કુન્તકના અધ્યયન દરમ્યાન મને એમણે પ્રયોજેલી કેટલીક સંજ્ઞાઓ ખૂબ ગમી ગઈ : વક્રકવિવ્યાપાર. વૈદગ્ધ્યભંગીભણિતિ. શોભાતિશય. સહૃદયાહ્લાદકારી.
તદ્વિદાહ્લાદકારી.
યથાસ્થાને એ દરેકનું વિવરણ કરીશ.
એમણે પ્રયોજેલી સંજ્ઞા ‘વક્રકવિવ્યાપાર’ સમજીએ :
વ્યાપાર એટલે પ્રક્રિયા, અહીં, કાવ્યસર્જનની પ્રક્રિયા. એ વ્યાપાર વક્ર હોય છે. કુન્તક દર્શાવે છે કે એ વ્યાપારની વક્રતાના મુખ્યત્વે છ ભેદ છે, એટલે કે, પ્રકાર છે. દરેક પ્રકારમાં રહેલા વૈચિત્ર્યથી શોભતા બીજા અનેક પ્રભેદ છે, એટલે કે, પેટા પ્રકારો છે.
૧ : વર્ણવિન્યાસ વક્રતા :
વર્ણ એટલે અક્ષરો. અક્ષરોનો વિન્યાસ એટલે, ગોઠવણી. આપણે બધા, ‘કાચના કબાટમાંથી કાચી કૅરી કાઢી કચુમ્બર કરો’ ઉક્તિના વર્ણવિન્યાસને જાણીએ છીએ. ‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની’ કાવ્યપંક્તિમાં વર્ણવિન્યાસ માત્રચાતુરી નથી પણ કાવ્યવિકાસને ઉપકારક કલ્પન છે, આપણે એને માણીએ છીએ.
૨ : પદપૂર્વાર્ધ વક્રતા :
કુન્તકે દર્શાવેલો આ બીજો પ્રકાર છે. વ્યાકરણમાં ‘વર્ણ’ ‘પ્રકૃતિ’ કહેવાય છે. એને પ્રત્યય લાગે એટલે શબ્દ ‘પદ’ બને છે. પ્રકૃતિ + પ્રત્યય = પદ. સુબન્ત એટલે નામાદિ અને તિડ.ન્ત એટલે ધાતુ રૂપ પદોનો પૂર્વાર્ધ, અને તેની વક્રતા, તેનો બંકિમ વિન્યાસ, તે પદપૂર્વાર્ધ વક્રતા છે.
પદપૂર્વાર્ધ વક્રતા અનેક રીતે પ્રયોજાતી હોય છે,કુન્તકે ‘પર્યાયવક્રતા’ ‘ઉપચારવક્રતા’ ‘વિશેષણવક્તા’ વગેરે ઓછામાં ઓછા ૮-૯ પ્રકાર દર્શાવ્યા છે.
૩ : પ્રત્યયવક્રતા અથવા પ્રત્યયાશ્રિત વક્રતા :
વ્યાકરણમાં વર્ણવાયેલા સુપ્ કે તિડ.ન્ત પ્રત્યયોનો એટલે કે સ્થાનોનો ઉક્તિમાં આધાર લેવાયો હોય ત્યારે પ્રત્યયવક્રતા સંભવે છે. એના પણ કુન્તકે અનેક પ્રકારો દર્શાવ્યા છે, જેવા કે, ‘સંખ્યાવૈચિત્ર્ય-કૃત’, ‘કારકવૈચિત્ર્ય-કૃત’, ‘પુરુષવૈચિત્ર્ય-કૃત’, વગેરે.
૪ : વાક્યવિન્યાસવક્રતા :
આપણે જાણીએ છીએ કે પદપૂર્વાર્ધ = વર્ણ + પ્રત્યયથી સિદ્ધ પદસમુદાયનું એટલે કે શબ્દોનું વાક્ય બને છે. કહો કે, અવ્યય કારક વિશેષણ વગેરેથી યુક્ત ક્રિયા = આખ્યાતને વાક્ય કહેવાશે.
શ્લોક, મુક્તક કે કોઈપણ રૂપ-વાક્યોમાં આપણે આ વક્રોક્તિતત્ત્વ અનુભવતા હોઈએ છીએ. દેખીતી રીતે જ આ વક્રતા વર્ણવિન્યાસાદિથી ભિન્ન છે.
આ વાક્યવક્રતાના તો હજારો પ્રકાર હોઈ શકે છે, જેમાંથી, રૂપક વગેરે અનેકાનેક અર્થાલંકારો પ્રગટી શકે છે.
આ વક્રતાનો અન્તર્ભાવ વાક્યોના સમુદાયથી બનેલાં પ્રકરણોમાં અને પ્રકરણોના સમુદાયથી બનેલા પ્રબન્ધમાં હોય છે, અને તે અનુભવી શકાય છે. તેથી –
૫ : વક્રોક્તિનો પાંચમો પ્રકાર છે, પ્રકરણવક્રતા. અને –
૬ : વક્રોક્તિનો છઠ્ઠો પ્રકાર છે, પ્રબન્ધવક્રતા.
વક્રોક્તિના આ છ પ્રકારોમાં બધા જ અલંકારોનો અન્તર્ભાવ હોય છે, એટલે કે કોઈપણ અલંકારના ઘડતરમાં વક્રોક્તિ તત્ત્વ કે વક્રભાવ હોય છે. વર્ણવિન્યાસવક્રતા આદિથી શબ્દાલંકારો સરજાય છે, વાક્યવિન્યાસ આદિથી અર્થાલંકારો સરજાય છે.
પ્રકરણ કે કાવ્ય નાટક વગેરે પ્રબન્ધમાં રહેલા વક્ર ભાવને કુન્તક સહજ અને આહાર્યસુકુમાર કલ્પે છે. સહજ એટલે સરળ સ્વાભાવિક, અને જેમાં વ્યુત્પત્તિ = વિદ્વત્તાથી ઉપાર્જિત સુકુમારતા પ્રગટી હોય, તે આહાર્ય સુકુમાર.
મહાકવિઓનાં સર્જન, દાખલા તરીકે, “રામાયણ” “મહાભારત” મહાકાવ્યો અને “શાકુન્તલ” વગેરે નાટકોમાં રસિત વક્રભાવમાં તમામ વક્રોક્તિઓ, જરૂરિયાત પ્રમાણે, અનુસ્યૂત હોય છે. એમાં નિરૂપાયેલા મહાપુરુષો રામ રાવણ કૃષ્ણ કે દુષ્યન્તનાં વર્ણન ‘અતિ’ (રાવણ ‘દશાનન’ છે, ભૂજા ‘વીસ’ ધરાવે છે) એટલે કે, બઢાવેલાં-ચડાવેલાં, ઍરિસ્ટોટલે કહેલું એમ અથવા અન્યથા, ‘સમથિન્ગ ઍડેડ ઇન્ટુ રીયલ વન’ હોય છે. પણ તેથી જ એ કલા કહેવાય છે, આર્ટ.
પણ કુન્તક એમ કહે છે કે એ ‘અતિ’ માત્ર ‘અતિ’ નથી હોતાં, ખાલી હોવા ખાતર નથી હોતાં, પણ કવિઓએ એને, આમ કરાય અને આમ ન કરાય, એવા ઉપદેશ માટે, વિધિ-નિષેધ માટે, સરજ્યાં હોય છે. એમનાં પ્રબન્ધન એમ સૂચવે છે કે રામ જેવા થાઓ, રાવણ જેવા નહીં.
ઉપદેશની આ વાત આખરે, અસ્વીકાર્ય લાગે; પક્ષીલ પણ લાગે, કેમ કે, રાવણનું પાત્ર પણ મહાપુરુષનું છે…
પણ કુન્તક સાર એ ધરે છે કે આ સ્વરૂપે-પ્રકારે સંભવેલું કાવ્ય, સર્જન, સહૃદયાહ્લાદકારી શોભાતિશય હોય છે, અને તેનો વિશેષ, વક્રોક્તિ છે.
આ માણસ કુન્તક કોઈ મોટા ડર્મેટોલૉજિસ્ટની જેમ સપાટી પરની દેખીતી ત્વચાથી શરૂ કરીને એનાં પડ પછી પડ લગી અને નીચેના હાડકા સુધી અને જાણે બોનમૅરો લગી જઈ પ્હૉંચે છે. વર્ણથી પ્રબન્ધ લગીનું એમનું એ કૈશિકીવૃત્તિને – હૅઅરસ્પિલિટિન્ગ ઍનાલિસિસને – વરેલું વિશ્લેષણ-કૌશલ એ દરેકના સ્વરૂપને જાણે છે અને તેની સાથેના વક્રકવિવ્યાપારની વ્યાખ્યા કરે છે.
એ કારણે હું એમને કાવ્યદેહ અને તેની અંગાંગપરક રચના-સંરચનાના, ઍનેટૉમિના, જ્ઞાતા કહું છું.
= = =
(05/31/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર