હત્યારો જ ન્યાયાધીશ બને તો? આશારામ જ મહિલા સુરક્ષાનો ઉપદેશ આપે તો? આવું જ કંઈક ગુજરાત સાહિત્ય અકાદમી કરી રહી છે. સાહિત્યમાં લોકોની વ્યથા / આશા /આકાંક્ષાઓ હોય; સરકારની અપેક્ષાઓ નહીં. સાહિત્યમાં લોકોની પીડા, તેની સ્વતંત્રતાની ઝંખના હોય; સત્તાની કનડગત સામે વિદ્રોહ હોય, મૌન નહીં. સાહિત્યના કેન્દ્રસ્થાને માનવમૂલ્યો હોય, નફરત નહીં.
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના 24 સપ્ટેમ્બર 1981ના રોજ થઈ હતી. તેનો હેતુ સાહિત્ય અને ભાષા વિકાસ હતો. અકાદમી એક સ્વાયત્ત સંસ્થા છે જે તેના બંધારણ અનુસાર સામાન્ય સભાના 41 સભ્યોની મતદાન પ્રક્રિયા દ્વારા પોતાનો અધ્યક્ષ ચૂંટી શકે છે. વર્ષ 2003થી 2015 દરમિયાન સરકાર દ્વારા ચૂંટણી પ્રક્રિયા ન કરવાથી અકાદમીનું અધ્યક્ષ પદ ખાલી રહ્યું હતું. એપ્રિલ 2015માં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા વિના જ નિવૃત્ત સનદી અધિકારી ભાગ્યેશ જહાને અકાદમીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પરિણામે ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા ‘ગુજરાતી સાહિત્ય પરિષદે’ અને લેખક મનીષી જાની, શિરિષ પંચાલ, ધીરુ પરીખ, ચંદ્બકાન્ત ટોપીવાળા, ભરત મહેતા, પરેશ નાયક, રાજુ સોલંકી દ્વારા સ્વાયત્ત અકાદમી આંદોલન ચલાવવામાં આવ્યું. સાહિત્ય પરિષદે, અકાદમીની પ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો. કેટલાક લેખકોએ અકાદમીના પુરસ્કારનો અસ્વીકાર કર્યો. જેમાં હર્ષદ બ્રહ્મભટ્ટ / પ્રવીણ પંડ્યા / ભરત મહેતા / બિપીન પટેલ વગેરેનો સમાવેશ થાય છે. ધીરુ પરીખે અન્ય ગુજરાતી લેખકો સાથે મળીને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. સાહિત્ય અકાદમીએ પોતાની સ્વાયત્તતા 2013થી સાવ ગુમાવી દીધી હતી. હાલ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા છે.
પરંતુ હવે તે ગોડસેવાદી રંગે બરાબર રંગાઈ ગઈ છે. સત્તાપક્ષનું સામયિક છે ‘સાધના’. ‘સાધના’ અને ગુજરાત સાહિત્ય અકાદમીએ સાથે મળીને ‘શબ્દ-સાધના નિબંધ સ્પર્ધા’નું આયોજન કરેલ છે. 18થી 28 વર્ષના યુવાનો આ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
નિબંધના વિષય છે : [1] મારા સ્વપ્નનું ભારત. [2] ‘સ્વ’ જાગરણ. ત્રિ-પરિણામીય સ્વ: સ્વદેશી-સ્વધર્મ- સ્વરાજ્ય. સ્વનું જાગરણ જોઈ શકાય તેવા પ્રસંગો-કાર્યો. [3] હિન્દુત્વ. સુપ્રીમ કોર્ટ અનુસાર હિન્દુ એ જીવનશૈલી છે. ‘સર્વે ભવન્તુ સુખિન:’, ‘વસુધૈવ કુટુંબકમ્’ આવા સૂત્રો ચરિત્રાર્થ તેવું સ્વરૂપ. [4] આપણો ગૌરવશાળી વારસો. આપણને વિશ્વ સમક્ષ ગૌરવ અપાવનાર ધરોહર-વિરાસતની વાત. [5] રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ. એક સંસ્થા તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રભક્તિને આગળ ધપાવતા અભિયાન તરીકે. [6] સંવિધાન અને નાગરિક કર્તવ્યો. સંવિધાનમાં સમાવિષ્ટ નાગરિક કર્તવ્યોની છણાવટ, વર્તમાનમાં તેની પ્રસ્તુતતા, મહત્તા અને સક્ષમતા. [7] રાષ્ટ્ર પ્રથમ, નેશન ફર્સ્ટ. રાષ્ટ્રની વાત આવે ત્યારે તમામ જાતિ-પંથ-સંપ્રદાય-પક્ષ સૌથી પર થવું, ભારતભૂમિ આપણી પુણ્યભૂમિ-કર્મભૂમિ-માતૃભૂમિ. [8] મુસ્લિમ સમસ્યા. દેશ-વિદેશમાં આતંકવાદ, કન્વર્ઝન, લવજેહાદ, લેન્ડજેહાદ, ઘૂસણખોરી, કટ્ટરતા જેવી બાબતો અંગે. [9] વોકેઈઝમ. કુટુંબવિરોધી અને માનવતા વિરોધી વિમર્શની વાત. [10] ડિપસ્ટેટ, જેનું ભોગ ભારત બની રહ્યું છે. ભારત વિરુદ્ધનું વિદેશી ધરતી પર ઘડાયેલું ષડયંત્ર, જેમાં ભારતના સ્વાર્થી તત્ત્વોની સંડોવણી [11] સેક્યુલર એટલે ધર્મનિરપેક્ષ નહીં. સેક્યુલરનો સાચો અર્થ અને રાજકીય સ્વાર્થ માટે અનર્થ. [12] રાષ્ટ્રાભિમાનમાં સાહિત્યનું યોગદાન. [13] માતૃશક્તિના આદર્શ લોકમાતા અહલ્યાબાઈ હોળકર. [14] પર્યાવરણ સુરક્ષા. [15] ભારતીય કુટુંબ-પરંપરા.
ઉપરોક્ત નિબંધ સ્પર્ધા ‘સાધના’ સામયિક યોજે અને તેમાં ઉપરોક્ત વિષયો રાખે તેની સામે વાંધો ન હોય; પરંતુ ગુજરાત સાહિત્ય અકાદમી આવા વિષયો અંગેની નિબંધ સ્પર્ધા સાથે પોતાને જોડે તે શરમજનક છે. ગુજરાત સાહિત્ય પરિષદના દરેક હોદ્દેદારના શરીરમાં ગોડસે ધૂણતો હોય તો જ આવી સ્પર્ધા સાથે જોડાય !
ગુજરાત સાહિત્ય અકાદમીના મતે મુસ્લિમ સમસ્યા એટલે દેશ-વિદેશમાં આતંકવાદ, કન્વર્ઝન, લવજેહાદ, લેન્ડજેહાદ, ઘૂસણખોરી, કટ્ટરતા ! હા, લિંચિંગ તો બિલકુલ ન આવે. RSS અને તેમની ગેંગ જે નફરત-ઘૃણા ફેલાવે છે તેનો પણ ઉલ્લેખ નહીં કરવાનો ! ભારત વિરુદ્ધ વિદેશી ધરતી પર ઘડાયેલ ષડયંત્રમાં ભારતના સ્વાર્થી તત્ત્વોની સંડોવણી એટલે મુસ્લિમો જ ને? ‘સર્વે ભવન્તુ સુખિન:’, ‘વસુધૈવ કુટુંબકમ્’માં મુસ્લિમોને બાકાત જ રાખવાના ને? જો બાકાત રાખવાના ન હોય તો ગોડસેવાદીઓ વારંવાર નફરતી-ઝેર કેમ ઓકે છે? શું 18થી 28 વર્ષના યુવાનોના મગજ પ્રદૂષિત કરવાની આ નિબંધ સ્પર્ધા નથી? ‘સેક્યુલર એટલે ધર્મનિરપેક્ષ નહીં’ એવું ગુજરાત સાહિત્ય પરિષદના સાહિત્યકારો માનતા હશે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 100 વર્ષ દરમિયાન રાષ્ટ્રભક્તિને આગળ ધપાવી છે કે સત્તાસ્વાર્થને? નફરતને? ભ્રષ્ટાચારને? જૂઠાણાંને? દંભને?
ચાપલૂસી તારું બીજું નામ ગુજરાત સાહિત્ય અકાદમી છે ! અકાદમી અધ્યક્ષ ભાગ્યેશ જહા તો લેખક / કવિ અને નિવૃત્ત IAS અધિકારી છે; એમને નિબંધના આવા વિષયો પ્રત્યે ઊંડો લગાવ હશે? શું ગુજરાતના મીડિયા પણ કઠણ ભક્ત બની ગયા હશે? આ ગુજરાત સાહિત્ય અકાદમી છે કે ગુજરાત સાહિત્ય નકામી?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર