આજના યુગમાં કેટલાક લોકોને ચાહીને યાદ કરવા જોઈએ અને પ્રણામ પણ કરવા જોઈએ. જ્યારે શાસકો ઉદ્યોગપતિઓના સેવકો હોય, અભિનેતાઓ ઉદ્યોગપતિઓના ઘરે લગ્નપસંગે નાચતા હોય અને કમંડલ લઈને પીરસણિયા બનીને મહેમાનોને ભોજન પીરસતાં હોય, લોકો શ્રીમંતોનાં લગ્ન જોઇને પોરસાતાં હોય અને બીજી બાજુ મુઝફ્ફરપુરમાં બાળકો મરે ત્યારે શરમ પણ ન અનુભવતાં હોય, ત્યારે એવા કેટલાક લોકોને યાદ કરવા જોઈએ જેમણે સાચી માણસાઈ અને નિસ્બત શું કહેવાય એ જિંદગી જીવીને બતાવી આપ્યું હોય. અરુણ કુમાર રોય (એ.કે. રોય તરીકે વધુ જાણીતા) આવા એક માણસ હતા.
૧૯૮૪માં જ્યારે હું ‘જન્મભૂમિ’માં નોકરી કરતો હતો, ત્યારે કલકત્તાથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર ‘ટેલિગ્રાફ’માં એક સાપ્તાહિક કૉલમ છપાતી હતી જેના લેખક હતા : એ.કે. રોય. પહેલીવાર ત્યારે તેમનું નામ સાંભળ્યું હતું. શું વિદ્વતા અને શું નિસ્બત! પછી તપાસ કરતાં જાણ થઈ કે એ.કે. રોય સામ્યવાદી મજૂરનેતા હતા અને ધનબાદમાં ખાણિયા મજૂરો વચ્ચે કામ કરતા હતા. તેઓ બે મુદ્દત માટે એ સમયના અવિભાજિત બિહારની વિધાનસભાના અને ત્રણ મુદ્દત માટે લોકસભાના સભ્ય પણ હતા.
અહીં બે વાત ‘ટેલિગ્રાફ’ વિષે પણ કહેવી જોઈએ. ‘ટેલિગ્રાફ’ આનંદબજાર જૂથનું અંગ્રેજી અખબાર હતું અને એમ.જે. અકબર તેના સ્થાપક તંત્રી હતા. અખબાર કેવું હોય એનો તે આદર્શ નમૂનો હતું. મુંબઈના સુજ્ઞ વાચકો ચર્ચગેટના એ.એચ. વ્હીલરના સ્ટોલ પર પહેલાંથી પૈસા ચૂકવીને પોતાની કોપી અનામત રખાવતા હતા. એ એમ.જે. અકબર પણ જુદા હતા. અકબર ‘ટેલિગ્રાફ’ દ્વારા વાંચકોનું સર્વાંગીણ શિક્ષણ કરતા હતા. એ જમાનાના નખશીખ નેહરુવિયન અકબર બી.જે.પી.માં જાય અને દરેક પ્રકારના સમાધાન કરે એની ત્યારે કલ્પના પણ કરવી મુશ્કેલ હતી.
યુગપ્રભાવ સર્વાંગીણ છે, પરંતુ કેટલાક લોકો યુગના પ્રભાવમાં આવતા નથી જેમાં એક એ.કે. રોય હતા. મારા જોવામાં આવ્યું છે કે કર્મઠ ગાંધીવાદીઓ કરતાં પણ કેટલાક સામ્યવાદીઓએ જીવનમાં ઓછા સમાધાનો કર્યા છે. ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માણેક સરકાર આવા એક છે. મુખ્ય પ્રધાન હોવા છતાં આજીવન અકિંચન જીવન જીવ્યા છે. કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ઇન્દ્રજીત ગુપ્તા ૧૯૬૦થી ૨૦૦૧માં તેમનું અવસાન થયું ત્યાં સુધી લોકસભાના સભ્ય હતા. અપવાદ હતો માત્ર ૧૯૭૭થી ૧૯૭૯ની લોકસભાનો. સતત ચાળીસ વરસ લોકસભાના સભ્ય હોવા છતાં, તેઓ સંસદસભ્યો માટેની હોસ્ટેલમાં રહેતા અને સંસદસભ્યોને મળતો પગાર અને ભથ્થાંની રકમ પક્ષમાં જમા કરાવતા હતા.
લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજી પણ તેમનો પગાર પાર્ટીમાં જમા કરાવતા હતા અને પક્ષ જે માનધન આપે તેનાથી જીવનનિર્વાહ ચલાવતા હતા. બાકી તેઓ ભારતના માતબર વકીલોમાંના એક હતા. કોઈ ઊઠી ગયેલા ઉદ્યોગપતિની નાદારીના કેસમાં એક વખત અદાલતમાં હાજર રહેવાના એક કરોડ રૂપિયા કમાઈ શક્યા હોત.
તેમની કારકિર્દીમાં કલગીરૂપ ઘટના ૨૦૦૮માં બની હતી. લોકસભાના સ્પીકરની ગરિમા જાળવવા માટે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ વખતે પક્ષની સાથે મતદાન કરવાની ના પાડી દીધી હતી અને પક્ષને જણાવી દીધું હતું કે સ્પીકર પક્ષનો સભ્ય મટી જાય છે. માર્કસવાદી સામ્યવાદી પક્ષે તેમને પક્ષમાંથી પાણીચું આપ્યું હતું, પરંતુ સોમનાથ ચેટર્જીએ મૂલ્યો સાથે સમાધાન નહોતું કર્યું. ૧૯૯૬માં ત્રીજા મોરચાએ પશ્ચિમ બંગાળના એ સમયના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુને વડા પ્રધાનપદની ઓફર કરી હતી. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે નિર્ણય લીધો હતો કે લોકસભામાં સામ્યવાદી પક્ષની બહુમતીના અભાવમાં સરકારનું નેતૃત્વ કરવાથી સામ્યવાદી કાર્યક્રમ લાગુ નહીં થઈ શકે. જ્યોતિ બસુએ પક્ષના આદેશને માન્ય રાખીને વડા પ્રધાન બનવાની તક જતી કરી હતી. આજે આ બધી ઘટનાઓ જોઇને આશ્ચર્ય થશે.
અરુણ કુમાર રોય પણ આવા એક નેતા હતા. તેઓ ભૂતપૂર્વ વિધાનસભ્ય અને સંસદસભ્ય તરીકે પેન્શન નહોતા લેતા. રાજકારણી આજીવન સેવક હોય છે અને તે ક્યારે ય નિવૃત્ત થતો નથી એટલે નિવૃત્તિ પેન્શન લેવાનું ન હોય. તેઓ અપરણિત હતા અને ધનબાદની નજીકના એક ગામડામાં મજૂરના ઘરે ઝૂંપડામાં રહેતા હતા. મૃત્યુ સમયે તેમની પાસે ૨,૪૦૦ રૂપિયા હતા. એક ઘડિયાળ કોઈકે આપ્યું હતું જે ચોરાઈ ગયું હતું.
એ.કે. રોય સામ્યવાદી પક્ષમાં સભ્ય તરીકે જોડાયા હતા. સામ્યવાદી પક્ષમાં વિભાજન થયું ત્યારે તેઓ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષમાં ગયા હતા. ત્યાં પણ તેમનો પક્ષ સાથે મતભેદ થયો હતો અને તેમણે માર્ક્સીસ્ટ કોઓર્ડિનેશન કમિટીની સ્થાપના કરી હતી. અરુણ કુમાર રોયનો જન્મ અત્યારના બંગલાદેશના રાજશાહી જિલ્લામાં થયો હતો. તેમના માતા-પિતા આઝાદીના લડવૈયા હતા. ભારતના વિભાજન પછી પરિવારે પૂર્વ પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. અરુણ કુમાર રોય કલકત્તામાં ભણતા હતા. ૧૯૫૨માં જ્યારે ઢાકામાં બંગાળી ભાષા માટે અંદોલન થયું, ત્યારે એ.કે. રોય થોડો વખત ભણવાનું પડતું મૂકીને ઢાકા ગયા હતા જ્યાં તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી તેઓ પાછા કલકત્તા આવ્યા હતા અને કેમિકલ એન્જિનિયર બન્યા હતા.
એ.કે. રોયે ધનબાદમાં ખાણમજૂરોના અધિકાર માટે લડવાનું શરૂ કર્યું હતું. ૧૯૯૨માં ભિલાઈમાં શંકર ગુહા નિયોગીની હત્યા કરવામાં આવી એ પછી એ.કે. રોયની પણ હત્યા કરવામાં આવશે એમ માનવામાં આવતું હતું. એવા પ્રયાસ પણ થયા હતા. આમ છતાં તેમણે સિક્યોરિટી લીધી નહોતી. તેઓ લોકોની વચ્ચે ગરીબની જેમ રહેતા હતા. મિલકતમાં હતું એક ઘડિયાળ જે તેમને કોઈએ આપ્યું હતું. એ જ્યારે ચોરાઈ ગયું ત્યારે તેમણે કહ્યું હતું કે કદાચ ચોરને મારા કરતાં પણ વધારે પૈસાની જરૂર હશે.
સામ્યવાદ સામે ગમે એટલો વાંધો હોય, સામ્યવાદી આંદોલને મોટા ગજાના વિચારકો અને અબજો રૂપિયા કમાવાની તાકાત હોવા છતાં નિ:સ્વાર્થ અકિંચન નેતાઓ આપ્યા છે એનો તો સ્વીકાર કરવો જ રહ્યો. એ.કે. રોય આમાંના એક હતા.
30 જુલાઈ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ઑગસ્ટ 2019