કાલે રાતે બે વાગ્યાની આસપાસ રંજનાએ યુવાનો સંદેશ જોઈ કહ્યું;
‘હસુભાઈ નહીં રહે.’
અઠવાડિયા પહેલાં સમાચાર હતા કે એમને ફેફસાંમાં તકલીફ છે અને ઝાયડસમાં દાખલ કર્યા છે. સમાચાર આપતા યુવાએ આખું પણ ખરું કે વાતચીત કરે છે, નયનને કહેતા હતા કે બહુ ચિંતા ન કરીશ. અનાયાસે થોડા દિવસ પહેલાં જ મધ્યકાલીન સાહિત્ય અને લોક પરંપરાનાં કોઈક સંદર્ભ બાબતે એમને ફોન કરેલો, આ વિષયમાં તેઓ જીવંત એન્સાયક્લોપીડિયા હતા. ત્યારે મેં કહેલું; ‘આ વખતે અમદાવાદ આવીશ એટલે આપણે મળીશું, ઘણી વાતો કરવાની છે.’
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
વાતો ખૂટે નહીં એવાં માણસ હસુભાઈ. હતા એમ લખતા જીવ નથી ચાલતો. અમારાં મૂળિયાં એક ભૂમિનાં. ધ્રાંગધ્રા ગામ. એમનું ઘર દેપાળાના ચોરા પાસે ,અમારું કાનનાં મંદિર પાસે. વચ્ચે એક ઢાળ. મેં એમને ત્યાં નથી જોયા. પણ મારા બાપુજી અને ગામનાં લોકો આ યાજ્ઞિક ભાઈઓની વાત બહુ ગૌરવથી કરે. એ વખતે ભણતરનો આજના જેટલો મહિમા નહીં. બામણનો દીકરો હોય તો જજમાનવૃત્તિમાં ગોઠવાઈ જાય, એટલે ભયો ભયો. પણ આ યાજ્ઞિક કુટુંબ જ્ઞાન-માર્ગી. બધાં ભણવામાં આગળ પડતાં. પછી સરકારી નોકરીમાં જોડાયા. તેઓ ૧૯૬૨માં સ્નાતક, ૧૯૬૨ એમ.એ. ૧૯૭૨માં પીએચ.ડી. થયા. સંગીત વિશારદ પણ ખરા. એમનો જન્મ ભણતર બધું રાજકોટમાં, પણ મૂળે એ અમારાં ધ્રાંગધ્રાના. એમનાં બહેન અમારાં ઘર પાસે, હવેલી શેરીમાં ઉત્તમરામ શુક્લ વેરે વરાવેલાં. એટલે હસુભાઈ મને કાયમ મારા ગામના માણસ તરીકે જ જુએ, ઓળખે અને ઓળખાવે. પોતાની મૂળ ઓળખ સાથે લઈ ચાલતા માણસ ….
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
હસુભાઈ આરંભે વિજ્ઞાનના વિદ્યાર્થી, પણ પછી સાહિત્યમાં આવ્યા અને એટલે સાહિત્યમાં પણ એમનો અભિગમ હંમેશાં વૈજ્ઞાનિક રહ્યો. ૧૯૭૭ની આસપાસ આ મારા ગામના માણસ સુરેન્દ્રનગર એમ.પી. શાહ કોલેજમાં ગુજરાતીના અમારા અધ્યાપક તરીકે જામનગરથી બદલી થઇ આવ્યા. આવ્યા કે તરત અમારી વિદ્યાર્થીની વચ્ચે ચીર-પરિચિતની જેમ ગોઠવાઈ ગયા. આ એ સમય હતો જ્યારે ગુજરાતી નવલકથા જગતમાં થ્રીલર રાયટરનું અવતરણ નહોતું થયું. અંગ્રેજીના જેમ્સ હેડલી ચેઇઝ, એલિસ્ટર મેકલીન, ઇર્વિંગ વોલેસ, (અમે ફાધર વાલેસને પણ વાંચતા. અને અંગ્રેજી નામને કારણે એવી વાતો પણ કરતા કે આ ઇર્વિંગ વોલેસના મોટાભાઈ છે.) હસુભાઈની થ્રીલર નવલકથાઓ એ વખતે ‘સંદેશ’ દ્વારા લોકપ્રિય. અમને છપાયા પહેલાં પ્રકરણ સાંભળવા મળે એનો અમને હરખ. મજાની વાત એ કે સાહેબને આ લોકપ્રિયતાનું બહુ ‘માતમ’ નહીં. રાત અધૂરી, વાત માધુરી, દગ્ધા, હાઇવે પર એક રાત, મુટુ હટારી આ બધી એમની પ્રસિદ્ધ નવલકથાઓ.
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભેદભાવ ન કરે. સામાન્યપણે અધ્યાપકો નૈતિકતા અને વિચારધારા મૂલ્ય આદિના કડુકઢિયાતું જેવાં બોધપાઠ બહુ આપે પણ આ સાહેબ તો અમારી ભેગા પાનવાળાની દુકાને ય આવે ને ૧૨૦-૩૦૦વાળું પણ ખાય. અને ત્યાં ઊભા ઊભા મધ્યકાલીન સાહિત્ય પણ સમજાવે. સાયકલ પર પાછળની સીટ પર બેસી બજારમાં પણ આવે. મેં આણંદની કોલેજમાં એમના વિશે વાત કરતા કહેલું કે;
‘એમણે સાહિત્યમાં પણ સામાન્ય મનુષ્યનાં જીવતા જીવનનો મહિમા કર્યો છે, એના સંઘર્ષને મુક્યો છે, સામાન્ય માણસની જેમ વિદ્યાર્થીઓ સાથે મિત્રવત્ રહ્યા છે. અમદાવાદ અમે આવ્યાં ત્યારે અહીં અમારાં સમકાલીનોમાંથી કોઈ કોઈ કહેતા; અમે ઉમાશંકરના વિદ્યાર્થી, અમે ભગત સાહેબના વિદ્યાર્થી, અમે યશવંત શુક્લના ….. મારા જેવા પછાત જિલ્લામાંથી આવતા કહી શકતા કે અમે હસુભાઈના વિદ્યાર્થી.’
અમદાવાદ અને અમારાં શિક્ષણ વચ્ચે બહુ ફેર. અને આ ફેર અમને અમદાવાદ આવ્યાં પછી વધુ સમજાયો. એક દિવસ જગદીશ વ્યાસે યુનિવર્સિટી બસ સ્ટોપ પર નિરંજન ભગતને ઊભેલા જોયા અને સાયકલ ઊભી રાખી, એને તો સુરેન્દ્રનગરમાં સાયકલની પાછલી સીટે બેસતા સાહેબનો અનુભવ. ભગત સાહેબને કહ્યું;
‘બેસી જાવ, સાહેબ, અમે તમારાં ઘર બાજુ જ જઈ રહ્યાં છીએ.’
પછી શું થયું એની તમે કલ્પના કરો.
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૧૯૮૨થી તેઓ હાલ જે અકાદમીની સ્વાયત્તતા માટે આપણે લડી રહ્યાં છીએ, તેના પહેલા મહામાત્ર બન્યા. ત્યારે અકાદમી સરકારી હતી, પણ હસુભાઈ હોવાને કારણે સરકાર દેખાતી ન્હોતી. અમે ગાંધીનગર મિત્રોને મળવા જઇએ, એટલે ગજવામાં ૧૨૦-૩૦૦વાળું પણ લઈને જઈએ. અકાદમીએ એમની સામે બેસી ચા પીએ … ને સાહેબ, સમવયસ્ક મિત્ર જેવા કુતૂહલ ભાવથી પૂછે;
‘પણ લાઈવો છું ને?’
આ સાદગી, નિરભિમાન ક્યા જોવા મળે? આજે તો સાથે હરતો ફરતો મિત્ર પણ જો આપણાથી એક પાયરી ઊંચે જાય તો ય …… મહામાત્ર તરીકે માન્ય ભાષામાં ભાષણ આપે, પણ બાકીનો સંવાદ ઝાલાવાડીમાં ચાલે. એમની સુરેન્દ્રનગરના અધ્યાપકથી મહામાત્ર અને નિવૃત્ત થયા પછીથી સતત આણંદ કોલેજમાં લોક સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યનું અધ્યાપન કાર્ય કરતા હસુદાદા તરીકેની સાદી સરળ પણ શાનદાર જીવન યાત્રા મેં જોઈ છે. જેમ અમે હસુભાઈ પાસે હસતા રમતા ભણ્યા એમ આણંદનાં વિદ્યાર્થીઓ પણ ભણ્યાં. વિદ્યાર્થીઓની ઘણી પેઢી તૈયાર કરનાર આ સાહેબે અંતે ટૂંકી માંદગી પછી તારીખ ૧૦-૧૨-૨૦૨૦ની સવારે વિદાય લીધી.
વંદન સાહેબ, આવતે ભવે મળીશું.
૧૦-૧૨-૨૦૨૦