નારી શક્તિ પર સાહિત્યમાં જેટલું લખાયું છે એટલું માતૃત્વ પર લખાયું નથી. કદાચ એનું કારણ એ હશે કે માતૃત્વ નારીના અસ્તિત્વનો જ એક ભાગ ગણવામાં આવે છે. આવું વધારે તો ભારતીય ભાષાઓ છે. અંગ્રેજીમાં એવું નથી. ત્યાં માતા અથવા માતૃત્વને લઈને ખૂબ પુસ્તકો છે; ફિક્શન અને નોન-ફિક્શન બંને. આપણે ત્યાં હિન્દીમાં વાર્તાના કેન્દ્રમાં માતા હોય તેવાં પુસ્તકો ઠીકઠીક લખાયાં છે. ગુજરાતીમાં નારી ચેતના પર ઘણું વાર્તા સાહિત્ય છે, પરંતુ માત્ર માતાની ભૂમિકા જ કેન્દ્રમાં હોય તેવું સાહિત્ય ઓછું છે. છતાં, જે પણ લખાયું છે તે સુંદર અને યાદગાર છે. આવો, એવી પાંચ માતાઓ પર નજર નાખીએ :
૧. લોહીની સગાઇ – ઈશ્વર પેટલીકર
પેટલાદ નજીકના પેટલી ગામના ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ ઉર્ફે પેટલીકરનું નામ આવે એટલે સૌને તેમની સ્ત્રી પ્રધાન કાલજયી નવલકથા ‘જનમટીપ’ યાદ આવે તે સહજ છે. તેમાં ગુજરાતના શ્રમજીવી જ્ઞાતિ સામાજિક સંઘર્ષ અને નાયક-નાયિકાના અંતર સંઘર્ષની કથા છે. પેટલીકરની બીજી એટલી જ મહત્ત્વની ‘લોહીની સગાઇ’ ભારતીય કક્ષાએ ઇનામી ઠરેલી વાર્તા છે.
તેમાં એક માતાના તેની ગાંડી દીકરી સાથેના સંબંધનું માર્મિક ચિત્રણ છે. અમરતકાકી તેનું નામ. તેની એક દીકરી મંગુ જન્મથી જ ગાંડી છે. ગામલોકો તેને ગાંડાના દવાખાને ભરતી કરવાની સલાહ આપે છે. અમરતનો માતૃપ્રેમ કેવો છે તે વાર્તાના પ્રારંભે જ સ્પષ્ટ થઇ છે; “મંગુને ગાંડાનાં દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતા ત્યારે તેમની આંખોમાં ઝળઝળિયાં આવી જતાં અને દરેકને એ એક જ જવાબ આપતાં ‘હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય.’”
ગાંડી દીકરીના લાલનપાલનમાં માની મમતા કસોટીએ ચડે છે. અંતે, ગામમાં એક સ્ત્રી ગાંડપણમાંથી સાજી થઈને આવે છે તેમાંથી પ્રેરણા લઈને અમરત મંગુને દવાખાને મુકવા તૈયાર થાય છે. ઘરે આવ્યા પછી અમરતનનું દિલ મંગુની યાદમાં વ્યથિત રહ્યા કરે છે અને રાત સુધીમાં એ આત્મગ્લાનિ અને પસ્તાવો તેની પર એવો હાવી થઇ જાય કે માતા પોતે જ ગાંડી થઇ જાય છે. પેટલીકરે આ વાત એક યાદગાર અને મર્મસ્પર્શી વાક્યથી રીતે મૂકી હતી; “અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં.” આ વાક્ય આજે પણ ગુજરાતી વાચકોના હૈયે વસેલું છે. એક માતા દીકરીની જેમ ગાંડી થઈને તેની ‘નાત’ની થઇ જાય એ કેવો પ્રેમ!
૨. રેત સમાધિ – ગીતાંજલિ શ્રી
ગયા વર્ષે, સાહિત્યના નોબેલ કહેવાતા બૂકર પારિતોષિક મળવાના કારણે જગપ્રસિદ્ધ બનેલી હિન્દી લેખિકા ગીતાંજલિ શ્રીની નવલકથા આમ તો એક મધ્યમ વર્ગીય પરિવારની દિનચર્યા, સગાં-સંબંધીઓ, વાદ-વિવાદ, લગાવ-અલગાવ અને ઈચ્છાઓ-સપનાંનું ચિત્રણ કરે છે. એમાં એક દીકરી અને માના સંબંધની આસપાસ વાર્તા ફરે છે.
નવલકથા 80 વર્ષની એક વૃદ્ધ ચંદ્રપ્રભા વિશે છે. તેના પતિનું અવસાન થઇ ચુક્યું છે. ચંદ્રપ્રભા ડિપ્રેશનમાં આવીને તેના ઓરડામાં ભરાઈ ગયેલી છે. તેનો દીકરો અને દીકરી તેને બહાર લાવવા મહેનત કરે છે. એમાં, પરિવારના આપસી સંબંધો પણ ઉજાગર થાય છે. એક દિવસ અચાનક ચંદ્રપ્રભાને પાકિસ્તાન જવાનો વિચાર આવે છે, અને ખાટલામાંથી ઊભી થઈને જતી રહે છે. બધા તેને શોધે છે, પણ ચંદ્રપ્રભા તેની જૂની યાદો, જૂની જગ્યાઓ અને જૂના સંબંધોની ખોજમાં સરહદ પાર જતી રહે છે.
ચંદ્રપ્રભા મૂળ પાકિસ્તાનની ચંદા હતી અને ત્યાં તેના વિવાહ અનવર સાથે નક્કી થયા હતા, પરંતુ વિભાજન પછી તે ભારત આવીને ચંદ્રપ્રભા બનીને નવી જિંદગી શરૂ કરે છે. બે સંતાનોની મા, ચંદ્રપ્રભાએ તેનો વર્તમાન તો જીવી લીધો છે, પરંતુ કદાચ અતીત જીવવાનો રહી ગયો હતો. હવે તે પાછી ચંદા બનીને અનવરને શોધવા નીકળે છે. પ્રેમી તરીકે વિખૂટાં પડેલાં બંને મળે છે અને એકબીજાની માફી માંગે છે.
૩. મા – મેક્સિમ ગોર્કી
રશિયન લેખક મેક્સીમ ગોર્કીએ, ૧૯૦૬માં લખેલી ‘મધર’ નવલકથા આજે પણ વિશ્વસાહિત્યની મહાન કૃતિઓમાં ગણાય છે. એમાં એક એવી મહિલાના જીવનની વાત છે જે એક રશિયન કારખાનામાં કામ કરે છે અને ગરીબી તેમ જ ભૂખ સાથે સંઘર્ષ કરે છે. તેનો પતિ શરાબી છે અને તેની મારપીટ કરે છે અને દીકરાની સંપૂર્ણ જવાબદારી માતા પર નાખી દે છે. એ દીકરો પણ પિતાન જેમ શરાબી બની જાય છે પણ અચનાક ક્રાંતિકારી પ્રવૃતિઓમાં સામેલ થઈને જીવન બદલી નાખે છે. આ નવલકથામાં શોષિતોના ઉદ્ધારની અને મજદૂરોની ક્રાંતિની વાત છે. સાથે એક માતાની કરુણાની કથની પણ છે. ગુજરાતીમાં જયા ઠાકોરે ‘મધર’નો સરસ અનુવાદ કર્યો છે.
૪. હજાર ચૂરાશીર મા – મહાશ્વેતા દેવી
અમદાવાદની ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતી વિભાગનાં પ્રોફેસર ડો. નિયતિ અંતાણી ‘સાહિત્યસેતું’ સામાયિકમાં લખે છે, “નક્સલવાદીઓનો દાવો હંમેશાં એવો રહ્યો છે કે તેમણે ગરીબ-શોષિત-વંચિત અને સરકારી અત્યાચારનો ભોગ બનેલા લોકોના હક માટે હથિયાર ઉઠાવ્યાં છે. સિત્તેરના દાયકામાં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદીઓ પર થયેલું સરકારી દમન એટલું આત્યંતિક અને ઘાતકી હતું કે નક્સલવાદી હોવાના આરોપસર ઘણા નિર્દોષ નવલોહિયા-આશાસ્પદ લોકોને પોલીસે નક્સલવાદી હોવાના આરોપસર ખતમ કરી નાખ્યા. ‘હજાર ચુરાશીર મા’ કથામાં મહાશ્વેતાદેવી એ ગાળાના બંગાળની વાત કરે છે. 1974માં લખાયેલી આ કથાનો વિષય નક્સલ પ્રવૃત્તિમાં સામેલ પુત્રના મૃત્યુ પછી પ્રવૃત્ત થતી માતાનું છે. તેનો નક્સલ પુત્ર માર્યો ગયો છે અને અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસીરૂપે પડ્યો છે. પિતા બાપ તેને ઓળખવાથી આઘો રહે છે પણ સુજાતા (મા) પાછી પડતી નથી.
5. માય લાઈફ ઇન ફૂલ – ઈન્દ્રા નૂઈ
12 વર્ષ સુધી પેપ્સીકોમાં સી.ઈ.ઓ. રહેનાર પ્રથમ ભારતીય મહિલા ઈન્દ્રા નૂઈની ‘માય લાઈફ ઇન ફૂલ’ આમ તો એક મહિલા તરીકે અમેરિકાની કોર્પોરેટની દુનિયામાં તેમની પ્રગતિની કથા છે, પરંતુ એક દીકરી તરીકે તેમની જીવનયાત્રામાં તેની માતાની ભૂમિકા શું હતી અને એક માતા તરીકે તેમની બે દીકરીઓનાં જીવનમાં ખુદની ભૂમિકા શું હતી તેનું સુંદર વર્ણન કર્યું છે. તેનો એક નાનકડો સુંદર કિસ્સો ઈન્દ્રાએ લખ્યો છે :
શુક્રવારે મોડી રાત સુધી હું ઓફિસમાં હતી. ડલાસથી સ્ટિવ(પેપ્સીકોના CEO સ્ટિવ રેઇનમન્ડ)નો ફોન આવ્યો કે મને પેપ્સીકોની પ્રેસિડેન્ટ બનાવવામાં આવશે અને બોર્ડમાં સામેલ કરશે. હું સાતમા આસમાને પહોંચી ગઈ. ફટાફટ ઘરે જવા નીકળી. 10 વાગવા આવ્યા હતા. શિયાળાની રાતમાં રોડ સૂમસામ હતા. હું કિચનના દરવાજેથી ઘરમાં આવી અને ટેબલ પર મારી ચાવીઓ અને બેગ મૂકી.
મને બધાને સમાચાર કહેવાનું એક્સાઈટમેન્ટ હતું. ત્યાં મારી મા આવી. “એક જોરદાર સમાચાર છે,” હું લગભગ ચીસ પાડી બોલી.
“સમાચારને રાખ બાજુએ,” મા બોલી, “પહેલાં બહાર જા અને દૂધ લઇ આવ.”
હું ચાવી ઊઠાવીને કારમાં બેઠી અને એક માઈલ દૂર સ્ટોપ એન્ડ શોપમાંથી એક ગેલન દૂધ લઈ આવી. હું પાછી કિચનમાં આવી ત્યારે ગુસ્સામાં તમતમી ગયેલી હતી. મેં દૂધની બોટલ ધડામ કરતી ટેબલ પર પટકી.
“મને આજે જ પેપ્સીકોની પ્રેસિડેન્ટ બનાવવામાં આવી છે, અને તને સમાચાર સાંભળવાની ફુરસત નથી,” હું જોરથી બોલી.
“સાંભળ,” મા બોલી, “તું પેપ્સીકોની પ્રેસિડેન્ટ હોઉ કે ગમે તે, તું જ્યારે ઘરે આવે ત્યારે પત્ની છું, માતા છું, દીકરી છું. ઘરમાં તારી જગ્યા બીજું કોઈ ના લે, એટલે ઘરે આવતી વખતે પેલો પ્રેસિડેન્ટનો મુગટ ગેરેજમાં મૂકીને આવજે.”
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 14 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર