જાણીતા કવિ-નાટ્યલેખક અને દિગ્દર્શક પ્રવીણ પંડ્યા લિખિત ગુજરાતી નાટક 'બેગમ હઝરત' હિન્દીમાં અખ્તર ખાન પઠાણ દ્વારા અનુવાદિત થઈને 'સમકાલીન ભારતીય સાહિત્ય'માં પ્રકાશિત થયું હતું. તાજેતરમાં પ્રસાર ભારતીએ ઓલ ઇંડિયાનાં નેશનલ પ્લે પ્રોગ્રામ માટે આ નાટકની પસંદગી કરીને તારીખ ૨૨ ઑગસ્ટ 2013 ના રોજ રાતે ૯-૩૦ વાગે અૉલ ઇન્ડિયા રેડિયોનાં તમામ સ્ટેશન પરથી ભારતની તમામ ભાષાઓમાં બેગમ હઝરત પ્રસારિત કર્યું હતું. આ નિમિત્તે પ્રવીણભાઈને અભિનંદન આપીએ અને આ નાટકને માણીએ …
− અશોક ચાવડા ‘બેદિલ’
બેગમ હઝરત મહલ
લેખક : પ્રવીણ પંડ્યા
પાત્ર સૂચિઃ
(૧) બેગમ હઝરત મહલ – નાટકના આરંભે ઉંમર વર્ષ બાવીસ-ત્રેવીસ, નવાબ વાજીદ અલી શાહની બેગમ અને અઢાર સો સત્તાવનના મહા સંગ્રામની નાયિકા.
(૨) નવાબ વાજીદ અલી શાહ – યુવાન ઐય્યાશ નવાબ
(૩) રોઝાલિના – અંગ્રેજ મેજર નેલ્સનની પત્ની
(૪) મમ્મુ ખાં – બેગમનો વફાદાર સેનાપતિ
(૫) હડસન – અંગ્રેજ મેજર
(૬) મૌલવી અહમદુલ્લાહ શાહ – ધાર્મિક
(૭) રાણા વેણી માધવ
(૮) બિરજીસ કદર – ચૌદ વરસનો શહજાદો જેને અવધની ગાદી પર બેસાડવામાં આવે છે.
(૯) ધનિયા – ગામની ગરીબ સ્ત્રી,
(૧૦) રઝિયા – ગામની ગરીબ સ્ત્રી.
(૧૧) કનૈયો – ધનિયાનો માનસિક રૂપથી અક્ષમ મોટી ઉંમરનો બાળક જેવો પુત્ર
(સંદર્ભ પાત્રો – મેજર નેલ્સન – અંગ્રેજ મેજર, રાજા જીયાલાલ, બહાદુર શાહ ઝફર – દિલ્લીના છેલ્લા સુલતાન, ગવર્નર કૈનિંગ. પ્રજાજનોના દૃશ્ય માટે અન્ય નટ-નટીઓ)
(મંચ પર અંધકાર છે. અંધકારમાં ઠુમરીનું સંગીત. આ સંગીત સાથે પડદો ખૂલે છે, રંગીન પ્રકાશ છે. બેગમ હઝરત મહેલ નૃત્ય કરતી દેખાય છે, નવાબ વાજીદ અલી એ નૃત્યને માણી રહ્યા છે.)
વાજીદ અલી : મહક પરી, આ વાજીદ અલી શાહ તમારા હુસ્ન અને ફનકારીની જેટલી તારીફ કરે એટલી કમ છે, તમારી પર નજર પડે છે તો હટવાનું નામ જ નથી લેતી, થાય છે કે કયામત સુધી તમારા દીદારમાં ડૂબેલા જ રહીએ.
હઝરત મહલ : નવાબ સાહેબ શું સલ્તનતે હિંદ બાદશાહ સલામત બહાદુર શાહ ઝફરની જેમ શાયરી કરી રહ્યા છો કે શું ?
વાજીદ અલી : શાયરી ! તમે ખુદ એક ગઝલ છો, હૂબહૂ અસદુલ્લા ગાલિબની ગઝલ.
હઝરત મહલ : આ તો નવાબ સાહેબની કદરદાની છે. બાકી આ નાચિઝ જેવી તો કેટલીયે આપના આ પરીખાનામાં છે. હું તો એક સામાન્ય ઘરાનાની ઔરત છું, આપના આ પરીખાનામાં મને જગાહ મળી એ જ મારી તકદીર છે.
વાજીદ અલી : તમારી તકદીરમાં તો મારા બેગમ થવાનું પણ લખાયેલું છે.
હઝરત મહલ : નવાબ સાહેબ, આપ શું બોલી રહ્યા છો ? આપની બેગમ સાહેબાઓને માલુમ પડશે તો ..
વાજીદ અલી : આ તો ઈઝહારે મહોબ્બત છે. અમે આવતી કાલે જ તમારી સાથે નિકાહ કરીશું,
હઝરત મહલ : નવાબ સાહેબ …
વાજીદ અલી : હા, અમે મૌલવી સાહેબને કહીને જ આવ્યા છીએ. આવતી કાલે તમે બેગમ બનશો. નામ રખાશે હઝરત મહલ.
હઝરત મહલ : હઝરત ….
વાજીદ અલી : હા, હઝરત મહલ. ઇસ્લામમાં હઝરત લફ્ઝ બેહદ પાક ગણાય છે. અને અદબથી બોલાય છે.
હઝરત મહલ : પણ હું હઝરત ….
વાજીદ અલી : હા, તમે પણ એટલા જ પાક છો. એટલા જ પાક.
(બંન્ને એક મેકને જોઈ રહ્યાં છે. ઠુમરીનું સંગીત. પ્રકાશ લૂપ્ત થાય છે. અંધકાર )
અવાજ : આ ઘટનાનાં કેટલાક વર્ષો પછી. દસ મે ઇસ્વીસન અઢારસો સત્તાવન, ભારતની પ્રથમ જન ક્રાંતિ આકાર લે છે. આ લોક ક્રાંતિમાં આશરે બાવીસ લાખ લોકો હણાયા હતા. દિલ્લીમાં મોતનું તાંડવ ખેલાયું હતું. દરવાજાઓ પર ક્રાંતિકારીઓની લાશો દિવસોના દિવસો સુધી લટકતી રાખવામાં આવી હતી, એટલે જ તો બહાદુર શાહ ઝફર લખે છે, લગતા નહીં હૈ દિલ મેરા ઉજડે દયારમે. આ જન ક્રાંતિના અનેક સેનાનીઓ હતા. એમાં અવધની બેગમ હઝરત મહેલનું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેટલા જ આદરથી લેવાય છે. નવાબ વાજીદ અલી શાહને અંગ્રેજોએ ક્રાંતિના એક વર્ષ પહેલાં જ પકડી લીધા હતા અને કલકત્તાની જેલમાં કેદ રાખ્યા હતા. પછીના ઇતિહાસની કેટલીક ઘટનાઓનું નાટ્ય રૂપાંતર અમે રજૂ કરી રહ્યા છીએ.
(પ્રકાશ થાય છે ત્યારે ગામના ચોરા પાસે ધનિયા ઘંટી પર દળી રહી છે, એનો મોટી ઉંમરનો માનસિક રીતે બીમાર દીકરો કનૈયો મોઈ ડાંડિયા રમી રહ્યો છે. કનૈયો બરાબર બોલી શકતો નથી. એ થોડા શબ્દો માંડ માંડ બોલે છે અને બાકીની વાત ઈશારાથી સમજાવે છે. રઝિયા ત્યાં ભરતકામ કરી રહી છે.)
કનૈયો : એ બા, એ બા, જ … જો..
(એ મોઈને ફટકારે છે મોઈ ક્યાંક દૂર ગઈ છે એટલે એ પાછળ ચાલ્યો જાય છે)
રઝિયા : ધનિયા , આ કનૈયાનો ઈલાજ …
ધનિયા : વૈદ અને હકીમ બેયની દવા ચાલે છે, શુક્રવારે દરગાહે પગે લગાડવા પણ લઈ જવ છું, કાંઈ ફેર નથી પડતો.
રઝિયા : કનૈયાના બાપુના ફોજમાંથી કાંઈ સમાચાર આવ્યા છે ?
ધનિયા : ના, અને હુસેનભાઈના ?
રઝિયા : કાંઈ ખબર નથી, અબ્બા કહે છે કે એ બધા સિપાહીઓ અંગ્રેજ ફોજમાંથી બગાવત કરીને ફરીથી બાદશાહ બહાદુરશાહના હાથમાં દેશની બાગડોર સોંપવા માટે નીકળી ગયા છે. ઠેર ઠેર આપણા સિપાહીઓ અને અંગ્રેજોની વચ્ચે જંગ ચાલી રહી છે.
ધનિયા : કનૈયાના બાપુ અને હુસેનભાઈ સાથે જ હશે. રઝિયા, મને તો બહુ બીક લાગે છે, ક્યાંક એ લોકોને કાંઈક થશે તો ?
રઝિયા : એ વાત પર પણ આપણને ફક્ર હશે કે આપણા સુહાગ આ સર-જમીં માટે મરી ફીટ્યા.
ધનિયા : કહે છે કે કારતૂસમાંથી અંગ્રેજો અને આપણા સિપાહીઓ વચ્ચે તનાતની શરૂ થઈ હતી.
રઝિયા : ગાય અને સુવ્વરની ચરબીવાળી કારતૂસ તો એક બહાનું છે, દરઅસલ તો પહેલેથી જ દેશી સૈનિકો ગોરાઓથી ખફા હતા, અબ્બાજાન કહેતા તા કે આ લડાઈની તૈયારીઓ તો ઘણા વખતથી ચાલતી હતી.
ધનિયા : મારા સસરા પણ કહેતા હતા કે કંપની સરકાર દેશને લૂંટી રહી છે.
રઝિયા : અબ્બા કહે છે કે આ બગાવત પાછળ અનેક કારણો છે, એક તો એ છે કે અંગ્રેજો આ દેશને ચૂસી રહ્યા છે, અહીંથી લૂટી લૂટીને હિંદુસ્તાનની તમામે તમામ ધન-દોલત ઈગ્લેંડ લઈ જઈ રહ્યા છે. અબ્બા કહેતા હતા કે અંગ્રેજો આપણા જે રાજા અને નવાબોને સંતાન ન હોય એમના રાજ્ય છિનવી રહ્યા છે. એમને દત્તક સંતાન લેવાનો પણ હક નથી. લોભ અને લાલચ આપીને રૈયતનું ધર્મ પરિવર્તન કરાવે છે, એનાથી પણ રૈયત ખફા છે.
ધનિયા : જે ગોરાઓના ધરમમાં ભળે છે એને પણ આ ગોરાઓ પોતાની જેમ સરખા ક્યાં ગણે છે, ધરમ બદલાયા પછી પણ કાળા તો કાળા જ ને ધોળા તો ધોળા જ રહે છે, આપણા સમાજમાં જેમનો સ્વીકાર નથી એ વટલાઈને ગોરાના ધરમમાં જાય છે, પણ ત્યાં બીજી જાતના આભડછેટ છે, આવા અનેક કારણે આ લડાઈ થઈ છે, સહુથી મોટું કારણ છે આપણાં ભૂખ્યાં પેટ. મે તો કનૈયાના બાપુને કહેલું કે પૂળો મૂકો આ ફોજમાં.
રઝિયા : એક તો મહેસૂલ માટે આપણે જ આપણાં ભાઈ-બહેન પર જુલમ કરવાના અને બદલામાં મળે છે શું ? યુ ઢેમ બાટલી કા બૂચ !
ધનિયા : આ યુ ઢેમ બાટલી કા બૂચ એટલે શું ?
રઝિયા : હુસેનમીયાં ફોજમાંથી આ ધોળી ગાળ ઘરમાં લાવ્યા તા, ત્યાં ધોળિયાઓ વાતે વાતે હિંદી સૈનિકોને યુ ઢેમ બાટલી કા બૂચ એવી ગાળો દે છે, મે તો એમને સાફ સાફ લફ્ઝમાં કહી દીધું કે જો આવી ધોળી ગાળો મને દેશો તો મારા બાપાના ઘરે ચાલી જઈશ, હા, આવી ધોળી ગાળ તમે ખાવ, બાકી અમે તો ન ખઈએ.
ધનિયા : હં અ અ .. તો એમ વાત છે , ફોજમાં બળવો તારા કારણે થયો છે !
રઝિયા : મારા કારણે ?
ધનિયા : હા તે અહીં હુસેનભાઈને ઉશ્કેર્યા અને ત્યાં ફોજમાં બળવો થયો.
(કનૈયો દોડતો દોડતો આવે છે, એના હાથમાં બાદશાહનો લીલો ઝંડો છે. એ ડરેલો છે અને આવીને ધનિયા પાછળ છૂપાઈ જાય છે.)
કનૈયો : બા … બા … ગ જ બ થઈ ગ ..
ધનિયા : શું ગજબ થઈ ગયો ?
કનૈયો : બા, અં .. ગ્રે જોની ફફફો .. જ ..
ધનિયા : અંગ્રેજોની ફોજ ? ક્યાં ?
કનૈયો : ગાઅ .. મની બબબાર .. નાના નાના છો..ક..રા.. આંબાના ઝાઅડ પાસે રમતા તા ને …
ધનિયા : આંબાના ઝાડ પાસે છોકરાઓ રમતાં તાં ને ?
કનૈયો : છો..ક..રાઓ પાસે, આાવો ઝઝંડો હતો …
ધનિયા : આ તો બાદશાહનો લીલો ઝંડો છે.
કનૈયો : છો..ક..રા.. લીલા ઝંડાથી રમતા તા..ને.. ધો..ધોળિયાઓએ…
ધનિયા : શું કર્યું ધોળિયાઓએ ?
કનૈયો : છો..ક..રાઓને … હાથી પર ઊભા રાખી …. ગળામાં દો.. દોરડાં.. બાંધી ..
ધનિયા : હાથી પર ઊભા રાખી, ગળામાં દોરડાં બાંધી.
કનૈયો : (પોતાના બંન્ને હાથ ગળે મૂકી ફાંસીનો અભિનય કરતા.) નીચેથી હાથી … હટા..વી દઈ.. ફા..સી..
ધનિયા : ફાંસી …
(ભય પમાડે એવું સંગીત. મંચ પરના પાત્રો જડ બની જાય છે. પ્રકાશ લૂપ્ત થાય છે. ફરી પ્રકાશ થાય છે. બેગમ હઝરત મહેલના મહેલમાં બેગમ પડદા પાછળ બેઠી છે અને સામે મમ્મુ ખાં, મૌલવી અને રાણા વેણી માધવ ઊભા છે.)
વેણી માધવ : બેગમ સાહેબા, હવે આ અંગ્રેજોને સહન ન કરાય.
મમ્મુ ખાં : શહજાદા બિરજીસ કદરને અવધના તખ્ત પર બેસાડીને અંગ્રેજોની સામે જંગ છેડવી જ જોઇએ.
મૌલવી : બેગમ સાહેબા, અવધની રિયાયા આપની સાથે છે. આ જુલ્મ હવે રિયાયા બરદાશ્ત નથી કરી શકતી. અને હજ્જારો સૈનિકો જે અંગ્રેજ ફોજમાંથી બગાવત કરી બાદશાહને દિલ્લીમાં તખ્તનશિન કરવા માટે નીકળ્યા છે એ પણ આપની સાથે છે.
હઝરત મહલ : મોલવી સાહેબ, રાણાજી, મમ્મુ ખાં, આપ તો જાણો જ છો અંગ્રેજો નવાબ સાહેબને પકડીને લઈ ગયા છે, અને નવાબ સાહેબ એવું ફરમાન કરીને ગયા છે કે અવધની રિયાયાએ અંગ્રેજ સરકારને વફાદાર રહેવું. બળવાખોરોને સાથ ન આપવો, અંગ્રેજો માંગે એ કરવેરા આપવા.
વેણી માધવ : એટલે એ લોકો બેકસૂરોની કત્લેઆમ કરે અને આપણે જોયા કરવું ? બેગમ સાહેબા તમે એમના જુલ્મ જુવોને તો ખબર પડે, વિદ્રોહ તો ફોજના સૈનિકોએ કર્યો અને આંબા પર લટકાવ્યા નાનાં નાનાં બાળકોને !
મૌલવી : ગામે ગામ ફિરંગીઓ ફક્ત કત્લેઆમ જ નથી કરતા પણ લૂંટફાટ કરે છે. તમે ઝાંસીના સમાચાર સાંભળ્યા ? એ તો હજુ પણ પીઠ પર ત્રણ વરસના દીકરા દામોદરને બાંધીને અંગ્રેજ સેના સામે લડી રહી છે.
હઝરત મહલ : એ ઝાંસીના રાણી સાહેબા છે.
મમ્મુ ખાં : તો તમે અવધના બેગમ છો.
હઝરત મહલ : હું એક બેગમ નથી, નવાબસાહેબની બીજી ઘણી બેગમો છે.
મમ્મુ ખાં : એ કોઈ પોતાના શાહજાદને અવધના તખ્ત પર બેસાડવા તૈયાર નથી.
વેણી માધવ : અમે મોટા ત્રણે શહજાદાને તખ્ત નશીન થવા માટે બેગમ સાહેબાઓ સાથે ચર્ચા કરીને જ આવ્યા છીએ. એ બેગમોને એમ છે કે ક્યાંક અંગ્રેજો એમના શહજાદાને …
મોલવી : એ તમામે તમામ ઇનકાર કરી રહી છે. બાદશાહ સલામત બહાદુરશાહ ઝફર શહજાદા બિરજીસ કદરને અવધના તખ્ત પર બેસાડવા માટે રજામંદ છે.
હઝરત મહલ : પણ નવાબ સાહેબ તો અત્યારે કલકત્તાની જેલમાં છે.
મોલવી : તો અવધની બાગડોર આપ હાથમાં લો. શહજાદા બિરજીસને તખ્ત પર બેસાડો. વક્તનો તકાજો છે બેગમ સાહેબા. અંગ્રેજોનું પતન તય છે. બેગમ સાહેબા, આપે અવધને અંગ્રેજોથી બચાવવા ખુલ્લામાં આવીને લડવું પડશે.
હઝરત મહલ : ખુલ્લામાં !
મૌલવી : હા, ખુલ્લામાં, પણ પડદા સાથે !
વેણી માધવ : હું રાણા વેણી માધવ આપને વચન આપુ છુ કે હું અને બીજા અનેક હિંદુ સામંતો, અમે અમારી આખી કોમ અંગ્રેજો સાથેની આ લડાઈમાં તમારી સાથે રહેશું, પહેલા અમારા માથાં પડશે અને તો પણ તમને કે શહેજાદા બિરજીસ કદરને આંચ પણ નહીં આવે.
હઝરત મહલ : તમે જાણતા નથી ભાઈજાન, હું બિરજીસને અવધના તખ્ત પર બેસાડીશ એટલે બીજી બેગમો કહેશે કે મેં મારા શાહજાદાને તખ્ત અપાવવા માટે આ લડાઈમાં ..
મોલવી : જ્યારે મુલ્ક માટે, સર જમીં માટે મરી ખપવાનું હોય ત્યારે પણ લોકો આવી બદતર સોચ રાખે એમની પરવાહ ન કરાય, અત્યારે હિંદુસ્તાનની સરજમીં આપની પાસે શાહજાદા બિરજીશની માંગણી કરે છે.
હઝરત મહલ : શાહજાદો બિરજીશ કદર મારો શહજાદો પછી, પહેલા તો આ સર જમીંનનો જ બેટો.
(શાહજાદો કદર હાથમાં ભમરડા સાથે પ્રવેશે છે.)
બિરજીશ કદર : અમ્મીજાન, અમ્મીજાન … મને આ લટ્ટુ ઘૂમાવતા પાક્કુ આવડી ગયું.
હઝરત મહલ : એમ !
બિરજીશ કદર : ઘૂમાવી બતાવું ?
(બિરજીશ કદર ભમરડો ઘૂમાવે છે. ભમરડો સ્થિર ફરે છે. )
મોલવી : શહજાદા બિરજીશ કદર,
બિરજીશ કદર : અસ્લાવાલેકુમ મૌલવી સાહેબ,
મૌલવી : વાલેકુમ અસ્લામ, અહીં આવો તો, (શાહજાદો એમની પાસે જાય છે) શાહજાદા બિરજીશ, અવધના તમામે તમામ બાળકો આવનારા સમયમાં સુખ-ચેનથી રમી શકે એ માટે અમારે આપની પાસેથી કાંઈક માંગવાનું છે.
બિરજીશ કદર : અવધ આખાના બચ્ચાઓ માટે ! હું કાંઈ પણ આપવા તૈયાર છું. મોલવી સાહેબ, હુકમ કરો શું આપવાનું છે ?
મૌલવી : આ ભમરડો !
બિરજીશ કદર : (પહેલા અવઢવ અનુભવે છે પછી ભમરડો આપે છે, મૌલવી ભમરડાને હાથમાં લઈ જોઈ રહે છે. પછી શહેજાદા સામે જુવે છે. પડદાના કારણે બેગમને આ ભાવ દેખાતા નથી.)
મૌલવી : આપને અમારી સાથે દિલ્લી આવવાનું છે, શાહજાદા બિરજીશ કદર .
બિરજીશ કદર : દિલ્લી ! ત્યાં તો મને ઘણાં બધાં ખિલેાના મળશે નહીં !
મૌલવી : શહેઝાદા, દિલ્લીનું તખ્ત પોતે જ એક ..
(અઝાન થાય છે. વેણી માધવ સિવાયના બધાં નમાઝ પઢે છે. નમાઝ પત્યા પછી.)
મૌલવી : પાક પરવર દિગાર, અમારો આ ગુનો બક્ષી દેજે, અમે એક બાળક પાસેથી એનું બાળપણ છિનવી રહ્યા છીએ. અને એના હાથમાં ….
(અંધકાર. પ્રકાશ ગામમાં, મંચ પર ત્રણ કલાકારો ડેંફ-ઢોલ સાથે ગીત ગાઈ રહ્યા છે.)
લડાઈ ચાલી અવધમાં ભઈ લડાઈ ચાલી,
અંગ્રેજોની તોપો-બંધૂક થઈ ગઈ ખાલી … લડાઈ ચાલી ..
તલવાર-ઢાલ-બખ્તર લઈ હઝરત એમ ઊતરતી રણમાં,
જાણે ઊભી વિજ ત્રાટકે અંધારાના વનમાં,
કૈનિંગની અંગ્રેજી સેના થાતી વેર-વિખેર,
વિલાયેલા ચહેરે ગોરા કગરે મ્હેર, મ્હેર.
લડાઈ ચાલી અવધમાં ભઈ લડાઈ ચાલી ….
(ઢોલ પીટીને જાહેરાત કરે છે)
કલાકાર એક : અવધની બાગડોર હવે બેગમ હઝરત મહેલના હાથમાં છે.
કલાકાર બે : એમણે અવધની ફોજ, જે આજ સુધી અંગ્રેજોના હાથમાં હતી એનો હવાલો પોતાની પાસે લીધો છે. અત્યારે અવધની ફોજમાં એક લાખ પચાસ હજાર સૈનિકો છે. ખુદ બેગમ હાથી પર સવાર થઈને આખા અવધમાં હિંદુસ્તાનને અંગ્રેજોના પંજામાંથી છોડાવવા ફરી રહ્યાં છે.
કલાકાર એક : એમણે જે અંગ્રેજો ફોજમાં અને વહીવટમાં હતા તે તમામે તમામને અવધ છોડી ચાલ્યા જવાનું ફરમાન કર્યું છે.
કલાકાર બે : એમણે એવું પણ ફરમાન કર્યું છે કે અગ્રેજોને સહી સલામત બહાર જવા દેવા. ફોજે કે રૈયતે એમની કોઠીઓ અને મકાનો લૂટવાં નહીં.
(જાહેરાત પૂરી થાય છે.)
ધનિયા : વાહ, ભાઈ વાહ, આ તો ખરો ન્યાય ! જે અંગ્રેજોએ આપણાં નિર્દોષ બાળકોને પણ છોડ્યા નથી એમને માટે દયા દાખવવાની ?
કલાકાર એક : એટલા માટે કે આપણે પણ જો એમના જેવા થઈશું તો જુલ્મી અંગ્રેજો અને આપણા વચ્ચે ફર્ક શું રહેશે ? ચાલો દોસ્તો.
(કલાકારો 'લડાઈ ચાલી અવધમાં ભઈ, લડાઈ ચાલી, અંગ્રેજોની તોપો-બંધૂક થઈ ગઈ ખાલી. 'ગાતા ગાતા જાય છે. ધનિયા ઊભી છે. એનો દીકરો કનૈયો આવે છે. એના હાથમાં બે ઝંડા છે. એક અંગ્રેજોનો અને બીજો લીલો બાદશાહનો.)
કનૈયો : બા..આ , બા, આ.. બે ..માંથી.. હું ..કોના ઝંડાથી રમું ?
ધનિયા : કોના ઝંડાથી રમું એમ ? અલ્યા એક દેશમાં બે ઝંડા ભાળ્યા છે ક્યાં ય ? આપણા ઝંડાથી, રમ, બાદશાહના ઝંડાથી.
કનૈયો : મને ય (અભિનયથી ફાંસી કહે છે.) આપશે તો ?
(ધનિયા એને ગૌરવથી જોઈ રહે છે. પ્રકાશ લૂપ્ત થાય છે. ફરી પ્રકાશ થાય છે ત્યારે હઝરતના મહેલમાં રોઝાલિના બેઠી છે .)
હઝરત મહેલ : મેડમ રોઝાલિના, આપ મેજર નેલ્સનના વાઈફ નહીં, પણ અમારા મહેમાન છો.
રોઝાલિના : મને મેજર સાહેબે આપની પાસે મોકલી છે.
હઝરત મહેલ : મેજર પોતે આવી શક્યા હોત.
રોઝાલિના : તો આપે પડદામાંથી વાત કરવી પડત.
હઝરત મહેલ : અમે અદબ માટે જાત પર પડદો રાખીએ છીએ, વાત પર નહીં.
રોઝાલિના : ઇન્ડિયાના ગવર્નર કૈનિંગ સાહેબ તરફથી આપના માટે મેસેજ છે.
હઝરત મહેલ : બોલો શું કહે છે, કૈનિંગ સાહેબ ?
રોઝાલિના : એમની રિકવેસ્ટ છે કે આપ બગાવત …
હઝરત મહેલ : આ બગાવત નથી આઝાદ થવા માટેની લડાઈ છે.
રોઝાલિના : કૈનિગ સાહેબે મેસેજ આપ્યો છે કે આપ આ લડાઈમાં અમારા પક્ષે રહેશો તો કંપની સરકાર આપના શહજાદાને અવધના નવાબ તરીકે નિમશે જ પણ સાથે સાથે બીજા બાગી રાજાઓના પ્રદેશો પણ આપને ગિફ્ટમાં અપાશે.
હઝરત મહેલ : વાહ રે કૈનિગ સાહેબ ! અમારું જ લૂટીને અમને ભેટમાં આપશો ? સત્તાખોરોની આ રમત કોઈને સમજાતી કેમ નથી ? એ લોકો એકનું લૂટીને બીજાને આપે છે ! બદલામાં અમારે શું કરવાનું રહેશે ?
રોઝાલિના : બદલામાં તમારે પહેલાં રાજ્ય ચાલતું હતું એ જ રીતે ચાલવા દેવાનું છે. નવાબ આપના શહજાદા હશે અને ફોજનો કમાન્ડ કંપની સરકારના હાથમાં હશે. મહેસૂલ ઉઘરાવાથી બાકીના બધા એડમિનિસ્ટ્રેટિવ કામ કંપની પહેલાંની જેમ જ ચલાવશે.
હઝરત મહેલ : એટલે કહેવા પૂરતા રાજા અમે અને હકૂમત તમારી ! શું આપને એમ લાગે છે કે આપના કૈનિગ સાહેબનો આ પ્રસ્તાવ અમે સ્વીકારીશું ? અરે અવધ, મેરઠ, કાનપુર, પૂના અને નાગપુર તો છોડો, અમારો કોઈ સાવ નાનો સામંત પણ હવે આવા પ્રસ્તાવો સ્વીકારવા તૈયાર નહીં હોય.
રોઝાલિના : બટ બ્રિટિશ અમ્પાયર ઈઝ યોર વેલ વિશર !
હઝરત મહેલ : તમે અમારું જેટલું થાય એટલું તો ભલું કર્યું જ છે, હવે મહેરબાની કરીને અવધમાંથી જ નહીં પણ આ દેશમાંથી ચાલ્યા જાવ.
રોઝાલિના : શું આપની પ્રજા આ બેટલમાં આપની સાથે છે ?
હઝરત મહેલ : તમે કોને પ્રજા કહો છો ?
રોઝાલિના : આ કંટ્રીના મોસ્ટ ઓફ ઈન્ટેલેક્ચ્યુલ્સ અમારી સાથે છે. આપ મહાન શાયર મિર્ઝા ગાલિબને તો જાણતા જ હશો ? રીડ ધીસ કસિદા – પ્રશસ્તિપત્ર, જે એમણે રાણી વિકટોરિયા માટે લખ્યો છે.
હઝરત મહેલ : તમે જ કહોને અમારા પ્રિય શાયર મિર્ઝા ગાલિબે શું લખ્યું છે ?
રોઝાલિના : (પુસ્તકમાંથી વાંચે છે.) એમણે મહત્ત્વની વાત એ લખી છે કે. કોટ, વિક્ટોરિયા એક એવા શાસક છે જે બીજાને શાસક બનાવે છે. એ જ્ઞાનનો ભંડાર છે. ઊગતા સૂર્ય સમાન પવિત્ર આચરણવાળી છે. જે ચંદ્રમાં આખા સંસારમાં અજવાળું પાથરે છે એ પણ એની બરોબરી કરતા ડરે છે. એ વ્યક્તિગત દાનથી બુધ્ધિમાનોની ઝોલી ભરી દે છે. અગર મેં મહારાણી પાસેથી કાંઈ દાન પ્રાપ્ત કર્યુ તો ….
હઝરત મહેલ : બસ કરો …
રોઝાલિના : ધેર આર સો મેની ફ્રેઝીઝ ફરધર. પુસ્તક જ છે આખું.
હઝરત મહેલ : એ તો રાણી વિકટોરિયા ગોરાં છે ને એટલે ગાલિબ સાહેબે આટલી તારીફ કરી હશે?
રોઝાલિના : એમના જેવા અનેક ઈન્ટેલેક્ચ્યુલ્સ અંગ્રેજ સરકાર સાથે છે.
હઝરત મહેલ : એ તો કોઈ પણ સમયે સત્તા સાથે જ હશે.
રોઝાલિના : પણ અવામ એમની સાથે છે.
હઝરત મહેલ : ત્યાં જ તમારી ભૂલ થાય છે. જ્યાં સુધી એ લોકો અવામનાં દુ:ખ દર્દને બયાં કરે છે ત્યાં સુધી જ અવામ એમની સાથે હોય છે. અવામ અંધી બહેરી નથી હોતી, મેડમ રોઝાલિના.
રોઝાલિના : આપનો શું જવાબ છે.
હઝરત મહેલ : આપ મેજર નેલસનને કહેજો કે આજ સૂરજ ડૂબતા પહેલાં તમામે તમામ અંગ્રેજ અવધમાંથી બહાર ચાલ્યા જાય.
રોઝાલિના : આમાં આપને નુકસાન છે.
હઝરત મહેલ : સરઅજમીંના સવાલમાં નફા નુકસાનની વાત નથી હોતી, અમારા પ્રિય શાયર મિર્ઝા ગાલિબે જ ગઝલમાં ફરમાવ્યું છે. ન હોતા ગર જુદા તન સે તો ઝાનો પર ધરા હોતા. એટલે કે સારું થયું કે આ માથું કપાઈ ગયું, અગર કપાયું નહોત તો ઝૂકીને ઘૂંટણ પર ટેકવાયું હોત !
રોઝાલિના : તો આપના બીજા બીજા કોઈ પ્રપોઝલ્સ હોય તો કહો.
હઝરત મહેલ : એક જ કે આ દેશ છોડી ચાલ્યા જાવ. રોઝાલિના, એક ઔરત તરીકે મારે તમને કાંઈક પૂછવું છે.
રોઝાલિના : પૂછો ?
હઝરત મહેલ : તમે મેજર નેલસનના વાઈફ તરીકે જે કહેવાનું હતું તે કહ્યું પણ એક ઔરત તરીકે તમે અમને શું કહેવા માંગો છો.
રોઝાલિના : જો હું આ કંટ્રીમાં જન્મી હોત તો આપની કે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ સાથે બેટલમાં જોઈન થાત.
હઝરત મહેલ : આભાર.
(પડદા પાસે સેનાપતિ મમ્મુ ખાં આવે છે.)
મમ્મુ ખાં : આદાબ અર્ઝ હૈ, બેગમ સાહેબા. બહાર અંગ્રેજ સૈનિકો ઊભા છે ….
હઝરત મહેલ : એ મેડમ રોઝાલિના સાથે આવ્યા છે. મહેમાન છે. આપ જઈ શકો છો.
(મમ્મુ ખાં જાય છે. રોઝાલિના ઊભી થાય છે.)
રોઝાલિના : જતાં જતાં મારે એક વાત કહેવાની છે. ઝાંસી અંગ્રેજોએ અનેક દિવસની લડાઈ પછી કબ્જે કર્યું છે. કંપની સરકારે અનેક વખત હાર ખાધા પછી ત્યાં જીત હાંસલ કરી છે.
હઝરત મહેલ : તો હવે એ પણ કહી દો કે કેવી રીતે …
રોઝાલિના : રાણીની સેનાનો એક એક જવાન, ઝાંસીની સ્ત્રીઓ સુધ્ધાં રાણી માટે લડતી હતી, એકે એક દરવાજે તોપચીઓ અંગ્રેજ ફોજને હંફાવતા હતા પણ …
હઝરત મહેલ : પણ શું રોઝાલિના …
રોઝલિના : રાણીના એક સૈનિકે એક દરવાજો અંગ્રેજ ફોજ માટે ખોલી આપ્યો અને ….
હઝરત મહેલ : તો છેવટે ઝાંસી …
રોઝાલિના : નોટ તો કાગળની જ હોય છે, બેગમ સાહેબા, પણ ક્યારેક આ કાગળની તાકાત માણસના અંતરાત્મા કરતાંય વધી જાય છે. અને બીજી એક વાત. અવધમાં અયોધ્યા પણ છે અને ફૈઝાબાદ પણ છે. બી એલર્ટ.
હઝરત મહેલ : અમારા માટે અયોધ્યા અને ફૈઝાબાદ એક જ છે. એ જ અમારી તાકાત છે.
રોઝાલિના : એ તાકાત પર જ કંપની સરકારની નજર છે. ખુદા હાફિઝ.
(હઝરત મહેલ અવાક થઈ જાય છે. રોઝાલિના જાય છે. પ્રકાશ લૂપ્ત થાય છે. ગામના ચોરા પર પ્રકાશ થાય છે. ધનિયા એક લાશ પાસે બેઠી છે. )
કનૈયો : બા, બા, આ …
(હાથથી કોણ છે, એમ પૂછે છે)
ધનિયા : તારા બાપુ, બેટા.
(ધીમે ધીમે લોકો ભેગા થાય છે. એને સાંત્વના આપવા રઝિયા એના ખભા પર હાથ મૂકે છે.)
ધનિયા : કનૈયાના બાપુ તો અમર થઈ ગયા .. મને એ મર્યા એનો ક્યાં અફસોસ છે. મને તો અફસોસ ઝાંસી અંગ્રેજોએ કબ્જે કર્યું એનો અફસોસ છે. એમણે મરતાં મરતાં જે કહ્યું તે સાંભળીને …
રઝિયા : શું કહ્યું એમણે.
ધનિયા : એમણે કહ્યું કે ઝાંસીમાં અંગ્રેજોએ ઝાંસીને નથી લૂટ્યું પણ માણસાઈ લૂટી છે. પહેલાં એક અઠવાડિયા સુધી ગોરા અમલદારોએ ઝાંસીમાંથી સોના ચાંદી અને હીરા ઝવેરાતની લૂટ કરી. પછી બીજી પલ્ટનો આવી, એમણે લોકોના ઘરમાથી રાચરચીલું લૂટ્યું. પછી આવ્યા તાંબા પિત્તળનાં વાસણ લૂટનારા. પછી કપડાં લૂટાયાં. બાઈઓના શરીર પર હતાં એ કપડાં પણ … ઝાંસીની જે બાઈઓ સવારે સૂરજને પિત્તળના બેડા પર લઈ નીકળતી હતી એ જ બાઈઓ આકાશ સામે હાથ ફેલાવી પ્રાર્થના કરતી રહી કે હે ભગવાન તું સૂરજને કહેજે કે થોડા દિવસો ઝાંસી પર ન ઊગે. અમે અંધારું ઓઢીને જ ફરી રહ્યાં છીએ.
રઝિયા : એક ઝાંસી લૂટવાથી આપણી હિંમત થોડી તૂટી જવાની છે. હવે તો ગામે ગામ અંગ્રેજો સામે લડવા માટે સ્ત્રીઓની સેનાઓ બની રહી છે. મુઝફ્ફર નગરમાં આશાદેવી અને ભાગવંતી દેવીએ સેના બનાવી છે. એકની સેનામાં પાંચસો સ્ત્રીઓ છે ને બીજીની સેનામાં એક હજાર. બખ્તાવરી અને હબિબાએ પણ અવધના એક ગામમાં સેના બનાવી છે.
(કનૈયો અંદર જાય છે.)
મસ્તાનીઓની ટોળી બની છે. અઝિજન અને બીજી અનેક … જે કહેવાતી હતી તવાયફો, એ પણ હાથમાં તલવારો લઈને અંગ્રેજો સામે લડવા નીકળી છે. ઘોડા લઈને અવધમાં ફરી રહી છે. જ્યાં અંગ્રેજ સેના દેખાય ત્યાં એમની સાથે લડે છે. મારે છે કાં મરે છે. હઝરત બેગમ અને અસગરી બેગમ પણ સ્ત્રીઓ જ છે ને.
(અંદરથી કનૈયો તલવારો ઉંચકીને લાવે છે.)
કનૈયો : બા, બા, આ …
ધનિયા : લાવ, બેટા. હવે તો આપણે પણ.
રઝિયા : (હાથમાં તલવાર લેતા) કંપની સરકાર
ધનિયા : મુર્દાબાદ.
(ચારે તરફથી અનેક સ્ત્રીઓ આવે છે. અને તલવારો ઉઠાવે છે.)
ધનિયા : કંપની સરકાર મુર્દાબાદ
સ્ત્રીઓ : મુર્દાબાદ.
(સહુના હાથની તલવારો ઊંચી થયેલી છે, પ્રકાશ લૂપ્ત થાય છે. પ્રકાશ હઝરત મહેલના મહેલ પર. હઝરત હાથમાં એક પુસ્તક સાથે ઊભાં છે. પડદાની બીજી તરફ મોલવી સાહેબ ઊભા છે.)
હઝરત મહેલ : આ હું શું સાંભળી રહી છું, મોલવી સાહેબ.
મોલવી : શું ?
હઝરત મહેલ : આપ અવામમાં કેવાં ભાષણો દઈ રહ્યા છો.
મોલવી : અમે મોલવીઓ લોકોને લડાઈ માટે તૈયાર કરી રહ્યા છીએ, બેગમ સાહેબા, જેમ આપની સાથે રાણા વેણી માધવ, રાજા જીયાલાલ અને બીજા હિંદુ સામંતો છે એમ પંડિતો પણ અમારી જેમ અવામની આ લડાઈમાં નીકળ્યા છે.
હઝરત મહેલ : મેં સાંભળ્યું છે કે તમે અવામમાં જેહાદનો નારો આપી આપી રહ્યા છો ?
મોલવી : એમાં ખોટું શું છે ?
હઝરત મહેલ : જેહાદનો મતલબ જાણો છો, મોલવી સાહેબ ?
મોલવી : મોલવીને જેહાદનો મતલબ પૂછો છો ?
હઝરત મહેલ : એટલા માટે કે તમે ઇસ્લામના મતલબ સાથે તમારા ઈરાદાઓને ભેળવી રહ્યા છો.
મોલવી : હઝરત મહેલ ..
હઝરત મહેલ : અદબથી બોલો .. બેગમ છું.
મોલવી : અમારા કારણે.
હઝરત મહેલ : એનો ફાયદો ઉઠાવવાની કોશિશ ન કરો. અલ્લા માફ નહીં ન કરે. જેહાદનો મતલબ ખબર છે ?
મોલવી : જેહાદનો મતલબ સરજમીં માટેનું યુદ્ધ પણ થઈ શકે.
હઝરત મહેલ : આ તો તમે કાઢેલો જેહાદનો અર્થ છે.
મોલવી : કોઈ પણ ઇસ્લામ કે ઉર્દૂ અદબની કોઈ પણ કિતાબમાં જુવો, બેગમ.
હઝરત મહેલ : આ રહી કિતાબ, એમાં જુવો. જેહાદના બે અર્થ બતાવ્યા છે. એક છે જેહાદે અકબર જેને મોટી જેહાદ કહેવાય છે. એનો મતલબ થાય છે ઈન્દ્રિયોનું દમન, અર્થ એ થયો કે ઈન્સાનની પોતાની જાત સામેની જેહાદ. જેહાદે અકબર એટલે એ જેહાદ જે ઈન્સાનને લોભ-લાલચ અને નાપાક ઈરાદાઓથી દૂર રાખે. એને જેહાદે અકબર કહેવાય મોટી જેહાદ. બીજી જેહાદ છે જેહાદે અસ્ગર, જેને નાની જેહાદ કહેવાય છે, એનો અર્થ થાય છે ધર્મયુદ્ધ. મોલવી સાહેબ, તમે અત્યારે અવામને જેહાદનો ખોટો અર્થ સમજાવી રહ્યા છો, તમે પવિત્ર કુરાનમાંથી તમારા મતલબ કાઢી અવામને ગુમરાહ કરી રહ્યા છો.
મોલવી : હઝરત ..
હઝરત મહેલ : બે વખત તમે બેગમ હઝરતની શાનમાં ગુસ્તાખી કરી છે. ત્રીજી વખત કરવાની જુર્રત ન કરતા.
મોલવી : પણ માનો કે હું જેહાદના નામ પર અલ્લા હો અકબરનો નારો આપી અવામને આ લડાઈ માટે તૈયાર કરું તો એમાં ખોટું શું છે ?
હઝરત મહેલ : અવામનો અર્થ રૈયત થાય છે, એટલે કે અવધની અને આખા હિદુસ્તાનની રૈયત, ફક્ત મુસલમાન જ નહીં. અહીં અવધમાં અયોધ્યા પણ છે, અને ફૈઝાબાદ પણ છે. એ જ તો આપણી તાકાત છે જેને અંગ્રેજો તોડવા માગે છે. યાદ રાખો, આ લડાઈ અંગ્રેજ સરકાર સામેની છે. આ ધરમની લડાઈ નથી, આ ફક્ત હિદુસ્તાનને અંગ્રેજોના પંજામાંથી આઝાદ કરાવવાની લડાઈ છે. હવેથી મને ક્યાં ય પણ, આ લડાઈના તમારા તરફથી જેહાદનો નારો ન સંભળાવો જોઈએ.
મોલવી : અને સંભળાશે તો …
હઝરત મહેલ : સર જમીંની આ લડાઈમાં તમે જેહાદનો નારો ભેળવશો તો હિંદનું નિકંદન નીકળશે, એ અમે કોઈ ઇચ્છતા નથી, જો તમે એવો નારો આપશો તો એનો જવાબ પણ મારી તલવાર જ આપશે.
મોલવી : તો ભલે એમ થાય. ખુદા ..
હઝરત મહેલ : મોલવી સાહેબ, હું તમારી અને ઇસ્લામની કદર કરું છુ. પણ એ વાત યાદ રાખો કે જેહાદ બે તરહની છે. જેહાદે અકબર એટલે મોટી જેહાદ જે આપણે આપણી અંદર લડવાની છે. અત્યારે તમારી તમારી અંદર એ જેહાદ જગાવવાની જરૂર છે. ખુદા હાફિઝ.
(મોલવી જઈ રહ્યા છે, અને મમ્મુ ખાં પ્રવેશે છે.)
મમ્મુ ખાં : આ મોલવી સાહેબ કેમ ગુસ્સામાં હતા ?
હઝરત મહેલ : મેં એમને આ સર જમીંની લડાઈ માટે જેહાદનો નારો આપવાની ના પાડી એટલે.
મમ્મુ ખાં : એટલે મોલવી સાહેબ હવે આપણી સાથે નથી ?
હઝરત મહેલ : અફસોસ તો જુવો સેનાપતિ, આ લડાઈમાં આપણી સાથે ગાલિબ સાહેબ જેવા મહાન શાયરો પણ નથી અને હવે અહમદુલ્લાહ સાહેબ જેવા મોલવી પણ નથી. પણ અવામ છે. અરે તવાયફો પણ પોતાની સેનાઓ બનાવીને આ લડાઈ લડી રહી છે.
મમ્મુ ખાં : બેગમ સાહેબા, એક બુરી ખબર છે. મેજર હડસને બાદશાહ બહાદુર શાહ ઝફરના બે દીકરાઓ અને એક પૌત્રને …
હઝરત મહેલ : શું કર્યું હડસને ?
મમ્મુ ખાં : દિલ્લી લાવી રહ્યો હતો હડસન. દિલ્લીથી એકાદ માઈલ દૂર એણે આ ત્રણેને ઉતાર્યા, અને ..
હઝરત મહેલ : અને શું ?
મમ્મુ ખાં : ગોળીએ દીધા.
હઝરત મહેલ : યા અલ્લાહ ..
મમ્મુ ખાં : આટલેથીએનું દિલ ન ભરાયું; એણે બાદશાહના બન્ને દીકરા અને પૌત્રના સર કલમ કરી બાદશાહ બહાદુર શાહ ઝફર સામે પેશ ..
હઝરત મહેલ : આ તમે શું કહી રહ્યા છો.
મમ્મુ ખાં : શું આવા સંજોગોમાં પણ તમે જેહાદની ના પાડશો ?
હઝરત મહેલ : મમ્મુ ખાં, ઇસ્લામમાં સબ્ર નામનો પણ એક શબ્દ છે. તમે પણ જાણો છો કે કંપની સરકારની સેના આ બધુ સત્તા માટે કરે છે. આ લડાઈ ખ્રિસ્તીઓ અને ઇસ્લામની નથી. આ લડાઈ અંગ્રેજ સરકાર અને હિદુસ્તાનની અવામ વચ્ચેની છે. આ લડાઈ જુલ્મગારો અને મઝલુમો વચ્ચેની છે. હા, જ્યારે બાદશાહ સલામત બહાદુર શાહ ઝફર સામે એમના વંશજોના સર મેજર હડસને પેશ કર્યાં ત્યારે બાદશાહે શું કહ્યું ?
મમ્મુ ખાં : બાદશાહે કહ્યું કે … તૈમુરની સંતતિ પોતાના પિતા સામે આવા સૂર્ખ ચહેરે જ આવતી હતી …
હઝરત મહેલ : આને કહેવાય સબ્ર, સબૂરી, મમ્મુ ખાં. ફોજ તૈયાર કરો, મેજર હડસન સામે હવે જંગે ચડીશું.
(હઝરત મહેલ તલવાર પકડીને ગુસ્સાથી ઊભી છે. પ્રકાશ લૂપ્ત થાય છે. અંધકારમાં તલવારો રણકવાનો અને ગોળીઓ તથા તોપોનો ધ્વનિ. પ્રકાશ અવધના ગામ પર. મેજર હડસન ભાગતો ભાગતો આવે છે. પાછળ બેગમ હઝરત હેલ અને મમ્મુ ખાં અન્ય સિપાહીઓ તથા ધનિયા વગેરે સ્ત્રીઓ મર્દાના પોષાકમાં છે. હડસન ગામના ચોરા પર આવીને પડે છે.)
હડસન : રહેમ, રહેમ, રહેમ, બેગમસાહેબા, રહેમ કરો …
હઝરત મહેલ : બે રહેમો રહેમનો વાસ્તો આપે છે. મેજર હડસન તમે જ્યારે હિદુસ્તાનનાં ગામડાંઓ બાળ્યાં, ત્યારે તમને રહેમ નહોતી આવી. આ દિલ્લીમાં જે જીવતા મળ્યા, એમની કત્લેઆમ કરતી વખતે રહેમ નહોતી આવી. તમે ગામે ગામ જ્યાં આંબાના ઝાડ પર કેરીઓ લટકતી હતી ત્યાં કેરીઓની જગ્યાએ બાળકોને ફાંસીએ લટકાવ્યા, ત્યારે રહેમ નહોતી આવી ? તમે ઝાંસી લૂટ્યું, કત્લેઆમ કરી, અમારી બહેન દીકરીઓનાં શરીર પરથી કપડાં સુધ્ધાં લૂટ્યાં, ત્યારે રહેમ નહોતી આવી ? અરે, મેજર હડસન, તમે તો ચંગેઝખાન જેવા ક્રૂર લૂટારાથી પણ બદતર નીકળ્યા. તમે ઈન્સાનિયતને શર્મસાર કરી છે. આજ તો શું આ મુલ્કની આવતીકાલ પણ તમને માફ નહીં કરે, તમને ખબર છે કેટલા બેકસૂરોને તમે માર્યા ? એની સંખ્યા લાખ્ખોમાં લખાશે ઇતિહાસમાં અને આ બધાં બેકસૂરોની હત્યા માટે તમને કઈ સજા દેવી.
હડસન : રહેમ બેગમ સાહેબા રહેમ, હું તમારા પતિ નવાબ વાજીદઅલી શાહને કલકત્તાની જેલમાંથી છોડી મૂકવા માટે ગવર્નર કૈનિગ સાહેબ પાસે દરખાસ્ત મૂકીશ.
હઝરત મહેલ : સોદા, સોદા, ફક્ત સોદા, હજુ પણ સોદા ? આ સર જમીં પર તમારાથી મોટા સોદાગરો ભાગ્યે જ હશે. મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી, હડસન. હું અવધની બેગમ હઝરત મહેલ, વજીદ અલી શાહની બેગમ, જે અત્યારે કંપની સરકારની કેદમાં છે એની બેગમ, આ મેજર હડસનને અનેકોની હત્યા માટે ગુનેગાર ઠેરવું છું. (ધનિયા સામે જોઈ) તારું નામ શું બહેન.
ધનિયા : ધનિયા, હું અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયેલા એક સૈનિકની પત્ની છું, બેગમ સાહેબા. મારા જેવી અનેક સ્ત્રીઓ આ લોકોના કારણે વિધવા થઈ છે. આ મારા કનૈયા જેવા અનેક છોકરાઓએ માથેથી બાપનું છત્ર ગુમાવ્યું છે. આને સજા કરવાનો હક હું તને આપુ છું. તું આ મેજર હડસનને સજા કર.
(ધનિયા ઓટલા પર ચડે છે. મેજર સામે ગુસ્સાથી જોઈ રહે છે. મેજર ચુપચાપ ઊભો છે.)
ધનિયા : આનું શરીર તો માણસનું છે, પણ આનાથી તો હિંસક પણ સારા.
કનૈયો : (મંચ પર આવી ફાંસીનો અભિનય કરે છે.) બા, બા ,…
(મંચ પરથી પ્રકાશ લૂપ્ત થાય છે. સફેદ પડદા પર પ્રકાશ.)
અવાજ : અઢાર સો સત્તાવનની એ લોક ક્રાંતિ સફળ ન થઈ. ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાંથી સત્તા ઇંગ્લેડની મહારાણી વિકટોરિયાના હાથમાં ગઈ. પછી ગુલામીનો એક લાંબો કાળ ગયો. હા, અઢારસો સત્તાવનના એ વિપ્લવમાં ભાગ લેનારી ધનિયા જેવી અસંખ્યા સાધારણ સ્ત્રીઓને પછીથી પકડવામાં આવી. એમને ફાંસી અપાઈ. ઘણી સ્ત્રીઓને જાહેરમાં સળગાવી દેવામાં આવી. હઝરત મહેલને એમના સૈનિકોએ જીવતા નેપાળ પહોચાડ્યા. ત્યાં બેગમ હઝરત મહેલનું મૃત્યુ થયું. વાજીદ અલી શાહ, એમના પતિએ એમના માટે કહેલો શેર આજે પણ હવામાં ગુંજે છે.
અભી ડર સે છિપ જાયે સારાં જહાં,
અગર તું પલક માર હઝરત મહેલ,
કહાં હૈ, કહાં હૈ, કહાં હૈ કહાં,
અરે અખ્તરે જાર હઝરત મહેલ.
(ભારતની પ્રથમ જન ક્રાંતિના એકસો પચાસ વર્ષ પૂર્ણ થયાની સ્મરણાંજલી સ્વરૂપે કોલેજના વિદ્યાર્થીઓ સાથે ભજવાયેલ એકાંકી.)
●●●
(“પરબ”, વર્ષ 2012માં પ્રકાશિત)
●●●
(આ નાટકનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે. તમામ હક સુરક્ષિત. © પ્રવીણ પંડ્યા)
e.mail : pandya.pravin@yahoo.com