નાગપંચમી મનાવતા અને નાગદેવતાની પૂજા કરતા આપણા દેશમાં દર વરસે અઠ્ઠાવન હજાર લોકો સાપ કરડવાથી મોતનો શિકાર બને છે! કોરોના મહામારીને કારણે છેલ્લા છ મહિનામાં ૯૦,૦૦૦ લોકોના મરણ થયાં છે, પરંતુ આ જ ગાળામાં જૂનથી મધ્ય ઓગસ્ટના અઢી મહિનામાં ભારતમાં ૨૦,૦૦૦ લોકો સર્પદંશથી મરી ગયા છે ! દુનિયામાં વરસે દહાડે સવાલાખ મોત સર્પદંશને કારણે થાય છે. તેમાં અડધોઅડધ ભારતીયો છે. ગુજરાતમાં બાર મહિનામાં ૨.૫૦ લાખ સાપ કરડવાના બનાવો બને છે અને તેમાં ૩,૦૦૦ મોત થાય છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ, વરસે ૮,૭૦૦, બિહારમાં ૪,૫૦૦, આંન્ધ્ર-તેલંગાણામાં ૫,૨૦૦ લોકો સાપ કરડતાં તેનું ઝેર લાગતાં મરી જાય છે.
ટોરેન્ટો વિશ્વ વિદ્યાલયના સેન્ટર ફોર ગ્લોબલ રિસર્ચે સર્પદંશથી થતા મોતનો અભ્યાસ અહેવાલ પ્રગટ કર્યો છે. ભારતમાં ૨૦૦૦થી ૨૦૧૯ના વીસ વરસોમાં સાપનું ઝેર બાર લાખ લોકોનો જીવ લઈ ગયું છે. સર્પંદંશથી મૃત્યુ પામનાર સત્તાણું ટકા ભારતીયો ગામડાંના, ગરીબો, ખેડૂતો, ખેતકામદારો હતા. માત્ર ત્રણ ટકા જ મોતના બનાવો શહેરોમાં બન્યા છે. જે બાર લાખ લોકો મૃત્યુ પામ્યા છે તેમાં ૬.૦૨ લાખ પુરુષો અને ૫.૬૫ લાખ મહિલાઓ છે. ૧૫ વરસથી નીચેના બાળકો ૨૭.૮ ટકા, ૧૫થી ૨૯ વરસના કિશોરો અને યુવાનો ૨૫ ટકા તેમ જ ૪૬.૫ ટકા તેથી વધુ ઉંમરના લોકો ભોગ બન્યા છે.
ચોમાસાની ઋતુ અને ગીચતાવાળા કૃષિ આધારિત વિસ્તારોમાં સર્પદંશના બનાવો સવિશેષ બને છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર, તેલંગાણા, ઝારખંડ, ઓડિસા, રાજસ્થાન અને ગુજરાત એ નવ રાજ્યો સર્પદંશના બનાવોમાં મોખરે છે. સાપ કરડવાથી થતાં મોત જેટલા જ મોટા આંકડા સાપ કરડવાના બનાવોના પણ છે. જે વ્યક્તિ માટે સર્પદંશ જીવલેણ નથી નીવડતો અને જીવ બચી જાય છે તે કાયમી અપંગ બની જતો હોય છે. સાપ કરડવાથી થતાં મોતના આંકડા તો સરકારી દફતરે નોંધાયેલાના છે, પરંતુ વણનોંધાયેલા બનાવો અને મોત એથી પણ વધારે છે.
સર્પદંશના બનાવો જાહેર આરોગ્ય માટે મોટો પડકાર છે. આપણે બહુ આસાનીથી સાપ કરડ્યો એનું ઝેર ચડ્યું અને માણસ મરી ગયો, એમ કહી વાતને વિસારે પાડી દઈએ છીએ. પણ વાસ્તવમાં આટલાં બધાં મોત સાપ કરડવાથી નહીં, સાપ કરડ્યા પછી તાત્કાલિક મળવી જોઈતી સારવારના અભાવે થાય છે. સાપ કરડ્યાના આરંભના બે કલાક બહુ નિર્ણાયક હોય છે. આ બે કલાકમાં વ્યક્તિને દવાખાને પહોંચાડવો અને તરત જ સારવાર અપાવવી ગામડાંઓમાં શક્ય બનતી નથી. વળી નાગપૂજાના ખ્યાલોમાં રાચતા સમાજમાં આરંભે ભૂવા અને ઝેર ખેંચનારનો આશરો લેવાય છે, જ્યારે તે ઉપાયો કારગત નીવડતા નથી અને દરદીનો જીવ જોખમમાં મૂકાય છે ત્યારે દવાખાને લઈ જવાય છે. આ વિલંબ જીવલેણ પણ બની શકે છે કેમ કે વ્યક્તિના શરીરમાં ઝેર પ્રસરી ગયું હોય છે.
ગામડાંઓનાં સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં સાપના ઝેરની અસર ખતમ કરનારી દવા, એન્ટી વેનમ, મોટાભાગે ઉપલબ્ધ જ હોતી નથી. કેમ કે તેને ફ્રીજમાં રાખવી અનિવાર્ય છે અને ગામડાંઓના સરકારી દવાખાનાઓમાં ફ્રીજ હોતાં નથી. જ્યાં આવી વ્યવસ્થા હોય છે ત્યાં એન્ટી વેનમ નિશ્ચિત માત્રામાં આપનાર પ્રશિક્ષિત ડોકટર કે પેરા મેડિકલ સ્ટાફ હોતો નથી. ઘણીવાર એન્ટીવેનમના ઓવર ડોઝથી મૃત્યુ કે અપંગતતા આવે છે. સાપનું ઝેર પ્રસર્યા પછી શરીરના જે તે અંગની તાત્કાલિક સર્જરી પણ કરવી પડે છે, તેની વ્યવસ્થા ગામડાંઓ અને નાના નગરોમાં હોતી નથી. એન્ટી વેનમની બજાર કિંમત આશરે રૂ. ૫૫૦ હોય છે તે ખાનગી દવાખાનામાં સારવાર લેતા ગરીબ દરદીને પરવડતી નથી. આ દવાની અછત હોવાથી તે સહેલાઈથી મળતી પણ નથી. એટલે સાપ કરડ્યો ને મરી ગયોનો સરળ રસ્તો અપનાવી આરોગ્ય સેવાઓની કમી પર કાયમ પડદો પાડી રખાય છે. સર્પદંશથી થતાં મોટાંભાગનાં મોત રોકી શકાય તેમ છે, પરંતુ સમયમર્યાદામાં સારવારના અભાવે મરણ થાય છે.
સરકારે ૨૦૦૯ના વરસમાં ‘નેશનલ સ્નેકબાઈટ મેનેજમેન્ટ પ્રોટોકોલ’ તો ઘડ્યો છે, પરંતુ તેનો અમલ થતો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ૨૦૩૦ સુધીમાં સર્પદંશથી થતાં મોત અડધા કરવાનો સંકલ્પ કર્યો છે. તે માટે પ્રાથમિક તબક્કે એન્ટી વેનમનું ઉત્પાદન ૨૫થી ૪૦ ટકા વધારવું જરૂરી છે. આ માટેની દવાઓ અંગે સંશોધન કરવાં પડશે. મોટી ફાર્મા કંપનીઓને સર્પદંશના ઝેરને ખતમ કરતી દવાઓના સંશોધન અને ઉત્પાદનમાં રસ નથી. તે બાબત વિચારવી પડશે. છોડના એન્ટી ઓક્સિડન્ટ લઈને ટેબલેટના રૂપમાં એન્ટી વેનમ વિકસાવવાની ગતિ વધારવી પડશે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વાહનવ્યવહારની સગવડો નથી, ત્યાં એમ્બ્યુલન્સ જેવી સેવાઓ ત્વરિત મળી રહે તેના ઉપાયો વિચારવા પડશે. હાલમાં આપણી આરોગ્ય સેવાઓના લિસ્ટમાં સર્પદંશને અકસ્માત કે દુર્ઘટના ગણવામાં આવે છે, તેને બદલે તેને કાયમી ઈલાજની યાદીમાં સમાવવાની જરૂર છે. હાફકીન ઈન્સ્ટિટ્યૂટ, મુંબઈ અને ઈરુલા કો.ઓ. સોસાયટી ચેન્નાઈમાં એન્ટી વેનમ અંગે ચાલી રહેલાં કામને આગળ વધારવાની જરૂર છે.
ભોગ બનનારા ગામડાંના ગરીબો, કિસાનો અને કામદારો છે એટલે તે સરકારની અને સમાજની કશી ગણતરીમાં નથી. તે વલણ ત્યાગી સર્પદંશથી થતાં મોતને અટકાવવાને પ્રાથમિકતા અપવી પડશે. લોકોએ પણ જાગ્રત થવાની જરૂર છે. ખેતરોમાં અને કામનાં સ્થળે રબરના બૂટ, મોજાં, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશ લાઈટ જેવા હાથવગા ઉપાયો અજમાવી શકાય. જો કે ઘણાં મોત તો પાકા ઘરના અભાવે અને સૂવા માટે ખાટલા જેવી સગવડના અભાવે થતા હોય છે. એટલે તે દિશામાં વિચારવાની જરૂર છે. લોકોની જાગૃતિ, થોડી સાવધાની અને સરકારના આરોગ્ય સેવાઓને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો આ સમસ્યાથી છૂટકારો અપાવી શકે તેમ છે. સાવધાની સાથેનું સહજીવન અને ઝેરી સાપની પરખ પણ આ સમસ્યાના ઉકેલનો એક રસ્તો બની શકે.
(તા.૩૦-૦૯-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com