એક તરફ આ દેશનું લોકતંત્ર અત્યારે બહુમતીવાદ, રાષ્ટ્રવાદ, વર્ણવાદ, હિન્દુવાદ, એકપક્ષવાદ જેવાં ભાવાવેશમાં કહો કે તણાઈ રહ્યું છે. બીજી તરફ દલિત, આદિવાસી, લઘુમતી જેવા કચડાયેલા તબકાઓ સાથે સરેઆમ હિંસાની ઘટનાઓ ઘટી રહી છે – અને એની હ્રદય વિદારક ચીસોને રાષ્ટ્રવાદના મહિમાગાનથી ઢાંકવામાં આવી રહી છે. એ હકીકત આંખમાથા પર કે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ હિન્દુવાદ, સવર્ણવાદ અને સીમિત રાષ્ટ્રવાદ તથા પ્રબળ પ્રચાર તંત્રનાં જોરે બહુમતીથી ચૂંટણી જીતીને સત્તામાં આવ્યો છે, પણ એનો અર્થ એવો કદાપિ ન કાઢવો જોઈએ કે એમનાં હિન્દુવાદ, સવર્ણવાદ અને સીમિત રાષ્ટ્રવાદને ન માનનારા અને એમના હિંદુત્વ આધારિત શાસન સાથે અસહમતી ધરાવનારા સહુ હારી ગયા છે; અને પોતાના તમામ લોકતાંત્રિક અધિકારો ગુમાવી બેઠા છે. જે રીતે વીતી ગયેલી ચૂંટણીમાં પ્રધાનમંત્રીએ પોતે એમનો વિરોધ કરનારા સહુને દેશવિરોધી હોવાનાં ખોટાં ખાનામાં મૂકી ઝૂડવાનું શરૂ કર્યું એ એમની શક્તિ અને અશક્તિ બન્ને દર્શાવે છે. એમની શક્તિ એ કે એમનાં આવા લોકભોગ્ય વલણને બહુમતી હિંદુ સમાજનો “મોદી .. મોદી ..”નાં ગગનભેદી નાદ સાથે દેશ-વિદેશમાં ભરપૂર સાથ મળ્યો. અશક્તિ એ કે એમનામાં લોકતાંત્રિક લડાઈ લોકતંત્રનાં ધારાધોરણો પ્રમાણે લડવાની ક્ષમતાનો કોઈ અંશ પણ દેખાયો નહીં.
એવું નથી કે એમની પૂર્વે આ રીતે બહુમતી સિદ્ધ કરનારા નથી આવ્યા. કૉંગ્રેસનો ઇતિહાસ પણ કૈક આવો જ રહ્યો છે જેનાં અસંખ્ય પુરાવા ભારતીય રાજનીતિનાં જન-ઇતિહાસમાં નોંધાયા છે. પણ પેલાએ આ કર્યું એટલે હું કરીશ એવું મહાભારત યુગીન વલણ તો આપણને કુરુક્ષેત્રનાં એ અંત સન્મુખ લઇ જશે; જ્યાં નહીં રાજ્ય બચે, કે નહીં રહે શાસક, રહી જાશે શાસિત જનતાની કરુણાંતિકાઓ. આવાં નૃશંસ અંતથી બચવા પણ સત્તારૂઢ પક્ષે પોતાની અહંકારી રાજનીતિ બંધ કરવી રહી, નહિતર આજે જ્યાં પેલાઓ છે ત્યાં જ એમણે પણ પહોંચવાનું છે અને પછી કહેવાનું છેઃ
ले आई फिर कहां से किस्मत हमें कहाँ पर,
यह तो वही जगह है गुजरे थे हम जहाँ से।
ફરી વાત શરૂ થઈ છે એક પત્રથી જે દલિત અત્યાચાર અને મૉબલિન્ચિંગ અંગે દેશના ફિલ્મ સર્જકો અને કલાકારો દ્વારા પ્રધાનમંત્રીને લખવામાં આવ્યો છે. આ પત્રમાં હસ્તાક્ષર કરનારાઓમાં ફિલ્મ નિર્માતાઓ અદૂર ગોપાલકૃષ્ણન્, અપર્ણા સેન, શ્યામ બેનેગલ, કેતન મહેતા, ગૌતમ ઘોષ, અભિનેતાઓ – સૌમિત્ર ચૈટર્જી, રેવથી, આશા, લેખકો – અમિત ચૌધરી, ઇતિહાસકારો અને શિક્ષાવિદો – આશિષ નંદી, સુમિત સરકાર, તનિકા સરકાર, પાર્થ ચેટર્જી, રામચંદ્ર ગુહા અને ગાયિકા શુભા મુદ્ગલનો સમાવેશ થાય છે. એમણે લખ્યું :
“અમારી આ ઊંડી લાગણી છે કે આવા અપરાધોને બિનજામીનપાત્ર ગણવામાં આવે. અને તેઓને ઉદાહરણરૂપ, શિક્ષા નિશ્ચિતપણે અને તાત્કાલિક મળવી જોઇએ. જો હત્યાના આરોપસર પેરોલ વગર જન્મટીપની સજા આપી શકાય તો લિંચિંગમાં કેમ નહીં, જે વધારે ભયાનક ઘાતકી છે.”
પત્રમાં નેશનલ ક્રાઈમ બ્યુરોના રિપોર્ટના આધારે પ્રધાનમંત્રીનું એ વાત પર ધ્યાન દોરતા કહેવામાં આવ્યું છે કેઃ “મુસ્લિમ, દલિત અને બીજી માઈનોરિટી સાથેનાં મૉબ લિન્ચિંગની ઘટનાઓ સત્વરે અટકાવવી જોઈએ ..” રાષ્ટ્રિય ક્રાઈમ રેકૉર્ડ બ્યૂરો પર આધારિત દલિતો પર થયેલા અત્યાચારોના આંકડા તરફ ધ્યાન દોરતાં પત્રમાં જણાવ્યું છે કે “મુસ્લિમો દલિતો અને બીજી લઘુમતીઓના હત્યાકાંડ તરત જ બંધ થવા જોઇએ. NCRBના રિપોટ્ર્સમાંથી મળેલ તથ્યો જાણીને અમને ઘેરો આઘાત લાગ્યો છે કે વર્ષ ૨૦૧૬માં લગભગ ૮૪૦ દલિતો પર અત્યાચારના બનાવો બન્યા છે અને એનાં પ્રમાણમાં ગુના સાબિતીની ટકાવારીમાં નિશ્ચિત ઘટાડો થયો છે.”
બૌદ્ધિકો અને ફિલ્મકારોએ આ પત્રમાં કહ્યું છે કે ‘જય શ્રીરામ’નો નારો જાણે યુદ્ધની દુંદુભિ સમો બની ગયો છે. જેમનું લિન્ચિંગ થયું છે તેમને બળજબરીપૂર્વક ‘જય શ્રી રામ’ બોલવાની ફરજ પાડવામાં આવે છે.” પત્રમાં આ વાત પણ કહેવામાં આવી છે કે “વિરોધ વિના લોકતંત્ર ન હોઈ શકે અને જે લોકો સરકારનો વિરોધ કરે છે એમના પર ‘રાષ્ટ્રવિરોધી’ અથવા ‘અર્બન નક્સલ’ની ‘છાપ’ ન મારવી જોઇએ.”
આમાં એમણે ખોટું શું કહ્યું છે? અહીં પેલી “કોરવ-પાંડવ” યુગીન દલીલની જરૂર ક્યાં છે કે તમે જે.એન.યુ. પ્રસંગે ચૂપ કેમ રહ્યા? તમે કાશ્મીરના પંડિતોની હત્યા વખતે કેમ બોલ્યા નહીં? શીખોની હત્યા વખતે તમે ક્યાં હતા? તમે સિલેક્ટીવ પ્રોટેસ્ટ કેમ કરો છો? સાચા અર્થમાં નાગરિક સમાજનો હિસ્સો બની રહેલાં કલાકારો, સાહિત્યકારોનું કામ એ છે કે તેઓ કોઇપણ સત્તાસ્થાનનાં નહીં પણ મૂલ્યોનાં પ્રહરી હોય. તમે આ ગ મેત્યારે બેકસૂર નિર્દોર્ષ દલિતો કે માઈનોરિટી પર સરેઆમ લાઠીદાવ કરો તો શું તેઓ પ્રધાનમંત્રીને પત્ર લખીને વિરોધ પણ ન કરી શકે? કવિ હ્રદય અટલજી હોત તો કહેત …. પણ હાલની ભા.જ.પ.ની મોડસ ઓપરેન્ડી પ્રમાણે વડાપ્રધાનને આ પત્ર લખાયો એટલે તરત જ સરકારતરફી મિત્રોની આકરી પ્રતિક્રિયાઓ આવવા લાગી. આ ૪૯ની સામે પ્રસૂન જોષી, કંગના રનોત, ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી, મધુર ભાંડારકર, અને રાજ્ય સભાનાં સાંસદ સોનલ માનસિંહ તથા અન્ય ૬૨ની સહી સાથે એ પત્રનો પ્રતિવાદ થયો. તેઓ શ્યામ બેનેગલ આદિએ લખેલા પત્રના જવાબમાં લખે છે,
“એ ૪૯ જન બૌદ્ધિકો, જેમણે આ પૂર્વેનો પત્ર લખ્યો છે, એવુ લાગે છે કે જાણી જોઈને ધરાર ખોટી બાબતોનો ચીતાર આપે છે, અને એમ કરીને બેઈમાનીપૂર્વક એક ખોટું કથા-તંત્ર રચે છે. પસંદગીયુક્ત આક્રમણનો આ દસ્તાવેજ એક એવો પ્રયત્ન ગણી શકાય જે તદ્દન નકામો અને ખોટો છે, અને આપણાં લોકતાંત્રિક મૂલ્ય, રાષ્ટ્ર અને લોક તરીકેની આપણી સામૂહિક કાર્યપદ્ધતિને ઇરાદાપૂર્વક બદનામ કરે છે.” પત્રમાં લખ્યું છે : “આનું લક્ષ્ય ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું છે. મોદીના પ્રભાવશાળી શાસનના અથક પ્રયાસો જે ભારતીયતાના મૂળમાં રહેલા સકારાત્મક રાષ્ટ્રવાદ અને માનવતાના પાયાપર સ્થિત છે એને નકારાત્મક રીતે ચીતરે છે.”
અહીં પણ તેઓ દલિત અત્યાચાર અને લિન્ચિંગની ઘટનાઓને એક તરફ કરી રાષ્ટ્રવાદ, બહુમતી અને મોદીની લોકપ્રિયતાની જ વાત કરે છે. જ્યારે ભા.જ.પ. સાંસદ મુખ્તાર અબ્બાસ નક઼વી કહે છે કે “થોડા લોકો જે પોતાને માનવ અધિકાર અને બિન સાંપ્રદાયિકતાના રખેવાળ સમજે છે, આ પ્રકારનાં ગુનાહિત કૃત્યને જાતિવાદી અને ધાર્મિક બનાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વારની મોદીની પ્રચંડ જીત પછી હતાશામાં સરી ગયેલા આ લોકો હજી એમાંથી બહાર નથી નીકળી શક્યા.” ૨૦૧૫માં જ્યારે અનેક લોકોએ લઘુમતી પ્રત્યે સરકારની વધતી જતી અસહિષ્ણુતાના કારણે સરકારે આપેલા પુરુસ્કારો પાછા આપ્યાં હતાં એનો સંદર્ભ ટાંકી નકવીએ કહ્યું કે “હવે તેઓ એવોર્ડ વાપસીની બીજી આવૃત્તિ બહાર પાડી રહ્યા છે.”
ભા.જ.પ.ના બંગાળ એકમના સામાન્ય સચિવ સંત્યાયન બસુનું કહેવું છે; “જો બૌદ્ધિકોએ કોઈ વિધાન કર્યું હોય તો એને ચોક્કસ ગંભીરતાથી લેવામાં આવશે. વડાપ્રધાને પોતે આવી ઘટનાઓને વખોડી છે. પણ હવે એ જોવું રહ્યું કે કેટલા બંગાળી બૌદ્ધિકો રાજ્યમાં તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા ફેલાવેલા આતંકની ટીકા કરે છે.”
અહીં આ કલાકારોના આ બે સમૂહનાં વૈચારિક સંચલનો પણ સમજવા જરૂરી છે. બેનેગલ, કેતન મહેતા કે અપર્ણા સેન આ બધાં એવાં કલાકારો છે જે દાયકાઓથી પોતાની સામાજિક નિસબત પોતાની કળા વડે અને જરૂર પડે જાહેરમાં આવીને વ્યક્ત કરતાં રહ્યાં છે. એમાંના એક ગિરીશ કર્નાડ તો હમણાં ગયા. પણ છેલ્લી ઘડી સુધી એમનાં નાકમાં ઓક્સિજન ટ્યુબ હતી અને ગળામાં ‘હું પણ અર્બન નક્સલ’નું બોર્ડ. ગિરીશ કટોકટી વખતે ૧૯૭૫માં પૂણે ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યૂટના નિયામક હતા પણ કટોકટીના વિરોધમાં એ પદ પરથી રાજીનામું આપી પોતાનો વિરોધ પ્રકટ કર્યો હતો. મતલબ કે એમની નિસબત મૂલ્ય સાથે હતી પક્ષ કે સત્તા સાથે નહીં. શ્યામ બેનેગલ મંથન, અંકુર, નિશાંત જેવી ફિલ્મોથી અને કેતન મહેતા ભવની ભવાઈ, મિર્ચ મસાલા, અને છેલ્લે દશરથ માંઝી અને રાજા રવિ વર્મા પરની ‘રંગરસિયા’ જેવી ફિલ્મોથી પોતાનો કચડાયેલા સમાજ અને માનવીય મૂલ્યો પ્રત્યેનો અનુબંધ દર્શાવી ચૂક્યા છે.
આપણે જોઈ શકીએ છીએ કે આ બધાંનો ઝોક સ્થાપિત રાજસત્તા, ધર્મસત્તા અને અર્થસત્તાના વિરોધનો અને દલિત, આદિવાસી, સ્ત્રી, જેવાં સમાજથી અવગણાયેલાં તબકા પ્રત્યે ધ્યાન ખેંચવાનો અને આ શોષિત સમાજને ન્યાય અપાવવાનો રહ્યો છે. આને આપણે લેફ્ટીઝમ જરૂર કહી શકીએ. પણ આપણા પ્રધાનમંત્રી એને …. જવા દો. આ બધાની એક હકીકત એ છે કે એમની પહેલી નિસબત કચડાયેલા વર્ગ સાથે છે.
હવે આ બીજી બાજુના મિત્રોને જુઓ. પ્રસૂન જોષીએ કદાચ પ્રદીપજી જેવાં નહીં પણ રાષ્ટ્રભક્તિનાં ગીત લખ્યાં છે. તેઓ અત્યારે સેન્સર બોર્ડના ચેરમેન છે. સરકારના અતિ પ્રિય છે. મધુર ભાંડારકર હમણે તાજા તાજા આ સરકારના હાથે પદ્મશ્રી થયા છે. કંગનાજી બીજી ઘણી બાબતોમાં વિવાદાસ્પદ રહ્યાં છે, પણ તેઓ ક્યારે ય પ્રજાનાં દુઃખ-દર્દ માટે બહાર આવ્યાંનું જાણ્યું નથી. આમાંના કોઈ આ પહેલાં ક્યારે ય પ્રજાના પ્રશ્નો અંગે જાહેરમાં આવ્યાં હોય એવું કોઈએ જોયું નથી, જોયું હોય તો મને સુધારજો. અને અત્યારે પણ તેઓ સરકારની તરફેણમાં, કચડાયેલા વર્ગની, દલિત લઘુમતીની ચિંતા માટે બહાર આવેલાના વિરોધમાં ખડા થયા છે. અને આ બધાં એકી સ્વરે શું કહી રહ્યા છેઃ
“…. મોદીના પ્રભાવશાળી શાસનના અથક પ્રયાસો જે ભારતીયતાનાં મૂળમાં રહેલા સકારાત્મક રાષ્ટ્રવાદ અને માનવતાના પાયાપર સ્થિત છે એને આ લોકો નકારાત્મક રીતે ચીતરે છે.”
રામ ભારતીય સંસ્કૃતિનું એક અદ્વિતીય પાત્ર છે. આજ પણ મને કૈંક વાગે કે અસહ્ય પીડા થાય તો મુખમાંથી ‘હે રામ’નો ઉદ્દગાર સરી પડે, આ મારાં ઉછેરનું પરિણામ છે. ગાંધીજી પણ ત્રણ ગોળી વાગ્યા પછી ‘હે રામ’ બોલેલા. એમની સમાધિ ઉપર પણ ‘હે રામ’ સ્વર્ણ અક્ષરે કંડારાયેલું છે. એટલે રામ ઉપર કોઈની પેટન્ટ રજિસ્ટર થઈ હોય એવું નથી. હા, રામનો વિશિષ્ટ પ્રકારનો ઉપયોગ સત્તાપક્ષે શરૂ કર્યો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આપણામાંના મોટા ભાગનાને રામાયણ ધારાવાહિક યાદ હશે. એમાં રામ-રાવણનાં યુદ્ધમાં ઝનૂનપુર્વક ગદા વીંઝી કપિરાજો રાવણ સેના પર પ્રહાર કરતી વખતે “જય શ્રી રામ”નો ગગનભેદી નાદ કરે છે. મોદીજીનાં ન્યૂ ઇન્ડિયામાં અત્યારે ચોતરફ આ જ સાંસ્કૃતિક પ્રદૂષણ ફેલાતું દેખાય છે.
‘જય શ્રી રામ’ના આવાં અર્થઘટન કે ઉપયોગ સામે કોઈને પણ અસહમતી હોઈ શકે. એથી કઈ તમે એને હિંદુ વિરોધી કે રાષ્ટ્ર વિરોધી ન ઠેરવી શકો. હું હિંદુ છું. હું રાષ્ટ્રપ્રેમી પણ છું. હા, સત્તારૂઢ પક્ષ જે રીતે દેશમાં ધર્મ અને રાષ્ટ્રના નામે લોકશાહીને ટોળાંશાહીમાં બદલી રહ્યો છે તે સામે મારો વિરોધ છે. સાહેબ, આ રીતે ‘સબ કા વિશ્વાસ’નું સૂત્ર સાર્થક થશે? તમને શાસન બંધારણ પ્રમાણે ચલાવવા બહુમતી મળી છે આવું ‘અ-રામરાજ્ય’ સ્થાપવા માટે નહીં જ નહીં. વડાપ્રધાન આખા દેશના અને જનતા સમસ્તના હોય છે કોઈ પક્ષ, ધર્મ કે જાતિના નહીં એ વાત એમને યાદ અપાવવી નાગરિક સમાજનું પરમ કર્તવ્ય છે. અને જ્યારે નાગરિક સમાજ એ કર્તવ્ય બજાવે છે ત્યારે તમે અને તમારી ‘પ્રચાર ટોળી’ એમને અપમાનિત કરો અને અવનવાં વિશેષણોથી નવાજો એ શું ઉચિત છે? આ લોકશાહી બિનસાંપ્રદાયિક દેશમાં? તમે ‘જય શ્રી રામ’ના નારા સંસદથી સડક સુધી લગાવો, પણ અમે, ‘નિર્બલ કે બલ- રામ’માં માનીએ છીએ, એ શું ગુનો છે?
સંદર્ભઃ આ તમામ સંદર્ભો ઇન્ટરનેટથી પ્રાપ્ત થયા છે, અને અગ્રેજીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે જેની સંપૂર્ણ જવાબદારી લખનારની છે.
૨૮ જુલાઈ, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 03-04