ભારતમાં કોરોના વાઇરસ સંક્રમિત દરદીઓની સંખ્યા 56 લાખ ઉપર અને મૃતકોની સંખ્યા 96 હજારથી વધુ સત્તાવાર જાહેર થઈ. આ બાબતે વિશ્વભરમાં અમેરિકા પછી ભારત બીજા ક્રમે છે. સંસદમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે લૉક ડાઉનના કારણે ચાલતા જઈ રહેલા કે પાછળથી શરૂ કરાયેલી ખાસ શ્રમિક ટ્રેનોમાં, બીમારીથી કે ભૂખમરાથી શ્રમિકોનાં થયેલ મૃત્યુ વિશે સરકાર પાસે કશી માહિતી નથી.
ગત મે માસમાં વતન મધ્ય પ્રદેશ જઈ રહેલ 16 શ્રમિકો જાલના અને ઔરંગાબાદ વચ્ચે કચડાઇ મૂઆ હતા. તે જ દિવસોમાં મુઝફ્ફરપુર રેલવે પ્લેટફોર્મ પર બાળક ભૂખમરાથી મૃત્યુ પામેલી માતાને જગાડવા પ્રયાસ કરી રહ્યાનાં કરુણ દૃશ્યોનો વીડિયો વાઇરલ થયો હતો. અમદાવાદથી ટ્રેનમાં આવેલ આ સ્ત્રી ભૂખમરાથી મૃત્યુ પામી હતી. મુઝફ્ફરપુર જિલ્લા વહીવટીતંત્ર તેમ જ રેલવે સત્તાવાળાઓએ એવો ખુલાસો કર્યો કે આ સ્ત્રી તેના કોઈ શારીરિક રોગના કારણે મૃત્યુ પામી હતી. શ્રમિકોની ખરાબ દશા અંગેના અનેક વીડિયો વાઇરલ થયા હતા.
સરકારના દાવા પ્રમાણે શ્રમિકો માટે 4,611 ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ટ્રેનો મારફત આશરે 63 લાખ શ્રમિકોને તેમના વતન ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા વ. રાજ્યોમાં પરત મોકલાયા. તેમાંના કેટલાક રાજ્યોએ આ મુસાફરી દરમિયાન પાણી તેમ જ ખોરાકની વ્યવસ્થા પૂરી પાડી હતી.
આમ છતાં કેન્દ્રીય શ્રમ મંત્રીએ એક પ્રશ્નના ઉત્તરમાં એમ જાહેર કર્યું કે શ્રમિકોનાં થયેલ મોત સંબંધમાં કોઈ માહિતી ન હોવાથી તેમના કુટુંબીજનોને વળતર ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સંસદના પ્રથમ દિવસે સરકારના આ જવાબથી સંસદમાં અને બહાર ઘણો ઊહાપોહ મચ્યો છે. રેલવે મંત્રાલયે સંસદમાં જાહેર કર્યું છે કે મુસાફરી દરમિયાન 97 શ્રમિકોનાં મૃત્યુ થયાં છે. સરકારે પ્રથમ વખત લોકડાઉન દરમિયાન શ્રમિકોનાં મોત બાબતે સંસદમાં કબૂલાત કરી છે.
આવી જ મૂંઝવણ સરકારે દેશમાં કોરોના વાઇરસના ચેપથી મૃત્યુ પામેલા આરોગ્ય કાર્યકરોના સંબંધમાં આપેલા જવાબથી ઉત્પન્ન થઈ છે. એક પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું કે આરોગ્ય એ રાજ્યનો વિષય હોવાથી તે સંબંધના આંકડા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસે ઉપલબ્ધ નથી. જે સરકારે કોવિડ સારવાર કરી રહેલ તબીબો અને આરોગ્યકર્મીઓને ‘યોદ્ધા’ જાહેર કર્યા અને તેમના પર હેલિકોપ્ટરમાંથી ફૂલો વરસાવ્યાં તેના વિશેની માહિતી હોવાનો હવે તે ઇનકાર કરે છે તે વિચિત્ર જણાય છે. આ બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન રોષે ભરાયું છે. તેણે 381 તબીબોની યાદી જાહેર કરી છે, જેમનું સારવાર કરતાં મૃત્યુ થયું હોય. એસોસિયેશને જાહેર કર્યું છે કે જો સરકાર કોરોના સંક્રમણની સારવાર કરતાં મૃત્યુ પામેલા તબીબો અને આરોગ્યકર્મીઓના આંકડા ન ધરાવતી હોય, તો તે મહામારીનો વહીવટ કરવાની નૈતિક જવાબદારી પણ ગુમાવે છે.
કોરોનાના ચેપથી મૃત્યુ પામેલા સફાઈ કામદારો બાબતમાં પણ સરકારે આવો જ ઉડાઉ જવાબ આપ્યો. સામાજિક ન્યાય મંત્રાલયે પ્રશ્નના જવાબમાં જાહેર કર્યું કે હોસ્પિટલ સફાઈ રાજ્ય વિષય હોવાથી તે અંગેના કોઈ આંકડા કેન્દ્ર સરકાર પાસે ઉપલબ્ધ નથી. આમ, જશ લેવામાં દોડી જતી કેન્દ્ર સરકાર આવા અનેક મુદ્દા અંગે જવાબદારી લેવાની આવે ત્યારે તે બીજા ભણી આંગળી ચીંધીને પોતાના ઉત્તરદાયિત્વમાંથી છટકી રહી છે. આ મહામારીમાં લોકોનાં જીવન-મરણનો સવાલ છે. એવા સમયે સરકારે માહિતી એકત્ર કરીને મૃતકોના કુટુંબીજનોને વળતર ચૂકવવું જોઈએ. એવું થાય, તો જ સરકારે સામાજિક ન્યાયનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું કહેવાય.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 16