તમને ખબર છે ભારતમાં (2015ના આંકડા પ્રમાણે) 5 લાખ ભીખારીઓ છે અને તેમાં 3 લાખ બાળકો છે? તમને ખબર છે ભારતમાં ભીખ માંગવી તે અપરાધ છે પણ નિર્ધનતાને દૂર કરવા માટે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી? તમને ખબર છે ભારતમાં મોટા ભાગના લોકો એવું માને છે કે બાળકો અને લૂલાં-લંગડાં લોકો પાસે ભીખ મંગાવા પાછળ આપરાધિક નેટવર્ક કામ કરે છે?
ભારતના લોકોમાં દાન-પુણ્યની વૃત્તિ ઘણી મજબૂત છે, પરંતુ ભીખ માંગતાં લોકોને વાત આવે ત્યારે મોટાભાગમાં લોકો તેમને શરમનું પ્રતિક ગણીને ભીખ આપવાથી કતરાતા હોય છે. લોકો એવું માનતા હોય છે તેમને પૈસા આપીશું તો કાં તો તે ગુંડાઓના હાથમાં જશે અથવા દારૂમાં ઉડાવી દેશે. ત્યાં સુધી કે તેમને નિરાધાર ગણવાને બદલે ધંધાદારી ભિખારી ગણવામાં આવે છે.
બેઘર લોકોના પુનર્વસન માટે કામ કરતાં આશ્રય અધિકાર અભિયાન જેવાં સંગઠનોએ એવો દાવો કર્યો હોવા છતાં કે ભારતમાં સાચે જ મોટા પ્રમાણમાં બેઘર અને નિરાધાર લોકોની સમસ્યા છે, સામાન્ય લોકોમાં એવી ધારણા યથાવત છે કે આ ગરીબી નકલી છે. આ કારણથી જ ભારતમાં ભીખારીઓની, અને ખાસ કરીને બાળ ભીખારીઓની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ઓસ્કાર વિજેતા “સ્લમડોગ મિલિયોનેર”માં પણ એ જ વાત હતી કે કેવી રીતે બાળકો પર અત્યાચાર કરીને તેમની પાસે ભીખ મંગાવામાં આવે છે.
70 વર્ષ પહેલાં, 1954માં, ફિલ્મ નિર્માતા-નિર્દેશક રાજ કપૂરે ભીખારીઓ અંગેના આવા પ્રચલિત ભ્રમથી વિચલિત થઈને “બૂટ પોલિશ” નામની એક હૃદયસ્પર્શી ફિલ્મનું નિર્માણ કર્યું હતું. અભિનેતા અને નિર્દેશકના રૂપમાં રાજજી દેશના સળગતા સામાજિક મુદ્દાઓ અંગે કેટલા જાગૃત હતા તે તેમની અનેક ફિલ્મોમાં જોવા મળે છે, પણ તેમણે નિર્માતા તરીકે પણ એવી ફિલ્મોમાં પૈસા રોક્યા હતા જેમાં સમાજ ઉપયોગી વાત હોય.
“બૂટ પોલિશ” એવી જ એક ફિલ્મ હતી. આર.કે. ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને પ્રકાશ અરોરા દ્વારા નિર્દેશિત “બૂટ પોલિશ,” રાજ કપૂર માટે એક વિશેષ ફિલ્મ હતી તેની સાબિતી ફિલ્મની ક્રેડિટ પરથી ખબર પડે છે. “બૂટ પોલિશ”નો ઉઘાડ દૂર આકાશમાં સૂર્યોદય તરફ હાથ લાંબા કરીને ઉભેલાં બે બાળકોથી થાય છે અને પછી તેમની પર ક્રેડિટ રીલ આવે છે; બેબી નાઝ, રતન કુમાર એન્ડ ડેવિડ. ફિલ્મના આ ત્રણ પ્રમુખ પાત્રો માટે સૂર્યોદય એક ઉત્તમ ભવિષ્યનું પ્રતિક છે.
ભોલા (રતન કુમાર) અને બેલૂ (નાઝ) અનાથ ભાઈ-બહેનો છે, જે તેમની દુષ્ટ કાકી કમલા(ચંદ બુર્કે)ના આશરે રહે છે. કાકી વેશ્યાવૃતિ કરે છે અને બાળકો પાસે ભીખ મંગાવે છે. ભોલાને ખબર છે કે જીવનમાં ભીખ માંગવા સિવાય પણ ઘણું છે. તે ટ્રેનમાં આવતા-જતા લોકોનાં જૂતાંની ચમક જોઇને, બૂટ પોલિશનું કામ કરવાનું સપનું સેવે છે.
આ સમય દરમિયાન, બંનેની ઓળખાણ મહોલ્લાના બૂટલેગર જ્હોન ચાચા (ડેવિડ) સાથે થાય છે. જ્હોન તેમને ભીખ માંગવાની દુષ્ટતાથી વાકેફ કરે છે. આ પછી, ભોલો નક્કી કરે છે કે તે ભીખ નહીં માંગે અને લોકોનાં જૂતાં ચમકાવીને પેટ ભરશે. ભોલા અને બેલુ પૈસા એકઠા કરીને બૂટ પોલિશની પેટી વસાવે છે. તે વખતે બંને ભાઈ-બહેન વચ્ચેનો સંવાદ સાંભળવા જેવો છે;
ભોલા: આજ સે અપના હિન્દુસ્તાન આઝાદ હોતા હૈ, ભીખ માંગના બંધ.
બેલૂ: કામ કરના ચાલુ.
ભોલા: મહાત્મા ગાંધી કી જય.
બેલૂ: જવાહર લાલ નહેરુ કી જય.
ભોલા: દેખના બેલૂ, આજ સે મૈં કિતને પૈસે રોજ કમાતા હૂં!
બેલૂ: ફિર તુ મુજે બેર લા દેગા ન?
ભોલા: અરે બેર હી નહીં, ફિર મૈં તુજે ફ્રાક ભી લા દૂંગા
બેલૂ: લાલ વાલી ફ્રાક!
ફિલ્મ સંદેશ આપે છે કે ભીખ માંગવી નિંદનીય કૃત્ય છે અને જે દિવસે ભારત ભૂખમરો, ગરીબી અને બેરોજગારીથી મુક્ત થશે, તે દિવસ સાચા અર્થમાં આઝાદીનો દિવસ હશે. એવામાં ચોમાસું આવે છે અને લોકો બૂટ પોલિશ કરાવવાનું બંધ કરી દે છે. ભોલાનું આઝાદીનું સપનું રોળાઈ જાય છે.
બીજી બાજુ, પોલીસ ગેરકાયદેસર દારૂના ધંધા માટે જ્હોનની ધરપકડ કરે છે. અહીં, ભોલા અને બેલૂ ખાવા માટે તરસે છે. ભાઈ-બહેનો પર દુઃખનો પહાડ તૂટી પડે છે અને તેઓ રેલવે સ્ટેશન પર એકબીજાથી અલગ થઈ જાય છે. એક નિઃસંતાન દંપતી ટ્રેનમાં બેલૂને બેભાન અવસ્થામાં જુએ છે અને તેને દત્તક લે છે.
બેલૂ ભણવાનું શરૂ કરે છે. તે એમ માને છે કે ભોલો હવે આ દુનિયામાં નથી. બીજી બાજુ, બેલૂથી વિખુટો પડેલો ભોલો જીવતા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તે કામ માંગે છે પરંતુ કોઈ તેને કામ આપતું નથી અને છેવટે તેને ફરીથી ભીખ માંગવાની ફરજ પડે છે.
ફિલ્મ તેના પરાકાષ્ઠાએ પહોંચે છે. ભોલા સ્ટેશન પર ભીખ માંગે છે આ વાતથી અજાણ, બેલૂ તેને પૈસા આપવા હાથ લાંબો કરે છે અને જુવે છે તે બીજો કોઈ નહીં પણ તેનો વ્હાલો ભાઈ ભોલા છે. આ દૃશ્ય ખૂબ જ માર્મિક છે. દર્શકોને એવું લાગે છે કે બાળકોની આવી સ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક તેઓ બધા દોષી છીએ.
છેવટે બંને ભાઈ-બહેન ભેગાં થાય છે. પેલું દંપતી ભોલાને પણ દત્તક લે છે અને અંતે, બંને ભાઈ-બહેન શાળાએ જતાં હોય તેવા દૃશ્ય સાથે ફિલ્મ પૂરી થાય છે. એમાં સંદેશ એવો હોય છે કે બાળકોના કોમળ હાથ ભીખ માંગવા માટે નહીં, પરંતુ પુસ્તકો પકડવા માટે છે.
ફિલ્મનું કથાનક જેટલું આશાવંત હતું, તેનાં ગીતોમાં પણ એવો જ આશાવાદ ભરેલો હતો. ફિલ્મમાં શંકર જયકિશનનું સંગીત હતું અને હસરત જયપૂરી તેમ જ શૈલેન્દ્રએ ગીત લખ્યાં હતાં. તેમાં મહોમ્મદ રફી અને આશા ભોંસલેનું એક આજે પણ એટલું જ લોકપ્રિય છે. તેના શબ્દો ઘણાં માર્મિક હતા;
નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ?
મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી
હમને કિસ્મત કો બસ મેં કિયા હૈ
ભોલી ભાલી મતવાલી આંખો મેં ક્યા હૈ?
આંખો મેં ઝૂમે ઉમ્મીદો કી દિવાલી
આનેવાલી દુનિયા કા સપના સજા હૈ
“બૂટ પોલિશ” ભૂખમરી જેવા નકારાત્મક વિષય પર હતી, પરંતુ તેનો ઉદેશ પ્રેરણાદાયી હતો. આ ગીતમાં જે સંદેશ હતો તેમ, બાળકોની આંખોમાં ઉદાસીને બદલે સપનાં હોવાં જોઈએ, તેમના હાથમાં મજૂરીનાં સાધન નહીં, કલમ હોવી જોઈએ, પણ ભારતીય સમાજની સમાનતા અને ઉદાસીનતા તેમને ભીખ માંગવા માટે મજબૂર કરી દે છે.
“બૂટ પોલિશ” રિલીઝ થઇ ત્યારે “મેં કેમ આ ફિલ્મ બનાવી” તેવા એક અખબારી લેખમાં રાજ કપૂરે લખ્યું હતું, “’આવારા’ ફિલ્મમાં મેં એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે લોકો જન્મથી બેઘર નથી હોતા, પરંતુ આપણા આધુનિક શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં, ભયંકર ગરીબી અને ખરાબ વાતાવરણમાં તે પેદા થાય છે. ‘બૂટ પોલિશ’ નિરાધાર બાળકોની સમસ્યા, અસ્તિત્વ માટેના તેમના સંઘર્ષ અને સંગઠિત ભિક્ષાવૃતિ સામેના તેમના સંઘર્ષને દર્શાવે છે. આ ફિલ્મનો હેતુ દર્શકોને એ સમજવાનો હતો કે અનાથ બાળકોની જેટલી જવાબદારી સરકારની છે તેટલી જ સમાજની પણ છે. વ્યક્તિગત દાન આ સમસ્યાનું સમાધાન નહીં કરે કારણ કે તેનો એકમાત્ર ઉકેલ રાષ્ટ્રીય સ્તરે સહકારી પ્રયાસ છે.”
(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 24 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર