ભાગ – ૧
જ્હોન મેનાર્ડ કેઇન્સ કહે છે કે “મૂળભૂત સમસ્યા…..એક એવી સામાજિક વ્યવસ્થા ઊભી કરવાની છે કે જે આર્થિક રીતે અને નૈતિક રીતે કાર્યક્ષમ હોય.”
લાયોનેલ રોબિન્સ દ્વારા આ શબ્દો સાથે અર્થશાસ્ત્રમાંથી નીતિને બહાર ફેંકી દેવાઈ : “કોઈ આર્થિક ધ્યેયો નથી, માત્ર આપેલાં ધ્યેયો સિદ્ધ કરવા માટેનાં આર્થિક અને બિન-આર્થિક સાધનો છે ….. અર્થશાસ્ત્ર નિશ્ચિતતાથી કહી શકાય તેવી હકીકતો સાથે સંબંધ ધરાવે છે, નીતિને મૂલ્યો અને ફરજો સાથે સંબંધ છે. એમને સાંકળવાનો માર્ગ એમને નિકટ લાવવાનો છે.” એ બંને “સંવાદમાં એક જ જગ્યાએ નથી.” નોબેલ ઈનામ વિજેતા જ્યોર્જ જોસેફ સ્ટિગ્લર (૧૯૧૧-૯૧) પણ એવા જ વિચારો ધરાવતા હતા. તેમણે લખેલું કે “સામાજિક ભૂલો” સુધારવા માટે અર્થશાસ્ત્રને ગણિતની જરૂર છે, નીતિની નહિ.
અર્થશાસ્ત્રીઓની જૂની પેઢી ધ્યેયની તાર્કિકતા, સ્વાર્થમાં નીતિ અને સાધનોમાં નૈતિકતા જેવા મુદ્દા વિશે મૂંઝવણ અનુભવતી હતી. જો કે, આવા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવે તો તે યોગ્ય વિશ્લેષણ કરવામાં અવરોધ બને છે એમ ધીમે ધીમે વધુ ને વધુ સમજવામાં આવતું ગયું. કેમ્બ્રિજ ખાતેના રાજકીય અર્થતંત્ર (political economy) વિષયના પ્રાધ્યાપક આલ્ફ્રેડ માર્શલ દ્વારા ૧૯૦૩માં નૈતિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી અર્થશાસ્ત્રની બાદબાકી કરી નાખવામાં આવી. તેમને એવી પ્રતીતિ થઈ હતી કે અધ્યાત્મશાસ્ત્ર (metaphysics) સારા લોકોને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતાં રોકે છે. રોબિન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું તેમ અર્થશાસ્ત્ર માત્ર સાધનોની કાર્યક્ષમતા સાથે જ સંબંધિત બનતું ગયું.
દા. ત. યુદ્ધ લડવા માટે ઓછા અને વધુ કાર્યક્ષમ રસ્તા છે. યુદ્ધ થવું જોઇએ કે નહીં અને તે જે રીતે લડવામાં આવે છે તેની નૈતિકતા એ એવી બાબત છે કે જેના વિશે અર્થશાસ્ત્રીઓ અંગત મંતવ્યો ધરાવી શકે છે. પરંતુ કોઈ અર્થશાસ્ત્રી જો ‘વૈજ્ઞાનિક’ સલાહ આપે તો તેને વિશે અર્થશાસ્ત્રીઓએ કશી માથાકૂટ કરવી જોઇએ નહિ. જો એ વ્યક્તિગત રીતે યુદ્ધ સાથે કે તે લડવાની પદ્ધતિઓ સાથે સંબંધિત ન રહેવાનું પસંદ કરે તો પણ, એ નૈતિક મુદ્દો છે અને અર્થશાસ્ત્રની બહારનો મુદ્દો છે. અર્થશાસ્ત્ર વિષયમાં મનુષ્યના નૈતિક કે અનૈતિક વર્તન જેવું કશું છે જ નહિ, માત્ર કાર્યક્ષમ અને બિન-કાર્યક્ષમ વર્તન હોય છે. બહુ બહુ તો, નૈતિક સૂત્રો કાર્યક્ષમતાના સાધન તરીકે કામ લાગે. જેમ કે, ‘પ્રમાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે.’
સ્પષ્ટ છે કે આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ સ્વહિતના સ્વાર્થી મતલબથી વિક્ષુબ્ધ હતા. તેમણે ‘સહાનુભૂતિ’ના અલગ હેતુ વિશે વાત કરી હતી પણ તેમના અનુગામીઓએ એ મુદ્દો જ પડતો મૂક્યો હતો. તેમને એ મુદ્દો આનુમાનિક વ્યવસ્થા(deductive system)ના તર્કને ગૂંચવી નાખનારો લાગ્યો હતો. કાર્લ માર્ક્સને વિતરણના ન્યાય સાથે સંબંધ હતો. જ્હોન સ્ટુઅર્ટ મિલ દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવ્યો કે સારી જિંદગી માટે “કેટલું હોવું પૂરતું છે?” પરંતુ લાયોનેલ રોબિન્સના ખ્યાલમાં આવી બાહ્ય નૈતિક બાબતો કાઢી નાખવામાં આવી. તેમના અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓ સ્વાર્થથી ભરપૂર છે, તેમને સામાજિક સંબંધો છે જ નહિ. પરંતુ એ વ્યક્તિઓ વિવિધ અનંત ઈચ્છાઓ ધરાવે છે અને તેમનું બજેટ ઓછું છે અને તેથી તેઓ એકસાથે બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકતા નથી. તેથી તેમણે પસંદગીઓ કરવી પડે છે. અર્થશાસ્ત્ર આ રીતે આવી પસંદગીઓ વિશેના તર્કનો અભ્યાસ કરે છે.
લોકો ખરેખર કેવી રીતે વર્તે છે અથવા તેમણે કેવી રીતે વર્તવું જોઈએ તે વર્ણવવાનો આ મોડેલનો ઈરાદો છે કે નહિ તે મુદ્દો અહીં છે જ નહિ. બેમાંથી એકેયમાં નીતિ સામેલ છે જ નહિ, માત્ર ગણિત (artithmatic) સામેલ છે. જો લોકોને સારી વસ્તુઓને બદલે ખરાબ વસ્તુઓ વાપરવાની ઈચ્છા થાય તો અર્થશાસ્ત્રમાં તેને માત્ર માંગમાં ફેરફાર થયો એમ જ ગણવામાં આવે છે. અને એમાં અર્થશાસ્ત્ર માત્ર એટલું જ પૂછે છે કે ખરાબ વસ્તુઓ પ્રાપ્ત કરવાનો હેતુ સિદ્ધ કરવા કયાં સાધનો યોગ્ય છે. સાધનો કે હેતુઓનું નૈતિક મૂલ્ય અર્થશાસ્ત્રમાં અપ્રસ્તુત છે.
આવા બધા વિચારો અર્થતંત્ર વિશેના અગાઉના વિચારોથી ખાસ્સા ઊંધા હતા. મધ્ય યુગીન વ્યવસ્થાનું પતન થતું ગયું તેમ તેમ મૂડીવાદની સાથે સાથે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર વિકસતું ગયું. મધ્ય યુગીન વિચારધારાના કેન્દ્રમાં મૂલ્યનો પ્રશ્ન હતો, પ્રશંસા કે ગૌરવ માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે મહત્ત્વનું હતું, સીધીસાદી ભાષામાં કહીએ તો શું સારું છે અને શું ખરાબ છે તે મહત્ત્વનું હતું. અર્થશાસ્ત્ર એની ખોજનો એક ભાગ હતું. પરંતુ સારી બાબતો અને ખરાબ બાબતો વિશેની ચર્ચા થાય એમાં એક લાભ હતો અને તે એ હતો કે ભૌતિક વસ્તુઓનું મૂલ્ય (value) સમતોલ કરી શકાય છે – એટલે કે તેના ખર્ચ અને લાભને નાણાંના એક જ માપદંડ દ્વારા નિર્ધારિત રીતે દર્શાવી શકાય છે. એટલે ભૌતિક ચીજોના મૂલ્યનો પ્રશ્ન આરંભથી જ નાણાંકીય ભાવના સંદર્ભમાં દર્શાવી શકાય છે. એટલે આર્થિક વસ્તુઓના ભાવ પણ નૈતિક વ્યવસ્થામાં આ વસ્તુઓનું શું સ્થાન છે તે વ્યક્ત કરે તેમ બને, અને તેના સંદર્ભ સાથે તેની સમજૂતી પણ મળે.
આજે આપણે જોઈએ છીએ કે અર્થશાસ્ત્ર જેમ જેમ પુખ્ત થતું ગયું તેમ તેમ તેમાંથી નૈતિક બાબતો પડતી મૂકાતી ગઈ. મૂલ્ય (value) અને કિંમત (price) વચ્ચેના સંબંધની ચર્ચા મૂલ્યમુક્ત ગણિતમાં સરી પડી. વ્યવહાર માટે મિલકત છે એવો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો, સાધનોની નૈતિકતા કાર્યક્ષમતામાં સામેલ થઈ ગઈ; અને ધ્યેયની નૈતિકતા ધર્મ અને નીતિશાસ્ત્રની બાબત છે એમ કહેવામાં આવ્યું. આજે સવાલ એ છે કે અર્થશાસ્ત્રીઓની સામાજિક ભૂલોના ઉપાય માટે પર્યાપ્ત શક્તિશાળી એવો નૈતિક સંવાદ આપણી પાસે છે કે નહિ.
(ક્રમશ:)
સ્રોત: અમેરિકાની યેલ યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા ૨૦૨૦માં લખવામાં આવેલા પુસ્તક ‘What is Wrong with Economics?’નું પ્રકરણ-૧૨ ‘Ethics and Economics’.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર