ગુજરાતીમાં ભાવ વાચક સંજ્ઞા તરીકે સૌથી વધુ વપરાતા શબ્દોની જો યાદી બનાવામાં આવે, તો તેમાં દોસ્ત, યાર, ભાઈબંધ, મિત્ર સૌથી મોખરે આવે. એથી આગળ જાવ તો, ઓછા બોલચાલવાળા શબ્દો, સાથી, સખા, સહચર, ભેરુ, ભિલ્લુ, લંગોટિયો અને ગોઠિયો આવે. એમ તો ભાઈ પણ મિત્રના અર્થમાં વપરાય છે. એક સાવ જ નહીં વપરાતો શબ્દ ‘સુહૃદ’ વાંચ્યો હતો, અર્થ થાય છે; હૃદયનો સાચો.
જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે, તે છે “યાર,” જે ગુજરાતી નથી, પણ ફારસી છે. યાર શબ્દ અસલ અર્થમાં સંજ્ઞા વાચક છે. તેમાં એક પ્રકારની અનૌપચારિકતાનો ભાવ છે, જેમ કે – યાર, શું ચાલે છે? યાર, ક્યારે મળે છે? યાર, મજા નથી આવતી. યાર, ચલને ફરવા જઈએ. આપણે જ્યારે આપણી સહજ રીતે, અસાવધ બનીને કોઈ ઊંડી લાગણી વ્યક્ત કરવા માંગતા હોઈએ, ત્યારે આપણે તેમાં “યાર” જોડી દઈએ છીએ.
આવું માત્ર નિકટની સાથે જ થાય તે જરૂરી નથી. કોઈ અજાણી અથવા વિરોધી વ્યક્તિને કોઈ લાગણી પહોંચાડવી હોય તો પણ “યાર” વપરાય છે, જેમ કે – યાર, બે અડબોથ મારી દઈશ. યાર, તારાથી થાય તે કરી લે. યાર શબ્દ દોસ્તી અને દુશ્મની બંનેમાં નિકટતા ઊભી કરે છે. “શોલે” ફિલ્મમાં ગબ્બર સિંહ વીરુ-બસંતી વચ્ચેના પ્રેમને જોઇને કહે છે, “બહુત યારાના લગતા હૈ.” એમાં નિર્દયતા છે. દાખલા તરીકે, સલીમ-જાવેદે “બહુત ઈશ્ક લગતા હૈ” અથવા “બહુત પ્યાર લગતા હૈ” એવું લખ્યું હોત તો?
મિત્ર સંબંધી મોટાભાગના શબ્દો પુલ્લિંગ છે, કારણ કે જૂના જમાનામાં મિત્રતાનો સંબંધ માત્ર પુરુષો વચ્ચે જ કેળવાતો હતો, પરંતુ યાર શબ્દ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને છે. આજની સ્ત્રીઓ તેમની વાતચીતમાં છૂટથી એકબીજા માટે “યાર” બોલે છે. આજે દીકરી પિતાને એવું કહેતી સંભળાય, “અરે યાર, પાપા, જવા દો ને.” “ઝંઝીર” ફિલ્મની કવ્વાલી “યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી” સ્ત્રીઓ પર ફિલ્માવાય તો કેવું લાગે?
વાસ્તવમાં યાર અનાદરસૂચક શબ્દ હતો, પરંતુ આધુનિક સમયમાં તે સન્માનજનક બની ગયો છે. એમાં પ્રેમનો ભાવ જરૂર છે, પરંતુ એ પ્રેમ એવા પુરુષનો છે જે કોઈ સ્ત્રી સાથે અનુચિત સંબંધ રાખે છે. સ્ત્રીનો ઉપપતિ એટલે કે આશિક હોય તેને યાર કહે છે (આશિક એટલે અનુરાગી, વ્યસની, આવારા વ્યક્તિ. માશૂક એટલે પ્રેમપાત્ર, પ્રિયતમ, મહબૂબ, દિલરુબા). જૂની હિન્દી ફિલ્મો અથવા વાર્તાઓમાં સ્ત્રી માટે સંવાદ આવતો, “વો તેરા યાર હૈ કયા?” બહુ સ્ત્રીગમન કરનાર (વુમનાઇઝર) પુરુષ માટે ‘યારબાજ’ શબ્દ વપરાતો હતો. “ઈશ્કિયા” ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અરશદ વારસીને કહે છે, “યારબાજ અમ્મી કા …. બાજ બેટા.”
અમુક ભાષા વિજ્ઞાનીઓ ફારસી “યાર” અને સંસ્કૃત “જાર:”ને એક ગણે છે. જેમ કે હિન્દીના નિષ્ણાત અજીત વડનેરકર ઉર્દૂ-ઇંગ્લિશ શબ્દકોશના રચયિતા જોહ્ન પ્લેટ્સનો હવાલો આપીને કહે છે કે યાર શબ્દની વ્યુત્પતિ જાર: છે. સંસ્કૃત જાર:માં પ્રેમી, આશિકનો ભાવ છે. એવા પ્રેમીથી પેદા થયેલા સંતાનને જારજ: કહેવાતું હતું. હિન્દીમાં આજે પણ અવૈધ સંતાન માટે જારજ શબ્દ વપરાય છે.
તેમના અનુસાર, સંસ્કૃતમાં જાર: શબ્દ સ્ત્રીના પ્રેમી સુધી જ સીમિત છે, પરંતુ આ શબ્દ જ્યારે ફારસીમાં ગયો ત્યારે સ્ત્રીઓએ તેમાં સામેલ પ્રેમીભાવથી આઝાદી મેળવી અને એ શબ્દ વિશુદ્ધ રીતે સાથી, મિત્ર કે દોસ્તના અર્થમાં સ્થાપિત થયો. તેમ છતાં, મહિલાઓને ધિક્કારવા માટે યારનું ચલણ ચાલુ જ રહ્યું હતું. જેમ કે ઈરાનમાં કોઈ સ્ત્રીના મિત્રનો અનાદર કરવા માટે યાર શબ્દ વપરાતો હતો. પંજાબીમાં “ચોરી યારી” શબ્દ છે, જેનો અર્થ થાય છે, ચોરી-છુપીનો સંબંધ. પંજાબીમાં જ મા-બહેન માટે એક ગાળ બોલચાલમાં છે, “મા/બે’ન/દા યાર.”
અરવિંદ વ્યાસ નામના બીજા એક ભાષાવિજ્ઞાનીના મતે યાર શબ્દ ફારસી યાવર પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સહાયક, સાથી, મિત્ર વગેરે. અગાઉ તેનો અર્થ સેનાપતિ અથવા નગર-રક્ષા અધિકારી થતો હતો. ફારસીમાં સહાયતા કરવાવાળી વ્યક્તિ માટે અદ્યાવર શબ્દ છે. તેમના મતે યાવર શબ્દનો સંસ્કૃતની યુ ધાતુ સાથે સંબંધ છે.
યુ યુ મિશ્રણેડમિશ્રણે ચ અદાદિ:, પરસ્મેપદી, સકર્મક: સેટ (મિશ્રિત કરવું, મેળવવું, મિલાપ કરવો, છુટું પાડવું). અરવિંદ વ્યાસ કહે છે કે ફારસી રક્ષક જેમ ઋગ્વેદમાં યાવયત્સખને મિત્રની રક્ષા કરવાવાળો કહેવામાં આવ્યો છે.
અમુક લોકો યારને અરબી અય્યાર સાથે જોડીને જુએ છે. એમાં પણ રક્ષકનો ભાવ છે. મધ્યકાલીન (9થી 12મી સદી) ઈરાક અને ઈરાનમાં રખડતા યોદ્ધાઓને અય્યાર કહેતા હતા. તેમને બદમાશ અને લફંગા (ફારસીમાં ડિંગ મારે, બકવાસ કરે તેને લફંગા કહે છે) પણ સમજવામાં આવતા હતા, જે શરાબ, જુગાર અને વેશ્યાઓના અડ્ડા પર જતા હતા. તેના પરથી આવારા શબ્દ આવ્યો છે. હિન્દીમાં આવારા ભટકતા લોકો માટે ધુમક્કડ શબ્દ છે.
યારની જેમ જ સૌથી પ્રચલિત દોસ્ત શબ્દ પણ ફારસી છે. ફારસીમાં તેના ચાર અર્થ થાય છે; સમાન અવસ્થાવાળો તેમ જ સાથે રહેવાવાળો સ્નેહી, સંગી અથવા પ્રેમી, જેની સાથે અનુચિત સંબંધ હોય તે અને સુખ-દુઃખમાં સાથ આપવાવાળો. અલબત્ત, સ્ત્રીના સંદર્ભમાં યારની જેમ દોસ્ત શબ્દમાં નકારાત્મક ભાવ નથી. એટલા માટે યારી-દોસ્તી એવો એક શબ્દ પણ છે.
દોસ્ત શબ્દનો સંબંધ સંસ્કૃત ‘જુષ્ઠ’ સાથે પણ છે, જેનો અર્થ થાય છે પ્રસન્ન, સંતુષ્ઠ રહેવાવાળો. જુષ્ઠમાં જુષ ધાતુ છે, જેમાં અનુકૂળ, મંગલકારીનો ભાવ છે. ખુશ કરવું, પ્રસન્ન રહેવું, સંતુષ્ઠ મહેસૂસ કરવું એ દોસ્તીનો પણ ભાવ છે. હિન્દીમાં યારી-દોસ્તીને લઈને એક આધુનિક મુકતક છે :
બાજારવાદ ને સરે બાજાર કર દિયા,
બીવી કી દોસ્ત કો ભી મેરા યાર કર દિયા,
દૂરી મિટાતે દૌર મેં ઇતને હુએ કરીબ
યારી કા જાયકા બઢા ગદ્દાર કર દિયા
બાય ધ વે, તમને ફ્રેન્ડ (મૂળ જર્મન ‘ફ્રીઓન્ડ’ એટલે જે પ્રેમ કરે છે તે) શબ્દ તો ખબર છે, પરંતુ અંગ્રેજીમાં એક નવો શબ્દ છે, ફ્રેનીમી (frenemy). અર્થ થાય છે, દુશ્મનદોસ્ત. જે દોસ્ત છે પણ ઈર્ષ્યા અને હરીફાઈ પણ કરે છે, જે તમને અંદરથી નાપસંદ કરે છે તે. કામકાજ અને રોમાન્સના સમયમાં આવા ફ્રેનીમી બહુ બનતા હોય છે. બોલીવુડમાં લોકપ્રિય બની હોય તેવી ૧૦૦ ફિલ્મો દોસ્તી પર બની છે. એમાંથી અડધી ફિલ્મો દોસ્તીના વિશ્વાસઘાત પર હતી. દરેક સંબંધમાં જેમ અમુક નકારાત્મક ખાસિયતો સમય જતાં બહાર આવતી હોય છે, દોસ્તીમાં પણ એક સમયે ટીકા, હોડ, અપેક્ષા અને સ્વાર્થ આવી જાય છે. દોસ્તીની ગરમી સમય જતાં ઓછી થઇ જ જાય છે.
“આયે દિન બહાર કે” ફિલ્મમાં વ્યથિત ધર્મેન્દ્રએ ‘શ્રાપ’ આપ્યો હતો :
મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે,
મુજે ગમ દેને વાલે તું ખુશી કો તરસે
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર