
રાજ ગોસ્વામી
રાજેશ ખન્નાની બે ફિલ્મો, ખામોશી (1969) અને સફર(1970)ની વાત એક સાથે કરવી પડે તેનું એક કારણ તો એ છે કે બંને ફિલ્મો બંગાળી ફિલ્મોની રીમેક છે (ખન્નાની અમુક સંવેદનશીલ ફિલ્મો મૂળ બંગાળી વાર્તાઓમાંથી આવી છે તે વાત નોંધવા જેવી છે) અને બંનેના નિર્દેશક આસિત સેન હતા. બીજી રસપ્રદ વાત એ છે કે બંને ફિલ્મો મેડિકલ વ્યવસાય સબંધિત હતી અને નાયિકા પ્રધાન હતી. ‘ખામોશી’માં વહીદા રહેમાને હોસ્પિટલની નર્સની ભૂમિકા કરી હતી, જ્યારે ‘સફર’માં શર્મિલા ટાગોરે સર્જન ડોકટરની ભૂમિકા ભજવી હતી. બંને ફિલ્મોમાં ખન્નાએ અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીની ભૂમિકા નિભાવી હતી.
મોટા હીરો પડદા પર તેમની ઈમેજ અને હાજરીને લઈને બહુ અસલામતી અનુભવતા હોય છે અને દરેક દૃશ્યમાં કેમેરા તેમની પર જ રહે તેવો આગ્રહ સેવતા હોય છે, પરંતુ ખન્ના માટે એ સિદ્ધિ કહેવાય કે તે તેની લોકપ્રિયતાની ટોચે હતો ત્યારે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં નાયિકાની મુખ્ય ભૂમિકા હોય. ‘ખામોશી’ અને ‘સફર’ તેની ગવાહ છે. એ ઉપરાંત, ‘કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’માં નાયિકાઓ, આશા પારેખ અને શર્મિલા ટાગોરની આસપાસ કહાની ફરતી હતી.
અગાઉ આપણે ‘સફર’ ફિલ્મની વાત કરી હતી. આજે ‘ખામોશી’ની કરીએ. આ ફિલ્મ, જાણીતા બંગાળી લેખક આશુતોષ મુખર્જીની વાર્તા ‘નર્સ મિત્રા’ પરથી અસિત સેને બંગાળીમાં નિર્દેશિત કરેલી ફિલ્મ ‘દીપ જવલે જાઈ’થી પ્રેરિત હતી. બંગાળીમાં સુચિત્રા સેને નર્સની ભૂમિકા કરી હતી અને ફિલ્મને બંગાળી ચાહકોનો બહુ પ્રેમ મળ્યો હતો.
ફિલ્મમાં નર્સ રાધા(વહીદા)ને તીવ્ર ઉન્માદથી પીડિત કવિ અરુણ ચૌધરી(ખન્ના)ની સારવાર કરતી બતાવાઈ છે. એમાં બંને એકબીજાના અતીતની વાતો કરે છે. એમાં અરુણ રાધાને ચાહવા લાગે છે, પણ રાધા અરુણમાં તેના અગાઉના પ્રેમી દેવ(ધર્મેન્દ્ર)ને જુવે છે અને એમાંને એમાં ડિપ્રેશનનો ભોગ બને છે. છેલ્લે, રાધા એ જ વોર્ડમાં દર્દી બનીને પટકાય છે, જ્યાં તેણે દેવ અને પછી અરુણની સારવાર કરી હતી.
એક વ્યવસાયિક નર્સ અને ઋજુ હૃદયની એક સ્ત્રીની લાગણીઓ વચ્ચે સંઘર્ષ કરતી રાધાનું પાત્ર ભૂમિકા વહીદા રહેમાનની કારકિર્દીની યાદગાર ભૂમિકા છે. એક ઇન્ટરવ્યૂમાં વહીદાએ કહ્યું હતું, “બે દર્દીઓના પ્રેમમાં પડતી નર્સની ભૂમિકામાં હું ભાવનાત્મક રીતે એટલી જોડાયેલી હતી કે મારી પર તેની ગહેરી અસર થઇ હતી. એમાં સૌથી મુશ્કેલ દૃશ્ય એ હતું જ્યાં રાજેશ ખન્ના દરવાજા પર હાથ પછાડીને તેને ખોલવાનું કહે છે, પણ રાધા પોતાની જાતને કાબૂમાં રાખવા માટે મૌન રહે છે. ડૉક્ટરે તેને પહેલેથી જ ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે દર્દીઓ સાથે ઘનિષ્ઠ નહીં થવાનું, પરંતુ અંદરથી તે જાણે છે કે તે અરુણને ચાહે છે પણ તે વ્યક્ત કરી શકતી નથી. એ મૌન સંઘર્ષ બહુ મુશ્કેલ હતો.”
‘ખામોશી’નું યાદગાર પાસું તેનું સંગીત હતું. ફિલ્મના નિર્માતા અને સંગીતકાર હેમંતકુમાર અને ગુલઝારે પાંચ અવિસ્મરણીય ગીતો આપ્યાં હતાં; તુમ પુકાર લો .. .તુમ્હારા ઈન્તેજાર હૈ, વોહ શામ કુછ અજીબ થી, હમને દેખી હૈ ઇન આંખો કી મહેકતી ખુશ્બૂ, આજ કી રાત ચિરાગ અને દોસ્ત કહાં કોઈ તુમસા.
એમાં કિશોર કુમારના અવાજમાં ‘વોહ શામ કુછ અજીબ થી’ ગીત તો તેનાં સર્વશ્રેષ્ઠ ગીતોમાં સામેલ થાય છે. કિશોરે એકવાર તેના ગમતાં ગીતોમાં આ ગીતને સામેલ કર્યું હતું. હિન્દી ફિલ્મ ગીતોનાં સર્જન પાછળનો ઇતિહાસ લખનાર બાલાજી વિઠ્ઠલ અને અનિરુદ્ધ ભટ્ટાચાર્જી ‘ગાતા રહે મેરા દિલ’ નામના પુસ્તકમાં ‘ખામોશી’ના ગીત પાછળની દિલચસ્પ કહાની વર્ણવે છે :
ગુલઝાર એ દિવસને યાદ કરીને કહે છે હેમંત’દા મ્યુઝીક રૂમમાં અડધા આડા પડેલા હતા. એક હાથ હારમોનિયમ પર હતો, અને પગ લંબાયેલા હતા. એ બહુ ઊંચા હતા. દાદા ખાસ્સા સમયથી આ રીતે જ બેઠા હતા. વચ્ચે વચ્ચે છીંકણીની ચપટી ભરીને નાકમાં ખેંચે, અને ધોતીના છેડે આંગળીઓ સાફ કરે. પણ કોઈ ધૂન બનતી ના હતી. મને એ કહે, “કુછ બોલ દો. કુછ બન નહીં રહા હૈ.”
“સ્ક્રીપ્ટ મેં જ લખી હતી, એટલે મને ખબર હતી કે કિરદાર (અરુણ ચૌધરી) શું વિચારતો હશે. એમાંથી એક લાઈન આવી ,”વોહ શામ કુછ અજીબ થી, યે શામ ભી અજીબ હૈ. વોહ કલ ભી પાસ પાસ થી, વોહ આજ ભી કરીબ હૈ.” એ કોઈકની સાથે છે, પણ યાદ એને કરે છે જે હવે નથી. દાદાએ લાઈનો લખીને ધૂન બનાવાનું શરૂ કર્યું.
“મુખડુ બનાવીને દાદાએ અંતરા માટે ધૂન બનાવી, કારણ કે બંને એકબીજાના પૂરક હતા. એ પછી મેં અંતરાની ધૂન પરથી શબ્દો બનાવ્યા. આવું બહુ બનતું. સંગીતકાર મને મુખડા માટે ધૂન આપે, અને કહે કે અંતરાને પછી કમ્પોઝ કરીશું. પણ હું મુખડું લખતો હોઉં તો અંતરાની લાઈન પણ મનમાં આવતી. આવું રીવર્સિંગ થયા કરે, પણ અંતે બધું સમુસૂતરું પાર પડે,” ગુલઝાર કહે છે.
બાલાજી વિઠ્ઠલ અને અનિરુદ્ધ ભટ્ટાચાર્જી લખે છે, આ ગીત કલકત્તામાં હુગલી નદી પર ફિલ્માવાયું હતું. પાછળ કોઈ જ બેકડ્રોપ ન હતું. શુટિંગ જોવા માટે લોકો પણ બહુ ભેગા થયા હતા. આ ગીતને કિશોર કુમાર પાસે ગવડાવવાની દૂરંદેશી હેમંત’દાની હતી. કિશોર ત્યારે એક્ટિંગમાંથી સિંગિંગમાં શિફ્ટ થઇ રહ્યો હતો, અને મોટાભાગના કમ્પોઝરોને એના ગાયનમાં બહુ ભરોસો ન હતો. કિશોર ત્યારે ફાસ્ટ ગીતો ગાવા માટે જ જાણીતો હતો. ગુલઝાર કહે છે, “કિશોર પાસે ગવડાવાનો નિર્ણય મ્યુઝીક ડીરેક્ટર અને ફિલ્મ ડીરેક્ટરનો હતો, હું એમાં ન હતો.”
‘વોહ શામ…’ની શરૂઆત હુગલીનાં પાણી લાકડાની બોટમાં અથડાતાં હોય ત્યાંથી થાય છે. કિશોરની મીટર વગરની પહેલી બે લાઈન પછી કોરસની જે ગુનગુનાહટ છે, એની પીચમાં કોઈ ભજન-મંડળી જેવી સૂર છે. ગીતના મુખડામાંથી જ એક સરસ ઉષ્મા પ્રસરે છે. બે અંતરા પછી હરિપ્રસાદ ચૌરસિયા આપણને વાંસળીવાદનમાં લઇ જાય છે.
કેમેરા પણ જાણે લયને વધુ જગ્યા આપતો હોય તેમ પાછળ ખસે છે, અને દૃશ્યને પહોળું કરે છે. ગીતમાં બે જગ્યાએ મુખ્ય કિરદારનાં (રાજેશ ખન્ના અને વહીદા રહેમાન) રીએક્શન ટીપિકલ ગુલઝાર સ્ટાઈલમાં ફ્લેશબેક દ્વારા એકબીજામાં જકસ્ટાપોઝ થાય છે. રાધા જ્યારે એક સાંજે દેવ (ધર્મેન્દ્ર) સાથે હતી તે યાદ કરે છે. અરુણ, જે રાધાના કારણે પાગલપણની ખીણમાંથી બહાર આવ્યો છે, એનો હાથ પકડવા જાય છે, અને રાધા એને દૂર રોકી રાખે છે. ત્યારે જ …
‘યે શામ …’ અને હુગલીનું ઊછળતું પાણી રાધાના ચહેરાને ભીનો કરે છે
‘વોહ શામ …’ અને રાધાનું મન દેવને યાદ કરે છે, જેણે ગુસ્સામાં શરાબ એના ચહેરા પર ફેંક્યો હતો.
‘યે શા મ…’ અને હાવરા બ્રીજ નીચે પસાર થતી બોટમાં દેવને યાદ કરતી રાધા અરુણની બાંહોમાં ઢળે છે.
‘વોહ શામ …’ અને ગીતના અંતે રાધા ‘દેવ’ નામ બોલે છે.
‘યે શામ …’ અને એ વર્તમાનમાં આંખ ખોલીને પોતાને અરુણની બાંહોમાં જુવે છે.
ગીતમાં પણ આગળ-પાછળનું આવું કટિંગ મસ્ત ચાલે છે. ગુલઝાર શ્રોતાઓને ‘ઝુકી હુઈ નિગાહ મેં કહી મેરા ખયાલ થા …’માંથી ‘મેં સોચતા થા મેરા નામ ગુનગુના રહી હી વો …’માં લઇ જાય છે. રાધા એના ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝોલાં ખાય છે, ત્યારે પહેલા અંતરામાં ‘મેં સોચતા થા મેરા નામ …’નો ભાવ બીજા અંતરામાં ‘મેં જાનતા હું મેરા નામ ગુનગુના રહી હી વો …’માં તબદીલ થઇ જાય છે.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 31 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર