“રામ મનોહર લોહિયાનો નારા હતો – “પિછડા પાવે સો મેં સાઠ.” એટલે કે, રાજકારણમાં હિસ્સેદારીની વાત હોય કે હોય કે સંસાધનોમાં, પછાત વર્ગનો હિસ્સો 60 ટકા હોવો જોઈએ. પરંતુ ‘બિહારના લેનિન’ ગણાતા સમાજવાદી નેતા જગદેવ પ્રસાદ કહેતા હતા – “સો મેં નબ્બે શીષિત હૈ ઔર નબ્બે ભાગ હમારા હૈ.” એટલે કે, પછાત વર્ગ, દલિત અને આદિવાસીઓ મળીને 90 ટકા થાય છે અને તેમની હિસ્સેદારી 90 ટકા હોવી જોઈએ. જગદેવ પ્રસાદ એવું પણ કહેતા હતા કે ભારતીય સમાજ બે ભાગમાં વહેંચાયેલો છે – “10 ટકા શોષક અને નેવું ટકા શોષિત.” તે જ સમયે, બહુજન સમાજ પાર્ટી(બી.એસ.પી.)ના સ્થાપક કાંશીરામનું સૂત્ર હતું – “જિસ કી જીતની સંખ્યા ભારી, ઉસ કી ઉતની હિસ્સેદારી.” આ બધી વાતો દેશમાં જાતિઓના પ્રતિનિધિત્વ અંગે કહેવામાં આવી હતી. આ બધા નારાઓ અથવા કહેવતોનો સાર એ હતો કે જે જાતિની વસ્તી એટલી જ છે તેને તેનો અધિકાર મળવો જોઈએ.”
હિન્દી પટ્ટીની સામાજિક-રાજકીય બાબતોના નિષ્ણાત પત્રકાર, સાકેત આનંદના આ શબ્દો છે. આ વખતની ગાંધી જયંતીના દિવસે, બિહારની સરકારે જાતિ ગણનાનો અહેવાલ જાહેર કર્યો તેના સંદર્ભમાં તેમણે આ વાત કરી હતી. તેમાં તે કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સૂત્ર જોડવાનું ભૂલી ગયા હતા. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલે કહ્યું હતું – “જિતની આબાદી, ઉતના હક.”
બિહારનાં આંકડા આવ્યા પછી પણ તેમણે એ સૂત્ર દોહરાવ્યું હતું કે, “બિહારની જાતિગત જનગણના પરથી ખબર પડે છે કે ત્યાં ઓ.બી.સી., એસ.સી., એસ.ટી.ની વસ્તી 84 ટકા છે. કેન્દ્ર સરકારના 90 સચિવોમાંથી માત્ર 3 ઓ.બી.સી. છે, જે ભારતનું માત્ર 05 ટકા બજેટ સંભાળે છે. એટલા માટે ભારતને જાતિગત આંકડા જાણવા જરૂરી છે. જેટલી વસ્તી, એટલો અધિકાર…..એ અમારું પ્રણ છે.”
તેલંગનામાં ચૂંટણી પ્રચાર કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો જવાબ આપતાં કહ્યું હતું કે, “સત્તા ભૂખી કાઁગ્રેસે સત્તા કબજે કરવા માટે નવી ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે. તમે આજે શું કહી રહ્યા છો, જેટલી વસ્તી એટલો હક? હું જરા પૂછવા માંગુ છું જેણે પણ આ વાક્ય લખ્યું છે તેને ખબર છે ખરી કે તે કાઁગ્રેસની મૂળભૂત નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છો? જ્યારે તમે જેટલી વસ્તી એટલો હક કહો છો, તો શું કાઁગ્રેસ હવે જાહેર કરશે કે તે લઘુમતીઓની વિરોધી બની ગઈ છે? કાઁગ્રેસ સાફ કરે કે તે દક્ષિણ ભારત વિરોધી બની ગઈ છે? તેમનો આ નવો વિચાર દક્ષિણ ભારત માટે અન્યાયી છે, લઘુમતીની પીઠમાં ચાકુ ભોંકવા જેવો છે.”
ટૂંકમાં, બિહાર જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડાએ 2024ની ચૂંટણીનું રાજકીય ગણિત બદલી નાખ્યું છે.
દેશમાં 1931 પછી પ્રથમ વખત જાતિના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. બિહાર જાતિના આંકડા જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રિપોર્ટ અનુસાર, રાજ્યની 13.5 કરોડથી વધુ વસ્તીમાં હિંદુઓની સંખ્યા 81.99 ટકા છે, જ્યારે મુસ્લિમોની સંખ્યા 17.70 ટકા છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર હિંદુઓની વસ્તી 82.70 ટકા હતી, જ્યારે મુસ્લિમોની વસ્તી 16.90 ટકા હતી.
આ અહેવાલમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઓ.બી.સી.ની વસ્તીમાં અણધાર્યો વધારો થયો છે, જેમના મત મેળવવા માટે તમામ પક્ષો આતુર છે. તેમના બળ પર જ તેઓ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી જીતે છે. રાજકીય પક્ષોને જાતિનું ગણિત બહુ ગમે છે, એટલે વિપક્ષને 2024ની ચૂંટણીમાં ભા.જ.પ.ના હિંદુ કાર્ડ સામે જાતિનું કાર્ડ મળ્યું છે.
વિરોધ પક્ષો આ આંકડાઓનો આધાર લઈને હવે અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોને એવું કહીને એક કરવા પ્રયાસ કરશે કે હિંદુત્વનું ચક્કર છોડી દો, એમાં તમારો ભલીવાર થવાનો નથી. સ્પષ્ટ છે કે ભા.જ.પ.નો તર્ક એવો રહેશે કે બધી જાતિઓ આખરે હિંદુ વર્ગનો જ ભાગ છે, એટલે ભા.જ.પ. હિંદુત્વ અને જાતિવાદ બંને પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેની વિશ્વકર્મા યોજના તે રણનીતિનો જ હિસ્સો છે. બિહારના જાતિના આંકડા બહાર આવતા જ ભા.જ.પે. પણ કહેવાનું શરૂ કરી દીધું છે કે અમે ક્યારે ય જાતિ ગણતરીનો વિરોધ કર્યો નથી!
આ બતાવે છે કે 2024ની ચૂંટણીમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ માટે આ કેટલો મોટો મુદ્દો છે. બિહારના આંકડા પરથી અનુમાન એવું છે કે મોટા ભાગના રાજ્યોમાં આ જાતિઓની સ્થિતિ હશે પણ આવી જ હશે કારણ કે મંડળ આયોગે તેત્રીસ વર્ષ પહેલાં અહેવાલ આપ્યો હતો અને ત્યાર બાદ સમયાંતરે આ શ્રેણીમાં અન્ય જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો તેની આ જૂથની વસ્તીમાં વધારો થયો છે.
એટલા માટે વિરોધ પક્ષોએ બે વ્યૂહરચના બનાવી રહ્યા છે : એક, તે કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે તે પૂરા દેશની જાતિ ગણનાના આંકડા જાહેર કરે, અને બે, સમગ્ર વસ્તીને તેના હિસ્સાના પ્રમાણમાં અનામત આપવી જોઈએ.
અગાઉ, યુ.પી.એ.ના સહયોગીઓના દબાણ બાદ મનમોહન સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી પર વિચાર કરવો પડ્યો હતો. 2011માં પ્રણવ મુખર્જીની અધ્યક્ષતામાં એક સમિતિએ જાતિ ગણતરીની તરફેણમાં સૂચન કર્યું હતું. આ વસ્તી ગણતરીને સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી કહેવામાં આવે છે. સરકારે વસ્તી ગણતરી કરવા માટે 4,800 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જાતિ વસ્તી ગણતરીના આંકડા સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયને આપવામાં આવ્યા હતા, પરંતુ કરોડોનો ખર્ચ કર્યા પછી પણ કેન્દ્ર સરકાર આજ સુધી આ આંકડો જાહેર કરી શકી નથી.
વિરોધ પક્ષો જો “જેટલી વસ્તી એટલો હક”ના આધારે અનામતની માંગણી કરે, તો દેશમાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારના સમયે જાહેર થયેલાં મંડલ આયોગની ભલામણોનાં પગલે જે લડાઈ થઇ હતી, તેવી જ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
રાજકીય પંડિતો માને છે કે બિહારના જાતિના આંકડાઓ માત્ર રાજ્યના રાજકારણને જ નહીં પરંતુ આગામી દિવસોમાં સમગ્ર દેશના રાજકારણને પણ અસર કરશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દેશના રાજકારણમાં મંડલ યુગના પુનરાગમનના સંકેતો છે. તાજેતરના ભૂતકાળમાં કેટલાક રાજકીય પક્ષોએ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે. માત્ર વિપક્ષ જ નહીં, એન.ડી.એ.ના ઘણા સહયોગીઓ પણ રાષ્ટ્રીય સ્તરે તેની માંગ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી કાઁગ્રેસ સહિત અનેક પ્રાદેશિક વિપક્ષી દળો જાતિ આધારિત વસ્તી ગણતરી માટે દબાણ કરીને પછાત જાતિના રાજકારણમાં પહેલ માંડી રહ્યા છે. આમાંના મોટા ભાગના પ્રાદેશિક પક્ષોના નેતાઓએ નેવુંના દાયકામાં મંડલ યુગ દરમિયાન તેમની સ્થિતિ મજબૂત કરી હતી.
અત્યાર સુધી કાઁગ્રેસ આ મુદ્દાથી દૂર રહેતી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં તે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પર ખૂબ જ આક્રમક રીતે સામે આવી છે. કાઁગ્રેસ ઓ.બી.સી. કેટેગરીમાં મહિલાઓ માટે અનામતની માંગ કરી રહી છે. એટલે, કાઁગ્રેસ તેની મૂળભૂત નીતિઓ પર જ સવાલ ઉઠાવી રહી છે તેવી વડા પ્રધાનની એ ટીકામાં વજૂદ તો છે.
વિપક્ષનું માનવું છે કે જો તે ઓ.બી.સી. વોટમાં પોતાની સ્થિતિ સુધારશે નહીં તો આગામી દિવસોમાં તેના માટે વધુ મુશ્કેલી સર્જાશે. સંખ્યાની દૃષ્ટિએ પણ સૌથી મોટું જૂથ છે. વિપક્ષી દળોને એ પણ ખ્યાલ છે કે તેમને મંડલ રાજકારણ સામે ભા.જ.પ.ના આક્રમક કમંડલ રાજકારણનો સામનો કરવો પડશે.
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવાનું કામ સરળ નહોતું. આવી વસ્તી ગણતરીને કોર્ટમાં પણ પડકારવામાં આવી હતી અને આ મામલો પટના હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. હવે આંકડા જાહેર થયા પછી, વિવિધ પક્ષો પણ તેનો શ્રેય લેવાની સ્પર્ધામાં સામેલ થાય છે.
સિત્તેરના દાયકામાં કટોકટી સામે જય પ્રકાશ નારાયણનું આંદોલન હોય કે નેવુંના દાયકામાં શરૂ થયેલ મંડલ રાજકારણ – બંને વખતે બિહારે પરિવર્તનનું નેતૃત્વ કર્યું હતું. હવે જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બિનસાંપ્રદાયિક રાજકારણને વિસ્થાપિત કરીને રાષ્ટ્રવાદી રાજકારણ એક દાયકાથી દેશમાં પ્રભુત્વ જમાવી રહ્યું છે, ત્યારે બિહારની જાતિ આધારિત ગણતરીઓના પરિણામે એક એવો વિસ્ફોટ કર્યો છે, જેમાં ચૂંટણી રાજકારણના સમીકરણોને બદલવાની ક્ષમતા છે.
હવે બધી બાજુથી એક જ સવાલ ઊભો થશે કે જ્યારે આ એક રાજ્યમાં શક્ય હતું, તો બીજા રાજ્યોમાં અને રાષ્ટ્રીય સ્તરે પણ કેમ ન થઈ શકે? ભા.જ.પે. આનો જવાબ શોધવો પડશે.
લાસ્ટ લાઈન:
“બધા જ લોકો જાતિ વ્યવસ્થાના ગુલામ છે, પણ બધા ગુલામ હેસિયતમાં સમાન નથી.”
— ડો. આંબેડકર
—————————–
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 08 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર