મેં જોયું છે
જેમ દીવો ઝુંમર સામે ઝાંખો પડે,
એમ મોટા માણસનાં જૂઠ સામે
નાના માણસનું સત્ય ઝંખવાઈ જતું હોય છે.
એમનું જૂઠ
જૂઠ હોતું જ નથી,
એક હળવી મજાક હોય છે,
અથવા એવો વ્યંગ,
જેમાં રહેલું સત્ય
આપણા જેવા મૂર્ખ-પામર
એમની ઊંચાઈ માટે દ્વેષ રાખનારને સમજાતું નથી,
બાકી એમનું જૂઠ
સત્યથી અનેકગણું પ્રભાવશાળી હોય છે,
અને એક રીતે
સત્યનું પર્યાયવાચી હોય છે
એમનું જૂઠ.
શબ્દસ્વામી
ભલીભાંતી જાણતા હોય છે
એ ખજાના સુધી પહોંચવાનો માર્ગ,
જ્યાં સત્ય અડવાણે પગે ચાલે છે,
અને જૂઠ હવા સાથે વાતો કરતું
જતું હોય છે સાત ઘોડાનો રથ લઇ,
જૂઠ જરૂરી સાધન છે ઉચ્ચતમ શિખરો સુધી પહોંચવા માટેનું
અનેક બંદૂકોમાં ભરેલી ગોળીઓ
શોધતી હોય છે સત્યનું સરનામું.
મોટા માણસોનું જૂઠ
એમના દેહવિલય પછી જ
ખોલે છે એમના અનુયાયીઓ
અને એ ભલે સત્ય લાગે
પણ હકીકતે
છીપમાનાં મોતી જેમ
એમાં પાંગરતું હોય છે એક મોટું જૂઠ,
જેને હાથ કરવા અનેક મોટા માણસો વચ્ચે લાગે છે હોડ.
સત્યમેવ જયતેની ખરી હકીકત
રાજભવનોના કાર્યકલાપ
અને કોર્ટની ભીડમાં જોઈ શકાય છે,
જો તમારી આંખ આડે
કોઈ મોટા માણસે
ન લટકાવી દીધાં હોય
બનાવટી સત્યનાં તોરણ.
મોટા માણસોનું જૂઠ …..
(ઉમાશંકર જોશીના જન્મદિવસે, સ્વાયત્તતાદિવસની ઉજવણી સ્વરૂપે)
ભોપાલ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2020; પૃ. 15