આછીઅમથી પણ આસાએશ એ વાતે હતી કે રાજ્યસભામાં હજુ ભા.જ.પ. પાસે નિર્ણાયક બહુમતી નથી : માહિતી અધિકાર અંગેના સુધાર ખરડા સહિત જે બીજા અનેક ખરડા હવે ઘડિયાં લગન પેઠે ઉઘલાવવાની ઘાઈમાં કેન્દ્ર સરકાર હાલ માલૂમ પડે છે એમાં એથી કંઈક રૂકાવટ જરૂર આવી શકત. અલબત્ત, એથી સવાલ છેવટનો હલ નથી થતો તે નથી થતો; કેમ કે રાજ્યસભા ખરડો પાછો મોકલી શકી હોત, પણ લોકસભા જો પુનર્વિચાર બહાલ ન રાખે તો છેવટનો હક તો બંધારણીય રાહે એની (લોકસભાની) કને જ હોવાનો છે.
સામાન્યપણે ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’ એ નાના પડદા પરની આપણી પરિચિત તકલીફ છે. પણ આ રુકાવટને રાજ્યસભાની ક્યારેક હોઈ શકતી રુકાવટ સાથે ગોટવી દેવાની જરૂર નથી. કારણ, એ ‘રુક જાવ’ વસ્તુતઃ એક એવો સર્જનાત્મક તનાવ પેદા કરી શકે છે જે સંભવ છે કે ફેરવિચાર અને ક્ષતિપૂર્તિનો અવસર પૂરો પાડી શકે.
બાકી ખરડા છાંડી આ ક્ષણે માહિતી અધિકાર સુધાર ખરડા વિશે જ મુખ્યત્વે વાત કરવાનો ખયાલ છે. નમો શાસન આગમચ જે એક દાયકો મનમોહન શાસનને મળ્યો એની મહદ્ ઉપલબ્ધિઓ પૈકી આ કાનૂન છે. એના લાભની અને એના મૂળગત મહત્ત્વની ચર્ચામાં આપણે નહીં ઊતરીએ; કેમકે તે જગજાહેર છે. યુ.પી.એ.નાં વડાં સોનિયા ગાંધીની રાષ્ટ્રીય સલાહકાર સમિતિ પર અગ્રકામગીરી બજાવનારાં અરુણા રોય આદિની મહેનતથી સંભવિત બનેલ એ લોકશાહી નવાજેશ છે.
ખરું જોતા આજના સત્તાપક્ષને એ ખયાલ હોવો જોઈએ કે કટોકટીના અનુભવે આપણને જાણકારીના અધિકાર અને અભિવ્યક્તિના અધિકારની જે ભૂમિકા છે એનો અચ્છો અહેસાસ કરાવેલો છે. આ અહેસાસ સાથે ધીરે ધીરે ભળેલી સમજ એ છે કે કોઈ એક વ્યક્તિના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય (કે જાણવાના અધિકાર) પર રોક આવે તે માત્ર જે તે વ્યક્તિ પૂરતો સવાલ નથી. કારણ, એ માહિતી અગર મંતવ્યથી પેલી રોકને કારણે બીજું શતસહસ્ર લોક પણ વંચિત રહે છે. અને વાત માત્ર આટલી જ નથી. સરકાર અને બીજાં જાહેર સંસ્થાનો એમાં કામ કરનારાઓ અને એમની સાથે કામ પાડનારાઓ જોડે ઓઝલપડદાનો નાતો રાખે એ લોકશાહી સુવાણની દૃષ્ટિએ પથ્ય પણ નથી. પણ રાજ, કેમ કે તે રાજ છે, ‘સ્ટેટ સીક્રેટ’ને નામે પોતાની અને નાગરિકની વચ્ચે ચીનની દીવાલ ખડી કર્યા વગર એને સોરવાતું નથી. ‘અપનોં સે પર્દા ક્યોં’ એ સવાલ હુકમરાનોને મન પેમલા-પેમલીનો હશે તો હશે, પ્રજાતંત્રનો નથી તે નથી.
૧૯૭૭ના કથિત બીજા સ્વરાજ પછી નવજાગ્રત સભાનતા અને નવપ્રાપ્ત સમજને ધોરણે દેશજનતાએ જે કદમ સંસદીય રાહે એક પછી એક ભર્યાં કે ભરાવ્યાં એમાં માહિતી અધિકાર તરત આગળ તરી આવે છે. જે સવાલ હતો અને છે તે આ દિશામાં મનમોહન સરકારે કરેલી કારવાઈને આગળ લઈ જવાનો હતો અને છે. દાખલા તરીકે, મનમોહન સરકારની બીજી મુદ્દતના પ્રારંભે રાષ્ટ્રપતિના અભિભાષણમાં આપણને સૌને ગમે એવી એક હોંશ પ્રગટ કરાઈ હતી કે અત્યારે તમને માગ્યાથી માહિતી મળે છે એને બદલે વણમાગ્યે કોઈ પણ સત્તાવાર નિર્ણય અને કારવાઈ અંગેની વિગતમાહિતી યથાક્રમ વેબસાઈટ પર મૂકવામાં આવે એ દિશામાં વિચારાઈ રહ્યું છે.
માહિતી અધિકાર જેવી અચ્છી નવાજેશની પહેલી મુદ્દત પછી બીજી મુદ્દતનું સૂચિત કદમ જરૂર રોજિંદી લોકશાહીની દૃષ્ટિએ બુનિયાદી એવી મૂલ્યવર્ધિત ઘટના બની રહી હોત. પણ જેમ માહિતી અધિકાર બની આવ્યો તેમ આ અગ્રચરણ સ્થગિત રહ્યું એ પણ એક દુર્દૈવ વાસ્તવ છે. જે બીજો એક મુદ્દો ‘ઈસ હમામ મેં સબ નંગે હૈ’ની તરજ પર છે તે પણ આ સાથે યાદ કરી લેવો જોઈએ. અને તે એ કે આપણા રાજકીય પક્ષો (ભા.જ.પ. અને કૉંગ્રેસ બેઉની એકહમામીને શોભે તેમ) પોતાની કામગીરીને માહિતી કાનૂનથી પર રાખવાના આગ્રહી છે. કૉંગ્રેસને તો માનો કે સ્વરાજનો મેદ અને કાટ ચડ્યો, પણ નવલોહિયા ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’ પણ આ મુદ્દે મૂંગી મંતર ને ધરાર છૂ મંતર જ પેશ આવે છે.
હમણાં જે બે વાનાંની જિકર કરી તે તો સમજો કે બાકી ખેંચાતાં પૈકી છે. પણ અન્યથા આવકાર્ય એવા માહિતી અધિકાર કાનૂનમાં સુધારાની ભા.જ.પી. હિલચાલ જે પણ હાંસલ થયેલું છે એને કમજોર કરવાની દિશામાં છે. નમૂના દાખલ, માહિતી કમિશનરની નિમણૂક અને એને ફારેગ કરવાનો (‘હાયર ઍન્ડ ફાયર’નો) અધિકાર સુવાંગ સરકાર હસ્તક રાખવાની વાત છે. જો કમિશન અને કમિશનર યથાર્થમાં સ્વાયત્ત ન હોય અને કેમ જાણે સરકારની બપૌતી હોય તો-એની મુદ્દત અને પગાર સરકારની મુનસફી પર હોય તો – તે મુક્ત ધોરણે કામગીરી કેવી રીતે બજાવી શકે? આ અંગે ચાલેલી ચર્ચાઓમાં કોઈકે ભરીબંદૂક પંક્તિઓ ટાંકી છે કે,
‘ગાલિબ વજીફખ્વાર હો, દો શાહ કો દુઆ
વોહ દિન ગયે કહતે થે નૌકર નહીં હૂં મૈં.’
વાત એમ છે કે ૨૦૦૪-૨૦૦૯ની સંસદમાં (મનમોહનની પહેલી મુદ્દતમાં) જ્યારે માહિતી અધિકાર બિલ મુકાયું ત્યારે તે સર્વાનુમતે, રિપીટ, સર્વાનુમતે પસાર થયું હતું. હાલના સત્તાપક્ષે જેમાં પોતાની સંપૂર્ણ સંમતિ હતી તે જોગવાઈને આગળ લઈ જવાની હોય કે પાછી પાડવાની હોય, એ સવાલ લાખ રૂપિયાનો છે. રાજકીય પક્ષોની અસલિયત સમજવાની દૃષ્ટિએ શરૂમાં ઉપસ્થિત કર્યાં એ વાનાં ઉપરાંત આ પણ સમજવાની જરૂર છે.
અને હા, એક સુધારો વિપળના પણ વિલંબ વગર સમજી લેવા જેવો છે. ધારો કે કોઈ પ્રશ્ન પરત્વે તપાસ ચાલી રહી હોય પણ તે પ્રશ્ન પૂછનાર (માહિતી માગનાર) ચાલુ તપાસે મૃત્યુ પામે તો એ તપાસ પણ પરબારી ખડી પડશે (‘લૅપ્સ’ થઈ જશે). આ સુધારાની પડછે જે ભયાવહ સંભાવના રહેલી છે એ, આપણે ઇચ્છીએ કે, ખોટી પડે. પણ કોઈકે પોતાને અંગેની તપાસ રોકાવવી હોય તો માહિતી માગનારને સર્વ આધિ વ્યાધિઉપાધિથી મુક્ત કરવાનો તરણોપાય આ જોગવાઈ સૂચવે છે એવું તો નથી ને. પશ્ચાદ્વર્તી ધોરણે દાખલો આપું તો અમિત જેઠવાની હત્યા સાથે ગુનાઈત તત્ત્વો તપાસમુક્ત થઈ ગયાં હોત એમ કલ્પી શકીએ. ખરેખર તો જેમને ‘વ્હિસલ બ્લોઅર્સ’ કહેવાય છે એમની સુરક્ષાની ચુસ્તદુરુસ્ત જોગવાઈની દિશામાં વિચારવું જોઈએ, પણ હજુ તો એ પ્રક્રિયા લબડે છે.
સરકારને સુધારાની આટલી ઘાઈ શા વાસ્તે હશે, એ સમજાતું નથી. લોકસભાની ખડી સમિતિમાં ચર્ચાવિચારણાની તક ઝડપી શકાઈ હોત એને બદલે આવો હર રચનાત્મક ટપ્પો બારોબાર ઠેકી જવાનો સત્તારવૈયો તપાસના દાયરામાં હતો, છે અને રહેશે. ચર્ચા, વધુ ચર્ચા, પૂરી ચર્ચા, એનો ન કોઈ વિકલ્પ હતો, ન તો છે. વિપક્ષના મોટા હિસ્સાએ સુધ્ધાં રાજ્યસભામાં આ બધું ચુકાવ્યું ને ગુપચાવ્યું, એ એક કમનસીબ કારુણિકા છે.
અલબત્ત, એક રસ્તો હજુ છે. રાષ્ટ્રપતિ પાસે આ સહી માટે જાય ત્યારે એમને પુનર્વિચારની નાગરિક વિનંતી ચોક્કસ થઈ શકે. રાષ્ટ્રપતિ જ્યારે માનનીય સાંસદ હતા ત્યારે (મનમોહન સરકારે આ પ્રશસ્ય પગલું ભર્યું ત્યારે) એમણે બોલી બતાવેલી કેટલીક મર્યાદાઓના ઉજાસમાં એમની કને આપણી આટલી અપેક્ષા તો બને છે.
છેલ્લી, પણ કદાચ સૌથી અગત્યની વાત. સર્વોચ્ચ અદાલતે એના એકાધિક ફેંસલામાં માહિતી અધિકારને એક મૂળભૂત અધિકાર રૂપે જોયો છે. હજુ મહિનો માસ પૂર્વે સત્તાપક્ષે ૨૬મી જૂનના ‘કાળા દિવસ’ વિશે ખાસો ઊહાપોહ કર્યો ત્યારે સ્વાભાવિક જ બાથ ટબમાંથી સહી કરતા રાષ્ટ્રપતિનું અબુચીતર્યું કાર્ટૂન વ્યાપકપણે સંભારાયું હતું. વર્તમાન રાષ્ટ્રપતિએ કાર્ટૂનિસ્ટોને આવો કોઈ કૅચ નહીં આપવાની આ એક ઉજળી તક જરૂર છે.
જુલાઈ ૨૭, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 01-02