1954માં, બિમલ રોયે શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પરથી બનાવેલી “બિરાજ બહુ” ફિલ્મમાં કામિની કૌશલે એક એવી સ્ત્રીની ભૂમિકા કરી હતી જે અનેક સંકટો વચ્ચે પણ પરિવારને અખંડ રાખવા પ્રયાસ કરે છે. એવું જ કંઇક કામિનીના અંગત જીવનમાં પણ બન્યું હતું. તેની મોટી બહેન ઉષાનું એક કાર અકસ્માતમાં અવસાન થયું, ત્યારે તેની બે અનાથ દીકરીઓનાં લાલનપાલન માટે થઈને કામિનીએ ઉષાના પતિ બી.એસ. સૂદ સાથે લગ્ન કરી લીધાં હતાં.
ઉમા કશ્યપ હજુ કોલેજમાંથી બહાર જ આવી હતી અને ચેતન આનંદની “નીચા નગર”(1946)માં કામિની કૌશલ તરીકે પદાર્પણ કર્યું હતું (ફિલ્મમાં ચેતન આનંદનાં પત્ની ઉમા આનંદ પણ હતાં એટલે ઉમાનું નામ કામિની કરી દેવામાં આવ્યું હતું), ત્યારે જ મોટી બહેન સાથે દુર્ઘટના ઘટી હતી.
જીજાજીમાંથી પતિ બનેલા બી.એસ. સૂદ (જે બોમ્બે પોર્ટ ટ્રસ્ટમાં મુખ્ય ઈજનેર હતા) જાણતા હતા કે કામિનીએ પ્રેમ નહીં પણ ફરજ માટે આ લગ્ન કર્યા હતાં એટલે તેમણે તેને તેની ફિલ્મ કારકિર્દીમાં આગળ વધવા તમામ ટેકો આપ્યો હતો.
કામિનીએ આ નિર્ણય અંગે એક વાર કહ્યું હતું, “હું મારી બહેનને ખૂબ જ પ્રેમ કરતી હતી. મને ડર હતો કે મારી ભત્રીજીઓ, જે લગભગ બે અને ત્રણ વર્ષની હતી, માતા વિના એકલી પડી જશે. મેં કોઈ બલિદાન નહોતું આપ્યું. તે એક આદર્શ ઉકેલ હતો. મને એટલો જ ડર હતો કે શું હું જવાબદારી નિભાવી શકીશ કે નહીં. મારા પતિ એક નમ્ર અને શિષ્ટ વ્યક્તિ હતા.”
કામિનીની ફિલ્મી સફર સફળ હતી એટલું જ નહીં, દિલીપ કુમારને કામિનીથી પ્રેમ પણ થઇ ગયો. કામિનીએ બહેનના પરિવારની ફરજના ભાગ રૂપે એ પ્રેમને જતો કર્યો. એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે, “’બિરાજ બહુ”માં ભૂમિકા ભજવતી વખતે હું ઘણી વખત રડી પડી હતી. મારા પાત્રમાં પ્રામાણિકતાની ભાવના હતી. તેને વિશ્વાસ હતો કે તેનો પતિ (અભિ ભટ્ટાચાર્ય) તેને બેવફા ગણીને ત્યજી નહીં દે”.
દિલીપ કુમારે બન્ની રુબેનના જીવનચરિત્ર “દિલીપ કુમાર-સ્ટાર લિજેન્ડ ઓફ ઇન્ડિયન સિનેમામાં પોતાના પ્રથમ પ્રેમભંગને યાદ કરતાં કહ્યું હતું કે, “તે (કામિની) એકમાત્ર એવી વ્યક્તિ હતી જેની સાથે મેં સંપૂર્ણ આત્મીયતા અનુભવી હતી. મને લાગે છે કે દરેક વ્યક્તિ માત્ર એક જ વાર પ્રેમમાં પડે છે.”
કામિની કૌશલના અંગત અને વ્યવસાયિક જીવનની આ વિડંબના પર, 1963માં બી.આર. ચોપરાએ “ગુમરાહ” ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તમને તેનું એ ગીત અને દૃશ્ય યાદ છે? એમાં, અશોક કુમાર ઘરમાં એક પાર્ટી વેળા સુનીલ દત્તને ગીત ગાવાની ફર્માઈશ કરે છે. ઘરમાં માલા સિંહા પણ છે, જે વર્તમાનમાં અશોકની પત્ની છે, પણ ભૂતકાળમાં સુનીલની પ્રેમિકા હતી. સુનીલ પિયાનો પર એક ગીત ગાય છે, જે આજે 30 વર્ષ પછી પણ અનેક યુવા જિંદગીઓમાં હૃદયભંગના “રાષ્ટ્રગીત” જેવું છે :
ચલો એક બાર ફિર સે,
અજનબી બન જાયેં હમ દોનો.
“ગુમરાહ” ફિલ્મની ખૂબસૂરતી જ એ હતી કે, પ્રણય ત્રિકોણનો ચવાયેલો વિષય હોવા છતાં, ચોપરા સાહેબે બેવફાઈનો ભોગ બનેલા પતિ, બેવફાઈ કરનાર પત્ની અને કમનસીબ પ્રેમી માટે દર્શકોના દિલમાં સહાનુભૂતિ ખીલવી દીધી હતી. સાહિર લુધિયાનવીના હૃદયસ્પર્શી શબ્દો, રવિની અવિસ્મરણીય ધૂન અને મહેન્દ્ર કપૂરના ઉદાસ અવાજે આ ગીતને જ નહીં, ફિલ્મની પૂરી વાર્તાને એક મર્મસ્પર્શી ઊંચાઈ બક્ષી દીધી હતી.
1963નું વર્ષ હિન્દી ફિલ્મોની નાયિકાઓ માટે મહત્ત્વપૂર્ણ વર્ષ માનવામાં આવે છે. એ વર્ષે ત્રણ મોટી નાયિકા પ્રધાન ફિલ્મો આવી હતી – “બંદિની”, “યે રાસ્તે હૈ પ્યાર કે” અને “ગુમરાહ”- જેમાં મહિલા કેન્દ્રમાં હતી, અને જે સ્ત્રીઓ માટે નિર્ધારિત પરંપરાગત માર્ગથી ફંટાઈ જતી હતી.
“ગુમરાહ” એ સમયની એક સાહસિક અને બિનપરંપરાગત ફિલ્મ હતી. એક પરિણીત નાયિકા તેના ભૂતકાળને ભૂલવા અસમર્થ છે અને જ્યારે તેના પ્રેમીનું તેના જીવનમાં ફરીથી આગમન થાય છે, ત્યારે તે પતિથી છુપાવીને તેને મળવાનું શરૂ કરે છે.
મીના (માલા સિંહા) અને કમલા (નિરુપા રોય) બંને બહેનો છે. કમલાનાં લગ્ન મુંબઈના વકીલ અશોક (અશોક કુમાર) સાથે થયેલાં છે અને મીના નૈનીતાલમાં એક ગાયક કલાકાર રાજેન્દ્ર (સુનીલ દત્ત) સાથે લગ્ન થવાનાં સપનાં જુવે છે.
કમલા બંનેનાં લગ્ન કરાવવાની ફિરાકમાં છે અને ત્યાં જ અકસ્માતે અવસાન પામે છે. બહેનનાં બાળકોનું ભવિષ્ય બગડશે એવા ડરથી મીના તેના પ્રેમનું બલિદાન આપે છે અને જીજાજી સાથે લગ્ન કરીને મુંબઈ જતી રહે છે.
વર્ષો પછી રાજેન્દ્ર મીનાની તલાશમાં મુંબઈ પહોંચે છે અને ફરીથી પરણિત પ્રેમિકાના જીવનમાં પ્રવેશે છે. બંને ખાનગીમાં મળવાનું શરૂ કરે છે. દરમિયાનમાં, લીલા (શશીકલા) નામની એક મહિલા પોતે અશોકની પત્ની છે તેવો દાવો કરીને મીનાનો પીછો કરીને તેને પકડી પાડે છે અને બ્લેકમેલ કરે છે.
મીનાને જ્યારે ખબર પડે છે કે તે અશોકની પત્ની નથી, ત્યારે તે તેનું ખૂન કરવા પ્રયાસ કરે છે, પણ છેલ્લી પળે અશોક મીનાને રોકી દે છે અને ઘટસ્ફોટ કરે છે કે લીલા તેની સેક્રેટરી છે અને તેણે જ તેની પાસે મીનાની જાસૂસી કરાવી હતી. ઉદારતા કહો કે નારાજગી, અશોક મીનાને કહે છે કે તે રાજેન્દ્ર સાથે જઈ શકે છે.
અહીં સુધી તો ફિલ્મ અસાધારણ રીતે “બોલ્ડ” કહેવાય તેવી છે, પરંતુ તે વખતના સમાજને જોતાં ફિલ્મનો અંત લોકો માટે એવી રીતે સ્વીકાર્ય હોવો જોઈએ, જેમાં લગ્નની પવિત્રતા બરકરાર રહે, અને તેના માટે હૃદયના બદલે કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડે (જેવું કામિની કૌશલે કર્યું હતું).
એટલે, ચોપરા સાહેબે મીનાને લાગણીઓમાં “ગેરમાર્ગે” દોરવાયેલી બતાવીને કર્તવ્યનિષ્ઠ પત્ની અને માતાની ભૂમિકામાં પાછી ફરતી બતાવી હતી. ફિલ્મના અંતે, જયારે મીના તેના દરવાજે આવેલા રાજેન્દ્રને એમ કહે છે કે, “યહાં કોઈ મીના નહીં રહેતી હૈ, એ મિસિસ અશોક કા ઘર હૈ,” ત્યારે સિનેમા હોલમાં દર્શકોએ તાળીઓ પાડીને તેને વધાવી લીધી હતી.
“ગુમરાહ” અત્યંત સફળ સાબિત થઇ તેનું એક કારણ તેનો આ અંત પણ હતો. વર્ષો પછી, મહેશ ભટ્ટે એકટર પરવીન બાબી સાથેના તેમના પ્રેમ સંબંધ પર “અર્થ” નામની ક્રાંતિકારી ફિલ્મ બનાવી, ત્યારે તેમની નાયિકા પૂજા (શબાના આઝમી), તેના પતિને તેની બેવફાઈ બદલ માફ કરીને પાછી લગ્ન જીવનનો દૌર સંભાળી લેવાને બદલે, પતિનું ઘર અને લગ્ન બંને ત્યજીને પોતાની આઝાદીને પસંદ કરે છે.
“ગુમરાહ”માં અશોક કુમાર, સુનીલ દત્ત ને માલા સિંહા ત્રણેનો અભિનય સક્ષમ હતો, પણ એમાં મેદાન મારી ગઈ હતી માલા સિંહા, જેને મોટા ભાગે રોતલ અને બિચારી સ્ત્રીઓની જ ભૂમિકાઓ આવી હતી. “ગુમરાહ”માં પહેલીવાર તેને એક એવી સ્ત્રીની ભૂમિકા કરવા મળી હતી જે કર્તવ્યનિષ્ઠ અને પ્રેમનિષ્ઠ બંને છે અને એ જ તેની અગ્નિપરીક્ષા સાબિત થઇ હતી.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 13 ડિસેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર