2017માં, ગુજરાતીમાં એક ફિલ્મ આવી હતી, (હવે નેટફ્લીક્સ પર પણ ઉપલબ્ધ છે) “ઢ.” તેમાં પ્રાથમિક શાળામાં ભણતા ત્રણ લંગોટિયા દોસ્તારો ગુનગુન, બજરંગ અને વકીલ ભણવામાં ઠોઠ છે. ઠોઠ છે એટલું જ નહીં, રમતિયાળ પણ છે. તેમને એ ખબર જ નથી કે તેમના અબુધ મગજ પાસેથી વયસ્ક લોકોની નિર્મમ દુનિયા કેટલી મોટી અપેક્ષાઓ રાખે છે.
તેમને શાળામાંથી અને ઘરમાંથી નિયમિત ઠપકો મળતો રહે છે. તેઓ અર્ધ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય છે. તેમને એવું ઠસી જાય છે કે તેઓ નકામા છે અને બીજા હોંશિયાર વિધાર્થીઓ સામે તેમની કોઈ હેસિયત નથી. તેમનો વર્ગ શિક્ષક પણ તેમના ભણવા પર આશા મૂકી દે છે અને હતાશ થઇને કહે છે કે “કોઈ જાદુ થાય તો જ તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થશો.”
તેમની રમતિયાળ રખડપટ્ટી દરમિયાન અચાનક તેમને જાણ થાય છે કે નજીકના શહેરમાં તેમનો પ્રિય જાદુગર સૂર્ય સમ્રાટ જાદુના ખેલ કરવા આવ્યો છે. ત્રણે જણા ઘરે કે શાળામાં કહ્યા વગર શહેરમાં ઉપડી જાય છે. ત્યાં જાદુના અવનવા ખેલ જોઈને તેઓ દંગ રહી જાય છે.
તેઓ પાછા આવે છે એટલે શાળાને બંક કરવા માટે તેમને સજા થાય છે અને ઘરે પણ ફરિયાદ કરવામાં આવે છે. ઘરવાળા ત્રણેના હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકે છે અને કડી મહેનત કરીને ભણવાની ફરજ પાડે છે. મુશ્કેલી એ છે કે તેમના ભેજામાં કશું ઉતરતું નથી.
એક દિવસ, પિતાઓએ નક્કી કરેલા ફ્રી ટાઈમમાં ત્રણે ભેગા થાય છે અને કેવી રીતે ભણવું અને કેવી રીતે પાસ થવું તેના પર તુક્કા લડાવે છે. એમાંથી એક દોસ્તને શિક્ષકે મારેલો ટોણો યાદ આવે છે કે, “કોઈ જાદુ થાય તો જ તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થશો.”
એ આ વાતને સાચી માની બેઠો હોય છે. તે પોતાના દોસ્તારોને આઈડિયા આપે છે કે, સાહેબે જ આપણને કહ્યું હતું કે જાદુથી પાસ થઇ જવાશે, તો આપણે જાદુગર સૂર્ય સમ્રાટને જ આપણી મુશ્કેલી કહીએ. ત્રણે જણા ખુશ થઈને જાદુગરને પત્ર લખીને તેમની પરિસ્થિતિ સમજાવે છે અને વિનંતી કરે છે કે તેમને એક એવો જાદુ શીખવાડે જેથી તેઓ પરીક્ષામાં પાસ થઇ જાય.
તેમના આશ્ચર્ય વચ્ચે, તેમને જવાબમાં એક ભેટ મળે છે. એ ભેટ જાદુગર તરફથી આવી હોય છે. ભેટમાં બિરબલ નામનું એક માથું હલાવતું રમકડું હોય છે. જાદુગર જવાબી પત્રમાં લખે છે કે આ જાદુ એવો છે કે તમારે જે ભણવાનું હોય, તે બધું આ બિરબલને સામે બેસાડીને તેને ભણાવી દેવાનું. એમાં જાદુ થશે અને તમે પરીક્ષામાં પાસ થઇ જશો.
ત્રણે દોસ્તારો ખુશ થઈને બિરબલ કોની પાસે કેટલો સમય રહેશે તેનું ટાઇમ ટેબલ બનાવે છે અને ટેબલ પર તેને સામે રાખીને પાઠ્યપુસ્તકોમાંથી મોટા અવાજે તેમને પાઠ ભણાવે છે. બિરબલનું ડોકું સતત હાલતું હોય છે એટલે તેઓ એવું માની લે છે કે તેઓ જે પણ લેશન કરાવી રહ્યા છે તે બરાબર રીતે બિરબલના ભેજામાં ઉતરી રહ્યું છે.
વાસ્તવમાં, એ લેશન તેમના ખુદના દિમાગમાં ઉતરી રહ્યું હોય છે અને તેઓ એ બધું જ યાદ રાખતા થઇ જાય છે જેના પર પરીક્ષા થવાની હોય છે. અંતે, ત્રણે જણા, શાળાના શિક્ષકો અને ઘરવાળાઓના આશ્ચર્ય વચ્ચે અવ્વલ નંબરે પાસ થાય છે.
આ ફિલ્મમાં આમ તો બાળપણની નિર્દોષતા અને વયસ્કોની દુનિયાની અપેક્ષા વચ્ચેની કશ્મકશનો ચિતાર કરતી વાર્તા છે, પરંતુ એમાં એક ગહેરો મનોવૈજ્ઞાનિક બોધપાઠ છે, અને તે છે – શીખવાડવાથી શીખવા મળે. ત્રણે દોસ્તારો જ્યારે બિરબલ નામના રમકડાને પાઠ ભણાવે છે ત્યારે તેઓ વાસ્તવમાં ખુદને ભણાવે છે.
હજારો વર્ષોથી, માણસો માનતા આવ્યા છે કે કોઈ બાબતની સમજવાનો શ્રેષ્ઠ રસ્તો એ બાબત કોઈને સમજાવાનો છે. આપણે કોઈકને કશુંક સમજાવીએ ત્યારે તે આપણા માટે પણ વધુને વધુ સ્પષ્ટ થતું જાય. કશુંક ભણવાનો શ્રેષ્ઠ રસ્તો કોઈને ભણાવાનો છે. રોમન ફિલોસોફર સેનેકાએ સદીઓ પહેલાં કહ્યું હતું કે, “આપણે જયારે ભણાવીએ છીએ, ત્યારે આપણે શીખીએ છે.”
હવે તો વિજ્ઞાનીઓએ પણ આ વાતને સાબિત કરી છે. 2007માં, સાયન્સ એન્ડ ઇન્ટેલિજન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસોમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે પહેલું બાળક તેમના પછી જન્મેલાં ભાઈ-બહેનો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. કેમ? કારણ કે મોટા હોવાના કારણે તેના પર નાનાં ભાઈ-બહેનોને માર્ગદર્શન આપવાની જવાબદારી આવી પડે છે, પરિણામે તેમનો આઈક્યુ વધે છે.
સ્ટેનફોર્ડ અને વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીઓના ઇજનેરો અને કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ, ‘ઢ’ ફિલ્મના બિરબલ જેવી જ, બેટીઝ બ્રેઇન નામનું એક એનિમેટેડ પાત્ર બનાવ્યું હતું, જેને માધ્યમિક શાળાના સેંકડો વિધાર્થીઓ પર્યાવરણીય વિજ્ઞાન શીખવાડતા હતા. આમ તો તે વર્ચુઅલ શિક્ષણ હતું, પરંતુ તે પ્રક્રિયામાં વિધાર્થીઓની સમજણ અને યાદશક્તિમાં ખૂબ સુધારો થયો હતો. બેટીઝ બ્રેઇન પર 2009માં જર્નલ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બેટીઝને સૂચનાઓ આપવામાં રોકાયેલા વિદ્યાર્થીઓનું ખુદનું શિક્ષણ સુધર્યું હતું.
તેને પ્રોતેજ ઈફેક્ટ કહે છે – પ્રોતેજ એટલે વડીલ અથવા રક્ષક હોવાની અસર. તમને જ્યારે ખબર પડે કે તમારે કોઈક વિષય કોઈકને ભણવાનો છે ત્યારે, તમે જાત માટે ભણતાં હો તેની સરખામણીમાં, બીજાને ભણાવવા માટે એ વિષયમાં વધુ મહેનત કરો છો. એ પ્રક્રિયામાં તેમનું જ્ઞાન વધુ મજબૂત થાય છે. ટૂંકમાં, ક્લાસરૂમમાં માત્ર વિધાર્થી જ હોંશિયાર નથી થતો, શિક્ષકનું જ્ઞાન પણ વધે છે.
તમે જે જાણતા હો તે બીજાને શીખવાડવાનું હોય, ત્યારે તમારે તેના વિશે અલગ રીતે વિચારવું પડે છે. તે તમને તમે જે શીખ્યા છો તે વધુ સારી રીતે યાદ રાખવામાં અને તેને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. દાખલા તરીકે, એક પ્રોફેસરને બાળમંદિરમાં ભણાવાનું આવે તો, તેણે બાળ મનના સ્તરે આવીને સમજાવવું પડે. તેનાથી તેના જ્ઞાનની જટિલતા વધુ સરળ અને સુબોધ બને છે.
જ્યારે તમે કોઈને કંઈક શીખવો છો, ત્યારે તમારે તેને તમારા પોતાના શબ્દોમાં મૂકવું પડે. તેનાથી તે વાત તમારા મગજમાં દૃઢ રીતે બેસી જાય છે અને પછીથી તેને યાદ રાખવાનું સરળ બને છે. જ્યારે તમે બીજાને કંઈક સમજાવો છો, ત્યારે તમને ઘણીવાર તમારી પોતાની સમજણમાં અંતર જોવા મળે છે. પછી તમે વધુ સંશોધન અથવા અભ્યાસ કરીને તે અંતરને ભરો છો.
માટીકામના એક શિક્ષકે તેના ક્લાસને બે ભાગમાં વહેંચી નાખ્યો. એક જૂથને તેણે કહ્યું કે, “તમારે આ સત્રમાં માટીકામ, આયોજન, ડિઝાઈન અને એક પરફેક્ટ વાસણ બનાવવાનું છે. સત્રના અંતે કોનું વાસણ શ્રેષ્ઠ છે તેની હરીફાઈ થશે.”
બીજા જૂથને શિક્ષકે કહ્યું, “તમે આ સત્ર બહુ બધાં વાસણો બનાવવાનું કામ કરશો. કોણ વધુ વાસણો બનાવે છે તેના પર સત્રના અંતે માર્ક્સ મળશે અને તમારા શ્રેષ્ઠ વાસણને હરીફાઈમાં મુકવાની તક મળશે.”
પહેલું જૂથ એક શ્રેષ્ઠ વાસણ કેવી રીતે બને તેનો અભ્યાસ કરવામાં અને અને ઉત્તમ ડિઝાઈન બનાવામાં વ્યસ્ત થઇ ગયું.
બીજું જૂથ ફટાફટ બહુ બધી માટી લઇ આવીને નાનાં-મોટાં, સાદાં-જટિલ વાસણો બનાવવા લાગી ગયું. અનેક અઠવાડિયા સુધી મહેનત કરીને તેમના હાથ પણ તાકાતવર થઇ ગયા. સત્રના અંતે, બંને જૂથો પોત પોતાનાં શ્રેષ્ઠ વાસણો લઈને હરીફાઈમાં આવ્યાં. છેલ્લે, પરિણામ જાહેર થયું ત્યારે જે છોકરાઓને બહુ બધાં વાસણો બનાવાની પ્રેક્ટિસ કરી હતી તેમનાં વાસણો વધુ સારાં સાબિત થયાં, જ્યારે જેમણે એક શ્રેષ્ઠ વાસણ બનાવવા માટે આયોજન કર્યું હતું તેમનું વાસણ ઉતરતું સાબિત થયું.
આનો સાર એટલો કે જીવનમાં કોઈ કુશળતા હાંસલ કરવી હોય તો બહુ બધાં વાસણો બનાવવાં. ‘ઢ’ ફિલ્મમાં ત્રણ દોસ્તારોએ બિરબલને બહુ બધું ભણાવીને જ કુશળતા હાંસલ કરી હતી.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 04 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર