આજે ગાંધીનિર્વાણ દિન છે. હું ત્યારે ૮ વર્ષનો હતો. તે સાંજે એક શોકગીત દેશ આખામાં ગુંજેલું —દીવડો બુઝાયો … દીવડો બુઝાયો … અમારી ખડકીની વડીલ સ્ત્રીઓ રડતી’તી, એ જોઈને હું પણ રડી પડેલો. ગાંધીના છેલ્લા શબ્દો હતા, હે રામ … તાજેતરમાં અયોધ્યામાં રામમન્દિરમાં રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ – લાખો દીવડા પ્રગટ્યા. કહે છે, ‘એ.આઈ.’-ના ઑલ્ગોરીધમે રામને સ્મિત કરતા પણ દર્શાવ્યા. ઘણા પ્રજાજનોને દેશ એ એક તન્તુથી સુગઠિત થયો અનુભવાયો.
આ વર્ષે ભારત અને અમેરિકામાં ચૂંટણીઓ થવાની છે, પણ એ પહેલાં, એ દેશોમાં લોકશાહી છે છતાંપણ, પ્રજાને પરિણામો મળી ગયાં છે, ભા.જ.પ. જીતશે, અમેરિકામાં અત્યારે કહેવાઈ રહ્યું છે, ટ્રમ્પ રીટર્ન્સ અને સૂત્ર ચમકી રહ્યું છે —મેક અમેરિકા ગ્રેટ અગેઇન. રાજાશાહીના જમાનામાં પણ રાજા માંદોસાજો હોય કે રાણીવાસમાં વિલાસરત હોય, ત્યારે કહેવાતું કે આપણા આ કુંવર કે ફલાણા પ્રધાન રાજા થશે. આમાં, ચૂંટણીતન્ત્રથી મળતા મત અને ચૂંટણી થતાં પહેલાં ઘડાતો રહેતો લોકમત – બન્ને વચ્ચે ભેદ છે. પહેલામાં સત્ય છે, બીજામાં અનુસત્ય, શક્ય છે કે ક્યારેક બન્નેની ભેળસેળ પણ જોવા મળે.
યેમેન પછી સંસારમાં બે યુદ્ધ ચાલુ છે, જેમાં લાખો મનુષ્યો મરાયાં છે. ઇઝરાઇલ-હમાસ વૉરમાં ૨૫ હજારથી વધુ પૅલેસ્ટિનવાસીઓ અને ઇઝરાઇલવાસી ૧,૪૦૦ થી વધુ મરાયા છે. રશિયા-યુક્રેઇન વૉરમાં બન્નેના થઈને ૧ લાખથી વધુ મરાયા છે. લાખો લોકો વતન છોડીને ભાગી ગયા છે. ૪ મિલિયન લોકો યુક્રેઇનમાં અહીંતહીં ભટકી રહ્યા છે, વિદેશોમાં ૬ મિલિયન જનો શરણાર્થી રૂપે જીવી રહ્યા છે.
લોકશાહીમાં મત કરતાં મતદારની માનસિકતા વધારે નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે. એ માનસિકતાને પ્રતાપે ઉમેદવારની અને નેતાની પોઝિશન નક્કી થતી હોય છે. એ રાષ્ટ્રભક્ત અને લોકપ્રિય લાગવા માંડે છે. પ્રજાને સમજાય છે કે આ આપણો હિતરક્ષક છે અને જરૂર પડશે તો ભાગલાવાદી થતાં ખચકાશે નહીં. આમાં પણ દેશભક્તિ અને નેતાભક્તિની ભેળસેળ હોય છે. આમાં પણ સત્ય અને અનુસત્ય એકમેકમાં સંતાકૂકડી રમતાં હોય છે.
ગ્લોબલ ઇન્ફ્લેશન – વૈશ્વિક ફુગાવો – અપૂર્વ ઊંચાઈએ પ્હૉંચ્યો છે. ગ્લોબલ ડેટ – વૈશ્વિક ઋણ – ૨૦૨૨માં ૯ર ટ્રિલિયન ડૉલર્સે પ્હૉંચ્યું છે.
ઇથિયોપિયા, કેન્યા અને સોમાલિયામાં ગરીબી અને ભૂખમરો ઘટતાં નથી. લોક સ્થળાંતર કરી રહ્યાં છે. વધારામાં, ક્લાઇમેટ ચેન્જને કારણે દુર્દશા ઘેરી બનતી જાય છે. સ્વાસ્થ્યરક્ષા અને કેળવણી અશક્ય દીસે છે. હવામાનમાં અતિ કહેવાય એવાં જાતભાતનાં નામધારી સ્ટૉર્મ્સ, હીટવેવ્ઝ, વગેરે ઘટનાઓ ઘટી રહી છે. દુકાળ, નદીઓમાં પૂર, ધરતીકમ્પ તો ખરાં જ. એથી, જનજીવન માટે સુસ્થિર હતી એ વ્યવસ્થાઓ વેરવિખેર થઈ ગઈ છે. કોરોનાને કારણે લૉકડાઉન્સ થયા, ટ્રાવેલ્સ રીસ્ટ્રિક્ટેડ થઇ, પરિણામે સપ્લાય ચેઇન ખોરવાઇ ગઈ. અમેરિકા જેવા અમેરિકામાં એક મહિનામાં મળતું ફર્નિચર ચાર ચાર મહિને મળવા લાગ્યું. યુદ્ધોને કારણે ગ્લોબલ ફૂડ અને ઍનર્જી સપ્લાયની લાઇનો પણ ખોરવાઇ ગઇ છે.
ધર્મસમ્મત ગણાતી આતંકવાદ જેવી મહામારીને કારણે એક તરફ ધર્મઝનૂન અને નિર્દોષોની હત્યા, તો બીજી તરફ, દમ્ભી આત્મસંરક્ષક રાષ્ટ્રવાદ વકરી રહ્યાં છે. કૉન્ગો, દક્ષિણ સુદાન કે મ્યનમારમાં પ્રાદેશિક ઘર્ષણો વધી રહ્યાં છે.
ટૂંકમાં, એક વિકરાળ સ્વરૂપની માનવવિષયક કટોકટીમાંથી વિશ્વ આજે પસાર થઈ રહ્યું છે. માનવજાત કટોકટીભર્યા વિશ્વમાં શ્વસી રહી છે.
પણ આપણે ક્યાં છીએ, ગુજરાતી સાહિત્યકારો ?
હજી એમ વિચારીને હીંચકે ઝૂલ્યા કરતા સારસ્વતમિત્રો છે આપણી વચ્ચે, કે – આમાં આપણે શું, આપણે તો શબ્દસાધકો છીએ, દુનિયા તો યુગોથી એમ જ ચાલતી આવી છે, ને ચાલ્યા કરશે …
પરન્તુ વિશ્વના ડાહ્યા ચિન્તકો દાર્શનિકો ફિલસૂફો આ વૈશ્વિક કટોકટી વિશે ખાસ્સું ચિન્તવી રહ્યા છે.
એમાં, માનવવાદ પછી તાજેતરમાં વિકસેલી બે વિભાવનાઓ મહત્તાપૂર્ણ છે – ટ્રાન્સહ્યુમેનિઝમ અને પોસ્ટહ્યુમેનિઝમ, ઉત્તર-માનવવાદ અને અનુ-માનવવાદ.
વિભિન્ન વિદ્યાશાખાઓ વચ્ચેના આદાનપ્રદાનને કારણે આજે માનવ અને ટૅક્નોલૉજિ સામસામે આવી ગયાં છે. આજે ‘એ.આઈ.’, જેનેટિક ઍન્જિનીયરિન્ગ, બ્રેઇન અને કમ્પ્યુટર વચ્ચેનું ઇન્ટરફેસિન્ગ, વગેરેથી વિશ્વ જુદી જ ગતમાં ચાલી રહ્યું છે. એવા અતિઝડપે વિકસી રહેલા વર્તમાનમાં ચિન્તકોને પ્રશ્ન થયો છે કે – માણસ હોવાનો અર્થ શો છે?
હવેના સમયમાં વિચારવું પડશે કે — મનને અપલોડ કરવા માટે આપણી પાસે શી નૈતિક વિચારધારાઓ હશે? — બિન-જૈવિક એકમોમાં ચેતનાનું શું સ્વરૂપ હશે? — આમૂલ માનવીય વિકાસ માટે શી સંભવિતતાઓ બચી હશે?
એમાં, હવે વાસ્તવિકતા વિશે જુદું જ વિચારાઈ રહ્યું છે : વાસ્તવિકતાને વિશેની પરમ્પરાગત અવધારણાઓને પડકારતી એક વિચારધારા આકાર લઈ રહી છે, જેને ‘સ્પેક્યુલેટિવ રીયાલિઝમ’ કહેવાય છે. આપણાં ચિત્તથી અને આપણાં અર્થઘટનોથી મુક્ત વસ્તુપદાર્થો – ઑબ્જેક્ટ્સ – વિશે હવે આપણે કશી શોધખોળ કરીશું ખરા? આ વિચારણા આપણને અસ્તિત્વના સ્વરૂપ વિશે, વસ્તુઓ સાથેના સમ્બન્ધો-અનુબન્ધો વિશે તેમ જ માનવીય જ્ઞાનની મર્યાદાઓ વિશે વિચારવાની ફરજ પાડે છે.
એમાં, કૉગ્નિટિવ સાયન્સ તેમ જ ફિલોસોૉફી ઑફ માઇન્ડ પણ છે. એથી આપણને માનવીય મગજ વિશે અવનવી સમજદારી મળી રહી છે. એથી હવે ચેતના, મુક્ત ઇચ્છા અને વિચારની પ્રકૃતિ વિશેના ચિન્તનનો પુનર્વિચાર શરૂ થયો છે. ઍમ્બૉડિમૅન્ટ માટે પણ નવેસરથી વિચારાઇ રહ્યું છે.
ઍમ્બૉડિમૅન્ટ એટલે શું? સત્તાપરક સમ્બન્ધોને શબ્દાકૃત કરનારી, જ્ઞાનપરક પ્રક્રિયાઓને ઘડનારી, વગેરે, અનેક વિચારધારાઓ હોય છે. કેટલીક વિચારધારાઓ અમુકતમુક મૂલ્યોની તરફદારી કરતી હોય છે – દાખલા તરીકે, સમાનતા, ન્યાય, પ્રગતિ જેવાં મૂલ્યો. એ મૂલ્યોને દેહ અર્પવો, એટલે કે તેને મૂર્ત કરવાં – ટુ મેક રીયલ, એને ઍમ્બૉડિમૅન્ટ કહેવાય. એ માટે વિધિવિધાન અને કર્મકાણ્ડ રચવાં, પ્રતીકો ઊભાં કરવાં, વગેરે આનુષંગિક વ્યવસાયો પણ ઍમ્બૉડિમૅન્ટનો જ ભાગ છે.
(ક્રમશ:)
(01/30/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર