ધનપત રાય શ્રીવાસ્તવની કઠણાઈ 8 વર્ષની ઉંમરે જ શરૂ થઇ ગઈ હતી. તેણે હજુ ભણવાનું જ શરૂ કર્યું હતું ત્યાં તેની માતા આનંદી દેવી બીમારીમાં અવસાન પામી. તેના પિતા અજબ અલીએ બીજાં લગ્ન કર્યા અને ધનપતને દાદીના સહારે મુક્યો. થોડા વખત પછી દાદી પણ પરધામ સિધાવી ગઈ. ધનપત બાળપણમાં જ માતા-પિતાના પ્રેમથી વંચિત થઇ ગયો. એ 15 વર્ષનો થયો અને તેનાં લગ્ન કરાવી દેવામાં આવ્યાં. તેને ભણવું હતું, પણ ત્યાં જ પિતાનું અવસાન થઇ ગયું. ધનપત પર સાવકા પરિવારની જવાબદારી આવી પડી. સાવકી માનો ત્રાસ સહન કરવો પડતો હતો તે અલગ જ દુઃખ હતું. તેણે ભણવાનું છોડી દીધું. મહિનાના પાંચ રૂપિયાના પગારે તેને એક ટ્યુશન મળ્યું. ત્રણ વર્ષ પછી, એક સરકારી સ્કૂલમાં મદદનીશ શિક્ષકની નોકરી મળી.
શિક્ષકની નોકરીમાં પ્રગતિ થતી રહી, પણ ઘરમાં અણગમતી પત્ની અને સાવકી માતા સાથે ઝઘડામાં પણ “વિકાસ” થતો રહ્યો. એકવાર પત્નીએ ગળે ફાંસો લગાવ્યો પણ બચી ગઈ. ધનપતે તેને એટલો ઠપકો આપ્યો કે તે પિતાના ઘરે જતી રહી. ધનપતે તેને ફરી કયારે ય ન બોલાવી. એ પછી ધનપતે એક બાળ વિધવા સાથે લગ્ન કરી લીધાં. ધનપતે જિંદગીની ગાડીને ફરી પાટે ચઢાવા કોશિશ કરી. મામૂલી પગારે નોકરીમાં ટકી રહીને એણે કોલેજનું ભણતર પૂરું કર્યું. સાથે વાર્તાઓ લખવાનો શોખ પોષ્યો. તે પછી સ્કૂલોના ડેપ્યુટી ઇન્સ્પેકટરની નોકરી મળી, પણ ત્યાં સરકારી નોકરીઓના બહિષ્કારનું ગાંધીજીનું આહ્વાન આવી પડ્યું. ધનપત આમે ય નોકરીઓમાં થાક્યો હતો. પત્નીએ સંમતિ આપી એટલે છોડી દીધી.
ધનપતે હવે લખીને જ જીવવાનું નક્કી કર્યું, અને બનારસમાં પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કર્યો. લખીને કમાણી આજે ય થતી નથી, તો 40ના દાયકામાં ક્યાંથી થાય! લખીને ચાર પૈસા કમાવાની ફિરાકમાં ધનપત મુંબઈ આવ્યો. સાંભળ્યું હતું કે મુંબઈમાં ફિલ્મવાળાઓ લખવાના સારા એવા પૈસા આપે છે. વાત તો સાચી હતી. અજંતા સિનેટોન નામની એક ફિલ્મ કંપનીએ મહિને 8,000 રુપિયાના પગારે સ્ક્રીપ્ટ લખવાની નોકરી આપી. બનારસ પાસેના લખમી ગામમાં દારુણ ગરીબીમાં પેદા થયેલા અને મામૂલી નોકરી માટે થઈને કાનપુર, ગોરખપુર અને બનારસ ફરતા રહેલા ધનપત માટે 8 હજાર રૂપિયા શાહી રકમ હતી. ધનપતને સિનેમામાં કોઈ રસ નહોતો, પણ પૈસા એટલા મળતા હતા કે ના પાડી શકાય તેમ નહોતી. તેણે એક વર્ષના કરાર પર અજંતામાં નોકરી લીધી.
હૈદરાબાદ(પાકિસ્તાન)ના એક સિંધી સાહસિક મોહન દયારામ ભવનાનીએ 1933માં અજંતા સિનેટોનની સ્થાપના કરી હતી. આ મોહન 1924માં માન્ચેસ્ટર (ઇંગ્લેન્ડ) જઈને ફોટોગ્રાફીની ટેકનોલોજીનું ભણ્યો હતો અને પછી જર્મનીમાં ફિલ્મ નિર્માણ શીખી આવ્યો હતો. ત્યાંથી પાછા આવીને મોહને દ્વારકાદાસ સંપતના કોહિનૂર સ્ટુડીઓ માટે વીર બાલા” નામની ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. એ ફિલ્મ મારફતે તેણે હિન્દી સિનેમાની પહેલી ‘સેક્સ સિમ્બલ’ સુલોચનાની ભેટ આપી, જેનું અસલી નામ રૂબી માયર્સ હતું, જે યહૂદી એક્ટ્રેસ હતી. અજંતા સિનેટોનના બેનર હેઠળ મોહને ધનપતની ભેટ આપી.
31 મે 1934ના રોજ ધનપત રાય શ્રીવાસ્તવ મુંબઈ આવ્યો અને દાદર વિસ્તારમાં ઘર ભાડે લીધું. ફિલ્મ સ્ક્રીપ રાઈટરની નવી નોકરીમાં તેણે જે પહેલી ફિલ્મ લખી, તેનું નામ હતું “મિલ મઝદૂર.” ફિલ્મનું નિર્દેશન મોહન ભવનાનીએ કર્યું હતું. તેમાં મિલ માલિકની દીકરી પદ્માની ભૂમિકા 30ના દાયકાની સ્ટાર મિસ બિબો નામની એક્ટ્રેસે કરી હતી, જ્યારે તેના ભાઈ વિનોદની ભૂમિકા એસ.બી. નયમપલ્લીએ કરી હતી. મિલ માલિક ભાઈ-બહેનની સામે શિક્ષિત બેરોજગાર કૈલાશની ભૂમિકામાં હેન્ડસમ હિરો પી. જયરાજ હતો.
હિન્દી સિનેમાના ઇતિહાસમાં “મિલ મઝદૂર”નું નોંધપાત્ર સ્થાન છે. આ ફિલ્મ બની ત્યારે ભારતમાં ઉધોગના નામ પર કપડાંની મિલો ધમધમતી હતી. ગરીબ અને તવંગરની વ્યાખ્યા ત્યારે મિલ માલિક અને મિલ મઝદૂર તરીકે થતી હતી. શહેરીકરણની એ શરૂઆત હતી, કારણ કે બ્રિટિશરો તેને રહેવા લાયક બનાવ્યાં હતાં. ભારત એક ગરીબ દેશ હતો અને ગામડાંના લોકો સુખ-સુવિધાની શોધમાં શહેરો તરફ વળી રહ્યા હતા.
ગરીબી અને નિરક્ષરતા એટલી હતી કે મિલ માલિકો તેમનું શોષણ કરવામાં પાછા પડતા નહોતા. માલિકો અને મઝદૂરોના સંઘર્ષના એ દિવસો હતા. મુંબઈની મિલોની આ વાસ્તવિકતાનો આધાર લઈને “મિલ મઝદૂર” ફિલ્મને બનાવામાં આવી હતી. 1934માં આવી ફિલ્મ બનવી એ જ એક ઘટના છે, કારણ કે એ પહેલાં આવી ફિલ્મ બની નહોતી. આજની ભાષામાં, “મિલ મઝદૂર”ને અર્બન નક્સલોની પહેલી ફિલ્મ કહી શકાય.
ફિલ્મનો વિષય મોહન ભવનાનીએ પસંદ કર્યો હતો, અને ધનપત રાયે તેની રસપ્રદ વાર્તા બનાવી હતી.
ધ હંસરાજ મિલના માલિક શેઠ હંસરાજ, મિલની માલિકી તેમના દીકરા અને દીકરીને આપીને મૃત્યુ પામે છે. દીકરો વિનોદ શરાબી અને ઐયાશ છે, જ્યારે દીકરી પદ્મા ઉદાર અને સેવાભાવી છે. મિલના કામદારો વિનોદની જોહુકમીથી પરેશાન થઇ જાય છે. એક દિવસ પદ્માની ગાડી મિલમાં બહાર નીકળી હોય છે, ત્યાં દરવાજા પાસે એક યુવાન બેહોશ મળે છે. તે કૈલાશ છે અને નોકરી માટે ભટકી રહ્યો છે.
પદ્મા તેની સારવાર કરે છે અને મિલમાં નોકરી આપે છે. કૈલાશ મિલના હિંસક કામદારોની આગેવાની લે છે અને તેમને અહિંસક રહેવા મનાવે છે. કૈલાશના એ ગુણથી પદ્મા તેના તરફ આકર્ષાય છે. એક દિવસ કામદારો વિનોદના કારભારથી ત્રાસીને હડતાળ કરે છે. એમાં પદ્મા અંગત રીતે કામદારોને આર્થિક મદદ કરે છે. એમાં એક દિવસ પ્રશ્નો લઈને મળવા આવેલા કામદારો પર વિનોદ ગોળીબાર કરે છે. એમાં કૈલાશ પણ ઘાયલ થાય છે.
પોલીસ વિનોદની ધરપકડ કરે છે. તેને પાંચ વર્ષની જેલની સજા થાય છે. હવે મિલનું સંચાલન પદ્મા પાસે આવે છે. વિનોદની ઐયાશી અને હડતાળના કારણે મિલની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં કૈલાશની આગેવાનીમાં કામદારો ઓછા પગારે કામ કરવા તૈયાર થાય છે. થોડા દિવસ પછી મિલને એક મોટું ટેન્ડર મળે છે અને તે સ્થિતિ સુધારે છે. અંતે કૈલાશ અને પદ્માનાં લગ્ન થાય છે અને કામદારો બંનેને હર્ષથી વધાવી લે છે.
આજે આપણને આ ફિલ્મમાં કશું વાંધાજનક ના લાગે, પરંતુ 1935માં તે સેન્સર બોર્ડની મંજૂરી માટે ગઈ, તો બોર્ડના સભ્યોને ‘આઘાત’ લાગ્યો. મિલ માલિકો વિરોધી આવી ફિલ્મને કેવી રીતે મંજૂરી અપાય? આ તો કામદારો અને વહીવટીતંત્ર વચ્ચે દુ:શ્મની ઊભી કરે તેવી ફિલ્મ છે! બોર્ડના એક પારસી સભ્ય બેરામજી જીજીભોય મુંબઈના મિલ માલિકોના સંગઠનના અધ્યક્ષ હતા અને તેમને આ ફિલ્મ મિલ વિરોધી લાગી હતી.
ફિલ્મ પર મુંબઈમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. તેને લાહોર, દિલ્હી અને લખનૌમાં પ્રદર્શિત કરવા દેવાઈ પણ થોડા જ દિવસમાં તેણે કામદારોમાં એવો ઉશ્કેરાટ ઊભો કર્યો કે તેને ત્યાં પણ પ્રતિબંધિત કરી દેવામાં આવી. વિડંબના કેવી કે ફિલ્મ જોઇને સ્ક્રીન રાઈટર ધનપત રાયના બનારસ પ્રિન્ટીંગ પ્રેસના કામદારોએ પણ બાકી પગાર માટે હડતાળ કરી દીધી! ધનપતના મુંબઈનું સ્વપ્ન ચકનાચૂર થઇ ગયું. એક તો ફિલ્મ રિલીઝ ના થઇ, ઉપરથી પ્રિન્ટીંગ પ્રેસ બંધ થઇ ગયો. તેણે એક મિત્રને કાગળમાં લખ્યું હતું, “સિનેમાનો ધંધો દારુના ધંધા જેવો છે. લોકોને ખબર જ નથી કે સારું શું કહેવાય અને ખરાબ શું કહેવાય. મેં બહુ વિચાર કરીને આ દુનિયા છોડી દેવાનું નક્કી કર્યું છે.”
1935માં તેમણે મુંબઈ છોડીને પાછી બનારસની વાટ પકડી. કદાચ એ સારું જ થયું. તેમના જવાથી હિન્દી સિનેમાનું જે નુકસાન થયું, તેમાં ભારતીય સાહિત્યનો ફાયદો થયો. “મિલ મઝદૂર” ફિલ્મની પ્રિન્ટ તો હવે મળતી નથી, પણ તેના નિષ્ફળ સ્ક્રીન રાઈટર ધનપત રાય શ્રીવાસ્તવને આજે આપણે મુંશી પ્રેમચંદ તરીકે ઓળખીએ છીએ.
પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 31 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર