હારું છું, હરેરી નથી જતો
‘શું જરૂર હતી કૂતરાં હારે બાખડવાની?’
આજે પાંસઠની વયે પણ જ્યારે ઘવાઉં કે ઉઝરડાઉં ત્યારે
બાળપણમાં બાપુજીએ ખીજવાઈને કહેલું
આ વાક્ય યાદ આવે અને હસી પડાય છે,
હારું છું, હરેરી નથી જતો.
નિશાળના આચાર્ય પહેલવાન બલ્લુભાઈ,
કાંઠલેથી ઊંચો કરી આખી નિશાળમાં ફેરવતા
પણ મેદાનમાં કબ્બડી રમતી વખતે
એમનાં બે પગ વચ્ચેથી નીકળીને જીતી જતો,
મારી નબળાઈ અને સબળાઈને બરાબર જાણું છું
લડું છું
હારું છું, હરેરી નથી જતો.
રમતમાં નિયમ અને ખેલદિલી હોય
ટીમને જીતાડવા ભાઈબંધ આઉટ કરાવે
તો ય આપણે એનો વાંસો થાબડીએ
પણ લડતમાં આવું થાય ત્યારે
પરાજયની પીડા કરતાય
અસહ્ય બની જાય બાંધી મુઠ્ઠી ખુલી ગયાની ગ્લાનિ ..
કડવાશ ખંખેરી
હાથ મિલાવી
સ્મિત ફરકાવી
છોડી જાઉં છું મેદાન –
હારું છું, હરેરી નથી જતો.
વિજેતાઓને જોઉં છું
જેઓ વિજયનાં છત્ર નીચે ઊભા હોય છે એકલા
ગળામાં પડેલી જયમાલા સંતોષને બદલે
આપતી હોય છે એવાં સ્મરણ
જેમાં હોય છે બે આંખોની શરમ છોડ્યાની નિર્લજ્જતા,
ખભા પરથી હટી ગયેલા મિત્રોના હાથ
બની જાય છે પ્રશ્નાર્થ ચિન્હ
જેમ ઊંધેથી વાક્યને વાંચવું વ્યર્થ હોય છે
એટલું જ અઘરું હોય છે આ સમજવું
ઠરેલા દેવતામાં ઈંધણ ઓરવાને બદલે
હાથ ઘસતો કડકડતી ટાઢમાં એકલો આગળ વધુ છું –
હારું છું, હરેરી નથી જતો.
પાંસઠ થયાં,
ક્યારેક શરીરમાં થોડો થાકોડો વર્તાય છે
ક્યારેક બરાબર બોલાતું નથી
ક્યારેક બિલકુલ સંભળાતું નથી
ગળપણનો મોહ છૂટતો જાય છે
તીખા તુરા કડવા સ્વાદ પારખવામાં થોડો વખત લાગે છે
વિચારોની ગતિ પવન પડી ગયા જેવી છે
પણ તો ય દિ’ આથમણે ચાલવા નીકળું છું
સામે શિંગડા હલાવતો ખુંધવાળો કાળો સાંઢ દેખાય
કે તરત શરીરને સંકોરું છું
પશુ સમજે એવી ભાષામાં હાકોટો કરું છું
લડવાનાં દરેક સ્થાને અચૂક લડું છું
ઘવાઉં છું ઉઝરડાઉં છું
હારું છું, હરેરી નથી જતો.
ભોપાલ, તારીખ: ૦૬/૧૨/‘૨૨