ભારતની સર્વોચ્ચ અદાલતે, ભાષામાંથી લૈંગિક રૂઢિપ્રયોગો (જેન્ડર સ્ટીરિયોટાઈપ્સ) દૂર કરવા એક હેન્ડબૂક જારી કરી છે. તેમાં સ્ત્રીઓ સંબંધી એવા શબ્દોની સૂચિ છે, જે આપણી આમ ભાષામાં સામાન્ય થઇ ગયા છે અને જે કાનૂનની ભાષામાં પણ જોવા મળે છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડે આ હેન્ડબૂકનું વિમોચન કરતાં કહ્યું હતું કે, “મેં એવા આદેશ જોયા છે જેમાં મહિલાઓ માટે ચોર, રખાત જેવા શબ્દો વપરાયા છે. જ્યારે તેના કરતાં સારા અને સન્માનજનક શબ્દો ઉપલબ્ધ હતા.”
સર્વોચ્ચ અદાલતનાં સૂચન અનુસાર, અદાલતી ભાષામાં હવે કુંવારી માને બદલે ખાલી મા, ગૂડ વાઈફ અને બેડ વાઈફને બદલે ખાલી વાઈફ, રખાતને બદલે પુરુષ સાથે સંબંધ રાખનારી સ્ત્રી, પ્રોસ્ટિટ્યુટને બદલે સેક્સ વર્કર, હાઉસવાઈફને બદલે હોમમેકર લખવામાં આવશે.
શબ્દોનો આ ફેરફાર ભલે અદાલતો માટે હોય, સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય બાકી સમાજ માટે પ્રેરણાત્મક છે. આનાથી સ્ત્રીઓ માટે વપરતા એ શબ્દો પ્રત્યે જાગરૂકતા વધશે, જે તેમના માટે ઘરોમાં, કામ કરવાનાં સ્થળોએ, સડકો પર અને બજારોમાં બોલવામાં આવે છે.
ભાષા સામે એક કાયમી ફરિયાદ એ રહી છે કે તે સ્ત્રી-વિરોધી છે. કદાચ ભાષાની ઉત્પત્તિ થઇ ત્યારથી તેનો બહોળો ઉપયોગ પુરુષોના હાથમાં રહ્યો છે (પ્રાચીન સમયમાં પુસ્તકો લખવા વાળા કે ભણાવવા વાળા માત્ર પુરુષો જ હતા). એટલે તેમાં સ્ત્રીઓની ચોક્કસ ઓળખાણ માટે વિશેષ શબ્દો, વાક્યપ્રયોગો આવી ગયા છે, પણ પુરુષો માટે એવું ન થયું.
સભ્ય સમાજનો વિકાસ થયો તે પહેલાં માણસો કબીલામાં રહેતા હતા, અને જંગલના કાનૂન અનુસાર તેમની વચ્ચે સર્વોપરિતાનો સંઘર્ષ રહેતો હતો. તેમાં કબીલાની સભ્ય સંખ્યા પર હાર-જીત નક્કી થતી હતી. તે વખતે સ્ત્રીઓની ભૂમિકા પ્રજનન સંખ્યા વધારવાની હતી, જેથી કબીલાનું સંખ્યાબળ વધે. એવું ન થાય તે માટે કબીલાઓ આપસમાં સ્ત્રીઓને નિશાન બનાવતા. પરિણામે સ્ત્રીઓને ચાર દિવાલોની અંદર મહેફૂઝ રાખવાનું શરૂ થયું. તેનાથી સાર્વજનિક જીવન સંપૂર્ણપણે પુરુષોના હાથમાં આવી ગયું અને ઘરેલું જીવન સ્ત્રીઓના ભાગે.
માનવ ઈતિહાસમાં એ નોંધાયેલું છે કે શારીરિક ક્ષમતાનો વિકાસ પણ પુરુષોના પક્ષે રહ્યો અને તેમણે જ સંગઠિત સમાજની રચના કરી. તેમાં તેમણે ખાવા-પીવા, કામ કરવા અને સંગઠિત થવાની જે અલગ-અલગ વિદ્યાઓ વિકસાવી તેમાં ભાષા પણ હતી. ભાષાની ઉત્પત્તિનો ઇતિહાસ કહે છે કે એકબીજા સાથે સંદેશાઓ અને વિચારોની આપ-લે કરવાની જરૂરિયાતમાંથી ભાષાનો જન્મ થયો હતો, અને બહુધા સામાજિક બાબતો પુરુષોના વર્ચસ્વ હેઠળ હતી એટલે ભાષા પણ પુરુષ-કેન્દ્રિત રહી. સામાજિક વ્યવસ્થામાં સ્ત્રીનું સ્થાન ઉતરતું હતું એટલે ભાષામાં પણ એ સમાનતા જોવા મળી. એ કારણથી જ એક દેખીતો આજ સુધી લિંગ-ભેદ પ્રવર્તતો રહ્યો છે (લિંગ શબ્દને જ લો. આમ તો એ જેન્ડર-ન્યુટ્રલ છે, પણ તો પછી યોની-ભેદ શબ્દ કેમ નથી?)
જેમ કે ગાળો. દુનિયાની તમામ ભાષાઓમાં ગાળો છે, અને મોટાભાગની ગાળો સ્ત્રી-લક્ષી છે. સ્ત્રી કબીલાની ઈજ્જત છે અને તેને બીજાઓથી બચાવી રાખવાની છે એવી સદીઓ જૂની પુરુષસત્તાક માનસિકતાના કારણે તેનું જીવન અને ઈજ્જત-આબરૂ બધું જ સ્ત્રીની યોની સાથે જોડાઈ ગયું હતું, પરિણામે ભાષામાં એવા શબ્દો પણ વિકસી ગયા, જે સ્ત્રીને ઉતરતી માનવાની અથવા તેનું દમન કરવાની ભાવનાથી સંબંધિત છે.
ભારતમાં, આદિવાસી લેખક તરીકે પ્રખ્યાત થયેલા રાજસ્થાનના પૂર્વ ડી.આઈ.જી. હરિરામ મીણાનો એવો દાવો છે કે કોઈપણ આદિવાસી ભાષામાં સ્ત્રી વિરોધી ગાળો માટે કોઈ શબ્દ મળતા નથી. એવી જ રીતે ન તો બળાત્કાર અથવા દુષ્કર્મ માટે કોઈ શબ્દ છે. તેમનો આ દાવો જો સાચો હોય, તો આદિવાસી સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન અને સમાનતાનો ભાવ હોવો જોઈએ. તો શું માણસ જેમ જેમ સભ્ય થતો ગયો, તેમ તેમ તેની ભાષામાં સ્ત્રીઓ માટે અપશબ્દો વધતા ગયા છે?
ભાષામાં લિંગ(જેન્ડર)ને નર અને નારીના દ્વિસંગ(બાઈનરી)માં જ જોવામાં આવ્યું છે, જેના કારણે કોઈ ત્રીજા લિંગને ઓળખ મળી નથી. એ તો છેક હમણાં થોડા દાયકાઓથી જ ત્રીજા લિંગ માટે વૈકલ્પિક શબ્દો પ્રચલિત થયા છે. હજુ પણ સરકારી દસ્તાવેજોમાં તેમની ગણના ‘અન્ય’ લિંગમાં થાય છે. ભાષા પુરુષ-કેન્દ્રિત હોવાથી સ્ત્રીઓ માટેના ઘણા શબ્દો પુરુષો માટેના શબ્દોમાંથી બનાવાયા હતા. સમાજમાં લગભગ દરેક સ્તર પર પુરુષ સર્વનામનો પ્રયોગ થાય છે.
જેમ કે શિક્ષક, લેખક, અભિનેતા, મંત્રી, પ્રધાન મંત્રી, રાષ્ટ્રપતિ, સરપંચ, મુખી, ચેરમેન, અધ્યક્ષ, નેતા વગેરે શબ્દ પ્રયોગમાં બધાનું લિંગ પુરુષ છે. તેની સામે ચેરપર્સન, અધ્યક્ષા, મહોદયા, એક્ટ્રેસ, લેખિકા, શિક્ષિકા જેવા શબ્દો ચલણમાં આવ્યા છે પણ વિચારવા જેવું એ છે કે ભાષામાં એવા જેન્ડર-ન્યુટ્રલ શબ્દો કેમ નથી આવ્યા જેમાં લિંગ ભેદ ન હોય અને જેમાં ‘તે’ અને ‘તેણી’નો ગૂંચવાડો જ ન હોય? યુરોપના અમુક દેશોમાં ઘણા સમયથી જેન્ડર-ન્યુટ્રલ શબ્દો લાવવાની ચર્ચા થઇ રહી છે.
યુરોપમાં નારીવાદનો પરચમ લહેરાવનાર ફ્રેંચ લેખક અને વિચારક સિમોન દ બુવાએ તેમના પ્રસિદ્ધ પુસ્તક ‘ધ સેકન્ડ સેક્સ’માં લખ્યું હતું કે, “સ્ત્રી જન્મે સ્ત્રી નથી હોતી, તેને સ્ત્રી બનાવવામાં આવે છે.” બુવાનો તર્ક એવો હતો કે સ્ત્રીત્વ બાયોલોજી કે સાઈકોલોજીમાંથી નથી આવતું પણ સામાજિક ચલણો અને રિવાજોમાંથી આવે છે.
ઓક્સફોર્ડ રિસર્ચ ઇન ઇન્સાઈક્લોપીડિયા ઓફ કોમ્યુનિકેશનમાં કાર્યરત મિશેલ મેનેગાતિ અને મોનિકા રુબિન અનુસાર, “ભાષા સમાજમાં લૈંગિક અસમાનતા વધારવાનું સશક્ત માધ્યમ છે. ભાષાના કારણે જે સમાજમાં લૈંગિક અસામનતા પોષાય છે અને પછી વધતી જાય છે. જે દેશોમાં ભાષા લિંગ સૂચક નથી અથવા ઓછી છે, ત્યાં લૈંગિક સમાનતા અધિક છે.”
ભારતમાં મોટાભાગની ભાષાઓ સ્પષ્ટ રીતે લિંગ સૂચક છે. જેમ કે, ‘આઈ એમ ગોઇંગ’નું હિન્દી ‘મૈં જાતી હું’ અને ‘મૈં જાતા હું’ થાય છે (ગુજરાતીમાં ‘હું જાઉં છું’ જેન્ડર-ન્યુટ્રલ છે). એવી રીતે ‘હાવ આર યુ’નું હિન્દીમાં, સ્ત્રી માટે, ‘કૈસી હો’ અને પુરુષ માટે ‘કૈસે હો’ થાય છે. ગુજરાતીમાં દવા ‘કેવી’ છે, પણ ડોક્ટર ‘કેવો’ અથવા ‘કેવા’ છે. હિન્દીમાં સ્ત્રી ડોક્ટર માટે ‘ડોકટરની’ એવો નવો શબ્દ આવ્યો છે. ગુજરાતીમાં ‘ઘર’ નાન્યતર ( ઘર કેવું) છે, પણ બંગલો પુરુષલિંગ છે (બંગલો કેવો). ઝૂંપડી સ્ત્રીલિંગ છે, પણ છાપરું નાન્યતર છે. હિન્દીમાં શાદી સ્ત્રીલિંગ છે, ગુજરાતીમાં લગ્ન નાન્યતર છે. આશ્ચર્યજનક રીતે, હિન્દીમાં ન્યુટ્રલ જેન્ડર નથી. હિન્દીમાં પુસ્તક સ્ત્રીલિંગ છે : કિતાબ કૈસી હૈ? (ગુજરાતીમાં પુસ્તક ‘કેવું’ છે).
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 27 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર