1965માં ભારતની વસ્તી 50 કરોડ હતી. તે વખતે દેશમાં ઘઉંનું ઉત્પાદન 1 કરોડ ટનની આસપાસ હતું. આજે ભારતની વસ્તી 140 કરોડની છે. દેશમાં આજે ઘઉંનું ઉત્પાદન 11.2 કરોડ ટન છે. આ બે અંતિમો વચ્ચે ભારતની એક એવી ક્રાંતિની વાર્તા છુપાયેલી છે, જે કદાચ ચંદ્ર પર અવતરણ કરવા કરતાં ય વધુ શાનદાર સિદ્ધિ છે. કેવી રીતે?
અંગ્રેજીમાં એક શબ્દ છે: હેન્ડ ટુ માઉથ. અર્થ થાય છે, જેટલું હાથમાં હોય એટલાથી જ પેટ ભરવું. જૂનાં જમાનામાં બ્રિટનમાં દુકાળ પડ્યો હતો, ત્યારે ભૂખ્યા લોકો જે અને જેટલું હાથે ચડ્યું તે સીધું મોઢામાં મૂકી દેતા હતા, ત્યારે તેને હેન્ડ ટુ માઉથ કહેવાતું હતું.
1990ના દાયકામાં, અટલ બિહારી વાજપેઈ અમેરિકામાં પ્રવાસી ભારતીયોના મેળાવડાઓને સંબોધિત કરવા જતા હતા, ત્યારે તેઓ 1965ના સમયને યાદ કરીને કહેતા હતા કે ભારત એક સમયે શીપ ટુ માઉથ પર જીવતું હતું. તે વખતે બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં એટલો ભયાનક દુકાળ પડ્યો હતો કે દેશમાં ધાન્યની ઉપજ ઘટી ગઈ હતી અને ખાધાન્યની કિંમતો વધી જતાં દેશમાં ભૂખમરો અને સ્થળાંતર શરૂ થયું હતું.
તે અછતને પહોંચી વળવા માટે અમેરિકાથી જહાજો ભરીને ઘઉંની મોટે પાયે આયાત કરવામાં આવતી હતી. સ્થિતિ એટલી ગંભીર હતી કે દેશનાં બંદરો પર ઠલવાતો ઘઉંનો એ જથ્થો સીધો જ ગામડાઓ અને શહેરોની વિતરણ વ્યવસ્થામાં જતો હતો, જેથી ભૂખ્યા લોકોને તાબડતોબ ધાન્ય મળે. શીપ ટુ માઉથ.
આપણે જેને ભારતની હરિત ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, તે ખાદ્ય આત્મનિર્ભરતાની સિદ્ધિનું મૂળ 1965ના સમયમાં છે. વાજપેયી પ્રવાસી ભારતીયો સમક્ષ એ દિવસોને યાદ કરીને ગર્વથી કહેતા હતા કે એક સમયે જે ભારત અમેરિકા પાસે ખાદ્યની “ભીખ” માંગતું હતું તે આજે આત્મનિર્ભર છે એટલું જ નહીં, તે આજે બીજા ગરીબ દેશોની ભૂખ ભાંગવા માટે સૌથી વધુ અનાજ્રની નિકાસ કરે છે.
ભારતની આ અપ્રતિમ હરિત ક્રાંતિનું શ્રેય કૃષિ વિજ્ઞાની મનકોમ્બુ સંબાસિવન સ્વામીનાથન્ને જાય છે, જેમનું તાજેતરમાં 28મી સપ્ટેમ્બરના રોજ, 98 વર્ષની વયે અવસાન થયું. એમ.એસ. સ્વામીનાથન્ ન હોત, તો ભારત અનાજના સંકટમાંથી ઉભરીને આત્મનિર્ભર બની શક્યું ન હોત, તે કહેવામાં જરા ય અતિરેક નથી.
તમિલનાડુમાં જન્મેલા સ્વામીનાથને આઝાદી પહેલાં 1943-44માં બંગાળનો ભીષણ દુકાળ જોયો હતો અને તેમણે ખાદ્ય સુરક્ષા અને પછી પોષણ સુરક્ષાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવાનું નક્કી કર્યું હતું. 1961માં અપૂરતા વરસાદ અને ચીન સાથે યુદ્ધનાં પગલે દેશમાં અનાજની તંગીના આસાર નજર આવતા હતા.
સ્વામીનાથન્ ત્યારે વડા પ્રધાનના સલાહકાર હતા. તેઓ કૃષિ વિજ્ઞાનમાં ભણીને ભારત પરત ફર્યા હતા. તેઓ તે સમયથી જ દેશમાં નવી રીતે ખેતી કરવાની દિશામાં કામ કરી રહ્યા હતા, પરંતુ સરકાર સહિત ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો એ વાતના પક્ષમાં નહોતા. તેઓ 30 વર્ષના હતા, ત્યારે 1955માં તેમણે જાપાનના પ્રસિદ્ધ ઘઉં-વિજ્ઞાની હિતોશી કિહારાએ પ્રયોગ કરીને વિકસાવેલી નોરિન-10 નામની પોણિયા ઘઉંની નવી જાત વિશે અભ્યાસ કર્યો હતો. તેમને વિશ્વાસ હતો કે ભારતને પોણિયા ઘઉંની જરૂર છે, જેનું ઉત્પાદન વધુ થતું હતું.
જાપાન જ્યારે અમેરિકન સૈન્યના તાબા હેઠળ હતું, ત્યારે ઓરવિલે વોગેલ નામના એક અમેરિકન કૃષિ વિજ્ઞાની આ પોણિયા ઘઉંને અમેરિકા લઇ ગયા હતા, જ્યાં તેમણે સ્થાનિક ઘઉં સાથે તેને ક્રોસ કરીને “ગેઈનેસ” નામની વધુ સમૃદ્ધ જાત વિકસાવી હતી. સ્વામીનાથને આ વોગેલને વિનંતી કરી હતી કે તે તેમને ગેઈનેસનાં બીજ આપે. વોગેલે કહ્યું કે આ જાત શિયાળા માટે છે અને ભારતમાં કદાચ તે નહીં ઊગે.
તેમણે સ્વામીનાથનને કહ્યું કે તમે મેક્સિકોના કૃષિ વિજ્ઞાની નોર્મન બોરલોગનો સંપર્ક કરો, જેમને મેં નોરિન-10નાં બીજ આપ્યાં છે. બોરલોગ તેને સ્થાનિક ઘઉં સાથે ક્રોસ કરીને વસંત ઋતુને માફક આવે તેવી નવી જાત મેક્સિકોમાં ઊગાડી હતી. સ્વામીનાથને બોરલોગને પત્ર લખ્યો અને ભારત સરકારના કૃષિ મંત્રાલયને પણ કહ્યું કે બોરલોગને ભારત બોલાવો અને ઘઉંની નવી જાત અંગે જાણકારી મેળવો. સરકારી બાબુઓએ એમાં જ ત્રણ વર્ષ કાઢી નાખ્યાં.
છેવટે, બોરલોગ 1963માં ભારત આવ્યા અને ઉત્તર ભારતની જમીન અને મોસમનો અભ્યાસ કર્યા પછી, ઉત્તર પ્રદેશમાં પંતનગર, કાનપુર, પંજાબમાં લુધિયાણા અને બિહારમાં પુસા ખાતે ઘઉંની ચાર મેક્સિકન જાતનાં 100 કિલો બીજ વાવવામાં આવ્યાં.
એનું પરિણામ ઉત્સાહજનક આવ્યું એટલે સ્વામીનાથને સરકારને કહ્યું કે હવે આનો પ્રયોગ અસલી ખેતરમાં કરવો જોઈએ. તે વખતે દેશમાં અનાજનું સંકટ ઘેરું થયું હતું અને લોકો શીપ ટુ માઉથ પર જીવતા હતા. પરિણામે, દિલ્હીના જૌન્તી ગામના ખેડૂતોએ પોણિયા ઘઉં વાવ્યા. પરિણામ? પ્રતિ હેક્ટર 4 ટન ઘઉંની લલણી થઇ. એ બે ઘણો પાક હતો. નવી જાતના ઘઉંની એ સફળતામાં, ભારતમાં અનાજના દુકાળનું સમાધાન છુપાયેલું હતું. એ સિઝનમાં, ભારતમાં હરિત ક્રાંતિનાં બીજ વવાયાં હતાં.
પછી તો બોરલોગના ઘઉંની ક્ષમતાને વેગ આપવા માટે, 1967માં પાકિસ્તાને મેક્સિકોમાંથી આશરે 42,000 ટન પોણિયા ઘઉંના બિયારણની આયાત કરી હતી, તુર્કીએ 22,000 ટન અને ભારતે 18,000 ટનની આયાત કરી હતી. તે સમયે કૃષિના ઇતિહાસમાં આ સૌથી મોટી બિયારણની ખરીદી હતી.
વિચાર કરો કે ભારતમાં 1968માં ઘઉંનું ઉત્પાદન વધીને 1.7 કરોડ ટન થયું, તો તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારે તે સિદ્ધિની ખુશીમાં “ઘઉં ક્રાંતિ” નામની વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
પાછળથી, આ સફળતા માટે સ્વામીનાથન્ને શ્રેય આપતાં નોર્મન બોરલોગ કહ્યું હતું, “આ કામનું મોટું શ્રેય સ્વામીનાથન્ને જાય છે કારણ કે તેમને જ મેક્સિકન પોણિયા ઘઉંનું મૂલ્ય સમજાયું હતું. તેમને જો એ ખ્યાલ ના આવ્યો હોત, એશિયામાં હરિત ક્રાંતિ થઇ ના હોત.”
જ્યારે 2009માં નોર્મન બોરલોગનું અવસાન થયું, ત્યારે એમ.એસ. સ્વામિનાથને શ્રદ્ધાંજલિને આપતાં તેમને “એક મહાન વૈજ્ઞાનિક અને માનવતાવાદી” ગણાવ્યા હતા.
વિશ્વનાં ભૂખ્યા રાષ્ટ્રોનું પેટ ભરવાની ક્રાંતિ બદલ 1970માં બોરલોગને નોબેલ શાંતિ પુરષ્કાર આપવામાં આવ્યો, ત્યારે તેની સ્વીકૃતિના ભાષણમાં તેમણે કહ્યું હતું, “એ વાત સાચી છે કે ભૂખ સામેની લડાઈમાં આપણો હાથ ઉપર છે … પરંતુ આપણે જો આત્મસંતુષ્ઠ થઈને બેસી જઈશું, તો પાસાં પલટાતાં વાર નહીં લાગે. પૂરતા ખાદ્ય પુરવઠા વગર આજની આપણી સંસ્કૃતિ ન તો વિકસી હોત કે ન તો ટકી હોત. સમાજિક ન્યાયની પહેલી શરત એ છે કે સમગ્ર માનવજાત માટે પૂરતા પ્રમાણમાં ખાદ્ય હોવું જોઈએ.”
એ દિશામાં દુનિયાએ હજુ ઘણું કરવાનું બાકી છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 16 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર