‘એઠું વધારતા નંઈ. વધે તો ગાય-કૂતરાને નો નાખતા. ઈનું એઠું ખાવાની તમારી તયારી હોય તો ખવરાવજો.’ જમીને ઊભા થતાં યુવાનોને માએ કહ્યું.
જમીને ઓટલા પર બધાએ સૂવાની વ્યવસ્થા ગોઠવવા માંડી. થોડી વારે મા આવ્યાં. ‘હવે ઊંઘી જાવું છ કે સતસંગ કરવો છ ?’
‘વાતો કરીએ’ બે-ત્રણ જણે કહ્યું.
એક વિદેશી નારીને આ પ્રદેશની ગ્રામ્ય ભાષા ખૂબ સહેલાઈથી બોલતી જોઈને અમને નવાઈ લાગી. કેટલે દૂરથી, કયા પ્રદેશમાંથી તે અહીં આવી ચડી છે. આ લગભગ જનહીન સ્થાનમાં, થોડા ઝૂંપડાવાસીઓ વચ્ચે ગોઠવાતાં તેને કેટકેટલી મુશ્કેલીઓ પડી હશે ! સહુથી મોટો પ્રશ્ન તો ભાષાનો. કેવો નડ્યો હશે ? અમે અમારી મૂંઝવણ કહી.
‘લે’ કરતી મા હસી પડી. ‘તે બોલી નો આવડે તો તકલીફ સું પડે ? એક માણાં બીજા માણાને ઓળખે નંઈ?’
‘પણ તોયે આ બધા તમારી ભાષા ન જાણે. તમે તેમની ભાષા ન જાણો. મુશ્કેલી તો પડે જ ને !’ મેં કહ્યું.
‘માસ્તર, કે’જોઈ, તું મૂંગો હો તો સું કર્ય ?’ જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન કરીને પોતાની વાત સમજાવી દેવાની, આ પ્રદેશના માનવીઓની ટેવ માની વાતચીતની ઢબમાં ઊતરી આવી છે. તે આગળ બોલ્યાં : ‘ને ભાસા સીખવા હું ક્યાં બેહું ? હું તો બોલી સીખી ગઈ. આંયનું લોક જે બોલે ઈ બોલી સકું. તમ જેવી ભાસા મને નો આવડે.’
અહીંના લોકોમાં ભળીને અહીંની પ્રાદેશિક બોલી શીખેલી આ સ્ત્રી મૂળે કયા દેશની હશે ? તે કોણ હશે ? તેનાં માતા-પિતા કોણ, ક્યાં હશે ?
‘તે મા-બાપ તો હોય જ ને ? તમારે હોય એમ મારેય છે.’
પોતાના પૂર્વાશ્રમની વાત ટાળવા તેણે કહ્યું. પણ અમે વારંવાર ફરી ફરીને એ જ પ્રશ્ન પર અટકતા.
‘ભાર્યે બાપા તમીં તો. તે હવે તમારે જાણવું જ પડસે ?’
‘હા’.
‘તો હાંભળો. પણ હું બોલી રઉં પછી કાંય પૂછવાનું નંઈ.’
‘નહીં પૂછીએ’ કહેતા, જાણે બ્રહ્માંડની ઉત્પત્તિનું રહસ્ય જાણવા મળવાનું હોય એટલી ઉત્કંઠાથી અને જરા નજીક ખસ્યા. તે ફરી હસી અને બાળક જેવી નિર્દોષતાથી બોલી; ‘આ તમીં દાગ્તર પાંહે આવ્યા છ. ને વકીલનું લો પૂછો છ. હવે ક્યો, સું જબાપ દેય ? હું જગ્યા ગોતતી નીકળી. આંય ગમી ગ્યું ને રઈ ગઈ.’
પણ તે સાધ્વી શા માટે થઈ ? અને તે પણ હિન્દુ ધર્મની સાધ્વી ! સાધુઓ તો તેના ધર્મમાં પણ હશે જ. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધતી ચાલી.
‘કીયો ધરમ ?’ માએ પૂછ્યું. ‘ધરમને નામ હોય ?’
કેમ ન હોય રે ! ધરમના નામો માટે તો જગત યુદ્ધ આચરે છે. કેટલું લોહી વહે છે. આમ ગણવા બેસીએ તો સવાર સુધી ગણીએ એટલા ધર્મોનાં નામ તો અમે અજ્ઞાનીઓ પણ જાણીએ છીએ અને આ સ્ત્રી તો જ્ઞાની ગણાય. તોયે પૂછે છે, ‘ધરમને નામ હોય ?’
‘તમીં કેસો કે હોય. પણ ઈ ચોપડિયુંમાં હોય. માણાંના મનમાં ધરમ હોય ઈનું કોઈ નામ નંઈ. જીવની સેવા કરવી ને આનંદથી રે’વું ઈ ધરમ.’
વેદકાળ, સત, દ્વાપર, ત્રેતા કે કળિ. અનેક યુગોથી હજારો સંતો, ઋષિઓ અને જનસામાન્યમાંથી પ્રગટેલા વીરલાઓ આ વાત જગતને સમજાવવા પોતાના જીવન ખર્ચી ગયા છે. પણ માણસ આ સીધી સાદી વાત ક્યારેય સમજ્યો નથી. તે તો આવી વાત કરનારો જીવે ત્યાં સુધી તેને ઓળખતો નથી અને મરે એટલે તેના નામનો નવો ધર્મ કે પંથ ઊભો કરવા તત્પર રહે છે.
આ નારીના જીવનમાં એવી તે કઈ ઘટના બની હશે કે સંસાર ત્યાગીને નીકળી પડી ? અને ઘર છોડ્યા પછી પાછા સંસારમાં જવાની ઈચ્છા તેને કદી થઈ હશે ? વિદ્યાર્થીઓ સત્સંગ કરવાને બદલે નદીનું મૂળ શોધવામાં જ પડ્યા છે.
‘તે તને હું સંસારમાં નથ લાગતી ? આંય તારી સામે તો બેઠી છું.’ કહી હસી પડી. ‘મને આ વેસ પે’રવાનું મન થ્યું ને પેર્યો. નંઈ ગમે તંયે ઉતારીય નાખીસ. તું સું કરવા ભારે મર છ ?’
મને લાગ્યું કે હવે વાત વાળવી જોઈએ.
(‘સમુદ્રાન્તિકે’ − પ્રકરણ – 19; પૃ.120-122)