ઘણી વાર બહુ લાંબા સમયે કોઈ આંદોલનનાં સારાં-સાર્થક પરિણામ જોવા મળતાં હોય છે. ગુજરાતી સાહિત્ય પરિષદે પહેલી માર્ચ, ૨૦૨૦ના દિવસે યોજેલું સ્વાયત્તતા-સંમેલન એ રીતે સ્વાયત્તતાની દિશાનું એક નવું પ્રસ્થાન છે. હારજિત, સફળતા-વિફળતા, આગેકૂચ-પીછેહઠ, સાથીદારોની ગઠજોડ : આ બધાં સત્તાની રાજનીતિનાં ગણિત છે. કલાની પ્રકૃતિ અલગ છે. અહીં સ્પષ્ટ પક્ષો, પક્ષોની અંદરનાં પેટા જૂથો, વિચારધારાઓ, વિચારધારાઓમાં છુપાયેલી વિચારધારાઓ, તક્કાવાર પંચાયતથી શરૂ કરી દિલ્લી સુધી કોઈ પણ રસ્તે સત્તા સુધી પહોંચવાની રણનીતિ કે કાર્યકર્તાઓનું પિરામિડતંત્ર નથી હોતું કે નથી હોતી ત્યાં હોય છે એવી ઉચ્ચાવચતા. અહીં એક નવો આવેલો કવિ મૂર્ધન્ય કવિને સવાલ પૂછી શકે કે વિવાદ કરી શકે એટલી સ્વતંત્રતા અને સ્વાયત્તતા હોય છે. એ બદલ એની પક્ષમાંથી થાય એવી સાહિત્યમાંથી હકાલપટ્ટી નથી થતી કે નથી એની વિરુદ્ધ શિસ્તભંગનાં પગલાં લેવાતાં. અહીં માત્ર બાહ્ય નહીં પણ આંતરિક લોકતંત્ર-સ્વાતંત્ર્ય અને સ્વાયત્તતા પણ છે. આ પ્રકૃતિ છે સાહિત્યની.
મને વારે વારે સાહિત્યના ઇતિહાસમાં ડોકિયું કરવાની ટેવ હતી જે અકાદમીની સ્વાયત્તતાના આ આંદોલને વધુ દૃઢ બનાવી. વધુ દૂર નહીં જ્યાંથી અર્વાચીન કવિ નર્મદ આવે છે ત્યાં ઊભા રહીને જોઈએ તો નર્મદના અર્વાચીન નવા વિચારો દલપતરામના વિચારો સાથે સંઘર્ષમાં આવે છે, પણ એ એકમેકને નેસ્તનાબૂદ કરવાની નેમથી નહીં, નવી ક્ષિતિજો ખોલવા આવે છે. નર્મદ કંઈ દલપત મુક્ત ગુજરાતી સાહિત્યનો નારો નથી આપતા, કે ત્યાર પછી આ ગુજરાતી સાહિત્ય પરિષદને વધુ સ્વતંત્ર કે સ્વાયત્ત બનાવવા નવી પેઢીના ઉમાશંકર-નિરંજન જેવા કવિઓ કનૈયાલાલ માણેકલાલ મુનશીની સામે ઊભા થાય છે તો એ મિટાવવાની વૃત્તિ સાથે નહીં, નવું ઘડવાની જ અપેક્ષા સાથે. તમે જુઓ કે સુ.જો., ઉ.જો. જેવી બે વિરોધી દેખાતી સાહિત્ય-શાળાઓએ ગુજરાતી સાહિત્યને કેવું માતબર કર્યું છે? અમદાવાદથી લઈ વડોદરા-મુંબઈ અને દરિયાપાર સુધી ગુજરાતી ભાષા-સાહિત્યની ગરિમા પ્રસરાવવાનું કામ આ બંને પરંપરા કરી જાય છે.
મારે અહીં ૧૯૫૭માં મહાગુજરાત વખતે ઉમાશંકર અને જયન્તિ દલાલ વચ્ચે થયેલા વૈચારિક સંઘર્ષની વાત પણ કરવી જોઈએ. આપને થશે કે સ્વાયત્તતા, અને એમાં ય અકાદમીની સ્વાયત્તતાની ચર્ચામાં આ ઇતિહાસ કેમ ખોલું છું? એનું કારણ માત્ર એટલું જ કે મારે સત્તાની વૃત્તિ અને સાહિત્યની પ્રકૃતિ વચ્ચેના અંતરને સમજવું-સમજાવવું છે. આપણે ‘સહિત’ની ભાવનામાં દૃઢ શ્રદ્ધા રાખતી પ્રજાતિ છીએ ને રાજસત્તાની વૃત્તિ જ વિખંડન-વિભાજનના ઘાતક વિચાર પર ચાલે છે. આજનાં સાહિત્યકાર ભાઈઓ-બહેનોએ આ સમજવું પડશે. પરિષદ સાથે જોડાયેલા સાહિત્યકારોએ પરિષદના ઇતિહાસ અને એની સ્થાપના પાછળની ભાવનાને ખાસ સમજવી પડશે. રણજિતરામ વાવાભાઈને સહેજેય પ્રાપ્ત નહોતું કરવું પણ ઘણું બધું આપવું હતું, એટલે એમણે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવો વિચાર સાકાર કર્યો. એ મહાપુરુષ તો યુવાવયે ચાલ્યા ગયા. એમણે અમર છાપ છોડી. એટલે જ તો આજે પણ રણજિતરામ ચંદ્રકનું તેજ ઝાંખું પડતું નથી.
આપણો સરકારે છીનવી લીધેલી અકાદમી પાછી સ્વાયત્ત સ્વરૂપે મેળવવાનો સંઘર્ષ એ કોઈ સત્તાસંઘર્ષ નથી, પણ સંસ્કૃતિસંઘર્ષ છે. સાહિત્યની સંસ્થાઓ પ્રજાનું અભયારણ્ય છે, સત્તાના કિલ્લા એને પોતાની આણ તળે લાવવા કે ત્યાં ઝંડા ફરકાવવા આગેકૂચ કરે, તો આપણે લડવું પડે. એમ નહીં કરીએ તો સાહિત્ય મનુષ્યનો સ્વર નહીં પણ સત્તાના પ્રચાર-પ્રસારની ડુગડુગી બની જશે. આ થયું સાહિત્ય અને સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માંગવાનું ઔચિત્ય.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રની અધ્યક્ષતામાં યોજાયેલ ૧ માર્ચના સ્વાયત્તતા-સંમેલનમાં ભલે કોઈ મોટો સાહિત્યકાર સમૂહ ન દેખાયો હોય, ભલે એમાં ઉત્સાહનું મોટું પૂર ઉમટેલું ન દેખાયું હોય, ભલે એમાં કોઈ નક્કર ઠરાવ ન થયો હોય, પણ જે દેખાયું છે તે અલભ્ય, અમૂલ્ય અને દિશાસૂચક છે. આપણે જે સાહિત્યકારોએ અકાદમીની સ્વાયત્તતા માટે માંગ કરી, એની સૂચિ જોઈએ અને એને ટેકો આપનાર સાહિત્યકારોની સાહિત્યિક સ્વીકૃતિ જોઈએ, તો એનું મહત્ત્વ સમજાશે. સિતાંશુભાઈ, રઘુવીરભાઈ, ટોપીવાળા, કુમારપાળ, શિરીષ પંચાલ, હરિકૃષ્ણ પાઠક, અનિલા દલાલ, રમણ સોની, વિનાયક રાવલ, સંધ્યાબહેન ભટ્ટ, પરેશ નાયક, જયદેવ શુક્લ, ભરત મહેતા, સમીર ભટ્ટ, મુંબઈથી આવેલાં સેજલ શાહ અને હેમની શાહ બધાં નામ સ્થાનસંકોચને કારણે નથી નોંધતો. પણ જે મિત્રોએ સભા સંબોધી, એમાં અકાદમીની સ્વાયત્તતા માટે સીધાં સચોટ અને કારગત કદમ ભરવાની વાત હતી. ધીરુભાઈ પરીખ કે ધીરુબહેન પટેલના સંદેશાનું પણ આગવું મહત્ત્વ છે. રાજકોટ અને અન્ય સ્થાનેથી પણ સાહિત્યકારો આવ્યા કે એમનાં સમર્થન – સંદેશ પરિષદ પ્રમુખ સિતાંશુભાઈને મળ્યા. આમ, ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ બધા છેડા જોડાઈ રહ્યા છે. ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ પણ એક સૂત્રે સંકળાઈ રહી છે.
ગૂજરાત વિદ્યાપીઠ તથા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની હાજરી એક નવું વિસ્તરણ હતું. રઘુવીરભાઈ જો એમ કહે કે ‘આપણે ઉમાશંકરના જન્મદિવસની ઉજવણી સ્વાયત્તતા-દિન તરીકે કરીશું.’ તો એમના એ કથનમાં અકાદમીની સ્વાયત્તતા ઉપરાંત શિક્ષણની સ્વાયત્તતા માટેની પણ ઊંડી માંગ પડેલી છે, જેને સરકાર નજરઅંદાજ નહીં કરી શકે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ અકાદમીની સ્વાયત્તતા માટે પોતાના તરફથી પ્રયાસ કરવા તત્પર થયા છે, તેનો સંદેશ મળ્યો. જો કે આપણે એ સ્પષ્ટતા સાથે આગળ વધ્યા છીએ કે સ્વાયત્તતા-આંદોલન પક્ષ-પંથ નિરપેક્ષ છે.
આમ, અકાદમીની સ્વાયત્તતા અંગે નાનામોટા કેટલાક સાહિત્યકારોમાં આરંભે જે થોડી અવઢવ હતી તે નથી અને જે થોડી છે તે દૂર થશે. હવે પરિષદમાં સ્વાયત્તતા-આંદોલન માટે એક વિધિવત્ પગલા સમિતિની રચના પરિષદ પ્રમુખ સિતાંશુભાઈ કરશે. એનો અર્થ સરકાર પક્ષે જો સમજવો હોય તો એ થયો કે જેમ સરકાર કોઈ કટોકટીને નિવારવા વૉરરૂમ રચે છે, તેવો એક વૉરરૂમ કહો કે ‘સ્વાયત્તતા સેલ’ પરિષદમાં ખૂલશે. આ આંદોલન આરંભાયું ત્યારથી એમાં ગુજરાતભરના નાનાં-મોટાં સહુ સાહિત્યકારો-રસિકો તો જોડાયેલાં હતાં જ. પ્રકાશ ન.શાહ, બારીન મહેતા, મનીષી જાની, સરૂપ ધ્રુવ, સ્વાતિ જોશી, ભરત મહેતા, કિરીટ દુધાત, રમેશ દવે, ભારતી દવે, આ સહુ નિરંજન ભગત તથા અન્ય વડીલોની નિશ્રામાં કાર્યરત હતાં જ. અને એ પણ હકીકત છે કે સરકાર પક્ષે પાંચ વર્ષ મચક નથી આપી, અકાદમી પુરસ્કાર કે કાર્યક્રમોમાં ઘણા સાહિત્યકારો ગયાં જ છે. પણ અંગત રીતે એ સ્વાયત્તતામાં માનતા જ રહ્યા છે. આ સ્થિતિ અવઢવની છે જ એમ સ્વીકારી આપણે આગળ વધીએ. પણ સાથોસાથ એક જે તથ્ય સરકારે સમજવાનું છે તે એ છે કે હવે માત્ર બહારવટિયા જ નથી લડતા, એમાં સમાજનાં અગ્રણી અને નગરજનો પણ સામેલ થયાં છે. બીજી રીતે, આ સંમેલન એમ પણ કહે છે કે સરકારની ડિવાઇડ ઍન્ડ રૂલની કૂટનીતિ વિફળ રહી છે. માટે, લેટ્સ યુનાઇટ ઍન્ડ ફાઈટ.
ભોપાલ, 08 માર્ચ 2020
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 14-15