પ્રમુખીય

પ્રકાશ ન. શાહ
બસ, હવે થોડા દિવસ – અને નારાયણ દેસાઈ(૨૪-૧૨-૧૯૨૪ − ૧૫-૩-૨૦૧૫)ના શતાબ્દી વર્ષમાં પ્રવેશીશું. હમણાં મેં એમના જન્મદિવસની જિકર કરી, પણ પિતા મહાદેવ દેસાઈની વિશ્વવિશ્રુત ડાયરીમાં એનો ઉલ્લેખ સરખો નથી; કેમ કે એ તો ગાંધીચર્યા અંગેની હતી.
પિતાની ડાયરીમાં પોતાની જન્મનોંધ નથી એનું વેર પુત્ર નારાયણે અનોખી રીતે લીધું, જીવનચરિત્રના લેખનમાં આપણે ત્યાં એક પ્રતિમાન રૂપ ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ લખીને. નારાયણભાઈને દર્શક એવૉર્ડ અપાયો ત્યારે એ હાજર રહી શકે તેમ નહોતા એટલે એમના વતી (પુત્ર નચિકેતાના સંકોચવશ) પ્રતિભાવ વાંચવાનું મારે હિસ્સે આવ્યું હતું. પિતૃચરિત્રમાં પોતે નીવડી આવ્યા એનો યશ નારાયણભાઈએ આ પ્રતિભાવમાં મૈથિલીશરણ ગુપ્તને ટાંકીને ખુદ પિતાને જ આપ્યો અને એક રીતે પેલું વત્સલ વેરવર્તુળ જાણે પૂરું થયું :
राम तुम्हारा चरित स्वयं ही काव्य है,
कोई कवि बन जाय सहज संभाव्य है ।
૧૯૯૨-૯૩ની વાત આ તો છે. વચલાં વર્ષોમાં પ્રવૃત્તિલક્ષી લેખન, જેમાં પદયાત્રાની વાસરીથી માંડી ચેક ને બાંગ્લા પ્રજાઓની લોકલડતનુંયે આલેખન હોય, ચાલતું રહ્યું હશે એની વચ્ચે ૧૯૬૭માં ‘સંત સેવતાં સુકૃત વાધે’ એ ગાંધી આસપાસનાં સંસ્મરણોનું પુસ્તક આવ્યું તે સાથે સાહિત્યમાં એમનો સિક્કો પડવા લાગ્યો. પ્રકાશક મિત્ર ભાઈદાસ પરીખે સ્વામીદાદાને એના ફરમા મોકલ્યા હશે તે એમણે ‘એક જ બેઠકે વાંચી કાઢ્યા. સાવ પી જ ગયો. આખી ચોપડી એક ઊર્મિલ કાવ્ય સમી છે. ક્યાંક તો જાણે ટેનસિનનું ‘ઇન મેમોરિયમ’ ગદ્યમાં વાંચતા હોઈએ …’ અને વાતનો બંધ વાળતાં ઉમેર્યું : ‘… મન કૂદકો મારીને ઝડપી લે એવી ચોપડી વર્ષો કે દાયકાઓ પછી મેં વાંચી હોય તો તે આ. It is a remarkable performance. A rare piece of literry art in biographical writing, besides its historical value.’
સ્વામી આનંદે ઐતિહાસિક મૂલ્ય ધરાવતા ચરિત્રલેખનની જે સાહિત્યકળાની વાત કરી છે એનુ અનુત્તમ ઉદાહરણ અલબત્ત આકર ગાંધીચરિત્ર (‘મારું જીવન એ જ મારી વાણી’) : ઑક્ટોબર ૧૯૯૯થી જાન્યુઆરી ૨૦૦૩ સુધીની એટલે કે ત્રણ વરસ અને ચાર મહિનાની એકાસને ચાલેલી આ લેખનતપસ્યા એક જુદો જ ઇતિહાસ છે. હમણાં એની તપસીલમાં નહીં જાઉં.
માત્ર, એટલું સંભારું, સાભિપ્રાય સંભારું કે બૃહદ્દ ચરિત્ર, કહો કે મહાકાવ્યોપમ ફલક પરનું કામ પાર પાડ્યા પછી આ હાડના શિક્ષકને એમ થયું કે નહીં વાંચી શકનારાઓ અને વાંચવાનો સમય નહીં કાઢી શકનારાઓ ગાંધીને જાણશે કેવી રીતે. આયુષ્યના અવશેષે, લગભગ એંશીમે, ખરું જોતાં અવશેષે નહીં પણ ચરમોત્કર્ષે, આ સંદર્ભમાં એમણે પરંપરાગત કથા-માધ્યમને નિયોજવાનું વિચાર્યું. લેખાયનના એક દોર પછી આમ એમનું લોકાયન શરૂ થયું.

નારાયણ દેસાઈ
આ દોર ચાલુ હતો અને ૨૦૦૭માં એમને ૨૦૦૪નો મૂર્તિદેવી એવૉર્ડ આવી મળ્યો. વીસે વરસે આ એવૉર્ડ ગુજરાતમાં આવ્યો હતો. ૧૯૮૭માં દર્શકની મનહર ને મનભર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પોંખાઈ હતી, અને હવે ‘મારું જીવન એ જ મારી વાણી.’ એક જો સ્વરાજસંગ્રામના ગાંધીયુગને વિશ્વસંદર્ભમાં જીવતો કરતી નવલકથા હતી, તો બીજી ખુદ ગાંધીની મહાકથા.
આ નિમિત્તે હું સામયિક નોંધ લખતો હોઈશ અને લંડનથી ‘ઓપિનિયન’–ખ્યાત વિપુલ કલ્યાણીનો ગુજરાતઆંગણે સમાનધર્મા સ્નેહીમિત્રો જોગ પત્ર આવી મળ્યો. એમણે ‘વિનમ્ર અરજ’ ગુજારી હતી કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે નારાયણ દેસાઈ હોવા જોઈએ. મિત્ર વિપુલ કલ્યાણીએ આ પત્રમાં ડૉ. ધીરુભાઈ ઠાકરને સાભિપ્રાય ટાંક્યા હતા : ‘નારાયણ દેસાઈ ઘણું છે. પણ એ સર્વથી અધિક, વિશ્વવિભૂતિ ગાંધીના ભવ્યોજ્જવલ જીવનને અક્ષરબદ્ધ કરીને ગુજરાતી સાહિત્યમાં તેની ચિરપ્રતિષ્ઠા કરનાર સમર્થ ચરિત્રકાર પણ છે. તેમની એ અક્ષરસેવા ગાંધીની સાથે ચિરસ્મરણીય બની છે.’ અને ‘ચાર ભાગમાં વિસ્તરેલું ‘મારું જીવન એ જ મારી વાણી’ ગુજરાતી ચરિત્રસાહિત્યની જ નહીં પરંતુ સમગ્ર અર્વાચીન ગુજરાતી સાહિત્યની અને સંસ્કારજીવનની મહત્ત્વની ઘટના ગણાવી જોઈએ.’
મૂર્તિદેવી એવૉર્ડ નિમિત્તે નોંધ લખતાં આ યોગ આવી મળ્યો એવો ઝડપ્યો – પ્રમુખપદ માટે એમના નામને બિનસંસ્થાકીય છેડેથી મેં પ્રગટ સમર્થન આપ્યું; કેમ કે એમની જે અભિનવ ઓળખ – એક લોકાયની તરીકેની સ્તો, એનું મને અદકું આકર્ષણ હતું. પછી તો, સંસ્થાકીય છેડેથી મિત્રો બંધારણીય પ્રક્રિયા મુજબ આગળ વધ્યા. આવે અવસરે રઘુવીરભાઈની સહજ મધ્યસ્થીથી સુવાણ પણ હોય જ. બીજાં પણ નામો હતાં,પણ એ સન્માન્ય સુહૃદોએ ઉમેદવારીપત્રમાં નામ મૂકવાની સંમતિ નહીં આપીને નારાયણભાઈ સારુ ગરવી ભૂમિકા સરજી. નજીકનાં વર્ષોની છતાં કદાચ યાદ નયે રહી હોય એવી આ તવારીખમાં જવાનું કારણ એટલું જ કે એક પ્રજાકીય સંસ્થા ક્યાં ક્યાંથી કેવી રીતે બળ મેળવે છે એવી, જે પ્રિયેષુ સૌભાગ્યફલા હિ ચારુતા, એનાં લોકશાહી ઓસાણ આપણને રહે.
નારાયણ દેસાઈનું પ્રમુખીય અભિભાષણ (ડિસેમ્બર ૨૦૦૭, ગાંધીનગર), શું કહેવું એને વિશે. એમાંથી કંઈક ટાંકું, એ પૂર્વે પ્રથમ પરિષદ પ્રમુખ ગોમાત્રિ સાંભરે છે :
‘બન્ધુજનો, આ યુગ, રાજકીય સાંસ્કારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કાઁગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને એસોસિયશન નામે, સમાજો આ દેશમાં તેમ અન્ય દેશોમાં ભરાય છે, જ્યાં સર્વ પાસ આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે, તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે … આ સૃષ્ટિમાત્રનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law – તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી થઈ છે…
‘… આવા તાલબન્ધ એક પાસથી દૃષ્ટિગોચર થાય છે, તો બીજી પાસથી તાલભંગનાં કઠોર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી … ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબન્ધની જ સાંકળો દેખું છું … દાંડિયા રમનારા એકબીજાના દાંડિયા વડે ઝાપટે છે, તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબન્ધમાં અને તાલબન્ધને પ્રેરતા તાલભંગમાં હું કોઈ મહત્તર તાલબન્ધ દેખું છું …’
નારાયણ દેસાઈનું પ્રમુખીય અભિભાષણ તાલબન્ધની ખોજમાં, કહો કે Rhythmic Lawની મથામણમાં, સતારના રણકારા ને એકતારાના ધ્વનિ ભળી સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં શોધનપૂર્વકના સાતત્યથી વૃદ્ધિ કરવાની દિશામાં હતું. દર્શકે હૈદરાબાદ અભિભાષણમાં જેમ ખંડમાંથી અખંડ ભણી જવાનો મુદ્દો કીધો હતો, ના.દે.એ તેમ ગિરા ગુર્જરીને વિશ્વગુર્જરી બનાવવાની હોંશ પ્રગટ કરી હતી. ‘મારું જીવન એ જ મારી વાણી’ની તપસ્યા એકાસને માંડી ત્યારે એમણે ‘ગિરાગુર્જરીના સાદે’ તેમ કર્યાનું કહ્યું હતું. પરિષદની વ્યાસપીઠ, રિપીટ, પરિષદની વ્યાસપીઠ પરથી એક પૂર્વપ્રમુખ ગાંધીના અનુત્તમ અનાવિલ ચરિત્રકારને વિશ્વગુર્જરીથી ઓછું તો કશું ખપે જ શાનું.
આ સંદર્ભમાં એમણે વ્યક્ત કરેલા વિચારોનો એક દીર્ઘ અંશ અહીં ઉતારું છું :
વિશ્વની ક્ષિતિજો માપનાર સાહિત્ય કેવું હોય ? એ એવું હોય કે જેની આડે કોઈ વંડી કે વાડ ન આવતી હોય. જે સાહિત્ય જાતિના, સંપ્રદાયના, ધર્મના, રંગના, લિંગના, સ્વાર્થના કે રાષ્ટ્રના ભેદોને ભૂંસી શકે તે ભાષા વિશ્વની ભાષા બને. આપણે શું આ સંમેલનમાં ગુજરાતી ભાષાને વિશ્વગુર્જરી બનાવવાનો સંકલ્પ કરી શકીએ? વિશ્વસાહિત્યકારનું સાહિત્ય વિશ્વના બરનું હોવું જોઈએ અને એને માટેની મુખ્ય શરત એ છે કે સાહિત્યકારનું વ્યક્તિત્વ એ બરનું હોવું જોઈએ. આપણે ત્યાંની ભાષાઓમાં વ્યાસ, વાલ્મીકિ, કબીર, તુલસી, જ્ઞાનેશ્વર, ચૈતન્ય વગેરે એવા વ્યક્તિત્વવાળા થઈ ગયા કે જેમનું વાઙ્ મય જાગતિક સ્તરનું હતું. સાહિત્યકાર કરતાં એનું સાહિત્ય ઊંચું હોઈ શકે કે નહીં એ વિવાદમાં પડ્યા વિના અને સાહિત્ય અને સાહિત્યકારના ચારિત્ર્યને કશો સંબંધ હોય કે નહીં એ પ્રશ્ન તમારા નિર્ણય ૫૨ છોડી, હું અહીં મારો એ વિશ્વાસ વ્યક્ત કરવા માગું છું કે આપણે જો ગુજરાતી સાહિત્યને વિશ્વસ્તરનું બનાવવું હશે, અને બનાવવું છે – તો આપણે આપણાં વ્યક્તિત્વ પણ વિશ્વસ્તરનાં કરવાં પડશે, આપણા સંકુચિત વાડા તોડવા પડશે. તેમ કરવામાં આપણી અસ્મિતા ઘટવાની નથી; બલકે તે વધુ ઊંચી ઊઠશે.
“આપણને એકબીજાંથી અલગ રાખનારી વાડો ગમે તેટલી સગવડવાળી હોય, ગમે તેટલી લોભામણી હોય, પણ તે આપણને સીમિત અને સંકુચિત જ રાખે છે. વાડો તોડવાનું કામ આપણને ક્રાંતિકારી લાગી શકે. આ ક્રાંતિ એવી છે કે જેની શરૂઆત આપણી જાતથી જ થાય છે અને આગળ જતાં એ વર્તુળ વધતું જશે. આપણે જાણ્યે – અજાણ્યે આપણી આસપાસ કૂંડાળાં બનાવતાં હોઈએ છીએ. એ કુંડાળું પોતાના અહંકારનું હોઈ શકે, બીજા વિષે દ્વેષ કે ઈર્ષાનું હોઈ શકે, પ્રતિસ્પર્ધાનું હોઈ શકે અને એનાં ક્ષેત્રો ચંદ્રક કે પુરસ્કાર, સમ્માન કે બહુમાન, પદ કે પદાધિકાર, સમિતિઓ કે સવલતો ને સગવડો હોઈ શકે. જે સાહિત્યકાર, કર્મચારી કે હોદ્દેદાર આવાં સંકીર્ણ કૂંડાળાંમાં ફસાયેલો રહેશે તે ગમે તેટલી નામના સાથે પણ કૂપમંડૂક જ રહેશે. એને પૃથ્વીની ક્ષિતિજ સૂઝશે જ નહીં. ગાંધી આપણને કહી ગયા છે કે સત્યને પ્રેમ સિવાય બીજી કોઈ રીતે પહોંચવું અશક્ય છે. પ્રેમ પૂરેપૂરો ત્યારે જ વ્યક્ત થઈ શકે જ્યારે માણસ પોતાની જાતને શૂન્યવત્ બનાવી દે. આ પહેલું સોપાન.
“પરિષદનું પરિસર, (વિનોબાની ભાષા વાપરી કહું તો) ‘પ્રેમક્ષેત્ર’, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સુધી વિસ્તરેલું હોવું જોઈએ. સંચારનાં માધ્યમો જ્યારે આટલાં વિપુલ અને સુલભ બન્યાં છે ત્યારે પરિષદ અમદાવાદની કે વડોદરાની, ગુજરાતની કે મુંબઈની એવા પ્રશ્ન જ ન ઊઠવા જોઈએ. આવા પ્રશ્નો ઊઠે છે એનો અર્થ જ એ થાય છે કે આપણું સામૂહિક વ્યક્તિત્વ એટલું ઊણું પડે છે, આપણે સૌએ બાંયો ખોલવી પડશે. કૂંડાળામાં જે જ્યાં ઊભું હોય ત્યાંથી એને તોડવું પડશે અને ગૂંચો ઉકેલવી પડશે.
“આદિવાસી સાહિત્ય અને બિનઆદિવાસી સાહિત્ય, દલિત સાહિત્ય કે બિનદલિત સાહિત્ય, મુસ્લિમ સાહિત્ય – બિનમુસ્લિમ સાહિત્ય – આ અને આવાં વિશેષણો જે બધાંનું વિશેષ્ય, ‘સાહિત્ય’ છે, તેને સંકુચિત કરે છે, સીમિત કરે છે. એ તમામ સીમાઓથી મુક્ત થઈ અને તમામનો ઉમળકાભેર સમાવેશ કરી આપણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અને સમર્થ બનાવવું છે. વિશ્વસ્તર પર જવા માટેનું એ બીજું સોપાન હશે.
“ત્રીજું સોપાન આપણું ઓશિયાળાપણું કાઢવાનું છે – ખાસ કરીને શાસન પ્રત્યેનું ઓશિયાળાપણું. શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન-મરતબા કે પુરસ્કારો આપતું હોય તો એની ગરજે આપે. તેથી આપણે આપણી સ્વતંત્રતા ગીરવી મૂકી ન શકીએ. શાસનની દેખીતી ભૂલો કે ઇરાદાપૂર્વક શાસને ભરેલાં ખોટાં પગલાં અંગે આંખ આડા કાન કરવા, ચૂપ થઈને બેઠાં રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણામાં આવી જાય. ઓશિયાળી વ્યક્તિ પોતે તો પોતાનું સમ્માન ગુમાવે જ છે પણ જેની તે ઓશિયાળી બને છે તેને પણ નૈતિક રીતે નીચે લાવે છે. બીજાને હીન દેખાડનાર અથવા બીજા પ્રત્યે તુચ્છકારભર્યો વ્યવહાર ક૨ના૨ પોતે કદી નૈતિક રીતે ચડિયાતો સિદ્ધ થતો નથી, હેઠે જ પડે છે. એક દાખલો લઈએ. સાહિત્ય, કળા કે સંસ્કૃતિને લગતી સંસ્થાઓમાં તે-તે વિષયના કળાકારો જ ચૂંટાઈને જાય એ સર્વથા ઇષ્ટ છે. આપણે ત્યાં એને સારુ ઉમાશંકર અને દર્શક જેવાઓએ જહેમત પણ ઉઠાવી છે. જો કોઈ પણ શાસન આમ પ્રતિનિધિઓની સંસ્થાને પોતાના નીમેલા પ્રતિનિધિઓથી જ ભરવા માગે અથવા બીજી રીતે દખલગીરી કરે અને એ અંગે આ સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ચૂપ બેઠા રહે તો એને ઓશિયાળાપણું કે લાચારી કહેવાય. આવી લાચારીને ફગાવી દેતાં આપણે શીખીશું તો જ ગુજરાતી સાહિત્યકારનું ખમીર પ્રગટશે. અને વિશ્વગુર્જરી બનાવનાર સાહિત્યકાર ખમીરવંતો તો હોવો જ જોઈએ ને?
“આ અંગે મારી એક ચિંતા વ્યક્ત ક૨વા ઇચ્છું છું. ગુજરાતીના ‘શિષ્ટ’ સાહિત્યનો વ્યાપ હજી ઘણા મર્યાદિત વર્ગ સુધી જ પહોંચવા પામ્યો છે. આપણી કવિતા, આપણી વાર્તા, આપણી નવલકથાનું વિષયવસ્તુ મુખ્યત્વે શહેરો કે કસબાઓના મધ્યમ વર્ગના માનસથી કેટલું આગળ વધ્યું છે ? આપણી પહોંચ હજી ગામડાં સુધી ય માંડ ગઈ છે. આદિવાસી, દલિત, મુસ્લિમ સમાજનું જીવન આપણા સાહિત્યનું ક્ષેત્ર ભાગ્યે જ બનવા પામ્યું છે. નારીના પ્રશ્નો – મધ્યમ વર્ગની નારીના પ્રશ્નો સુધ્ધાં – આપણે નારીવાદી લેખિકાઓ કે કવયિત્રીઓ પૂરતા મર્યાદિત નથી રાખ્યા ? મારા આ વિધાનમાં થોડા જનરલાઈઝેશન – નો અંશ છે, એ હું સ્વીકાર કરું છું. એટલે કે આ બાબત કેટલાક અપવાદ છે, એમ આપણે દેખાડી શકીએ એમ છીએ. પણ આ અપવાદો જ શું સામાન્ય પ્રવર્તતી પરિસ્થિતિના દ્યોતક નથી ? બીજી રીતે જોઈએ તો આપણું આજનું સાહિત્ય આપણા આજના વેવિખેર થતા સમાજના દર્પણ સમું જણાય છે. એમાં અમદાવાદ શહેરના અન્ય ભાગોથી જુહાપુરા અલગ દેખાય છે, દલિતોનું દરદ એમને મુખે જ બોલે છે; અને આદિવાસી સાહિત્ય તો જાણે કે આપણી પૂર્વપટ્ટીની ટેકરીઓની પછવાડે જ લપાઈ રહ્યું હોય એમ નથી લાગતું ? કોઈક કહેશે કે આમાં એ વર્ગોની પણ નબળાઈ છે, જે વર્ગો પૂરતું માથું નથી ઊંચકતા. પરંતુ આ દલીલ તો પેલા સામ્રાજ્યવાદીઓ જેવી લાગે છે કે જે કહેતા રહેતા કે અમે તો સ્વતંત્રતા આપવા રાજી છીએ, સંસ્થાનોની વસ્તી જ એને સારુ લાયક નથી બની.
“જે પોતાને સાહિત્યકાર માને છે તેની જવાબદારી સમાજનાં અંગેઅંગ સહિત પોતાની હૃદયભાવના જોડવાની છે. ગુજરાતી સાહિત્યકારની કલમે સમગ્ર ગુજરાતનાં હર્ષશોક, વેદના-આનંદ, આશા-આશંકા, મનોકામના ને મનોરથો મુખર થવાં જોઈએ. પાંચ કરોડ જનતા વતી બોલવાની જવાબદારી ગાંધીનગરમાં વિરાજમાન કોઈ એક વ્યક્તિની નહીં, પણ ગિરાગુર્જરીના સૌ સેવકોની હોવી જોઈએ. એમ ન થાય ત્યાં સુધી ગુજરાતી સાહિત્ય ગમે તેટલો ગર્વ ભલે લે, ગૌરવ લઈ શકે નહીં.
“ગુજરાતી સાહિત્યનું ગજું આપણે વિશ્વસાહિત્ય સુધી લઈ જવું છે. એનું એક પગલું આપણા વ્યક્તિત્વને તપાસી, કઠોર આત્મપરીક્ષણ કરી, એને સ્વચ્છ, ઉદાર અને ઉદાત્ત બનાવી આખા ગુજરાતી સમાજની ઊર્મિઓને અભિવ્યક્તિ આપતું કરવું એ છે.
“આપણે આપણી ભાષા અને સાહિત્યનું સ્તર ઊંચું લાવવું હશે તો ગુજરાતની પ્રજાના ગંભીર પ્રશ્નો અંગે આપણી નિસબત કેળવવી પડશે. જે પ્રજાનાં સુખદુઃખનો ભાગીદાર થાય એ જ પ્રજાનો સાહિત્યકાર બને. જે પ્રજાનાં પાપ-પુણ્યને પોતાનાં ગણે એનામાં જ પોતાના સાહિત્યને પુણ્યશાળી બનાવવાનું સામર્થ્ય આવી શકે. આ પ્રસંગે હું મારી વ્યક્તિગત નિસબતની વાત કહેવા ઇચ્છું છું. એને વ્યક્તિગત એટલા સારુ કહું છું કે બીજા એના ભાગીદાર ન હોય તો હું તેને આપણી નિસબત કહી ન શકું. જો કે હું ઇચ્છું ખરો કે આપણા સૌની, ગુજરાતના સૌ વિચારવંતોની તે નિસબત બને. મને સન ૨૦૦૨માં જે કાંઈ બન્યું એ મહાપાતક લાગે છે, આમ કહેતાં મારું હૃદય આજે પણ ચિરાય છે. હૃદય એટલા સારુ ચિરાય છે કે એ મહાપાતકમાં મારો પણ ભાગ છે એમ મને લાગ્યા કરે છે, સમાજનો કોઈ પણ માણસ સમાજમાં એક જગાએ પણ માણસાઈને હેઠે ઉતારે એવું કૃત્ય કરે તો જે પોતાને એ સમાજનો નાગરિક માનતો હોય તે પણ એ કૃત્ય સારુ અમુક અંશે જવાબદાર બને છે. ભરેલા સરોવ૨નું પાણી કોઈ પણ જગાએ ખાલી થાય તો તેથી આખા સરોવરના પાણીની સપાટી નીચી જાય, તેમ સમાજમાં ક્યાં ય પણ પાપ થાય તો તેનાથી આખા સમાજનું નૈતિક સ્તર એટલું નીચે જાય છે. હું મારી જાતને ૨૦૦૨ના મહાપાતકનો એ અર્થમાં ભાગીદાર ગણું છું. ૨૦૦૨ના મહાપાતકમાં જે લોકો રેલગાડીમાં બળી મર્યાં, તે તથા બીજા જે મૃત્યુ પામ્યાં, જે આગમાં હોમાયાં, જેમનાં ઘર બળ્યાં, જેમનાં માસૂમ બાળકોને રહેંસી નાખવામાં આવ્યાં, જેમની દીકરીઓને આગમાં ફેંકવામાં આવી, એમને સારુ કોઈ પણ સહ્રદયને દુ:ખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ ઘટનાના વધુ ઊંડાણમાં જઈએ તો આ ઘટનાના શિકાર બનનારાંઓ સારુ જેમ રડવું આવે એમ છે, તેમ એના શિકારી સારુ પણ રડવું આવે એમ છે. જે બળી મૂઆ કે બીજી રીતે કતલ થયાં તે તો ગયાં તે ગયાં. પણ જેણે હિંસા આચરી અને જેમણે એ હિંસા આચરવા દીધી એનો અંતરાત્મા તો આજ લગી ડંખતો હશે. એણે એને અંગે માફી નહીં માગી હોય તો પણ એના અંતરને કોઈક ખૂણે એના પાપનો ડંખ તો હશે. એના હૈયાની હોળી પેલી એક દિવસની હોળી કરતાં ઓછી નહીં હોય. હું કબૂલ કરું છું કે આ મારી શ્રદ્ધાનો વિષય છે. બાહ્ય ઘટનાઓ એને કોઈ વાર ખળભળાવી શકે છે, કોઈ વા૨ હચમચાવી શકે છે, પણ એને ઉખાડી નથી શકતી.
“આપણે એ પણ સમજવું જોઈએ કે પાપ એ મારકાપ, હત્યા, બાળઝાળ, બળાત્કાર જેવાં કર્મોથી થાય છે. પણ એ કૃતિને ટેકો આપવા સારુ જ્યારે એનું તત્ત્વજ્ઞાન બને છે ત્યારે તે પાપ બેવડાય છે. વેર વાળવું સ્વાભાવિક માનવામાં આવે છે ત્યારે વળી એ પાપ ત્રણગણું થઈ જાય છે. અને જે શરમજનક ઘટના છે તેનો જ્યારે ગર્વ લેવામાં આવે છે ત્યારે તે પાપ ચોગણું થાય છે.
“આવા ઘોર પાપમાંથી આપણે સાવ તાજેત૨ના ઇતિહાસમાંથી પણ પસાર થયાં છીએ. સમાજના પાપને હું જેટલે અંશે મારું માની શકું છું તેટલે અંશે આ પાપનો હું મને પોતાને પણ ભાગીદાર માનું છું અને એમાંથી મુક્ત થવાના મારાથી બનતા પ્રયાસો મેં કર્યાં છે.
“આ વર્ષના પાછલા ભાગમાં એક સામાજિક પાપ બંગાળના નંદિગ્રામમાં થયું ત્યારે ત્યાંના સાહિત્યકારોએ તરત એનો વિરોધ કર્યો – કેટલાકે સ૨કારી માનચાંદ પાછાં આપીને એ વિરોધને વધુ મુખર કર્યો. ગુજરાતમાં ઘટેલી દુર્ઘટના નંદિગ્રામના ગોળીબારથી સેંકડોગણી વધારે અમાનવીય હતી. તે વખતે આપણું પણ હૈયું હચમચ્યું હતું એવું આશ્વાસન આપણે પોતાની જાતને એ ઘટના પછી લાંબે ગાળે ‘ભાવભૂમિ’ પ્રકાશિત કરીને આપી શકીએ ખરા ? ગુર્જરગિરાની ગરિમા વધારવી હોય તો એના સારસ્વતોએ આત્મસંતોષ કે આત્મવંચનાને ખંખેરી નાખીને પોતે કેટલાં પાણીમાં છે તે તપાસવું પડશે. જે સત્ય ખાતર કાંઈક ખોવા તૈયાર હશે તેનામાં જ ખમીર દેખાશે.
“મલયાલમ સાહિત્યનું વેચાણ આજે કદાચ આખા દેશના પ્રાદેશિક સાહિત્ય કરતાં વધારે હશે, એનું એકમાત્ર કારણ એ નથી કે કેરળમાં બીજા પ્રદેશો કરતાં સાક્ષરતા વધારે છે. એનું એક મોટું કારણ એ પણ છે કે ત્યાં છેલ્લા બેત્રણ દસકાથી સાહિત્યકારો સામાજિક પ્રશ્નો સાથે શ્વસે છે. સાહિત્ય જ્યારે સામાજિક સમસ્યાઓની સાચી અભિવ્યક્તિ કરતું થાય છે ત્યારે જ તે સમૃદ્ધ ને ઉદાત્ત બને છે અને પોતાના સમયનો પડકાર ઝીલવાને કાબેલ બને છે. સમાજના પ્રશ્નો સાહિત્યને જીવંત બનાવે છે અને સમાજાભિમુખ સાહિત્ય સમાજને ટટ્ટાર બનાવે છે.
“આપણે આત્મશક્તિનું ભાન કેળવવું પડશે. આપણે એવું વિચારીએ છીએ ખરા કે શાસન કરતાં સાહિત્ય વધુ શાશ્વત છે ? શેક્સપીઅરે પોતાનું પ્રથમ અગત્યનું કાવ્ય ‘વીનસ એન્ડ એડોનિસ’ સાઉથમટનના જે અર્લને અર્પણ કર્યું હતું તેને આજે કોણ યાદ કરે છે ? રાજા ભોજ કરતાં કાલિદાસની ખ્યાતિ વધુ ચિરંજીવ છે. અકબર બાદશાહ કરતાં તુલસીદાસ આજે ઘણા વધારે મોટા સમુદાયના હૈયામાં વસે છે. સાહિત્યનું ગૌરવ સાહિત્યની ગુણવત્તાથી વધે છે. તત્કાલીન શાસન દ્વારા એને અપાયેલ સમ્માનથી નહીં, એટલું જો સાહિત્યકાર સમજી જશે તો એ સાહિત્યની સાચી સેવામાં મન પરોવશે અને ઘણા ક્ષુદ્ર રાગદ્વેષોથી બચી જશે.
“સમાજના સળગતા પ્રશ્નોમાં જ્યારે સાહિત્યકાર રસ લેવા માંડશે ત્યારે એ કાંઈ જરૂરી નથી કે એ જાતે કર્મશીલ બને. વિક્ટર હ્યુગો કે ગોર્કીના સાહિત્યે અનેક કર્મશીલોની ગરજ સારી હતી. કર્મશીલનું જોમ જેટલું સાહિત્યકારની કૃતિઓમાં દેખાશે એટલી એની કૃતિઓ તેજસ્વી બનશે અને સાહિત્યકારની સંવેદનશીલતા અને લાલિત્ય જેટલાં કર્મશીલમાં આવશે તેટલી એના કર્મમાં સુસંસ્કારિતા આવશે. કર્મશીલ અને સાહિત્યકાર વચ્ચે પારસ્પરિકતાને અભાવે ઘણી વાર સાહિત્ય નિસ્તેજ અને કર્મશીલતા સંસ્કારિતામાં ઊણી ઊતરતી દેખાય છે. આખી પ્રજાની વેદના જ્યારે આપણા સાહિત્યમાં સ્થાન પામે છે ત્યારે એ સાહિત્ય ધરતી પર નક્કર પગલાં માંડતું છતાં ઊંચે આકાશમાં મસ્તક રાખી દૂરદૂરની ક્ષિતિજો ભાળતું જણાય છે.”
મારો કાર્યકાળ, સહજક્રમે સંકેલાવામાં છે ત્યારે પૂર્વપ્રમુખ ના.દે.ના શતાબ્દીપ્રવેશને સંભારી આ થોડીએક હૃદયવાર્તા સતત ચાલતી પ્રક્રિયામાં સંબલરૂપે.
પ્રગટ : “પરબ”, ડિસેમ્બર 2023; પૃ.
e.mail : prakash.nireekshak@gmail.com