આજકાલ, સમાજમાં અને પરિવારોમાં એટલું ખુલ્લાપણું અને સાહજિકતા આવી ગઈ છે કોઈ દંભ, શરમ કે પૂર્વગ્રહ વગર સ્ત્રી-પુરુષો અથવા પતિ-પત્નીઓ તેમના સંબંધોની ત્રુટિઓ કે અભાવો અંગે વાત કરી શકે છે. 80ના દાયકામાં એવું નહોતું. સ્ત્રી-પુરુષના સંબંધોને લઈને ભારતીય સમાજ ત્યારે ઘણો રૂઢિચુસ્ત હતો અને એવી કોઈ પણ વાતને “પશ્ચિમની વિકૃતિ” ગણાવીને ઈજ્જતની જાજમ હેઠળ છુપાવી રાખતો હતો.
એવા સમયમાં, પશ્ચિમ(એટલે કે લંડન)નો એક સર્જક એવી ફિલ્મ લઈને આવ્યો, જેની સામાન્ય લોકોએ તો ઠીક, એકંદરે “બગડેલા” કહેવાતા હિન્દી સિનેમા જગતના લોકોએ પણ કલ્પના કરી નહોતી. ફિલ્મનું નામ હતું, 1980માં આવેલી “એક બાર ફિર” (1980) નિર્માતા-દિગ્દર્શક હતા વિનોદ પાંડે. તેમની આ પહેલી જ ફિલ્મ હતી. એક નવા જ પ્રકારના વિષય સાથે તેમણે પોતે તો હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો, સાથે તેમણે ફિલ્મોને એક એવી નવી અભિનેત્રી, દીપ્તિ નવલની ભેટ આપી, જે શબાના આઝમી અને સ્મિતા પાટિલની સમકક્ષ ઊભી રહેવા સક્ષમ હતી.
પત્રકાર ભાવના સોમૈયા એક જગ્યાએ લખે છે, “દીપ્તિ નવલ ન્યૂયોર્કમાં એક ટી.વી. શોની એંકરિંગ કરી રહી હતી, ત્યારે લેખક-નિર્દેશક વિનોદ પાંડેએ તેને જોઈ અને તેમની પ્રથમ ફિલ્મ ‘એક બાર ફિર’માં તેને લેવાનું નક્કી કર્યું. 80નો દાયકો સમાંતર સિનેમા માટે ખીલતો દાયકો હતો અને જે નિર્માતાઓને શબાના આઝમી અને સ્મિતા પાટિલનો સાથ મળતો નહતો, તેમના માટે માટે દીપ્તિ પ્રથમ પસંદગી હતી.”
દીપ્તિના પક્ષે એ સાહસ કહેવાય કે તેની પહેલી જ ફિલ્મ એક એવી સ્ત્રી વિશે હતી, જે પોતાના સુખની તલાશમાં તેના લગ્નને (અને પતિને) ત્યજી દે છે. એ ભૂમિકા માટે દીપ્તિને શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ પણ મળ્યો હતો. પહેલી જ ફિલ્મમાં એક બિનપરંપરાગત ભૂમિકામાં દીપ્તિનું એક્ટર તરીકે આગમન પ્રભાવશાળી હતું. તે એક આજ્ઞાકારી પત્નીમાંથી એક મુક્ત સ્ત્રીમાં કેવી રીતે બદલાય છે તે જોવા જેવું છે.
“એક બાર ફિર” કલ્પના (દીપ્તિ) નામની એક મધ્યમ વર્ગની છોકરીની વાર્તા છે, જેનું જીવન બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ સ્ટાર મહેન્દ્ર કુમાર (સુરેશ ઓબેરોય) તરફથી લગ્નની ઓફર આવતાં બદલાઈ જાય છે. ખુશીની મારી તે લગ્ન કરી લે છે, પરંતુ થોડા જ વખતમાં તેને ફિલ્મ સ્ટાર પતિના અને તેની વિવાહિત જીવનની વાસ્તવિકતાઓનો અહેસાસ થવા લાગે છે.
નૈતિક ચરિત્ર અને સ્વચ્છ દિલની કલ્પના ચકાચોંધવાળી દુનિયામાં એક અલગ જ પ્રકારનું જીવન જોઇને આશ્ચર્યચકિત થઈ જાય છે, જેનો તેને લગ્ન કરતી વખતે અંદાજ પણ નહોતો. મધ્યમ વર્ગના પરિવારમાં માણસોની આત્મીયતા વચ્ચે મોટી થયેલી કલ્પના એક સમૃદ્ધ ઘરમાં એકલવાઈ થઇ જાય છે કારણ કે તેનો પતિ તેની ફિલ્મો અને હિરોઈનો સાથે વ્યસ્ત છે.
મહેન્દ્રની ફિલ્મને લઈને અચાનક તે બ્રિટનની મુલાકાત લે છે અને ત્યાં તેને લંડન યુનિવર્સિટીમાં કળાનો અભ્યાસ કરતો વિધાર્થી વિમલ (પ્રદીપ વર્મા) મળે છે. તે કલ્પનાની ખૂબસૂરતી જોઈને તેનો સ્કેચ બનાવવા દેવાની વિનંતી કરે છે અને કલ્પના તેને માન્ય રાખે છે. બંને વારંવાર મળે છે અને એકબીજાને ગમવા લાગે છે. વિમલને મળીને કલ્પનાને એ ખુશીનો અનુભવ થાય છે જેનો તેના જીવનમાં અભાવ છે. મહેન્દ્રની સાથે તેને ઉપેક્ષાની પીડા મળતી હતી, વિમલના સંગાથમાં તેને સ્વીકૃતિનું સુખ મળતું હતું.
મહેન્દ્રને પણ પત્નીના નવા સંબંધની જાણ થાય છે, જેનાથી લગ્નના તાણાવાણા વધુ વિખરાય છે. અંતત: કલ્પના મહેન્દ્ર અને વિમલ વચ્ચે, ફરજ અને ઈચ્છા વચ્ચે ફસાઈ જાય છે. તેને બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે. એ સમયે, તે મહેન્દ્રથી અલગ થવાનું અને આનંદમય સંબંધ માટે બાકીનું જીવન વિમલ સાથે પસાર કરવાનું નક્કી કરે છે.
‘એક બાર ફિર’ જીવનમાં આવતા વળાંકો પર આધારિત ફિલ્મ છે. એ એવા પડાવ છે જ્યાં વ્યક્તિને તેના સંબંધોની યોગ્યતાનું પુન:પરીક્ષણ કરવાની જરૂર પડે છે. સૌના જીવનમાં એવા મુકામ આવતા હોય છે, જ્યાં ઘડીક ઊભા રહીને, આગળની સફર કેવી રીતે પૂરી કરવી તેનો વિચાર કરવો પડતો હોય છે. વિનોદ પાંડેએ લગ્નની સફરમાં આવતા વળાંકને પડદા પર દર્શાવીને જોખમ લીધું હતું, પણ એ જોખમ હિન્દી સિનેમામાં નારી-મુક્તિની સફરનું પહેલું વાસ્તવિક પગલું સાબિત થયું હતું.
ત્યાં સુધી હિન્દી ફિલ્મોની સ્ત્રીઓ પુરુષ પ્રધાન સમાજે દોરેલી લક્ષ્મણ રેખાની અંદર રહીને પતિઓની ઈચ્છાઓને માથે ચઢાવતી હતી. “એક બાર ફિર”માં પત્નીની આ પરંપરાગત ભૂમિકાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. આ પહેલી ફિલ્મ હતી જેમાં એક પત્નીને લગ્ન બહાર જાતીય સંબંધ માટે ન તો કોઈ દોષ ભાવના હતી કે ન તો શરમ.
વિનોદ પાંડે આવી ફિલ્મ બનાવી શક્યા તેનું કારણ એ હતું કે પરંપરાગત હિન્દી ફિલ્મ જગતનો હિસ્સો નહોતા. તે લંડનમાં સફળતાપૂર્વક જાહેરાતની એક એજન્સી ચલાવતા હતા અને બી.બી.સી.માં અંશકાલિક ન્યૂઝ રીડર તરીકે કામ કરતા હતા. એ કામમાં તેમને હિન્દી સિનેમાના કલાકાર-કસબીઓ સાથે બી.બી.સી.માં મળવાનું થતું હતું. એ રીતે તેમને ફિલ્મ નિર્માણમાં રસ જાગ્યો હતો.
પાંડેએ એક ફિલ્મ મેગેઝિનમાં લેખ વાંચ્યો હતો કે સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા પછી ડિમ્પલ કાપડિયા ઘરમાં એકલવાઈ થઇ ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમ પાંડેએ કહ્યું હતું, “મેં તેના ભૂતકાળના જીવન વિશે વાંચ્યું હતું. તે ચકાચોંધવાળા એવા વાતાવરણમાં રહેતી હતી જ્યાં બધા તેના પતિની આગળ-પાછળ ફરતા હતા. તે પોતે પહેલી જ ફિલ્મ ‘બોબી’થી પ્રખ્યાત થઇ હતી, પણ લગ્ન કરીને ઘરમાં ભરાઈ ગઈ હતી. મેં મારી જાતને એક પ્રશ્ન પૂછ્યો હતો : એક સંવેદનશીલ વ્યક્તિ જે કવિતા, સાહિત્ય વગેરે વાંચતી હોય, તેની આવા સંજોગોમાં માનસિક સ્થિતિ કેવી હોય? એ એક કાલ્પનિક પ્રશ્ન હતો અને મેં તેના પર એક સ્ક્રિપ્ટ બનાવી હતી.”
પાંડે ઉમેરે છે, “હું મારી જાહેરાત એજન્સીમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હતો, હું ખૂબ મહેનત કરતો હતો અને મધરાતે બી.બી.સી.ની ઓફિસ શાંત થઇ જાય, પછી કેન્ટીનમાં બેસીને લખતો હતો.” પાંડે ફિલ્મને લંડનમાં જ, લંડનના છોકરા-છોકરીઓને લઈને બનાવવા માંગતાં હતા પણ સરખા કલાકારો ન મળ્યા એટલે મુંબઈ તરફ નજર દોડાવી.”
પાંડે ફારુખ શેખને જાણતા હતા અને તેમના માધ્યમથી જ દીપ્તિ નવલનો પરિચય થયો હતો. ફારુખે કલ્પનાના પાત્ર માટે સ્મિતા પાટિલ અને દીપ્તિનું નામ સૂચવ્યું હતું. ફારૂકે પોતે કામ કરવાની એટલા ના પાડી હતી કે તેણે યશ ચોપરા સાથે (નૂરી ફિલ્મ માટે) લાંબા સમય સુધી કોન્ટ્રકટ કરેલો હતો. સ્મિતા પણ શ્યામ બેનેગલની ફિલ્મમાં કામ કરી રહી હતી એટલે તેણે પણ બહુ રસ ન બતાવ્યો.
દીપ્તિ નવોદિત હતી અને ફિલ્મ માટે ઉત્સાહિત હતી. તેને વાર્તા ગમી ગઈ. પાંડેને પણ કલ્પનાની ભૂમિકામાં આવી જ માધ્યમ વર્ગના પરિવારમાં શોભે તેવી સાધારણ એક્ટરની જ જરૂર હતી. ઘણા સુરેશ ઓબેરોયને અભિનેતા કમલજીત સિંહ પાસેથી ખબર પડી કે વિનોદ પાંડે નામની કોઈ વ્યક્તિ ફિલ્મ બનાવી રહ્યો છે અને તેને શોધી છે. ઓબેરોય પાસે તો પાસપોર્ટ પણ નહોતો અને દોડાદોડી કરીને પાસપોર્ટ કઢાવ્યો હતો. “એક બાર ફિર” પહેલી હિન્દી ફિલ્મ હતી જેને શરૂથી અંત સુધી લંડનમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મથી દીપ્તિ અને ઓબેરોયને કારકિર્દી બની ગઈ હતી.
“એક બાર ફિર”માં એક પરણિત સ્ત્રી પ્રેમ વગરનાં લગ્નનો ત્યાગ કરે છે તે વાત એટલી મક્કમતાથી બતાવવામાં આવી હતી કે તેણે એવી હિન્દી ફિલ્મો માટે રસ્તો તૈયાર કર્યો હતો. પાછળથી રેખા “એક હી ભૂલ”માં (1981), શબાના આઝમી “અર્થ”માં (1982) એવી જ ઉત્કૃષ્ટ ભૂમિકાઓ નિભાવાની હતી.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 18 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર