસ્તતા વધે અને લોહીનું પરિભ્રમણ વધુ સારું થાય, તેવી રીતે નિયમિત વાંચતા રહેવાથી મગજની ક્ષમતાનો વિકાસ થતો રહે છે. વાંચવાથી માત્ર આનંદ આવે કે નવી જાણકારી મળે છે એટલું જ નહીં, મગજની પૂરી પ્રક્રિયા બદલાઈ જાય છે.
1. વાંચવાથી (ભાષા સાથે સંલગ્ન) મગજના ડાબા ટેમ્પોરલ કોર્ટેક્ષમાં નર્વ કનેકશન્સ ઔર ચૂસ્ત થાય છે.
2. વાંચવાથી પરાનુભૂતિ (એમ્પથી) વધે. વાચક પુસ્તકનાં પાત્રો, વિચારો, લાગણીઓ, ઘટનાઓને ‘જીવે,’ તેને પોતાનો અનુભવ બનાવે, અને બીજાની દૃષ્ટિએ વિચારતો, મહેસૂસ કરતો થાય.
3. મગજમાં નર્વ ફાઈબરનાં વ્હાઈટ મેટર હોય છે. કોમ્યુનિકેશનમાં તેની ભૂમિકા હોય છે. વાંચવાથી આવા વધુ વ્હાઈટ પેદા થાય છે.
4. વાંચવાથી વર્કિંગ મેમરીની ક્ષમતા વધે. વર્કિંગ મેમરી એટલે એક સાથે બે ચીજો યાદ રાખવી તે. જેમ કે કોઈ વ્યક્તિ આપણને સરનામું સમજાવતી હોય, ત્યારે સાંભળવાની અને સરનામું યાદ રાખવાની ક્રિયા.
5. તેનાથી એકાગ્રતા વધે. એક્ચ્યુઅલી, આપણે જેને ઉત્તમ યાદદાસ્ત કહીએ છીએ, તે એકાગ્રતાનું પરિણામ છે. વાંચવાથી મગજનો એટેન્શન સ્પાન વધે છે અને તે ગહેરાઇથી વિચારે છે, જે યાદદાસ્તને તેજ કરે છે.
આપણે એક એવા કોમ્પ્યુટર જેવા છીએ, જે બાળપણમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સોફ્ટવેર પર ચાલે છે. મોટા થયા પછી એ કોમ્પ્યુટરની સ્પીડ ઓછી થઈ જાય, એપ્લિકેશન્સનો ભેગી થઈ જાય, વાઈ-ફાઈ હોટસ્પોટમાં લોચા ઊભા થાય, મેમરી અને કેશ સ્ટોર થઈ જાય અને ઓપરેટિંગ સિસ્ટમમાં વારંવાર એરર આવે. આવું થાય, ત્યારે સોફ્ટવેરને અપડેટ કરતા રહેવું પડે. આને ફિલોસોફી કહે છે. આમ છતાં અમુક પ્રોબ્લેમ પાછા આવી જ જાય, એટલે તમારું ફેક્ટરી રિસેટિંગ કરવું પડે. આને આધ્યાત્મિકતા કહે છે. સ્વામી વિવેકાનંદનું આવું રિસેટિંગ થયું હોય તે સંભવ છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 27 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર