ભારતમાં કોરોના વાઇરસ (જે મહદ્ અંશે નષ્ટ થઇ ચુક્યો છે) પછીનો બીજો સૌથી જોખમી વાઇરસ જો કોઈ હોય, તો તે ફેક ન્યૂઝનો છે. તેનાથી સડકો પર હત્યાઓ થાય છે અને તોફાનો ભડકે છે. અમેરિકામાં 1958થી પ્રગટ થતા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના એક ડિજિટલ માસિક, “કોમ્યુનિકેશન ઓફ એ.સી.એમ.”ના એક અહેવાલ પ્રમાણે, 2019માં કોરોનાની બીમારી વખતે ભારતમાં ફેક ન્યૂઝની સંખ્યામાં 214 પ્રતિશતનો વધારો થયો હતો. 2016ની નોટબંધી વખતે નવી નોટોમાં જાસૂસી ચિપ બેસાડવામાં આવી છે એવા ‘ન્યૂઝ’ બહુ વાઈરલ થયા હતા. નાગરિક ધારા સામેના અંદોલન વખતે, સરકારે 5,000 સોશિયલ મીડિયા હેન્ડલ સસ્પેન્ડ કર્યા હતાં.
2018માં, વોટ્સએપ પરથી ફેલાયેલી અફવાનાં પગલે અલગ-અલગ ઘટનાઓમાં 20 માણસોને મારી નાખવામાં આવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં વોટ્સએપ પર ફેક ન્યૂઝનો પુષ્કળ મારો ચલાવવામાં આવ્યો હતો. 2020માં, મહારાષ્ટ્રના પાલઘર તાલુકામાં ત્રણ સાધુ અને તેના ડ્રાઈવરને ગામ લોકોએ વોટ્સએપની અફવા પરથી મારી નાખ્યા હતા.
ભારત પહેલો દેશ છે જ્યાં વોટ્સએપની ફેક ન્યૂઝની ફેક્ટરી માટે ‘વોટ્સએપ યુનિવર્સિટી’ એવો શબ્દ બનાવવામાં આવ્યો છે, જે આજે સૌની જબાન પર ચઢી ગયો છે. 2022માં, કેરળ હાઈકોર્ટે સ્કૂલનાં બાળકોના જબરદસ્તીથી રસીકરણની વોટ્સએપ અફવા પરથી દાખલ થયેલી જનહિતની અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે, “તમે આ વોટ્સએપ યુનિવર્સિટીનો ભરોસો ના કરો.”
ફેક ન્યૂઝ કેમ વધી ગયા છે? બે મુખ્ય કારણો છે; પહેલું કારણ રાજકારણ છે. ભારતમાં જ નહીં, દુનિયાભરમાં લોકતાંત્રિક દેશોની ચૂંટણીઓમાં મતદારોને ભરમાવા માટે અને વિરોધીઓને બદનામ કરવા માટે ફેક ન્યૂઝનો સહારો લેવામાં આવે છે. ચૂંટણીઓમાં સોશિયલ મીડિયા એક તાકાતવર હથિયાર બની ગયું છે. બીજું કારણ એ છે કે ફેક ન્યૂઝ એક બિઝનેસ છે (રાજકીય પક્ષો ફેક ન્યૂઝ પાછળ બહુ પૈસા ખર્ચે છે).
જેમ મુખ્ય ધારાનાં અખબારો કે ટેલિવિઝન સનસનીખેજ અને નકારાત્મક સમાચારો પર ફૂલેફાલે છે, તેવી રીતે સોશિયલ મીડિયા ફેક ન્યૂઝ પર નભે છે, કારણ કે તેમાં પકડાઈ જવાની બીક નથી હોતી. તેની પાછળ અમુક લોકોનું નેટવર્ક કામ કરે છે. તેમને હિત ધરાવતા પક્ષો તરફથી કે ટેક કંપનીઓ તરફથી પૈસા મળે છે. તમે જેટલો વધુ ટ્રાફિક કે વ્યુઅરશીપ લાવી શકો, એટલા વધુ પૈસા મળે.
ભારતનો એક મોટો વર્ગ ફેક ન્યૂઝ પાછળની કારીગરીથી વાકેફ નથી. કમનસીબે, ભારતનો ખાધે–પીધે સુખી અને શિક્ષિત ઉપરી મધ્યમ વર્ગ જ આ ફેક ન્યૂઝનો સુપરસ્પ્રેડર છે. પ્રશ્ન એ છે કે ફેક ન્યૂઝ છે તે જાણવા છતાં ભારતમાં લોકો કેમ તેમાં માને છે અને બીજાઓને માનવા માટે મજબૂર કરે છે? વિચાર કરો કે પાંચ સભ્યોનો એક પરિવાર છે અને પાંચે પાંચ જણા તેમની આસપાસની સામાજિક કે રાજકીય સ્થિતિ બાબતે પરસ્પર વિરોધી ‘તથ્યો’માં માને છે. એમાં તો તેમના સંબંધોની પણ વાટ લાગી જાય છે. કેમ?
આપણે ફેક ન્યૂઝ અથવા સોશિયલ મીડિયાને દોષ દઈએ તે તો બરાબર છે, પણ એ એક જ કારણ નથી. એમાં દોષ આપણી માનસિકતાનો પણ છે. ઇન ફેક્ટ, ફેક ન્યૂઝ સમાજમાં નકરાત્મકતા ફેલાવે છે એવું કહેવા કરતાં સાચું એ છે કે આપણી અંદર નકરાત્મકતા ભરી પડેલી છે એટલે ફેક ન્યૂઝનો આટલો ફેલાવો છે.
સામાજિક મનોવિજ્ઞાનમાં મોટિવેશનલ રિજનિંગ (સહેતુક તર્ક) નામની ધારણા છે. મોટિવેશનલ રિજનિંગ એટલે માણસો તેમના પૂર્વગ્રહોને મળતી આવતી વાતોને ‘તથ્ય’ તરીકે સ્વીકારે છે, અને પૂર્વગ્રહોથી પ્રતિકૂળ તથ્યોને જૂઠ ગણીને નામંજૂર કરે છે.
એક સ્ત્રીએ રસ્તામાં જતા પુરુષને રોક્યો, “અરે વાહ, ટોની! બહુ વર્ષો પછી જોયો તને. કેવો બદલાઈ ગયો છે! તું તો કેવો ઊંચો, પાતળો, ગોરો હતો. વાળ ટૂંકા થઈ ગયા, પેટ મોટું થઈ ગયું, આંખો અંદર જતી રહી! શું થયું?”
પેલા ભાઈએ અધવચ્ચે કહ્યું, “બહેન, પણ હું ટોની નથી! હું તો રોકી છું.”
“આ લે,” બહેને કહ્યું, “નામ પણ બદલી નાખ્યું!”
આપણે એ જ સાચું માનીએ છીએ જે પહેલેથી જ આપણે સાચું માની લીધેલું છે. આપણે ફેક્ટને ફેક્ટ પ્રમાણે નહીં, આપણી અંદર જે ફિક્શન છે તે પ્રમાણે જોઈએ છે. આપણી માન્યતાને મળતા આવે તે પુરાવા સાચા, બાકી બધું જૂઠ. ધારો કે તમે એક નેતાના સમર્થક છો, તો તેના વિશે તમે નકરાત્મક વાતોને સાચી નહીં માનો. એવી જ રીતે તમે બીજા નેતાને પસંદ નથી કરતા, તો તેના વિશે જેટલી પણ નકારાત્મક વાતો હશે તેને સાચી માનશો.
ભારતમાં અત્યારે રાજકારણથી લઈને સામાજિક અને ધાર્મિક બાબતોમાં આવી રીતે ધ્રુવીકરણ રચાયેલું છે. એમાં દરેક વ્યક્તિ પોત-પોતાનાં મોટિવેશનલ રિજનિંગ પ્રમાણે શું સાચું છે અને શું ખોટું છે તે નક્કી કરે છે.
આપણે સ્વભાવગત પક્ષપાતી છીએ. આપણે કોઈ નવી માહિતીને આપણી અંદર અગાઉથી મોજૂદ માન્યતાઓનાં ચશ્માંમાંથી જોઈએ છીએ. આપણે એ જ વાતને સાચા માનીએ છીએ, જે આપણા પૂર્વગ્રહોને મળતી આવે. આપણા મગજનું આ ડિફોલ્ટ સેટિંગ છે. આપણે આપણા મનની આ હકીકતને જાણતા નથી. તે અચેતન મનની ક્રિયા છે.
હિટલરના પ્રચારમંત્રી જોસેફ ગોબ્બેલ્સના નામે એક કુખ્યાત વિધાન છે; જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે. કેવી રીતે? માણસ સામાજિક પ્રાણી છે. આપણને ભલે એવું લાગતું હોય કે હું મારા વિચારો અને નિર્ણયોનો સ્વતંત્ર માલિક છું, પરંતુ આપણા વિચારો પર આપણે જે લોકો સાથે ઈન્ટરેક્શન કરીએ છીએ તેનો અને આપણે જે વાંચીએ-સાંભળી-જોઈએ છીએ તેનો ગહેરો પ્રભાવ હોય છે. આપણે શું વિચારવું જોઈએ તેના સંકેતો આપણને આપણા વાતાવરણમાંથી નિયમિત મળતા રહે છે. સમૂહ સાથે રહેવાની આપણી આદિમ વૃત્તિના કારણે આપણે બહુમતિ લોકોની વાતો કે વિચારોને અપનાવી લઈએ છીએ. આને ગ્રૂપ આઇડેન્ટિફિકેશન કહે છે; ટોળાંનો હિસ્સો બની રહેવા માટે વ્યક્તિ ટોળાંની વૃતિ અપનાવી લે છે. રીતિ-રિવાજો, પરંપરાઓ, માન્યતાઓ આવી રીતે જ બને છે.
ગ્રૂપ પોલોરાઈઝેશન, એટલે કે સામૂહિક ધ્રુવીકરણ પણ આ રીતે જ થાય છે. ટોળાંમાં રહેવાની જરૂરિયાતનાં કારણે, લોકો એકલા હોય તેની સરખામણીમાં ટોળાંમાં હોય ત્યારે વધુને વધુ આત્યંતિક વિચાર કે વર્તન તરફ ઢળે છે. દાખલા તરીકે, એકલો માણસ કોઈનું ખૂન કરતાં બે વાર વિચાર કરે, પણ તે જો હિંસક ટોળાંનો હિસ્સો હોય તો તેના માટે બે-ચાર ખૂન કરવાં આસાન હોય છે. બહુમતી લોકો જો કોઈ ચીજમાં માનતા હોય તો તે સાચી હોવી જોઈએ, પછી ભલે તથ્ય અને સત્ય જુદું હોય.
સાદી ભાષામાં, આને જ ઘેટાંવૃત્તિ કહે છે. એમાં સારું-ખરાબ કે સાચું-ખોટું અપ્રસ્તુત અને અતાર્કિક બની જાય છે. સત્ય સાથે એકલા અને અસુરક્ષિત રહેવા કરતાં જૂઠ સાથે ટોળાંમાં રહીને સુરક્ષિત રહેવાનું મોટાભાગના લોકો પસંદ કરે છે. એટલા માટે જ ભારતમાં વોટ્સએપ પર ફેલાયેલી એક અફવાનાં પગલે 20 લોકોના જીવ જતા રહ્યા હતા.
અગાઉ થિયેટરમાં રિલીઝ થયા પછી હવે ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર આવેલી, નિર્દેશક સુધીર મિશ્રાની વિચારોત્તેજક ફિલ્મ “અફવાહ”ના પ્રમોશનમાં એક ટેગલાઈન છે – “કિસી ભી કોને મેં છુપ જાઓ, અફવાહ તુમ્હે ઢૂંઢ નીકાલેગી.” આ લાઈનમાં ભારતની વર્તમાન પરિસ્થિતિની ઝાંખી છે. દેશના 75 કરોડ ઇન્ટરનેટ યુઝર્સમાંથી બહુમતી લોકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ડિજીટલ માધ્યમોથી આવેલી અફવાનો ભોગ બની ચુક્યા છે અને હજુ ય બની રહ્યા છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 16 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર