Opinion Magazine
Opinion Magazine
Number of visits: 8399872
  • Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
  • About us
    • Launch
    • Digitisation
    • Opinion Online Team
    • Contact Us

હરિશ્ચન્દ્રનો દરબાર

પ્રવીણ પંડ્યા|Opinion - Literature|27 July 2022

ગયાં વરસે માર્ચમાં એક ફુલ લેન્થ નાટક લખાયું, ‘હરિશ્ચન્દ્રનો દરબાર’. તેનો અનુવાદ રૂપાલીબહેન બર્કે અંગ્રેજીમાં ય કર્યો છે. આ વર્ષના અંતે, લગભગ, અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થશે. લાંબુ 55 પાનનું નાટક છે, ખબર નહીં તમે એને ‘ઓપિનિયન’માં મૂકી શકશો કે કેમ. 2021 દરમિયાન “કુમાર” સામયિકમાં બે હપ્તે છપાયું. પણ તમને લખાણ સામગ્રી મોકલું છું. વાંચવાથી આનંદ થશે. કોવિડ દરમિયાન રાષ્ટ્રે જે જોયું અનુભવ્યું એનું સાહિત્યિક-કલાકીય દસ્તાવેજીકરણ કહી શકાય. કેમ કે ઇતિહાસો તો શાસક લખે છે, પણ એની પછીતે પડેલાં સત્યો તો જે તે સમયનાં સાહિત્યમાં દર્જ થતાં હોય છે. 

હાલ બીજું એક નાટક ‘ઇતિ અપરાજય કથા’ પૂર્ણ કર્યું. બસ એમ જ લખતા લખતા લડવાનું અને લડતા લડતા લખવાનું ચાલે છે. ચાલતું રહેશે.

 

 

 

•••••

(મહામારીનો સંદર્ભ લઇ ચાલતું મૂલ્ય સંઘર્ષનું દ્વિઅંકી નાટક)

પાત્ર સૂચિ

(૧) હરિશ્ચન્દ્ર (૨) શામજી (૩) દામજી (૪) નરસિંહ (૫) યુવાન (૬) યુવતી (૭) તારા (૮) ગુલાટી (૯) મંત્રી, (૧૦) કોરસ તથા અન્ય દૃશ્યો અને પાત્રો માટે નટનટીઓનું વૃંદ

અંક – પહેલો

(મંચ પર હળવો રાતોચિતાગ્નિનો પ્રકાશ. ચારે તરફ ખાંપણનો સામાન; કફન-તૂટેલી સીડી, કંકુ, ફૂલ, કપડાં, આદિ સામાન વિખરાયેલો પડ્યો છે. વચ્ચે એક ચિતા ખડકાયેલી છે. અહીં કાળો ડગલો પહેરેલા શામજી અને દામજી નામનાં બે ભૂત છે, એક ભૂત ચિતા પર ટેસથી બેઠું છે અને બીજું ચિતાની પાછળ ઊભું છે. એક ટેબલ ખુરશી છે જ્યાં એક મસ્ટર પડ્યું છે. ભેંકાર વાતાવરણને વ્યક્ત કરતું સંગીત.) 

શામજી : દામજી .. કેટલાં વર્ષ થયાં આપણે અહીં ભૂત બની ભટકીરહ્યા છીએ. 

દામજી : બે દાયકાથી તો, શામજી, આપણે આ હરિશ્ચંદ્રના દરબારમાં, એટલે કે સ્મશાનમાં ખીજડાનાં ઝાડ પર લટકી રહ્યા છીએ. 

શામજી : રોજે રોજ કેટલા લોકો આવે છે ને’ ફટાફટ એમના ફેંસલાં થઈ જાય છે. અહીં બળ્યો નથી કે ત્યાં ગયો નથી.

દામજી : પણ આપણા તો જાણે કેસની ફાઇલ જ ખોવાઈ ગઈ છે. 

શામજી : આપણી તો ઢગલાબંધ ફાઈલો હતી .. 

દામજી : જે આપણે પોતે .. 

શામજી : આપણા પોતાના વરદ હસ્તે .. 

દામજી : ગાયબ કરી ચૂક્યા છીએ .. 

શામજી : ને’ એટલે જ .. આપણે વ્યવહાર જગતમાં જેમ આમ નાગરિકોની ફાઈલોથી ચલકચલાણું રમતાં ને’ એમ અહીં ઉપરવાળાને ત્યાં આપણને બૂચ વાગી ગયું છે. 

દામજી : શાપ મળ્યો છે શાપ .. 

(સંગીત)

અવાજ : તમને બંનેને સત્તા મેળવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હતો, અને તે એટલે કે તમે લોક કલ્યાણનાં કામ કરી સામાન્ય માણસોનું ભલું કરી શકો. પણ તમે બંનેએ રાજકીય નેતા તરીકે જીવનભર સત્તા, પદ, પ્રતિષ્ઠા, પક્ષ અને વિલાસ વૈભવ માટે જાતજાતનાં જૂઠ અને ફરેબ આચર્યા. પોતે સો મણની તળાઈમાં તરેહ તરેહનાં સુખ ભોગવતાં રહ્યાં અને પ્રજા મુસીબતોનાં બોજ તળે કચડાતી  રહી. એટલે સ્વર્ગ તો દૂર પણ નર્કમાં ય તમારા માટે સ્થાન નથી. તમારી અવગતિ થાય છે. તમારે  પ્રેતાત્મા તરીકે આ જગ્યાએ ખીજડાનાં ઝાડ પર રહેવાનું છે. હા, તમને એક અવસર મળશે, આ હરિશ્ચંદ્રનાં દરબારમાં … જ્યારે ખરેખર કોઈ હરિશ્ચંદ્ર આવશે. ત્યારે તમે માનવરૂપ ધરી શકશો. એ તમારી પાસેથી તમારાં દુષ્કર્મોથી અધિક સદકર્મો કરાવશે. તમે જેમ તમારી વિશિષ્ટ શક્તિઓથી વહેવાર જગતમાં અન્યાયને ન્યાયમાં બદલતા હતાં તે જ રીતે અહીં તમે તમારી શક્તિ વડે ન્યાયનાં ત્રાજવાને સંતુલિત કરશો. જ્યારે તમે હરિશ્ચંદ્રનાં આચરણ વડે સત્યનો મર્મ સમજશો, તમે સત્યની સ્થાપના માટે કાર્યરત થશો, ત્યારે … ત્યારે …. તમારો તમારો મોક્ષ થશે .. 

શામજી : વો દિન કહાં કિ મિયાં કે પાંવ મેં જુતી … જ્યાં રોજેરોજ એકથી એક ચડિયાતા જુઠ્ઠા ફરેબી પેદા થાય છે ત્યાં સત્યવાદી, મને નથી લાગતું આપણે ક્યારે ય શાપમુક્ત થઇ શકીશું .. 

દામજી : આપણે ય પણ પાવરમાં હતાં ત્યારે આડેધડ .. 

શામજી : સદંતર ખોટું હોય એને ખરું ઠેરવી દેતા

દામજી : ને’ સોળેસોળ આની ખરું હોય એને ઠોકરે ચડાવતા.

શામજી : હવે લટકો ખીજડાનાં ઝાડ પર ..

(વીજળીનાં કડાકા અને ચમકારા થાય છે .. બધુ જાણે ઉપર તળે થાય છે.)

શામજી :  કૈક મોટા પાયે થયું લાગે છે .. 

(ભયાવહ સંગીત. લોકો મોઢે માસ્ક લગાડી થાળીઓ રણકાવતાં નીકળે છે)

દામજી : એકી સાથે બહુ બધી બાળાઓ જન્મી લાગે છે. કાં તો પછી બામણની નાત થવાની હશે.

શામજી : પણ એમાં બધું ઉપર તળે થોડું થાય!

(લોકો દીવા લઈને નીકળે છે.)

દામજી : આ શું? અજવાળે ય દીવા? શામજી, લોકો જબરા ભેરવાયા લાગે છે!

શામજી : એકદમ સાચું, બાકી આપણે ત્યાં લોકો આવી એકમતીથી ચાલે એવું બને નહીં ….

(ડગુમગુ થતાં એક ડોશીમાં મોઢે માસ્ક સાથે મંચની મધ્યમાં આવી ઊભાં રહે છે.)

ડોશી : (માસ્ક દાઢી પર લટકાવી.) એ મુવાવ, ચેપી મહામારી આવી છે મહામારી, ઘરમાં પગ વાળીને બેહી રો’ નકર જાશો સોળના ભાવમાં, હમણાં હવે દેવદર્શન, ઓટલા ભાંગવા, કુથલી સભા બધું બંધ. હાલ મારી બાઈ, તારે તો હજુ સોમાં બે બાકી સે’ ક્યાંક ઝપટે ચડી ગઈને તો પાછા આવડા આ જ કહેશે, ડોશી મરી ને’ જમ ઘર ભાળી જ્યોં. ડોશી શેની મરે? અરે મરોને મુવાવ તમે … હું તો આ હાલી. (મોઢે માસ્ક ઢાંકી.) હવે બા’ર નીકળે ઈ બીજાં.

(કોરસ ગાન સાથે પ્રવેશે છે અને બંને ભૂત ચિતા પાસે પોતાની મૂળ સ્થિતિમાં ચાલ્યા જાય છે.)

કોરસ : બં … ધ ..  બધું બં …. ધ .. 

            દં …. ગ …. બધા દં … ગ ..  

           ઓઢીને વાયરો મોત બધે ફરતું,

          ઘરમાં સંતાઈને જીવન થરથરતું,

          ચાંદો છે ઝાંખો ને’ સૂરજ બેરંગ ………..

          બં … ધ ..  બધું  બં …. ધ ..  

          દં …. ગ …. બધા દં … ગ ..  

          અંધારું પથરાતું ઘેરાતું વધતું,

          યોદ્ધાને વિવશ, ને’ લાચાર કરતું,

          સાધન સહુ ટાંચાં, વ્યવસ્થાઓ રંક ….

          બં … ધ ..  બધું  બં ….ધ ..  

          દં …. ગ …. બધા દં … ગ ..  

(કોરસ વિદાય થાય છે .. સાયરનનાં અવાજો … હરિશ્ચન્દ્ર પી.પી.ઈ. કીટમાં પ્રવેશે છે. કીટ ઉતારીને ખુરશી પાસે મૂકે છે. મસ્ટરમાં નોંધ કરે છે. શામજી અને દામજી ચિતા પાછળથી ડોકાઈને એને જોઈ-સાંભળી રહ્યાં છે.)

હરિશ્ચન્દ્ર : ચાલ ભાઈ હરિશ્ચન્દ્ર કોસાંબી .. કામે લાગ .. વીસ વર્ષની નોકરીમાં આ આડત્રીસમી બદલી .. સાબરમતી સ્મશાનમાં .. અને એમાં માણસો ટપોટપ મરે એવી આ ચેપી મહામારી આવી. આ મહામારી આવે ને એટલે માણસાઇનું તળિયું અને ટોચ બે ય એકી સાથે દેખાય …. કોણ માનશે કે બજાર જેટલી ભીડ સ્મશાનમાં ઊમટી હતી ને’ બજારો જાણે સ્મશાનમાં ફેરવાઇ ગયા હતાં? એકલે હાથે આ સ્મશાનનો વહીવટ કરી કરીને થાકી ગયો છું … ચાલ જીવ, આનાથી ભલું બીજું કોઈ કામ નથી. (બહારથી કોલાહલના અવાજો. દાઢીએ લટકતું માસ્ક મોઢે લગાવી વિગમાં જઈને હાથ જોડી.)

દોસ્તો, આપણે સહુ ખૂબ મોટી આપદાનો સામનો કરી રહ્યા છીએ. પણ શું કરું? રાત નાની છે ને’ વેશ ઝાઝા છે, તમને અનેક પ્રકારની તકલીફો પડી રહી છે, હોસ્પિટલ, દવાદારૂ, ઓક્સિજન, ડૉક્ટર, સ્ટાફ બધાની ભારે ખેંચ છે, બધે. અરે, એમ્બ્યુલન્સ નથી મળતી તે લોકો લારી, પેડલરીક્ષા કે સાયકલ પર મૃતદેહ લઈને આવે છે. એમાં સ્મશાનમાં પણ લાઇન. અહીં હું એકલો છું. મારે એકલાએ રજીસ્ટરમાં મૃત્યુની નોંધણી કરવાની છે, ડેથ સર્ટિફિકેટ બનાવવાનાં છે અને બીજી વ્યવસ્થા સંભાળવાની છે. કયારેક કયારેક સેવાભાવી સંસ્થાના વોલિન્ટરો આ કામમાં મદદ માટે આવે છે … મેં વિભાગને કહ્યું છે કે કમ સે કમ બીજા બે કર્મચારીઓ આપે જેથી અહીંનું કામ બરાબર રીતે થાય. અમે સહુની અંતિમ વિધિ સન્માનજનક રીતે કરી રહ્યા છીએ. નિયમ પ્રમાણે તમારો ટોકન નંબર બોલાય એટલે તમારે મૃતદેહ અહીં મૂકવાનો છે. પછી અમે આગળની વિધિ કરીશું. ને’ જુઓ .. આ સ્મશાન છે .. માણસનો  અંતિમ મુકામ .. અહીં એક જ સૂત્ર છે ‘રામ નામ સત્ય છે’ એટલે અહીં કોઈએ ઘાલમેલ ન કરવી. હું સત્ય અને ન્યાયનો આગ્રહી છું, તલ ભારે ખોટું થવા નહીં દઉં, આ તો સરકારશ્રીનો આદેશ છે એટલે અહીં પણ અમારે પાછલાં દરવાજે વી.આઇ.પી. માટે મંદિરની જેમ જુદી લાઇન કરવી પડી છે. પણ માનનીય વી.આઇ.પી.ઓને વિનંતી છે કે તેઓ નાગરિકોની લાઇનમાં વચ્ચેથી ન ઘૂસે. આપને થોડી તકલીફ પડે તો માફ કરજો.  

(હરિશ્ચન્દ્ર કીટ લઈને જાય છે. થોડી શાંતિ .. દામજી ખુશીથી ચિતા ઉપર ઊભો થઈ જાય છે.)

દામજી : શામજી .. શામજી .. આ આ ..  

શામજી : હા …. દામજી .. મને પણ લાગે છે કે આ એ જ છે .. 

દામજી : આપણો મુક્તિદાતા .. હરિશ્ચંદ્ર .. … હરિશ્ચન્દ્ર કોસાંબી ..  ગયે વખતે જ્યારે ભૂકંપ આવેલો ત્યારે આપણને અવગતે જવાનો શાપ મળ્યો હતો. કેમ કે એ કુદરતી આપદામાં આપણે માણસાઇ નેવે મૂકીને ભ્રષ્ટાચારનાં નવાં કીર્તિમાન સ્થાપ્યા  હતાં …. કેમ ખરું કે નહીં?

શામજી : હવે એ યાદ ન કરાવીશ .. એ માટેનાં તપાસ પંચે આપણને ક્લીનચીટ આપી હતી .. 

દામજી : ક્લીનચીટ .. એ તો હવે આપણે લેવાની છે .. જો મળે તો 

શામજી : મળશે .. એ મહામારીમાં આપણે કરેલાં ભ્રષ્ટાચારને લીધે આપણને મર્યા પછી અવગતે જવાનો શાપ મળ્યો હતો આ મહામારીમાં સદાચારને કારણે આપણો મોક્ષ થશે .. એક હોનારતથી બીજી હોનારત, આપણી ભૂત તરીકેની  કેરિયરનું સાયકલ પૂરું.

દામજી : અરે પણ ત્યાં બહાર આપણી જેમ જ આપણા ભાઈબંધો અત્યારે મન મૂકીને આ આફતને અવસરમાં બદલતા હશે એનું શું?

શામજી : એ બધાં અહીં સ્મશાનમાં વાગોળ સાથે ઊંધા માથે ભૂત બનીને લટકવાના. (બહાર જોતાં) બહાર તો લાંબી લાઇન લાગી છે મૃતદેહોની .. 

(બહારથી સાયરનનો અવાજ .. એ ઘૂસ્યો .. ઘૂસ્યો ..ની બૂમો.)

દામજી : કોઈ વી.આઇ.પી. લાગે છે!

શામજી.: નહીં સુધરે આ .. (બહાર જોતાં ખડખડાટ હસે છે) અહીં પણ ..

દામજી : (પાસે જઈ પોતે પણ જોતાં.) ઝેડપ્લસ સાથે આવ્યાં છે! કેવો ગજબનો ઠસ્સો હોય છે.

દામજી : આપણો ય કઈ કમ ઠાઠ હતો? 

શામજી : કેવું શાનદાર મોત હતું .. યાદ છે .. સાલા, તું પણ મસમોટોએં .. આવડો મોટો ગોળ ગોળ ફૂલોનો ગુલદસ્તો લઈને આવેલો …

દામજી : અને પછી તારી પાછળ પાછળ અહીં આવ્યો .. આ ખીજડા પર લટકવા.

શામજી : એ છોડ … ચાલ ફરીથી એકવાર શ્રદ્ધાંજલિનો સીન ભજવ.

દામજી : તું કાયમની જેમ પહેલા ચિતા પર સૂઈ જા અને કલ્પના કર કે તારો ફૂલોથી સજાવેલો મૃતદેહ મોટા રાજભવન જેવી ઇમારતનાં વિશાળ દીવાનખંડમાં કાચની પેટીમાં ગોઠવાયો છે .. દેશ વિદેશના મોટા મોટા રાજનીતિજ્ઞો આવીને તારા મૃતદેહ પર સ્કૂટરનાં પૈડા જેવા ગોળ ગોળ ફૂલોનાં ગૂલદસ્તા મૂકે છે .. ટેલિવિઝનની અનેક ચેનલો આ ઘટનાનું જીવંત પ્રસારણ કરી રહી છે. આખો દેશ જોઈ રહ્યો છે.

શામજી : એક મારા સિવાય .. 

દામજી : એટલે જ તું અવારનવાર મારી પાસે તારી અંતિમ યાત્રાનું પુન:પ્રસારણ કરાવે રાખે છે .. 

શામજી : ખરું કહે એમાં તને મજા આવે છે કે નહીં .. ચાલ મને શ્રદ્ધા સુમન અર્પણ કર. 

(શામજી મૃતદેહ બની ચિતા પર કફન ઓઢી સૂઈ જાય છે. દામજી આજુબાજુમાંથી ખાંપણનાં ફૂલ વીણી લાવે છે અને એને ચડાવે છે. કોઈ ટેલિવિઝન ચેનલને ઇંટરવ્યૂ આપતો હોય એમ.)

દામજી :સદ્દગત આદરણીય શામજીભાઈ ઘાલમેલિયા ….

શામજી : (કફન સહિત ચિતા પર ગુસ્સાથી ઊભો થઇ) ઘાલમેલિયા નહીં … ધામેલિયા …. ધામેલિયા … કેટલાંક હરામખોર લેખકડાઓએ ધામેલિયાનું ઘાલમેલિયા કરી કાઢેલું …. એમનાં તો ચોપાનિયા બંધ કરાવી દઈશ … અભ્યાસક્રમમાંથી એમની ચોપડીઓ રદ્દ કરાવી નાખીશ. સરકારનો રવરવ પુરસ્કાર તો શું પ્લાસ્ટીકનો ચન્દ્રકે નહિ મળવા દઉં. ટાડા .. પાસા … કોફેપોસા … ઠોકેઠોકા … એન.એસ.એ. કેટલાં ય કાયદા લગાડી ફીટ કરી દઈશ …. સમજે છે શું લેખકડાઓ … (જીભ બહાર કાઢી હાંફે છે.)

દામજી : વિચાર કરો! લેખકોએ આને કેવાં કેવાં અને ક્યાં ક્યાં મરચાં લગાડ્યાં હશે કે આજે મર્યા પછી વીસ વર્ષે ય ચચરે છે. શામજી, શામજી … શાંત થા … આપણે હવે પાવરમાં નથી … આપણે મરી ચૂક્યા છીએ … આપણાં નામના રસ્તા બની ગયા છે, લોકો આપણને ભૂલી પણ ગયા છે. હવે આપણે ભૂત છીએ ભૂત …. અત્યારે આપણે તારી અંતિમ વિધિનો સીન કરી રહ્યાં છીએ …

શામજી : તો પછી તું ખોટી અટક કેમ બોલ્યો? એક મિનિટ …. સાચું કહે ક્યાંક આ છાપાવાળાઓને તેં જ તો ધામેલિયાને બદલે ઘાલમેલિયા લખવા નથી ઉકસાવ્યા ને? 

દામજી : હું એવું કરું શામજી? હેં, ને’ હું કયાં ઓપોજીશનમાં હતો?

શામજી : જીવનમાં સામેનાઓ કરતાં સાથેનાઓથી વધુ ચેતવું પડતું હોય ….. .ચાલ .. સીન આગળ ધપાવ ..

(શામજી ફરી કફન ઓઢી સૂઈ જાય છે.)

દામજી : સદ્દગત આદરણીય માનનીય શામજીભાઇ …. ધામેલિયા આપણી વચ્ચે નથી. દેશની રાજનીતિમાં એમની ભારે ખોટ પડવાની. અમે સાથે રાજનીતિમાં આવેલા .. એ ગાંધી મૂલ્યોનો સમય હતો. અનેક યુવાનોની જેમ તેઓ પણ દેશની સેવા  કરવા ઘરબાર બધું એક તરફ મૂકી રાષ્ટ્રને  સમર્પિત થયા હતા .. દેશનું કોઈ આંદોલન એવું નથી જેમાં શામજીભાઈનું પ્રદાન ન હોય. અમે એક જ પક્ષમાં હતા … પણ ક્યારેક મૂલ્યો માટે એકબીજાની સામે ય લડતા .. પણ પાછા એકબીજાનું માન પણ જાળવતા … રાષ્ટ્રહિત અને લોકતાંત્રિક મૂલ્યો અમારી પ્રાથમિકતા હતી.  આજે મને એવું લાગે છે જાણે મેં અધર સેલ્ફ ગુમાવ્યો છે …. આવો સેવાભાવી ઉદાર માણસ હવે આ દેશની રાજનીતિમાં જોવા નહીં મળે. 

શામજી : (તાળી પડતો ઊભો થાય છે.) વાહ દોસ્ત વાહ,  તે મને ભવ્ય અંજલિ આપી હતી .. 

દામજી : આપી હતી .. અરે, હજુ ય દર બીજા ત્રીજા દિવસે આપ્યા કરું છું .. કોઈ એક સમયે આપણે બંને આ દુનિયાના સહુથી મોટા લોકતંત્રના નામાંકિત નેતાઓ હતા. 

શામજી : જેને પેલા લેખકડાઓ નામચીન કહેતા! 

દામજી : લોકો પડ્યો બોલ ઝીલતા .. 

શામજી : રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ ..    

દામજી : રેકોર્ડ છે કે એક પણ ચૂંટણી નહોતા હારતા. 

શામજી : કરામત મારી રહેતી. 

દામજી : ખેલ મારો.

શામજી : ને’સાહેબાન તાળીઓ તમારી …..

દામજી : ને’ મુસાભાઈના વા-પાણી.

(તાળીઓના ગડગડાટ સંભળાય છે. શમે છે.)

શામજી : (નીચે ઊતરી) તાળીઓ સિવાયનું બીજું બધુ પણ સંભળાયું હોત તો સારું થાત.

દામજી : મુઠ્ઠીભર ધાન માટે ભટકતા લોકો દેખાયા હોત તો સારું હતું.

શામજી : પીડ પરાઈ જાણે રે આખી જિંદગી વગડાવ્યું પણ … અહીં … હૈયે અનુભવાયું હોત તો સારું હતું!

દામજી : આમ આ સ્મશાનમાં .. ખીજડાનાં ઝાડ પર શાપિત ભૂત બનીને તો ન લટકવું પડત!

(કોઈનો પગરવ સાંભળી સાબદા થાય છે.)

હરિશ્ચન્દ્ર : (હાથમાં ચોપડા સાથે) કેટલીવાર ડિપાર્ટમેન્ટને હાથ જોડી જોડીને કીધું .. કે ભાઈ, સ્ટાફ આપો .. સ્ટાફ  આપો …. જે મસાણમાં રોજ માંડ પંદર શબ આવતાં હતાં ત્યાં પંદર સો આવે છે …  કઈ ઓછાં કામ છે … ને’ એમાં ડેથ સર્ટિફિકેટમાં ક્યાંક લોચો થાય એટલે મરનારના વારસદારો બાપડા લટકી પડે … વીમાવાળા એક સ્પેલિંગની ભૂલ હોય તો હાથ ઊંચા કરી દે .. સરકાર પેન્શન અને વળતરમાં ટલ્લે ચડાવે. આમાં કરવું શું?  છેલ્લે છેલ્લે ગુલાટી સાહેબે ય કહેલું કે મહામારીમાં લોડ વધ્યો છે એટલે કોસાંબીને બે માણસો ફાળવીશું .. પણ .. 

(સંવાદ દરમિયાન શામજી અને દામજી એની આસપાસ ઊભા ઊભા સાંભળે છે. બંને ડાન્સ કરે છે. હળવેથી પોતાના ભૂતના કાળા ડગલાં ઊતારીને ચિતા પાછળ ફેંકે છે, નીચે પડેલાં મૃતકોના સામાનમાંથી બંડી કોટ ચશ્માં પેન આદિ ઊઠાવી પોતાનો ગેટઅપ બનાવે છે. દાઢી પર માસ્ક લટકાવે છે.) 

ખબર નહિ કેમ પબ્લિકનાં કામ માટે બજેટ ફાળવવાનું હોય એટલે ફાઈલ ખાતાઓ અને ટેબલો પર ફરવા લાગે. સાધારણ નાગરિક તો બચાડો ગાંડી કુકરીની જેમ વહીવટની આ ચોપાટ પર તનતોડ ભટક્યા કરે છે. એમાં ગુલાટી સાહેબ કહે કે બે માણસો ફાળવીશું ..

(બંને એકી સાથે હરિશ્ચન્દ્રના ખભે હાથ મૂકે છે. હરિશ્ચન્દ્ર ડરીને આગળ ભાગે છે.)

હરિશ્ચન્દ્ર : ક કક કોણ છો તમે? 

દામજી : બે માણસો.

શામજી : હું શામેન્દ્ર ધામેલિયા

દામજી : હું દામેન્દ્ર કારેલિયા

શામજી : ગુલાટીસાહેબે મોકલ્યા છે .. 

દામજી : ટ્રાન્સફર પર .. 

હરિશ્ચન્દ્ર : ટ્રાન્સફર? અહીં?

દામજી : થોડું વધારે ખવાઈ ગયું હતું, સાહેબ મારા.

શામજી : પનીશમેન્ટ ટ્રાન્સફર.

દામજી : ભૂતિયા ડિપાર્ટમેન્ટમાંથી

હરિશ્ચન્દ્ર : ભૂતિયા ડિપાર્ટમેન્ટ!

શામજી : હમણા જ આ નવો  વિભાગ ખૂલ્યો છે. 

હરિશ્ચન્દ્ર : ખબર નહીં આ સરકારો શું કર્યે રાખે છે … એક સરકાર નવા નવા ડિપાર્ટમેન્ટ ખોલે … બીજી એને બંધ કરે કાં એનાં નામ બદલે …. એકની એક યોજના જુદા જુદા નામે ચાલે … એ ય પાછી કાગળ પર. તો શામેન્દ્ર ને’ દામેન્દ્ર.

બંને : જી સાહેબ .. 

હરિશ્ચન્દ્ર : ઠીક છે .. જૂઓ, પણ અહીં કામ બરાબર કરજો. 

શામજી : એ જ નથી આવડતું!

હરિશ્ચન્દ્ર : શું કહ્યું?

દામજી : આવડે છે બધું બરાબર આવડે છે.     

હરિશ્ચંદ્ર : ને’ ખાયકી ન કરતા!

દામજી : અહીં કાગડા માટે મુકાયેલા પિંડ સિવાય છે ય  શું ખાવા માટે?

હરિશ્ચંદ્ર : હા પણ એને ય હાથ ન અડાડતા! 

શામજી : એક વાત પૂછું, હરિશ્ચંદ્ર કોસાંબી સાહેબ .. 

હરિશ્ચન્દ્ર : પૂછ. પણ મને પૂરા નામથી ન બોલાવ ને’ તો સારું. શું છે કે શરમ આવે છે. ખાલી કોસાંબી કહીશ તો ય ચાલશે. વીસ વરસની નોકરીમાં આડત્રીસ વખત બદલી થઈ છે .. આ હરિશ્ચંદ્ર નામને કારણે …

દામજી : પણ અમારો મોક્ષ થવાનો છે. (હરિશ્ચન્દ્ર જુએ છે) એટલે કે તમારા જેવા સાહેબના હાથ નીચે કામ કરીશું તો અમારો ઉદ્ધાર થઈ જશે.

હરિશ્ચન્દ્ર : પણ મારો ઉદ્ધાર ન કરી નાખતા.

શામજી :  પણ સાહેબ, અમારી પોસ્ટ શું છે?

દામજી : આ સ્મશાનમાં અમે ક્લાર્ક છીએ?

શામજી : ડાઘુ છીએ?

દામજી : ચોકીદાર છીએ?

શામજી : કે ચંડાળ છીએ?

હરિશ્ચન્દ્ર : સમજો ને કે એ બધું આપણે જ છીએ. આ મહામારીએ લોહીના સંબંધોને ય ફરીથી સમજવા પડે એવી કફોડી હાલત કરી મૂકી છે. સગા દીકરાઓ; જે માએ એમને નવ નવ મહિના કૂંખમાં રાખ્યા હોય. પોતાનાં લોહી હાડમાંસમાંથી જન્મ આપ્યો હોય એને ય ચેપ લાગવાની બીકે અહીં લાવારિસ મૂકીને જતાં રહે છે, આપણે એના દીકરા બની એને અંતિમ મજલપર પહોચાડવાની છે .. તો કોઈક બે’નના ભાઈ બનવાનું છે ..

દામજી : અરે, હરિશ્ચન્દ્રશ્ચંદ્ર સાહેબ ….

હરિશ્ચન્દ્ર : તમે મને  કોસાંબી કહેશો તો વધુ ગમશે.

શામજી : સારું … કોસાંબી સાહેબ … તમે બિલકુલ ચિંતા ન કરો, અમે બધું સંભાળી લેશું. ચાલ, શામજી, કામે લાગીએ ..

(ત્રણે જણા કામે લાગે છે. કોરસ ગીત સાથે મંચ પર પ્રવેશે છે. ગીત. દરમિયાન મૃતદેહોની આવ-જા, હરિશ્ચન્દ્ર દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર બનાવવા આદિ કામકાજ ચાલતાં રહે છે.) 

કોરસ : હરિશ્ચંદ્રનો દરબાર ….

આ છે હરિશ્ચંદ્રનો દરબાર .. 

સરહદ પૂરી થાય જૂઠની ….

સરહદ પૂરી થાય જૂઠની પડ્યો રહે શણગાર .. 

હરિશ્ચંદ્રનો દરબાર .. 

આ છે હરિશ્ચંદ્રનો દરબાર .. 

જીવનનો આ પડાવ  છેલ્લો ઓચિંતાનો આવે,

ખેંચી દોરી કઠપૂતળાને ખેલૈયો બોલાવે, 

નાહક  છે આ ખેંચતાણ ને’…..

નાહક  છે આ ખેંચતાણ ને’ઠાલો હું હું  હુંકાર .. 

હરિશ્ચંદ્રનો દરબાર ..                 

આ છે હરિશ્ચંદ્રનો દરબાર ..

હજુર હાજરી સહુની લેતો લેખાંજોખાં કરતો,

સતનાં બાટ-તરાજુ માંડી હિસાબ પાકો કરતો,

એનાં ત્રાજવે ખરો ઊતરે …. 

એનાં ત્રાજવે ખરો ઊતરે તેનો જય જયકાર. 

હરિશ્ચંદ્રનો દરબાર …. 

આ છે હરિશ્ચંદ્રનો દરબાર.. 

સરહદ પૂરી થાય જૂઠની … પડ્યો રહે  શણગાર .. 

હરિશ્ચંદ્રનો દરબાર .. 

(કોરસ જાય છે. શામજી અને દામજી મોઢે માસ્ક સાથે મૃતદેહો અને લાકડાં ઊંચકીને અહીંથી ત્યાં કરી રહ્યા છે. પછી માસ્ક દાઢી પર લટકાવે છે. હાથમાં રજીસ્ટર સાથે હરિશ્ચન્દ્ર આવે છે.)

હરિશ્ચન્દ્ર : બહાર મૃતદેહોની લાંબી લાઇન લાગી છે .. બાર બાર કલાકનું વેઇટિંગ ચાલે છે .. લાકડાં ખૂટી પડ્યાં છે, ઇલેક્ટ્રિક ભઠ્ઠી ચોવીસે કલાક ચાલવાને કારણે મૃતદેહ મૂકવાની લોખંડની પાટ અને ભઠ્ઠીની ચીમની પણ ઓગળી રહી છે …. કેવો કપરો કાળ .. જીવવાનાં તો ફાંફાં હતાં જ પણ હવે તો મર્યા પછી અંતિમ વિધિના ય વાંધા પડવા લાગ્યા છે .. (શામજી, દામજીને) જુઓ આ રજિસ્ટર છે .. આમાં કોઈ ઘાલમેલ ન થવી જોઈએ. એક પણ ખોટું ડેથ સર્ટિફિકેટ ઈશ્યુ ન થવું જોઈએ. બહાર ટોકન સાથે મૃતકોનાં સગાંસબંધી છે .. તમે ન્યાયપૂર્ણ રીતે કામ કરજો ..

બંને : જી સાહેબ. 

(હરિશ્ચન્દ્ર જાય છે.)

શામજી : સાલું દુ:ખ થાય છે .. 

દામજી : ગુસ્સો આવે છે. દયા વછૂટે છે માણસજાત પર.

શામજી : લાગે છે આપણામાં માણસાઈ જાગી રહી છે.  

દામજી : સાલું માણસ હતા ત્યારે લોકો મરે કે જીવે આપણે આપણો સ્વાર્થ સાધતા હતા, યાદ છે .. ધરતીકંપમાં કેટલાં બધાં લોકો … થોકમોઢે મરી ગયેલાં પણ આપણું રૂંવાડું ય નહોતું ફરક્યું .. 

શામજી : આજે જ્યારે અવગતિયા ભૂત થયા છીએ ત્યારે માનવતાનો અહેસાસ થાય છે!

દામજી : થવા દે, દોસ્ત .. એ ખૂબ મૂલ્યવાન છે …

(એક ભૂત દોડતું આવે છે. આ નરસી પરમારનું ભૂત છે)

નરસી : કોઈ છે અહીં? છે કોઈ?

(શામજી અને દામજી એનાથી ડરીને ભૂત ભૂત કરતાં ભાગભાગી કરે છે.)

શામજી : એલા, આપણે કેમ આમ ડરીને ભાગી રહ્યા છીએ?

દામજી : કેમ કે એ ભૂત છે .. 

શામજી : પણ આપણે ય ભૂત જ છીએ ને! આ તો માણસનાં કપડાં પહેરી શાપના નિવારણ માટે આપણને દૃશ્યમાન થવાનો અવસર મળ્યો છે.

દામજી : થોડીવાર માટે હું એ ટ્રેજિક રિયાલિટી ભૂલી ગયો હતો.

શામજી : એટલે જ આ પ્રેત આપણને દેખાય છે. પણ એને ખબર નથી કે આપણે ય ભૂત છીએ.

દામજી : નવો નવો ભૂત થયો હશે બિચારો … (નવા આવેલા ભૂતને) કોણ છે તું?

નરસી : ટોકન નંબર ત્રણસો બે .. ત્યાં .. બહાર એક કિલોમીટર દૂર લાઇનમાં પડ્યો છું …. ખબર નહીં કેમ પણ થોડી ટ્રાય કરી તો જેમ બંદૂકમાંથી ગોળી નીકળે એમ મારાં ડેડબોડીમાંથી હું બહાર નીકળ્યો અને દોડતો અહીં આવ્યો .. મને લાગે છે કે હું મારું પોતાનું ભૂત છું!

શામજી : એમાં શેની નવાઈ; માણસ પોતાનું જ ભૂત હોય ને. 

નરસી : મારી વિધિ જલદી પતે એવું કૈક કરો, સાહેબ .. તમને હાથ જોડું છું. 

શામજી : પણ અમારે બધું પ્રોટોકોલ પ્રમાણે જ કરવું પડે ને .. તમારો વારો આવશે ત્યારે જ તમારો અગ્નિ દાહ થશે. 

નરસી : સાહેબ થોડીવાર આ પ્રોટોકોલ ને’ બદલે માનવતાથી વિચારો .. સાહેબ, હું તો મર્યો એટલે પત્યું પણ મારા આખાં ખાનદાનની પથારી ફરી ગઈ છે. પહેલા દવાખાનાઓ અને લેબોરેટરીઓમાં ફર્યો .. જેમ બેટ દ્વારકામાં નાની નાની અસંખ્ય દેરીઓ છે ને સાહેબ, જ્યાં માણસ પાઇ પૈસો ચડાવતો ચડાવતો આગળ જાય એમ મારા છોકરા બધે પૈસા મૂકતા મૂકતા મને લઈને ફર્યા ને’ છેલ્લે અહીં અજાણ્યા શહેરનાં મસાણની બહાર ટોકન હાથમાં લઈને ઊભા છે બચાડા. ખાખી બાવા જેવા થઈ ગયા છે. ને’ હું ટોકન નંબર ત્રણ સો બે થઈને પડ્યો છું ત્યાં .. રાહ જોંઉ છું મારો નંબર આવવાની. મારા બે છોકરા બચાડા

દામજી : પણ અમે શું કરીએ ….

નરસી : મારો નંબર આગળ કરી દો, સાહેબ .. તમારો ઉપકાર નહીં ભૂલું .. તમારી સેવા કરીશ. 

શામજી : તું અમારી સેવા કેવી રીતે કરીશ .. હમણાં અહી તારો અગ્નિ સંસ્કાર થશે ને’…..

દામજી : તારા છોકરાં તારું પિંડદાન કરશે અને તું સીધો જશે અનંતની યાત્રાએ .. 

નરસી : અરે સાહેબ, તમે કહેશો તો ભૂત બની અહીં તમારાં બધાં કામ કરીશ .. તમે કહેશો ત્યારે જ અનંતની સફરે નીકળીશ. 

શામજી : ચાલ તારું કામ કરી આપીએ. પણ જો પછી તારે અમારું કામ કરવાનું.

દામજી : ને’ અમને પૂછ્યા વિના કઈ નહીં કરવાનું. 

નરસી : જી સાહેબ, પાર્ટી લાઈન પ્રમાણે જ ચાલીશ. 

હરિશ્ચન્દ્ર : (પ્રવેશ) અહીં બધું બરાબર ચાલે છે ને?

શામજી : એકદમ સીધી લીટીએ. 

નરસી : મોટા સાહેબ છે?

શામજી : ચૂપ રહે. 

હરિશ્ચન્દ્ર : કોની સાથે વાત કરે છે?

શામજી : તમારી સાથે .. 

દામજી : ટોકન નંબર બસો ત્રણ .. બસો ત્રણ .. નરસી પરમાર .. 

છોકરા : (નનામી સાથે આવે છે.) હાજર સાહેબ … (નનામી નીચે મૂકતા) નરસી પરમાર.

હરિશ્ચન્દ્ર : (પોતાનો ચોપડો જોતાં) પણ આમાં બસો ત્રણ ત્રિશંકુલાલ ત્રેવીસી છે ને’ એનું નરસી પરમાર કેવી રીતે થઇ ગયું ? તમે ખોટું તો નથી કરતાં ને? જુઓ મારું નામ.

શામજી : હરિશ્ચંદ્ર કોસાંબી છે .. 

હરિશ્ચન્દ્ર : સત્યનું પાલન કરજો. માણસાઇ કયારે ય ન ચુકતા.

કેમ કે માણસાઈનાં ભોગે કંઈ પણ ન સ્થપાય કે ન જળવાય. ન સત્ય, ન ધર્મ ન ન્યાય, ન સત્તા.  

દામજી : સાહેબ, અમે બધું માણસાઈને કેન્દ્રમાં રાખીને જ  કરી રહ્યા છીએ .. 

શામજી : ભરોસો રાખો .. ટોકન નંબર સાચો જ છે .. ત્રિશંકુલાલ ત્રણસો બે છે 

દામજી : ને’ આ નરસી પરમાર બસો ત્રણ છે .. 

શામજી : ખોટી રીતે આગળ પાછળ થયેલું .. 

દામજી : અમે ઠીક કરી દીધું. 

હરિશ્ચન્દ્ર : ઓકે …. ચાલો ભાઈ. નરસી પરમારને સસંમાન અંદર લઈ ચાલો .. 

(ભૂત પોતાને વંદન કરી વિદાય આપે છે.)

નરસી : (પોતાની નનામી પર ફૂલ ચડાવતાં) નરસી પરમાર, છેવટે અહીં આવી ન્યાય મળ્યો.

હરિશ્ચન્દ્ર : આ ફૂલ ક્યાંથી ટપકયાં? 

શામજી : ઉપરથી, કોઈ સંત આત્મા લાગે છે.

(છોકરાઓ પી.પી.ઈ. કીટમાં લપેટાયેલા પિતાને પગે લાગીને જાય છે. નરસીની નનામી લઈને શામજી-દામજી હરિશ્ચન્દ્ર સાથે અંદર જાય છે. નરસી પરમારનું ભૂત જોઈ રહે છે. આંખો લૂછે છે. ચિતા પાસે જઈ ઊભો રહે છે. ફર્નેશની આગનો સાઉંડ. શામજી દામજી આવે છે.)

શામજી : જૂઓ નરસી પરમાર, તમારા મૃતદેહનો વ્યવસ્થિત રીતે અગ્નિ સંસ્કાર કર્યો છે.

નરસી : (હાથ જોડીને.) ભગવાન તમારું ભલું કરે, (ઠંડી હવાનો સાઉંડ) તમે મને અગ્નિદાહ નથી દીધો, પણ જાણે જીવનની ચિતા પરથી ઉતાર્યો છે. હાશ … ટાઢક થઇ .. હૈયે શાતા વળી … આટઆટલાં રાજ બદલાયા, પક્ષો … વિચારધારાઓ … રાજકરનારાઓ, વાત ન્યાયની જ કરે … વાત સત્યની જ કરે .. વાત માણસાઈની જ કરે પણ … ખબર નહીં કેમ દરેક વખતે મારો નંબર પાછળ જ થઇ જાય .. છેવાડે. એવું કેમ?

દામજી : એવું એટલે કેમ કે છેવાડો અને છેવાડાનો માણસ બંને રહેવા તો જોઈએ ને, જેથી બોલી શકાય ..

શામજી : (ચિતાને મંચ માની એની ઉપર ચડી) આપણે સમતાપૂર્ણ સમાજની સ્થાપના કરવાની છે. ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ પૂરવાની છે. આ તમામે તમામ સુખ-સુવિધાઓ ઠેઠ છેવાડાના માણસ સુધી લઇ જવાની  છે.

દામજી : શામજીભાઈ નીચે આવી જાવ.

શામજી : બસ થોડીવાર, મજા આવે છે ..

દામજી : બીજા વીસ વરસની પડશે હો ….

(શામજી અણગમા સાથે નીચે ઊતરે છે.)

નરસી : આ વીસ વરસની પડશે એટલે?

શામજી : કંઈ નહીં … ચાલ આપણે મડદાં બાળવાનાં કામે લાગીએ. મહામારીએ બધું એ હદે વેરવિખેર કરી નાખ્યું છે કે સરખું થવામાં લાંબો સમય લાગશે. (ત્રણે જાય છે.)

કોરસ :  (પ્રવેશ. પગપાળા, માથે સામાન-બાળકો, અને સાયકલો ઉપર, અહીં વચ્ચે વચ્ચે ઉપરથી વિમાન પસાર થતું હોય એનો સાઉંડ.)

ગીત : અમે મજૂરો મહાનગરોના ભરી ઉચાળા ચાલ્યા,

મળ્યું નહીં કોઈ સાધન અમને તો પગપાળા ચાલ્યા … અમે મજૂરો ….

અમે સાચવ્યા મહાનગરોને તન તોડી મહેનતથી,

અમે કેમ થોડા દા’ડા ન સચવાયા મહાજનથી,

બંધ થયા ધંધા ધાપા તો હાંકી કાઢ્યા અમને,

ખાલી પેટને ખાલી ખિસ્સે, મન આળા લઇ ચાલ્યા. અમે મજૂરો ….

વેપારી દરવાજા વાંસે, પીઠ ફેરવે માલિક,

મોત આંગણે ટેલ નાખતું બોલે, અહાલેક અહાલેક,                                       

મહામારીના ખપ્પરમાં પણ હોમ બની હોમાયા,

અહીં ઘેરાયું અંધારું એ ઝળાંહળાંમાં મહાલ્યા …. અમે મજૂરો …

અધવાટે અગણિત લોકો અહીં અંતરિયાળ મરાયા,

શ્વાન કાગડા ગીધ બધાએ પેટ ભરીને ધરાયા.

સૂધબૂધ લીધી નહિ કોઈએ ન ફરક્યું રૂંવાડું,

દુનિયા ઉજળી ગઈ રંકની, રાજ રૂપાળાં ચાલ્યાં. અમે મજૂરો. …

(કોરસ જાય છે. મધરાતનાં શ્વાન ભસે છે. તમરાં અને બીજા અવાજો. એક યુવાન યુવતીનો હાથ પકડીને પ્રવેશે છે. બન્નેએ મોઢા પર માસ્ક પહેર્યા છે. ઊતારે છે.)

યુવતી : એ બબૂચક, બે તું મને ક્યાં લઇ આયો?

યુવાન : સાબરમતી સ્મશાન ગૃહની પાછળ, એકાંતભરી જગ્યાએ.

યુવતી : ડફોળ આઠ મહિને મળ્યો ને’ લાયો તો પાછો સ્મશાનમાં.

યુવાન : બે આ લોક ડાઉનમાં આથી સેફ જગ્યા જ ન મળી. બહાર કરફ્યુંમાં તો મામાઓની ઝપટે ચડ્યા તો ગયા કામથી. 

યુવતી : યાર આ પેન્ડેમિકે તો વાટ લગાડી દીધી.

યુવાન : આઠ આઠ મહિનાથી કોલેજ બંધ, યુનિવર્સિટી, લાયબ્રેરી, બાગ-બગીચા-રેસ્ટોરન્ટ, સિનેમા, મોલ, મંદિર .. અરે, ચાની કીટલી સુધ્ધા, આપણાં બધાં મળવાનાં ઠેકાણાં બંધ.

યુવતી : ને’ પાછું બધું ઓનલાઈન … ક્લાસ પણ

યુવાન : બે બધું ઓનલાઇન થાય .. પણ પ્રેમ કેમનો ઓનલાઇન થાય? એટલે આજે અડધી રાતે તને ઉઠાઈ …

યુવતી : સારું કર્યું .. મારા. મેરૂ …

યુવાન : માય ડિયર માલણ.

યુવતી : ઢોલા.

યુવાન: મારૂ.

યુવતી : સદેવંત.

યુવાન : શ્રાવણીગા.

યુવતી : શેતલને કાંઠે ..

યુવાન : મહિસાગરને આરે.

યુવતી : તાપીના કિનારે.

યુવાન : કાંકરિયાની પાળે.

યુવતી : સોમનાથની સખાતે.

યુવાન : ખંભાતના અખાતે. આપણે ક્યાં ક્યાં નથી મળ્યા?

યુવતી : ને’ બે આજે રેકોર્ડ બ્રેક જગ્યાએ … સાબરમતી સ્મશાનગૃહની પછીતે.

(શામજી અને દામજીનો પ્રવેશ.)

શામજી : કોણ છો, એલા? અડધીરાતે અહીં શું કરો છો?

યુવાન : અંકલ … સમજી જાવને.

દામજી : શું સમજી જઈએ?

યુવતી : અંકલ યાર, લોકડાઉનથી બોર થયાં હતાં એટલે અહીં શાંત સ્થળે આવ્યાં.

યુવાન : પ્રેમગોષ્ઠિ કરવા.

શામજી : શું … શું … ગઠી કરવા …

યુવાન : પ્રેમગોષ્ઠિ ..

(યુવતી શામજીને ધરીને જુએ છે.)

યુવતી : માય ગોડ … અંકલ … તમે તો એકદમ શામજીભાઈ ઘાલમેલિયા જેવા લાગો છો! સાચ્ચું કહું છું, યાર કોપી ટુ કોપી … જો જીગા …

યુવાન : બે એકદમ સાચું કે’ છે તું …. આ તો એ જ અદલોઅદ્લ ડીટ્ટો .. શામજી ઘાલમેલિયા સાક્ષાત્‌ .. બે એનાં બાવલા પાસે અંકલને ટોપી-બોપી પેરાઈને ઊભા રાખ્યા હોય ને તો ધમાલ થઇ જાય. લોકોને લાગે કે ઘાલમેલિયો જીવતો થઈને આયો.

શામજી : જો છોકરાં, એ ઘાલમેલિયા નહિ, ધામેલિયા છે. બબ બહુ મોટા નેતા હતા.

યુવતી : બે અંકલ, ખોટી ખોટી છોડો નહિ હો …

યુવાન : એક નંબરનો કરુબાજ હતો એ … બહુ રૂપિયા બનાએલા પોલિટિક્સમાં.

યુવતી : એ રોડનું નામ બી ઘાલમેલિયા રોડ છે.

યુવાન : ત્યાં બધી દુકાનોમાં બધું ડુપ્લીકેટ જ મળે છે. ચાઈના મેક ..

યુવતી : ચાલે તો ચાંદ તક નહિતર શામ તક.

યુવાન : એ રોડ પર ડામર તો શું સિમેન્ટે નથી ટકતો.

યુવતી : દર ચોમાસે ભૂવા પડે છે ભૂવા, બોલો.

શામજી : એ તો કોન્ટ્રાક્ટરો ઘાલમેલ કરતા હશે એટલે …

યુવાન : ના અંકલ … રોડનું નામ ઘાલમેલિયા રોડ છે ને’ એટલે …

(શામજી ધ્રુજવા માંડે છે.)

દામજી : તમે હવે ભાગો અહીંથી …

યુવાન : બે અમે શું કામ ભાગીએ? 

(શામજી આજુબાજુમાં ગુસ્સાથી ફરે છે ..)

યુવતી : બે જીગલા ભાગ ….

(શામજી એક બળેલું લાકડું ઊઠાવે છે.)

યુવાન : યાર અંકલ તો સિરિયસ થઇ ગયા …

શામજી : કહું છું ભાગ નહિતર તને સિરિયસ કરી નાખીશ … આખોને આખો અહીં દાટી દઈશ …

યુવાન : કૂલ અંકલ કૂલ … લોડ નહિ લેવાનો. જૂઓ હું એક પત્રકારનો દીકરો છું … મારા દાદા લેખક ….

શામજી : (લાકડું ઉગામતા) લેખક .. .લેખકડાઓ મને દીઠા નથી ગમતા. હવે તું ગયો.

યુવતી : જીગા ભાગ … (યુવતી યુવાનનો હાથ ખેંચી ભાગે છે. શામજી લાકડું ફેંકે છે પણ ઘા ચૂકી જાય છે.)

શામજી : (ઘાંટો પાડતા) મને કોઈ એ બતાવો કે એ ક્યા ચોપાનિયાના લેખકડાએ મારું નામ ધામેલિયામાંથી ઘાલમેલિયા કર્યું … એનું નામોનિશાન મિટાવી દઈશ … લેખકોની બધી અકાદમીઓ એક કચેરી ઠરાવ કરી મારા તાબામાં લઇ લઈશ … એ જાણતા નથી હું કોણ છું?

દામજી : શાંત થા શામજી … આજ તો હકીકત છે રાજનીતિની અને નેતાગીરીની … આપણે સત્તાના બળે ઘણું કરી શકીએ છીએ … કલમના એક ગોદે કોઈ એકના અધિકારો છીનવીને કોઈ બીજાને આપી શકીએ છીએ. પક્ષ અને વિચારધારાને ટકવા માટે આપણા નામના રસ્તા અને  આપણા પૂતળા ય મુકવાની ગરજ પડતી હોય છે … ફર્ક એટલો જ છે કે જો આપણે લોકોનાં ભલા માટે કામ કર્યું હોય તો લોકો પ્રેમથી પૂજે છે … નહિતર ….

(કરુણ સંગીત. શામજી બેસી પડે છે. યુવાન દોડતો પાછો આવે છે. નીચે પડેલો મોબાઈલ ઊઠાવે છે.)

યુવાન : આ રહી ગયો હતો. (શામજી પાસે બેસી મોબાઈલથી સેલ્ફી લેતા ..)

યુવાન : સ્માઈલ પ્લીઝ .. યસ … યાર અંકલ, લોડ નહિ લેવાનો … ને’ અમે જ્યારે પણ અહીં આવીએ તો પ્લીઝ અમને ડિસ્ટર્બ નહીં કરવાના.

યુવતી : (ફરી દૃશ્યમાન થતાં) બે યાર,  આ ઓલ્ડમોડલ જોડે શું ખપાઈ રહ્યો છે?

યુવક : બે અંકલને પટાઈ રહ્યો છું … હવે આ લોક ડાઉનમાં આપણે અવારનવાર અહીં આવવું પડશેને એટલે …. સેટિંગ કરું છું. (પરાણે શામજીનો હાથ હાથમાં લેતા) ફ્રેન્ડ્સ .. ઓકે … બાય ..

(યુવાન જાય છે. કૂતરાંના રડવાનો અવાજ. નરસી આવે છે.)

નરસી : બચાડાં મૂગાં પશુ. ભૂખ કોણ સહન કરી શકે? આવા લોક ડાઉનમાં એમને કોણ રોટલા નાંખે?

દામજી : ફૂટપાથ ઉપર રહે છે એમની તો મીટ્ટી પલિત થઇ ગઈ છે. છૂટક મજૂરી અને ફેરી કરનારા, ઘરકામ કરનારાં, ભિખારીઓ આ બધાં કેમ કરીને દિવસો પસાર કરતા હશે? મહામારી મારે તો છે જ પણ ગરીબ-ગુરબા માટે જીવવાના રસ્તા ય બંધ કરી દે છે.

(ત્રણે જાય છે અને કોરસ ગીત સાથે પ્રવેશ કરે છે.)

ગીત : હૈયે રામ ન વસે, કોઈને હૈયે રામ ન વસે .. 

તળિયે જાતી માનવતા ને’ મોત સકંજો કસે .. 

હૈયે રામ ન વસે, કોઈને હૈયે રામ ન વસે .. 

ખર્યા પાંદની જેમ ટપોટપ માણસ અહીંયાં મરતા,

નફો શાહ સોદાગર મબલક મૃત્યુમાંથી લણતા,

ફૂટપાથો પર રુદન – અટારી ખડખડ કરતી હસે …. 

હૈયે રામ ન વસે, કોઈને હૈયે રામ ન વસે .. 

બધા કાયદા નિયમ રિવાજો પરંપરાઓ નેવે,

વૈદ્ય સંત લેખક વેપારી સહુ સત્તાને સેવે,

પશુ-માનવી નવતર રીતે ખુદને કેવું ગ્રસે?

હૈયે રામ ન વસે, કોઈને હૈયે રામ ન વસે ..  

( પ્રકાશ લુપ્ત. ફરી પ્રકાશ. હરિશ્ચંદ્ર શામજી દામજી આવે છે.)

હરિશ્ચન્દ્ર : મહામારીએ આપણી સામે આભલું પણ ધર્યું છે. એવાં એવાં વરવાં દૃશ્યો એમાં દેખાયાં છે કે આપણને થાય કે માણસજાતનાં પતનની અને વ્યવસ્થાની નિંભરતાની જાણે કોઈ સીમા જ નથી. મોતનો પણ કારોબાર થયો. લાશો રસ્તે રઝળી. માણસો ઈલાજ માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકતા હતાં ત્યારે મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં તેજી આવી હતી. જીવ બચાવવા માટે મોં’ માંગ્યા દામ વસૂલ કરાયા.

શામજી : દુનિયા જાણે બે જાતના માણસોમાં વહેચાઈ ગઈ. એક એવા લોકો જે મોકાનો ફાયદો ઊઠાવી ચારે હાથે પૈસો એકઠો કરતાં છે, બીજા એ લોકો જે તળિયે જાતી માનવતાને બચાવવા રાતદિવસ એક કરે છે.

હરિશ્ચન્દ્ર : આ જ તો છે દુનિયામાં સતત ચાલતું સદ-અસદ વચ્ચેનું યુદ્ધ જે સામાન્ય સંજોગોમાં નરી આંખે પણ નથી દેખાતું અને મહામારીના સમયે પોતાનાં વરવાંમાં વરવાં સ્વરૂપે પ્રકટ થાય છે.

(પી.પી.ઈ. કીટ પહેરેલાં માણસો બે શબ મૂકે છે. હરિશ્ચન્દ્ર માસ્ક પહેરી એની પાસેથી કાગળ લે છે અને વાચી, ટેબલ પર બેસી ડેથર્ટિર્ટીફિકેટ લખે છે. પછી પોતાનાં હાથ સેનીટાઈઝ કરે છે.)

હરિશ્ચન્દ્ર : (સેલ્યુટ કરતા) મારું ચાલે ને તો આવા દરેક લડવૈયાનાં શબને ફૂલોથી શણગારું, એમનાં માટે ચંદનની ચિતા સજાવું, બેન્ડવાજા અને બંદૂકનાં ભડાકાની સલામી સાથે એમણે રૂખસદ કરું. પણ શું થાય? (ડેથ સર્ટિફિકેટ ફાડીને આપે છે.) એમનાં ફૂલ ભેગા કરી રાખજો. ને’ આ ડેથ સર્ટિફિકેટ એમનાં કુટુંબીઓને આપજો. 

(મૃતદેહને નમન કરીને જાય છે.)

શામજી : (ડેથ સર્ટિફિકેટ વાંચતા) ડોક્ટર મયૂરી …. ઉંમર, પચ્ચીસ. વોર્ડબોય કિસન. ઉંમર ત્રીસ, વ્યવસાય, નોકરી. સરકારી દવાખાનામાં મૃત્યુનું કારણ કોવીડ-૧૯. મૃત્યુ સ્થળ, સરકારી હોસ્પિટલ. સેવા દરમિયાન. 

દામજી : કદાચ હમણાં હમણાં જ નોકરીએ લાગ્યાં હશે. 

શામજી : કેટકેટલાં સપનાં અકબંધ હશે એમની આંખોમાં. ખરેખર હરિશ્ચન્દ્ર સાહેબે ખરું કહ્યું …

દામજી : પણ ચંદન કાષ્ટની ચિતા તો …

શામજી : પાછળ વી.આઈ.પી. ગેટ પર બે શબ આવ્યાં છે. આમ તો બાવળિયો ય એમને બાળવાની ના પાડે.

દામજી : એટલે એ ચંદન કાષ્ઠ આમનાં માટે.

શામજી : યસ .. આલિયાની ટોપી માલિયાને ને’ આલિયો ઉઘાડે માથે.

દામજી : હળાહળ ખોટું.

શામજી : પણ સાચા માટે.

દામજી : ખબર નહિ પડે?

શામજી : કેવી રીતે પડશે? પેલા જે ગળામાં ખેસ નાંખી, ફૂલોના હારતોરા કરી ઝીંદાબાદ ઝીંદાબાદ કરતા હોય છે ને’ એ ય ચેપ લાગવાની બીકે સો ગજ છેટેથી નમન કરી શબ આપણે હવાલે કરે છે. (શામજી ખિસ્સામાંથી એક ડાયરી કાઢી વિગત નોંધે છે.)

દામજી : આ શું કરે છે?

શામજી : હિસાબ રાખું છું. આ સ્મશાનમાં છેલ્લાં બે મહિનામાં આપણે પચાસ હજાર સામાન્ય નાગરિક, બે હજાર ડોક્ટર, ત્રણ હજાર નર્સ તથા વોર્ડ બોય, આઠ હજાર સફાઈ કામદાર, એકસો પચાસ પોલીસકર્મી,  પંદર સો કોન્ટ્રાક્ટ વર્કર્સ, પચ્ચીસ સેક્સ વર્કર્સ, દસ ન્યુટ્રલજેન્ડર, સાત નેતા, ત્રણ ક્રિમીનલ. આટલાં લોકોનો અગ્નિ સંસ્કાર કર્યો. 

દામજી : વાહ … તારી પાસે તો આંકડાવાર માહિતી છે.

શામજી : ડેટા, માય ફ્રેન્ડ, ડેટા. શાસ્ત્રોમાં ચાર યુગ છે. સતયુગ, કળિયુગ, દ્વાપર અને ત્રેતાયુગ. પણ આપણે એક પાંચમો યુગ ઉમેર્યો છે. અને એ છે ડેટાયુગ. તને ખબર છે છેલ્લાં દસ વર્ષથી ભારતીય લોકશાહી કોઈ મૂલ્ય કે મુદ્દાથી નહિ માત્ર ડેટાબેઝથી ચાલે છે. અને ખરેખર તો આ બધો નર્યો ફરેબ છે ફરેબ.

(બંને જાય છે અને કોરસ ગીત સાથે પ્રવેશે છે. એમાં વચ્ચે એક ગાંધીજીના ગેટઅપ વાળો નટ છે.)

ગીત : ફરેબ ચાલે  ફરેબ, બહુ સિફત ભરેલો ફરેબ …..

સાચા લેબલ હેઠળ મળતો પદાર્થ પૂરો નકલી,

સાચુકલાં પાણીમાં જાણે હો ચીતરેલી મછલી,

વ્હેમ જરાયે જાય નહિ કે ગંધ જરા નો આવે,

તાનસેનનો વેશ ધરીને ફરતો ઔરંગઝેબ ….. ફરેબ ચાલે  ફરેબ, બહુ સિફત ભરેલો ફરેબ …..

ફરેબ તાગવા કબીર – નરસિંહ થાવું દુષ્કર લાગે,

ઊંઘરેટા લોકોની વચ્ચે કોણ નકામું જાગે?

ફરેબ તૂટતા ધસી પડે છે પત્તાનો આ મહેલ,

ફરેબ છે તો છમછમ બાજે જીવનની પાજેબ. ફરેબ ચાલે  ફરેબ, બહુ સિફત ભરેલો ફરેબ …..

પાણી તો શું રેતીમાં પણ ચાલે એનાં વ્હાણ,

સાચની માને કૂતરાં પૈણે, સાચનો કચ્ચરધાણ,

ફરેબીઓનો ડંકો વાગે દુનિયા સલામ કરતી,

હરિશ્ચંદર છે દંગ જોઈ, આ ગુણ ગણાતી એબ .. ફરેબ ચાલે  ફરેબ, બહુ સિફત ભરેલો ફરેબ …..

(ગાંધી બનેલ નટ છલાંગ સાથે મંચની આગળના ભાગે ઊંધો ફરી ઊભો રહે છે. જેની પાછળના ભાગે શેતાનનું મહોરું છે. ઝટકા સાથે ગીત પૂરું થાય છે. દૃશ્ય સ્થિર. અંક પહેલો સમાપ્ત.)

••••••

અંક બીજો.

(મંચ પ્રકાશિત થાય છે. શામજી દામજી કામમાં છે. બે માણસો પી.પી.ઈ. કીટમાં એક મૃતદેહ મૂકીને જાય છે. સાથે એક સ્ત્રી આવીને ઊભી છે. દામજી એના કાગળો બાજુમાં મૂકે છે.)

સ્ત્રી : મારો દીકરો છે, સાહેબ …

શામજી : જુવાન દીકરો આ રીતે ગુજરી જાય એ દુ:ખદ છે.

સ્ત્રી : મારો તો દીવો ઓલવાઈ ગયો, સાહેબ. જિંદગીમાં અંધારું થઇ ગયું.

દામજી : આ મહામારીએ લાખો લોકોનું જીવન અકારું બનાવી મૂક્યું છે બે’ન.

સ્ત્રી : મારી આપને એક વિનંતી છે.

શામજી : બોલો, બહેન.

સ્ત્રી : (પોતાના કાગળ આપતા) મારો દીકરો ઈસ્પિતાલમાં કન્ત્રાટ પર કામ કરતો હતો. એને ચેપ લાગ્યો અને .. ઇસ્પિતાલવારાઓ એ લખી જ આપ્યું છે કે એનું મોત કોરોનાને લીધે થયું છે …. એટલે આપ સાહેબ જો એનાં ડેથ-સર્ટિફિકેટમાં એવું લખી આપશો તો મોટી મે’રબાની થશે.

શામજી : એમાં શું હતું, બે’ન, એ તો અમારી ફરજ છે.

સ્ત્રી : એ ખરું પણ મોટેભાગે લોકો પોતાની ફરજથી ભાગતા હોય છે.       

દામજી : અમે એમાના નથી. હું હમણા તમારાં દીકરાનું ડેથ-સર્ટિફિકેટ સાહેબ પાસેથી લખાવીને લાવું  છું.

(દામજી કાગળ લઇ અંદર જાય છે.)

સ્ત્રી : તમારે તો રાતદિવસ અહીં જ રહેવું પડતું હશે.

શામજી : નોકરી .. અને બીજા અનેક લોકો આ જ રીતે ઘરબાર કોરાણે મૂકીને કામ કરી રહ્યાં છે. અમે તો પુરુષ છીએ .. બાકી પોલીસ અને મેડિકલ સ્ટાફમાં કેટલીયે માતાઓ એવી છે જે પોતાનાં બચ્ચાઓને ધવડાવવા પણ ઘરે નથી જઈ શકતી.

(દામજી અને હરિશ્ચન્દ્ર પ્રવેશે છે.)

શામજી : લ્યો સાહેબ પણ આવી ગયા ..

(સ્ત્રી સહેજ સંકોચાઈને ઊભી છે.)

હરિશ્ચન્દ્ર : તમારું સર્ટી જરૂર બનશે પણ એમાં આ છોકરાનું મરણ કોરોનાને કારણે થયું છે એવું હું નહિ લખી આપું.

સ્ત્રી : પણ એ સત્ય છે.

હરિશ્ચન્દ્ર: અડધું. સરકારનાં કોઇ પણ ખાતામાં અઢાર વર્ષથી નીચેની વ્યક્તિ કામ ન કરી શકે. અને એવા કેસમાં હું ખોટી ઉંમર નોંધી આવું સર્ટિફિકેટ ન આપી શકું. 

સ્ત્રી : પણ જૂઓ, ઇસ્પિતાલે ઉંમર અઢાર વરસ લખી આપી છે. એમને વાંધો નથી તો તમને શું તકલીફ  છે.

શામજી : હાઅ … આમાં આપણે ક્યાં ખોટું …

હરિશ્ચન્દ્ર : તમે ચૂપ રહો. સત્ય સામે આંખ મીચામણાં કરવા એ પણ અસત્યનો સાથ આપવા બરાબર જ છે. સોરી. હું સત્યનો આગ્રહી છું.                                 

સ્ત્રી : તમારો એ આગ્રહ બીજા માટે કેટલો જીવલેણ નીવડે છે એની તમને જરા ય દરકાર છે ખરી? 

હરિશ્ચન્દ્ર : મારો ઈરાદો કોઈને દુભવવાનો નથી હોતો. જે સાચું છે એને જાળવવાનો હોય છે. સત્ય ….

સ્ત્રી : સત્ય સત્ય સત્ય …. આ સિવાય બીજો કોઈ શબ્દ તમે જાણો છો ખરા … તમને ખબર છે તમારું આ સત્ય કેટલું ક્રૂર દાહક અને ઘાતકી છે? મારે નથી જોઈતું કોઈ ડેથ સર્ટિફિકેટ … (એના હાથમાંથી પોતે આપેલા કાગળો લઇ લે છે) અને આ લાશ …

હરિશ્ચન્દ્ર : એ તમારો દીકરો છે.

સ્ત્રી : શું ફર્ક પડે છે .. એ લાશ જ છે … અને આમ જૂઓ તો તમારા જેવાં પણ જીવતી લાશ જેવાં જ છે .. હું આનો અગ્નિસંસ્કાર બીજા કોઈ સ્મશાનમાં કરાવીશ … ત્યાંથી ડેથ સર્ટિફિકેટ પણ મેળવીશ. બધે કંઈ તમારા જેવાં ક્રૂર ઘાતકી દયાહીન લોકો નથી બેઠા આ દુનિયામાં.

હરિશ્ચન્દ્ર : પણ તમે ખોટું કરશો?

સ્ત્રી : માણસનાં જીવનને, સંબંધોને સંવેદનાઓને લાગણીઓને એને પોતાને ય ઓહિયા કરી જાય એવું પાશવી સત્ય તમને મુબારક હો. મારું જીવન તો સત્યની ચિતા પર છે પણ હું મારા દીકરાને મર્યા પછી સત્યની ચિતા પર નથી ચડાવવા માંગતી.

હરિશ્ચન્દ્ર : જેવી તમારી ઈચ્છા.

(શામજી દામજી સ્તબ્ધ છે.)

સ્ત્રી : ભાઈ …. આ લાશ પાછી રેંકડીમાં મુકાવશો તો તમારો પાડ જિંદગીભર નહિ ભૂલું.

(બન્ને સ્ટ્રેચર ઉઠાવે છે.)

શામજી : તમારું નામ શું બે’ન?

સ્ત્રી : તારા …. (હરિશ્ચન્દ્ર સામે વેધક નજરે જોતાં) તારા હરિશ્ચંદ્ર કોસાંબી.

(કરુણ સંગીત. પ્રકાશ ઝાંખો થાય છે. શામજી દામજી સાથે તારા જાય છે. થાકેલાં પગેલ હરિશ્ચન્દ્ર મંચની મધ્યમાં આવીને ઊભો અસહાય ઊભો રહે છે, .. ગીતની પંક્તિઓ ધીમા કરુણ લયમાં સંભળાય છે.)

ગીત : હજુર હાજરી સહુની લેતો લેખાંજોખાં કરતો,

સતનાં બાટ-તરાજુ માંડી હિસાબ પાકો કરતો,

એનાં ધડે જે ખરો ઉતરે ….  તેનો જય જયકાર. 

હરિશ્ચંદ્રનો દરબાર ….આ છે હરિશ્ચંદ્રનો દરબાર ….

(પ્રકાશ લુપ્ત થાય છે. ફરી પ્રકાશ થાય છે. હરિશ્ચન્દ્ર ખુરશીમાં બેઠા બેઠા રજીસ્ટરમાં નોંધ કરી રહ્યા છે. ઉપરી અધિકારી ગુલાટી પ્રવેશે. હરિશ્ચન્દ્ર ઊભો થઇ એમને ખુરશી આપે છે. પોતે ઊભો રહે છે.)

ગુલાટી : કોસાંબી … બધું બરાબર ચાલે છે ને? 

હરિશ્ચંદ્ર : જી સર.

ગુલાટી : ખરેખર, આ પેન્ડામિકમાં તમે ખૂબ ખંતથી કામ કર્યું છે. વિભાગમાં બધાને હું તમારો દાખલો આપીને કહેતો હોઉં છું કે કામ ન કરવાના બહાના તો સહુ હજાર શોધી લાવે, પણ કોસાંબી, હજાર હજાર અગવડોમાંથી કામ કરવાનો રસ્તો ખોળી કાઢે અને કામ પતાવે. તમારા જેવાં ખંતીલા કર્મચારીઓને કારણે તો સિસ્ટમ ચાલે છે. આ બધું પતે એટલે તમારું પ્રમોશન નક્કી જાણજો. બરોબર.

હરિશ્ચન્દ્ર : જી સાહેબ.

ગુલાટી : તો હવે કામની વાત પર આવું?

હરિશ્ચન્દ્ર : ફરમાવો, સાહેબ.

(ગુલાટી ઊભા થઈને હરિશ્ચન્દ્રની આસપાસ ફરવા લાગે છે.)

ગુલાટી : રોજના કેટલાંક ડેડબોડી આવે છે?

(હરિશ્ચન્દ્ર રજીસ્ટર લેવા કરે છે.)

ગુલાટી : અરે એની કોઈ જરૂર નથી. અંદાજે કહેશો તો ચાલશે.

હરિશ્ચન્દ્ર : પંદર સોની આસપાસ.

ગુલાટી : બધાંમાં મૃત્યુનું કારણ કોરોના?

હરિશ્ચન્દ્ર :  મોસ્ટ ઓફ, સર.

ગુલાટી : એ તમે કેવી રીતે નક્કી કરો છો?

હરિશ્ચન્દ્ર: મોટા ભાગના બોડી પી.પી.ઈ. કીટમાં હોય છે, વળી એમનાં પરિજનો પણ કારણ કોરના જ  કહેતા હોય છે.

ગુલાટી : અને તમે માની લો છો?

હરિશ્ચન્દ્ર : નાગરિકો  પર શંકા કરવાનું કોઈ કારણ નથી હોતું.

ગુલાટી : તમારા જેવાઓની આ જ તકલીફ હોય છે, કોસાંબી. લોકો ભારે જુઠ્ઠા હોય છે. સરકારી લાભ લેવા માટે ઊંધું ચત્તું કરતા જ હોય છે. તમે જ જુઓને, આજે આઝાદી આવ્યા કેટલાં સીતોતેર વરસ તો થયાં જ ને?

હરિશ્ચન્દ્ર : જી સર.

ગુલાટી : તો ય સ્વાતંત્રસેનાનીઓની સંખ્યા ઘટતી નથી, કેમ? મેં પોતે ચેક કર્યું છે, કેટલાંક તો ઓગણીસો સુડતાલીસ પછી જનમ્યા છે અને પોતાને સ્વાતંત્રસેનાની કહે છે. તમારા જેવાં ભલાભોળા અધિકારી પાછા એમને દાખલો ય કાઢી આપતા હોય છે. ખૈર, સમય ઓછો છે … મુદ્દાની વાત પર આવું?

હરિશ્ચન્દ્ર : જી, સાહેબ.

ગુલાટી : તમે તો જાણો જ છો કે સરકારમાં ઉપરના લેવલે કામ બહુ જુદી રીતે ચાલતું હોય. એમાં મારી કે તમારી ચાંચ ન ડૂબે. એટલે આપણે તો શું છે કે ઉપરથી જે આદેશ આવે તે પ્રમાણે પેપર વર્ક કરીને પહોંચાડી દેવાનું. વાત જાણે એમ છે કે મૃત્યુઆંક બાબતે વિરોધીઓ અને છાપાવાળા બહુ પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. જો કે એ એમનું કામ છે. પણ આપણે થોડું સંભાળવાનું છે, શું?

હરિશ્ચન્દ્ર : શું સંભાળવાનું છે, સાહેબ?

ગુલાટી : આંકડાઓનું ગણિત. જૂઓ, તમે અહીં ભલે તમારી રીતે કામ કરો, પણ રજીસ્ટર ઉપરથી સૂચના આવે એ પ્રમાણે જ મેન્ટેઇન કરવાનું છે, ઓકે?

હરિશ્ચન્દ્ર : એ કેવી રીતે થાય, સાહેબ?

ગુલાટી : કોસાંબી …. મને ખબર છે કે હું તમને શું કહી રહ્યો છું. પણ વ્યાપક હિત માટે, વ્યર્થ સંઘર્ષ ટાળવા, સમસ્યાઓનાં સમાધાન માટે, બહુજન હિતાય બહુજન સુખાય, લોકોનો વ્યવસ્થામાં ભરોસો ટકી રહે એ માટે ય, કયારેક ક્યારેક થોડું ખોટું કરવું પડતું હોય છે. તમારી ભાવના હું સમજુ છું. ઓકે.

હરિશ્ચન્દ્ર : નોટ ઓકે, સર, મારો અંતરાત્મા …

ગુલાટી : કોસાંબી … ક્યારેક ક્યારેક અંતરાત્મા સિવાયના અવાજોને પણ ટકી રહેવા માટે અનુસરવું પડે છે. શું મારે અંતરાત્મા નહિ હોય? પણ તો ય હું સામે ચાલીને તમને આ કહેવા આવ્યો કે નહિ? બી પ્રેક્ટીકલ, કોસાંબી.

હરિશ્ચન્દ્ર : અસત્ય માટે પ્રેક્ટીકલ ન થવાય, સાહેબ.

ગુલાટી : સત્ય પ્રેક્ટિસમાં મૂકવાની નહિ બોલવાની બાબત છે.

હરિશ્ચન્દ્ર : મન વચન અને કર્મનાં સાતત્યનું શું, સાહેબ.

ગુલાટી : અરે તમે મન અને વચનનું સાતત્ય જાળવોને, મારા ભાઈ, બધા ય જાળવે છે. હું માત્ર કર્મ, કાગળ ઉપર થોડું જાળવી લેવાનું કહું છું. ઓકે.

હરિશ્ચન્દ્ર : સોરી, સાહેબ, પણ હું આ નહીં કરી શકું. 

ગુલાટી : તમે મારું નાક કપાવશો.

હરિશ્ચન્દ્ર : આપ મને સસ્પેન્ડ કરી દો, સાહેબ.

ગુલાટી : (પિત્તો છટકે છે.) કહ્યું તું મેં, કે મારા આખા વિભાગમાં એક નબળી કડી છે, કોસાંબી. એક નંબરનો વેદિયો, જક્કી, ચોખલિયો, એટલે તો હું જાતે આવ્યો. બાકી એક ફોન કરું ને’ એટલે તારા જેવાં ત્રેપન ટુણિયાટો મારી સામે હાથ બાંધીને ઊભા હોય. સત્યનું પૂંછડું ન જોયું હોય તો મોટું. 

હરિશ્ચન્દ્ર : હું પણ તંગ આવી ગયો છું, સાહેબ … વીસ વરસમાં આડત્રીસ આડત્રીસ ટ્રાન્સફર. ત્રણ સસ્પેન્શન, હું ક્યા આખી સિસ્ટમ પાસે સત્યનો આગ્રહ રાખું છું. પણ મારી જાત પાસેથી તો રાખી શકુ ને? મારી જાત પૂરતો ય હું સ્વતંત્ર નહિ? આ સ્વતંત્ર રાષ્ટ્રમાં?

ગુલાટી : (શાંત થાય છે.) ઓકે. તું સ્વતંત્ર, પણ હવે જે થાય તે માટે તું જ જવાબદાર હોઈશ. ઓકે.

હરિશ્ચન્દ્ર : સાહેબ, હમણાં તો આપે કહ્યું કે મારા જેવાઓને કારણે આ સિસ્ટમ બરાબર ચાલે છે … તો પછી સિસ્ટમ અમારી સાથે આટલો ક્રૂર વહેવાર કેમ કરે છે? 

ગુલાટી : કોસાંબી, યુ આર ટોટલી અનફિટ ફોર ધીસ સિસ્ટમ. (ગુલાટી જાય છે. ઝાંખો પ્રકાશ. હરિશ્ચંદ્ર થાકીને ખુરશીમાં બેસે છે.)

હરિશ્ચન્દ્ર : કંટાળી ગયો છું. ક્યારેક લાગે છે કે મારા સત્ય માટેના આગ્રહો મારી જીદથી  =વધીને કંઈ નથી. અરે ભાઈ, આ સિસ્ટમમાં એક માણસ મહેનત ખંત ઈમાનદારી અને સત્યનિષ્ઠાથી કામ કર્યા કરે છે તો એમાં ખોટું શું છે? જ્યાં જાઉં છું ત્યાં હું જાણે અનિષ્ટ હોઉં એવો વહેવાર મારી સાથે કેમ થાય છે? અને મારા આ બધા સદ્દગુણોની સજા મને મળે એ તો ઠીક છે, હા, હું એને લાયક છું. પણ મારા પરિવારને કેમ મળે છે. તારાને મેં કયું સુખ આપ્યું? બદલીઓ અને સસ્પેન્શનને કારણે એને કેટલાં અભાવ વેઠવા પડયા. એને તનતોડ મજૂરી કરવી પડી. મારા છોકરાને સારી નિશાળમાં એડમિશન એટલે ન મળ્યું કેમ કે એ હરિશ્ચન્દ્રની ઔલાદ છે. બચારાએ પોતાનું ભણતર છોડી કોન્ટ્રાક્ટ લેબર તરીકે હોસ્પિટલનાં મોર્ગમાં મડદાં સાચવવાનું કામ કરવું પડ્યું. અને ત્યાં ય ચેપ લાગતા એ આ મહામારીની વેદી પર ભેટ ચડી ગયો. હું એનું ડેથસર્ટિફિકેટ પણ …… ગુલાટીસાહેબે ઠીક જ કહ્યું, હું આ સિસ્ટમમાં ટોટલી અનફિટ છું. એવી છે કોઈ બીજી સિસ્ટમ જ્યાં હું ફીટ બેસું? દયા વછૂટે છે મને મારી જાત પર … ઘૃણા થાય છે મને મારા માટે. (થોડીવાર કંઈક વિચારે છે. પછી નિર્ણય પર આવી ટેબલ પાસે જાય છે અને કાગળ પર લખવા લાગે છે. હોહા કરતું ટોળું સ્મશાન ભૂમિ ઉપર પ્રવેશે છે.)

વ્યક્તિ એક : ક્યા છે એ જુઠ્ઠો બદમાશ હરિશ્ચંદ્ર જે નિર્દોષ નાગરિકોને હેરાન કરે છે.

હરિશ્ચન્દ્ર : (અવઢવમાં ઊભો થાય છે.) કોણ છો ભાઈ, તમે … અને આમ કેમ ધસી આવ્યા છો? શાંતિ રાખો આ સ્મશાન છે.

વ્યક્તિ બે : આ દેશના આમ નાગરિક છીએ. કાર્યકર્તા. આ સ્મશાનનો તું મેનેજર છે એટલે રાઈ ભરાઈ ગઈ છે?

વ્યક્તિ એક : સરકારે તને અમારું કામ કરવા બેસાડ્યો છે અમારાં પર જોહુકમી કરવા નહિ.

વ્યક્તિ બે : તારી મરજી મુજબ નોંધણી કરે છે.

વ્યક્તિ એક : લોકોને ડેથ-સર્ટિફિકેટ આપવામાં ગલ્લાતલ્લા કરે છે.

હરિશ્ચન્દ્ર : જૂઓ મારું કામ હું ઈમાનદારીથી કરું છું. તમે સરકારી કામમાં દખલ દઈ રહ્યાં છો.

વ્યક્તિ બે : ઓ હો હોહો … તો તું અમને પોલીસ કેસ કરવાની ધમકી આપે છે એમ. પાવર બતાવે છે … તું પબ્લિકનો પાવર જાણતો નથી.

હરિશ્ચન્દ્ર : તમે ખોટી માથાઝીક ન કરો બહાર નીકળો અહીંથી. બહાર મૃતદેહોની લાઈન લાગી છે. મને મરવાનો ય ટાઈમ નથી. પ્લીઝ મને મારું કામ કરવા દો.

વ્યક્તિ બે : કયું કામ? નોટ છાપવાનું? ભાઈઓ, આ એક નંબરનો કરપ્ટ માણસ છે. જ્યાં સુધી એનું ખિસ્સું ગરમ ના થાય ત્યાં સુધી ડેથ-સર્ટિફિકેટમાં મત્તું નથી મારતો. ખરું ને, ભાઈઓ?

ટોળું : હા હા એકદમ ખરું.

વ્યક્તિ બે : નામ છે હરિશ્ચન્દ્ર અને કામ એકદમ ઊંધા ..

વ્યક્તિ એક : કળિયુગનો હરિશ્ચન્દ્ર .. મારો મારો …

હરિશ્ચંદ્ર : પણ મારી વાત તો સાંભળો …

(ટોળું તૂટી પાડે છે .. વ્યક્તિ એક રેકોર્ડ ફાડે છે.)

હરિશ્ચંદ્ર : આ શું કરો છો સરકારી રેકોર્ડ …

(ટોળું હરિશ્ચંદ્રને ફટકારે છે. અચાનક દોડતી તારા આવે છે.)

તારા : અરે છોડી દો … છોડી દો એને. શું જીવ લેશો એનો. એ ખોટું નથી કરતો એ જ ગુનો છે ને એનો? લૂંટ મચી છે ચારેકોર બહાર, ને’ એવામાં આ માણસ ભલાઈને બથ ભરીને બેઠો છે. જ્યાં દિ’ ઊગેને રોજેરોજ ખુદ મુખિયાજી જૂઠના ગભારા ચડાવતા હોય ને’ પાછો એનો ય જયજયકાર થતો હોય ત્યાં આ માણસ સત્યની તીતુડી વગાડે રાખે છે, મુઈ માને ધાવવા જેવી વાત લાગે. તમે એને ભ્રષ્ટાચારી કહો છો? એને? જેને એક નજીવી વિગત ખોટી હોવાને કારણે પોતાના સગા દીકરાનું પણ ડેથ-સર્ટિફિકેટ ના બનાવ્યું. પણ મદારીના ઈશારે તોડફોડ કરનારા તમારા જેવાં માંકડાઓ શું સમજે આ માણસને. (થોભે છે. હરિશ્ચન્દ્રને જુએ છે.) પણ તમે આ જ લાગના છો. સત્ય બળવાનનું આભૂષણ છે પણ નિર્બળની તો લાચારી છે લાચારી, એવું લાચાર ગરીબડું માંદલું સત્ય શા કામનું જે પોતાની કે પોતાનાઓની રક્ષા ન કરી શકે? અરે એ સત્ય નહિ સડો છે, સડો. જોયા મોટા હરીશ્ચંદર. ને’ જોયો તમારો દરબાર .. ઈંચેઈંચ જમીન પર જૂઠ અહંકારથી છાતી ફૂલાવતું ઊભું છે ને’ મગદૂર છે કોઈની કે હરફે ઉચ્ચારે. લાનત છે.

(હરિશ્ચન્દ્ર ધીમા મક્કમ પગલે લાકડાં પડયા છે ત્યાં જાય છે. હાથમાં કુહાડી ઉપાડે છે. મક્કમ ડગલે આગળ વધીને કુહાડી ઉગામી ટોળાનાં નાયક સામે શાંતિથી ઊભો રહે છે. પેલો એક ડગલું પાછો હટે છે, હરિશ્ચન્દ્ર આગળ વધે છે … એની આંખમાં આગ છે. ટોળું પાછળ હટતું હટતું જાય છે. હરિશ્ચન્દ્ર મંચની મધ્યમાં આગળ આવે છે અને કુહાડી મૂકે છે.)

હરિશ્ચન્દ્ર : જે સત્યની મર્યાદા ઓળંગશે એની આમાન્યા હું નહિ રાખું. 

(કોરસ આનંદનાં ભાવથી ‘હરિશ્ચંદ્રનો દરબાર’ ગાતું પ્રવેશે છે.)

કોરસ : હરિશ્ચંદ્રનો દરબાર ….

આ છે હરિશ્ચંદ્રનો દરબાર .. 

સરહદ પૂરી થાય જૂઠની …. પડ્યા રહે હથિયાર … 

હરિશ્ચંદ્રનો દરબાર .. 

આ છે હરિશ્ચંદ્રનો દરબાર .. 

(પ્રકાશ ઝાંખો થાય છે. પાત્રો મંચ પરથી જાય છે. મંત્રીશ્રી સચિવ સાથે આવીને ખુરશીમાં બેસે છે સામે પત્રકારો મોઢે માસ્ક સાથે ભારતીય બેઠકમાં નીચે બેઠા છે.)

મંત્રી : (સચિવ પાસેથી હાથમાં કાગળ લેતા. માસ્ક હટાવી.)  આપણે આ મહામારી સામે સંતોષજનક  કામ કર્યું છે. સંક્રમણ કન્ટ્રોલમાં છે. હોસ્પિટલોમાં દોઢ લાખ આઈ.સી.યુ. બેડ વધાર્યા છે. તત્કાળ અસરથી વીસ હાજર ડોક્ટર, પચ્ચીસ હજાર નર્સ બહેનો અને દસ હજાર વોર્ડબોય ભાઇઓની નિમણૂંક કરી છે. દવા કે ઓક્સિજનની કોઈ અછત નથી. માનનીય પ્રધાન મન્ત્રી શ્રી આપણને જરૂરી તમામ સહાય માર્ગદર્શન આપી રહ્યા છે. ગભરાવાની જરૂર નથી. છેલ્લા બે માસની કેટલીક વિગતો તમારા થકી લોકો સામે મુકવાની છે. મહામારીમાં અત્યાર સુધીમાં આપણા રાજ્યમાં ચાલીસ હજાર લોકો મૃત્યુ પામ્યા છે. આમાંથી બે હજાર જેટલા સરકારી કર્મચારીઓ છે જેઓ પોતાનું કર્તવ્ય બજાવતા વીરગતી પામ્યા છે એટલે સરકાર એમને વોરિયર ગણી અગાઉ જાહેર કરેલું તે મુજબ એમનાં પરિવારને વીસ વીસ લાખની સહાય કરશે અને પરિવારની એક વ્યક્તિને સરકારી નોકરીનો લાભ આપશે. મને જણાવતા આનંદ થાય છે કે આ બે માસમાં હોસ્પિટલમાંથી સારવાર લઇ સાજા થયેલા લોકોની સંખ્યા સિત્તેર હજાર છે. એમાંથી સાત હજાર ગ્રામ્ય વિસ્તારના દરદીઓ હતા. (પાનું બદલતા) હમણાં મેડિકલ સ્ટાફની નિમણૂંક હંગામી ધોરણે મહિને પંદર હજારનાં દરથી કરવી. આઈ.સી.યુ. બેડ, ઓક્સિજન, દવાઓ એમ્બ્યુલન્સનો કોન્ટ્રાક્ટ …. (સચિવ સામે જુએ છે. પાછળથી એક પત્રકાર બોલે છે. ) 

પત્રકાર : કેબિનેટ મિટિંગનું પાનું આવી ગ્યું લાગે છે. 

(બધાં હસે છે.)

મંત્રી : (એ પત્રકારને) તમારી પાસે પહેલા આવી ગ્યું લાગે છે!

(બધાં હસે છે.)

પત્રકાર : સરકાર મૃત્યુ આંક છુપાવી રહી છે એવું વિપક્ષ કહે છે.

મંત્રી : આક્ષેપ કરવા કરતાં તેઓ પ્રજામાં માસ્ક વિતરણ કરે ને તો ય દેશની સેવા થશે.

પત્રકાર બે : એવું જાણવા મળ્યું છે કે સ્મશાનમાં પણ ગેરરીતિઓ ચાલી રહી છે. ખાસ કરીને સાબરમતી સ્મશાન ગૃહનાં મેનેજર સામે આવા આક્ષેપો છે.

મંત્રી : એમ, મને ખબર નથી.

પત્રકાર ત્રણ : હરિશ્ચન્દ્ર કોસાંબી નામનાં મેનેજરે સરકારી રેકોર્ડ સાથે ચેડા કર્યા છે. લાંચ લઈને મહામારીમાં મૃત્યુનાં ખોટાં સર્ટિફિકેટ આપે છે. જેથી સરકારી લાભ મળી શકે.

મંત્રી : મને ખબર નથી. પણ જો એવું હશે તો ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. ચાલો … આભાર … તમે બધાં ચાં-નાસ્તો કરીને જજો. 

(પ્રકાશ ઝાંખો થાય છે. બધાં પાત્રો વિદાય લે છે. પ્રકાશ યથાવત થતાં સ્મશાન ભૂમિ પર હરિશ્ચન્દ્ર દેખાય છે. એ ખાઈ રહ્યાં છે સામે તારા ઊભી છે. સાયરનનાં અવાજો. બહાર પોલીસ ઉતરતી હોય એનાં બુટના અવાજો. કમિશ્નર પ્રવેશે છે.)

કમિશ્નર : હરિશ્ચન્દ્ર કોસાંબી.

હરિશ્ચન્દ્ર : જી, સાહેબ. 

કમિશ્નર : તમારી સામે સરકારી રેકોર્ડ સાથે ચેડાકરવાના, નોકરીમાં ગેરરીતિ આચરવાના. આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાના. ઉપરી અમલદાર પર હુમલો કરવાના. સરકાર ઉથલાવવાનું ષડયંત્ર ઘડવાના … આ બધાં ચાર્જીસ છે. 

હરિશ્ચન્દ્ર : (તારાને) જોયું? તને લાગતું હતું ને’ કે મારી પાસે નિર્બળ લાચાર સત્ય સિવાય બીજું કંઈ નથી? પણ જો, કેટલી બધી ક્ષમતાઓ છે મારામાં. 

કમિશ્નર : (આજુબાજુમાં જુએ છે. કુહાડી તરફ હાથ લંબાવી.) મુદ્દામાલ કબજે કરો અને હાથકડી નાખો.

હરિશ્ચંદ્ર : (કમિશ્નરને) સાહેબ, સત્યની પીછેહટ થઇ શકે છે પણ પરાજય ક્યારે ય નથી થતો. આવું ટાગોરે કહ્યું છે. 

(હરિશ્ચન્દ્રને હાથકડી પહેરાવાય છે. નરસીનું ભૂત જોઈ રહે છે. હરિશ્ચંદ્રને લઇ જવાતા હોય છે ત્યારે તારા એની પાછળ છે, પોલીસ કાફલો જાય છે.)

નરસી : સત્યનો તો ભારે ફજેતો થઇ રહ્યો છે. આ શામેન્દ્ર અને દામેન્દ્ર ક્યાં ગયા?

(એક પત્રકાર અને કેમેરાપર્સન પ્રવેશે છે. કેમેરા-પર્સન શોટ્સ લઇ રહ્યો છે . . નરસીનું ભૂત એમની આજુબાજુ ફરી રહ્યું છે.)

પત્રકાર : હરિશ્ચંદ્રના ક્લોઝપ્સ બરાબર લીધાં છે ને? 

કેમેરામેન : લો એન્ગલથી, એકદમ વિલન લાગે એવા. કેટલાંક પ્રોફાઈલ જેમાં એ પોલીસ સામે ખુન્નસથી જુએ છે.

પત્રકાર : શાબાશ … હવે અહીનાં શોટ્સ …

નરસી : એ વિલન નથી … એ ભલો માણસ છે … એકદમ સીધી લીટીએ ચાલનારો. મારો ઇન્ટરવ્યુ લો ને …. કાશ હું આમની સાથે વાત કરી શકતો હોત. આ લોકો મને સાંભળી શકતા હોત. મારું બોલવું કેવળ અરણ્યરુદન છે. પણ આ શામેન્દ્ર અને દામેન્દ્રએ તો અહિયાં હોવું જોઈએ ને, એમણે આવીને આ લોકોને ઇન્ટરવ્યુ આપવો જોઈએ. સાચો પક્ષ સામે રાખવો જોઈએ.

પત્રકાર : અને હા ત્યાં જુત્તા-ચપ્પલ ચશ્માં એવું જે વિખરાયેલું પડ્યું છે એનાં પણ કલોઝઅપ લે, ને’ પેલા લોહીના ડાઘ …

નરસી : એ લલવા, એ લોહી નથી કંકુ છે કંકુ … મૃતદેહ પર લગાવેલું …ને’ આ ચશ્માં ચપ્પલ એ બધું પણ …

પત્રકાર : આ બધાં પુરાવા છે એનાં હિંસક હોવાના. કાર્યકર્તાઓ જ્યારે હરિશ્ચંદ્ર પાસે ડેથ-સર્ટિફિકેટ અંગે રજૂઆત કરવા આવ્યા ત્યારે એણે કાર્યકર્તાઓ પર ખૂની હુમલો કર્યો હતો.

નરસી : થાય છે કે આમનાં કેમેરા તોડી નાખું … ખોપરી રંગી નાખું આમની …. પણ મારાથી કઈ નહીં થાય. (એની બિલકુલ સામે જઈ. તાળીઓ પાડતા)

 ધન્ય હો ધન્ય હો .. ધન્ય હો … તમે આને પત્રકારત્વ કહો છો? વાહ સાહેબ વાહ … તમે જૂઠને સત્યનાં વાઘા પહેરાવી રહ્યાં છો વાઘા …

પત્રકાર : (દૂર ચિંધતા.) ત્યાં જો .. શું છે?

નરસી : ટણપા એ કાલે એક બાવાજીની બોડી આવી હતી એની ચલમ છે …

પત્રકાર : લાગે છે આ માણસ ચરસ ગાંજા પણ ફૂંકતો હતો. પોલીસે નાર્કોટીક્સની કલમ પણ લગાવવી જોઈએ. ચાલો, સ્ટોરીનો મસાલો આવી ગયો. ઓ.કે. પેકઅપ.

નરસી : તારું મૂળ જાય, સત્યાનાશ વળે, તારી ઠાઠડીને ચાર કાંધિયા ય ન મળે … અરે તું જોજે ને તારું ક્યારે અને કેવું પેઅક્પ થાય છે. 

(પત્રકાર અને કેમેરાપર્સન જાય છે. નરસી ચિતા પર બેસી રડે છે. શામજી દામજી પ્રવેશે છે.)

શામજી : નરસી … એ નરસી … (ખભે હાથ મૂકે છે. નરસી ગુસ્સાથી ઝટકી દે છે).

દામજી : અરે ભાઈ, વાત તો કર.

(નરસી બે પગ વચ્ચે માથું મૂકી બેસી જાય છે.)

શામજી : નારાજ છે.

નરસી : તુલસીદાસ ખરું જ કહેતા તા’. 

ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, 

આપતકાલ પરખીયે  ચારી. 

ખરા છો, બચાડા કોસાંબી સાહેબને મુસીબતનાં સમયે એકલા મૂકીને ભાગી જાવ છો. ટોળાંએ હુમલો કર્યો ત્યારે ય તમે ન્હોતા. આજે પોલીસ એમને  સાવ ખોટા આરોપો લગાડી હાથકડી નાખીને લઇ ગઈ ને’ પેલાઓ એક રિયલ લાઈફ હીરોને વિલન તરીકે ચીતરીને ગયા …. ક્યાં હતા તમે?

દામજી : પેલા લાકડાના ભારા પડ્યા છે ને એની પાછળ ઊભા ઊભા રોતા હતા અમારી લાચારી પર.

શામજી : જોઈ રહ્યા હતા કે અમારા મુક્તિદાતાને, સત્યવાદી હરિશ્ચન્દ્રને સરેઆમ બેઆબરૂ કરીને લઇ જવાતો હતો. અમે ચૂપચાપ જોતા હતા.

દામજી : અરે જીવતા હોત તો એ કમિશ્નરને ઊભા ઊભા ડિસમીસ કરાવી દીધો હોત.

(નરસી ચોંકે છે.)

શામજી : ખાલી ખબર પડતને કે શામજીભાઈ ધામેલિયા અહીં બેઠા છે તો પોતાનો રસાલો બીજી બાજુ વાળી લેત અને મંત્રીને જઈને કહેત, સાહેબ, હાથ નાખતા પહેલા આપણે ફેર વિચારણા કરવી જોઈએ. સત્તા તો આજે છે ને’ કાલે નહીં હોય. પણ જો શામજી ધામેલિયાએ દાઢમાં ઘાલ્યા ને’ તો ભારે પડશે આપણને. (સહેજ થોભીને) પણ આ લાચારી જ અમારી સજા છે .. અમને એ ભાન કરાવાઈ રહ્યું છે કે અમે સત્તામાં હતા ત્યારે અમે લોકોને કેવા લાચાર બનાવ્યા હતા. પોતાનાઓના દરેકેદરેક મોટામાં મોટા અપરાધને છાવરવાના અને કીડીને કોશનાં દામ દેવાના. અમને પળેપળ એ અહેસાસ કરાવાઈ રહ્યો છે કે સત્યની અવહેલના, સત્યની ઉપેક્ષા, સત્યનું અપમાન કેવી પીડા આપે છે. મર્યા પછી પણ જીવને શાતા નથી મળતી.

દામજી : આના કરતાં અમને રવરવ નરકમાં નાખ્યા હોત ને’ તો ય સારું હતું.

નરસી : હું સમજ્યો નહીં … તમે કોણ છો?

શામજી : અમે માણસ નથી, નરસી …

(નરસી ચોંકે છે.)

નરસી : તમે માણસ નથી? 

શામજી : અમે માણસ નથી. ભૂત છીએ અમે, નરસી ..

નરસી : એટલે તમે પણ મારી માફક ભૂત છો માણસ નથી? 

દામજી : અરે તારો તો મોક્ષ થઇ ચુક્યો છે. તું તો સ્વેચ્છાએ આ મહામારીમાં અમને મદદ કરવા ભૂત સ્વરૂપે આ સ્મશાનમાં રોકાયો છો. 

શામજી : પણ અમે શાપિત ભૂત … વીસ વીસવરસથી આ સ્મશાનમાં ખીજડાનાં ઝાડ પર ચામાચીડિયા સાથે લટકીને રહેનારા અવગતિયા શાપિત આત્મા … જે મુક્તિની વાટ જોઈ રહ્યા છીએ.

(નરસી એમની સામે જોઈ રહે છે.) 

દામજી : અમને શાપ મળ્યો છે કે જ્યારે અમે કોઈ ખરા સત્યવાદીની સાથે રહીને અમારાં દુષ્કર્મને ભારોભાર સત્કર્મ કરીશું. 

શામજી : સત્યની સ્થાપનામાં સહાયરૂપ બનીશું.

દામજી : ત્યારે અમારો મોક્ષ થશે. એ શાપમુક્તિ માટે અમને મનુષ્ય રૂપ ધારણ કરવાનો આ અવસર મળ્યો છે. એટલે જ અમે તને જોઈ શકીએ છીએ.

શામજી : શામેન્દ્ર કે દામેન્દ્ર  કોઈ છે જ નહીં.

દામજી : નર્યું છળ છે છળ … હરિશ્ચંદ્રની સાથે પણ છળ જ રચ્યું છે.

શામજી : અમારાં મોક્ષ માટે. તને મદદ કરવી.

દામજી : કે બીજાં સારા કામ .. અમારું પ્રાયશ્ચિત જ છે. હકીકતે અમારી કોઈ હસ્તી છે જ નહીં. 

નરસી : ખરી લાચારી છે, હરિશ્ચંદ્રના જૂજ  સમર્થક, ને’ એ પણ ભૂત, જે ન કોઈને કંઈ કહી શકે. ન પોતે કંઈ કરી શકે. આપણી તો આ દુનિયામાં કાયદેસરતા ખત્મ થઇ ગઈ છે. એક્સપાયરી ડેટ પાર કરી ચૂકેલાં નકામા સમાન જેવા. 

દામજી : જેમને આ જૂઠ અને ફરેબના ખેલમાં મરતા હરીશ્ચન્દ્રોને લાચારીથી જોયે રાખવાના છે.

નરસી : ત્યાં જે જીવતા જાગતા ચૂપચાપ બેઠા છે અને આ ખેલ જોઈ રહ્યાં છે એ પણ ભૂત જ છે ને? ખૈર, એ લોકો કંઈ કરે કે ન કરે. આપણે જરૂર કંઇક કરીશું ? પણ પેલી બાજુની દુનિયા અને આ બાજુની દુનિયા વચ્ચે એણે એક અદૃશ્ય સીમા આંકી છે. એની મરજી વિના નથી કોઈ ત્યાંથી અહીં આવી શકતું કે નથી અહીંથી ત્યાં જઈ શકતું. 

શામજી : એ જ આમાંથી કંઇક રસ્તો કાઢશે.

(યુવાન-યુવતી અને બીજાં બે જોડકાં. નવરાત્રીના પોશાકમાં ગાતાં ગાતાં પ્રવેશ કરે છે.)

યુવા કોરસ : હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, આ આંખલડી રાતી રે ઉજાગરો શાને કીધો? ….

નરસી : લ્યો આ નવી કિસમનાં નીરો આવ્યાં .. વગાડો તમે પણ વાંસળી ..

(શામજી દામજીને નજીક આવતાં જોઈ)

યુવાન : શું છે અંકલ .. નવરાત્રી આવી પણ ગરબા બંધ છે … પાર્ટી પ્લોટ તો છોડો શેરી ગરબા ઉપર પણ બેન છે. મેં આ બધાને કહ્યું ચાલો આપણી સિક્રેટ જગ્યા પર.

એક યુવતી : અંકલ આ તમારું રિસોર્ટ છે?

યુવાન : એ આઇટમ, આ રિસોર્ટ નહીં … સ્મશાન છે … હું હા હાહા … ક્યારે ય બંધ ન રહેનારી જગ્યા … પણ આજે તો અહીં પણ તાળા વાગી ગયા. બે તમે કોઈ દા’ડો સમશાનમાં કોભાંડ સાંભળેલું? નહીં ને! અહીનાં મેનેજરે કરી નાખ્યું.

શામજી : એ તદ્દન ખોટી વાત છે.

યુવાન : અંકલ … બધાં છાપાં અને ચેનલો ઉપર આની જ ચર્ચા છે ને’ તમે કહો છો ખોટી વાત છે. બે એ મેનેજરનું નામ પાછું હરિશ્ચંદ્ર હો … એણે સ્મશાનના રેકોર્ડ સાથે ચેડા કર્યા છે. અને એક ચેનલે નહીં અનેક ચેનલે એનાં કારનામાઓની ન્યુસ સ્ટોરી કરી છે.

શામજી : યસ … ન્યુસસ્ટોરી કરી છે … અનેક ચેનલોએ … તમને  ટેલિવિઝનનાં પડદા ઉપર ચોક્કસ બદઈરાદાઓ સાથે તૈયાર કરીને બતાવવામાં આવતી સ્ટોરી સાચી લાગે છે, પણ આંખ સામે પડેલું લોહીલૂહાણ સત્ય દેખાતું નથી. આંખો ખોલો દોસ્તો, નહિતર બહુ મોડું થઇ ગયું હશે, ક્યાંક એવું ન બને કે ફરેબ એટલો મજબૂત બની જાય કે તમારી પાસે એમાં સામેલ થવા સિવાય કોઈ રસ્તો જ ન બચે.

દામજી : હરિશ્ચંદ્રે મહામારીના રેકોર્ડ સાથે ચેડા કર્યા એ ખોટી વાત છે. મહામારીના મૃત્યુ આંક સાથે ચેડા તો ઉપર બેઠેલા લોકો કરે છે. આણે તો ના પાડી અને એટલે ….

યુવાન : દુનિયા આખી ખોટી અને તમે સાચા? એ લોકો આંકડા સાથે વાત કરે છે.

શામજી : એ આંકડા ખોટા છે. 

યુવાન : તમે  તો એમ કહો છો જાણે સાચા આંકડા તમારાં ખિસ્સામાં હોય!

શામજી : છે મારા ખિસ્સામાં … (ડાયરી કાઢે છે.) આ રહ્યાં … જૂઓ … અને આ પ્રચારિત કરવામાં આવે છે એનાં પર આંખ બંધ કરીને ભરોસો કરવાને બદલે જાતે થોડી ખણખોદ કરશો ને તો દરેક જગ્યાએ છીંડું શોધતા પોળ હાથ લાગશે. ખરેખર તો હરિશ્ચંદ્ર એક સત્યનિષ્ઠ ઈમાનદાર અને કર્મઠ માણસ છે.

યુવતી : જેની વીસ વર્ષમાં આડત્રીસ ટ્રાન્સફર થઇ છે ને’ ત્રણ વાર સસ્પેન્ડ થયો છે.

દામજી : તમને આ સાંભળીને આશ્ચર્ય નથી થતું? 

યુવાન : શું કામ થાય?

શામજી : તું આ ચિઠ્ઠી વાંચ.

(યુવાન શામજીની આપેલી ચિઠ્ઠી વાંચે છે. યુવતી ડાયરી તપાસે છે.)

યુવાન : માય ગોડ … આ તો સુસાઇડ નોટ છે..આ માણસનો એ જ ગુનો છે કે તે સાચો છે. એની સત્યનિષ્ઠા બધાને આડે આવતી હતી. એનાં કારણે દરેક જગ્યાએ ભ્રષ્ટાચારની ચેઈન તૂટતી હતી અને એટલે …. માય ગોડ એણે પોતાના છોકરાનાં ડેથ-સર્ટિફીકેટમાં કોરોનાથી મર્યો છે એવી વિગત નોંધવાની ના પાડી  હતી. 

યુવતી : આ ડાયરીમાં નામ સરનામાં સાથે આ સ્મશાનમાં મહામારીને લીધે મર્યા, અને જેમનો અગ્નિદાહ થયો છે એમની પૂરી વિગત છે. અને સરકારી આંકડા તો કંઈક જુદું જ કહે છે.

શામજી : સત્યની હત્યા થઇ રહી છે.

યુવાન : અંકલ .. તમે આ ડાયરી, આ ચિઠ્ઠી મને આપી શકો? 

દામજી : આ છેલ્લા પુરાવા છે, દીકરા.

યુવાન : બે અંકલ તમે જોયા કરો … કાલ સવાર સુધીમાં ભડાકા શરૂ થયા સમજો .. સાલું આઝાદી લોકશાહી બંધારણ નાગરિક અધિકાર આ બધાની તો ….

યુવતી : આજે સાતમું નોરતું છે .. ત્રણ દિવસ પછી વિજય દશમી …

યુવતી : (ગરબો શરૂ કરે છે. બધાં ઊભા ઊભા વીરરસ પૂર્વક ગરબો ગાય છે.)

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર …

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર.

લીલે ઘડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર,

રાંદલ માવડી રે રણેચડ્યા મા સોળ સજી શણગાર …

રમજો રમજો રે જોગણીઓ તમે રમજો આખી રાત.

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર …

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર.

(પ્રકાશ લુપ્ત થાય છે. તીવ્ર સંગીત સાથે મંચ પર પ્રકાશ થાય છે. મંચ પર તારા અને પત્રકાર, કેમેરામેન તથા યુવાનો ઊભા છે.)

વિશ્વરંજન : (તારા અને કેટલાંક યુવાનો સાથે ઊભાં છે. એક કેમેરામેન કવરેજ કરે છે.) સતીશ, હું અત્યારે હરિશ્ચંદ્ર કોસાંબીનાં ઘર પાસે છું. ઘરનાં બારણે એક કોટેશન લખેલું છે. ‘એક વ્યક્તિના અભિપ્રાયનું મહત્ત્વ અનેકોના અભિપ્રાયથી પણ વધારે આંકી શકાય, જો એ અભિપ્રાયમાં ઔચિત્ય હોય, મારી દૃષ્ટિએ આ જ સાચું લોકતંત્ર છે.’ મો.ક.ગાંધી. અહીં હરિશ્ચંદ્રના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયાં છે મારી સાથે એમનાં પત્ની તારા કોસાંબી છે. તો તારાબે’ન, તમારા પતિ પર આવકથી વધારે સંપત્તિનો પણ આરોપ છે.

તારા : મને જૂઓ, મારા ઘરને જૂઓ. આવક કરતાં તો નહીં પણ જો આવક કરતાં ઓછી સંપત્તિ માટેનો કોઈ કેસ હોય તો એમનાં પર જરૂર પુરવાર થાય. કેમ કે એમનાં પગારની ઘણીખરી રકમ તો પગાર ઘેર આવતાં પહેલા વપરાઈ જાય છે.

વિશ્વરંજન : કોઈ ખરાબ આદત.

તારા : આજની દુનિયાની સહુથી મોટી ખરાબ આદત.

વિશ્વરંજન : કોઈ નશો કરે છે કે શું?

તારા : બહુ મોટો નશો.

વિશ્વરંજન : શેનો.

તારા : સત્યનો! હા, એમને સત્યની લત લાગી હતી. આજના સમયમાં તો લત જ કહેવાય. ખુવાર થઇ ગયા એમાં. પણ મને ગર્વ છે કે હું હરિશ્ચંદ્રની પત્ની છું. એ હરિશ્ચન્દ્રની જે સત્ય માટે માત્ર મરવા જ નહીં પણ લડવા તૈયાર છે. સાબરમતી સ્મશાનનો સાચો મૃત્યુ આંક જાહેર ન થાય એટલે પહેલા સરકારે મારા પતિને એમની ઈચ્છા પ્રમાણે રજીસ્ટર તૈયાર કરવા સમજાવ્યા, એ ન માન્યા એટલે કાર્યકર્તાના સ્વાંગમાં આવેલાં ગુંડાઓ પાસે સ્મશાન પર હુમલો કરાવ્યો, એમને માર્યા અને  રેકોર્ડનો નાશ કરાયો. તેમ છતાં ન માન્યા એટલે આવા મનઘડંત આરોપો લગાડી એમને જેલમાં પૂર્યા. આ લડાઈ મોટા અવાજે જુઠ્ઠું બોલતા અસંખ્ય લોકો અને ધીમા અવાજે સત્યને વ્યક્ત કરવા મથતા જૂજ લોકો વચ્ચેની છે.

યુવાન : અને તો ય સાચી સ્મશાન યાદી બહાર આવી છે.

યુવતી : તમામે તમામ અખબારો અને સોશ્યલમીડિયા પર ઉપલબ્ધ છે.

યુવાન : તારીખ, નામ સરનામાં સાથે. અને આ માહિતી અમે ચેનલ્સની ન્યુસ સ્ટોરીઝમાંથી નથી મેળવી. અમે જાતે દવાખાનાઓ, સ્મશાન, અને બીજાં સરકારી રેકોર્ડઝમાંથી ખાતરીપૂર્વક તપાસીને એકઠી કરી છે .. સરકારે ખરાઈ કરવી હોય તો કરી લે. કાલથી અમે પુરાવા સાથે રોજે રોજ આવી માહિતી રજૂ કરીશું.  

વિશ્વરંજન : એક તરફ આ યુવાનો છે બીજી તરફ દેશભરના બોદ્ધિકો, સાહિત્યકારો તથા કલાકારો હરિશ્ચંદ્રનાસમર્થનમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આવનારા દિવસોમાં સરકારની મુસીબતો વધવાની હોય એવું લાગે છે. કેમેરામેન મુથ્થું સાથે વિશ્વરંજન સચ્ચા ટી.વી.. 

(પત્રકાર અને તારા જાય છે. યુવાનો ઢોલ વગાડતા મંચની મધ્યમાં આવે છે.)

કોરસ : પ્રશ્ન ઉઠાવો. પ્રશ્ન ઉઠાવો, પ્રશ્ન ઉઠાવો ..

(એક ડોસો ત્યાંથી પસાર થાય છે.)

કોરસ : પ્રશ્ન ઉઠાવો. પ્રશ્ન ઉઠાવો પ્રશ્ન ઉઠાવો .. પ્રશ્ન ઉઠાવો

ડોસો : (એ જ લયમાં)અરે આગળ તો ચાલો …

કોરસ : પ્રશ્ન ઉઠાવો. પ્રશ્ન ઉઠાવો પ્રશ્ન ઉઠાવો ..

ડોસો : હું? હું પ્રશ્ન ઉઠાવું?

કોરસ : હા, હા, તમે  પ્રશ્ન ઉઠાવો.

ડોસો : રસ્તો છે ત્યાં ખાડો શાને?

દુબળા માથે જાડો શાને?

ગોપૂજાની વાત બરાબર,

સાથે પૂજવો પાડો શાને?

કોરસ :  વાહ રે દાદા વાહ.

(ડોસા કોરસનો ભાગ બની જાય છે)

કોરસ : પ્રશ્ન ઉઠાવો … પ્રશ્ન ઉઠાવો પ્રશ્ન ઉઠાવો.

કોરસ : પ્રશ્ન ઉઠાવો… પ્રશ્ન ઉઠાવો પ્રશ્ન ઉઠાવો …

કોરસ : સતવાદી છે અંદર શાને?

સિસ્ટમમાં આ પંચર શાને,

બંધારણ પણ નેવે મૂકે,

એવું પોકળ તંતર શાને?

(પોલીસ સાયરનનાં અવાજો. બે પોલીસ આવે છે.)

ઇન્સ્પેક્ટર : (યુવાનો તરફ આગળ વધતા) જૂઓ એક તો તમે કોવીડ ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યાં છો . રસ્તામાં અડચણ ઊભી કરો છો. ધારું તો ઘણી બધી કલમ લગાડી બધાને અંદર કરી દઉં. પણ નાહકનાં સંઘર્ષથી સહુને નુકસાન થાય. 

યુવાન : વિરોધ કરવો અમારો અધિકાર છે.

ઇન્સ્પેક્ટર : કટોકટીની સ્થિતિ પૂરતાં એ અધિકારો સ્થગિત થઈ જાય છે, દોસ્ત.

યુવાન : સરકારે કટોકટી ઘોષિત નથી કરી.

ઇન્સ્પેક્ટર : તમે મારી વાતનો રાજકીય અર્થ લઇ રહ્યા છો. આજે જ્યારે રોજેરોજ પાંચ લાખ જેટલા કેસ આવતા હોય, રોજનાં પાંચ-દસ હજાર લોકો મરતાં હોય એ સ્થિતિ કટોકટી ભરી કહેવાય કે નહીં?

યુવાન : એટલે એની આડમાં સત્ય અને સત્ય માટે ઝઝૂમતાં લોકોને ય ઠેકાણે પાડી દેવાના? 

ઇન્સ્પેક્ટર : મારે કાયદો અને વ્યવસ્થા જાળવવા તમારી ધરપકડ કરવી પડશે.

કોરસ : પ્રશ્ન ઉઠાવો … પ્રશ્ન ઉઠાવો પ્રશ્ન ઉઠાવો …

 (અચાનક ચહેરા પર રંગીન ચિત્રામણવાળી એક વ્યક્તિ આવે છે. કોઈ કંઈ સમજે તે એ પહેલા હવામાં ફાયર કરે છે. ભાગી જાય છે. સાયરનો અને લાઠીચાર્જ ફાયરીંગના ધ્વનિ સાથે મંચ પર અંધકાર ફરી પ્રકાશ થાય છે. ચિતા પર નરસી બેઠો છે.)

નરસી : (ખૂબ હસે છે. જાણીતાં પ્રાચીન ભજનને વ્યંગમાં ગાય છે.) રામબાણ વાગ્યાં હોય તે જાણે, હરિનાં બાણ વાગ્યાં હોય તે જાણે … તો માનવીય મૂલ્ય કે બંધારણીય અધિકાર માટે ચાલતી દરેક લડતનો એક હાથવગો ઈલાજ (રામની જેમ તીર ચલાવવાની મુદ્રા) રામબાણ (ફરી હસે છે. કૂતરાં ભસવાના અવાજો, ગાડી થોભવાનો અવાજ. ઇન્સ્પેકટર હવાલદાર અને યુવાન હાથકડી સાથે પ્રવેશે છે.)

નરસી : અરે આ તો કાયદેસર ખૂન  કરતો હત્યારો સજ્જન સિંહ …

હવાલદાર : હાથકડી ખોલું, સાહેબ.

યુવાન : તમે એક બેકસૂર નાગરિકને આ રીતે બેરહેમીથી …

ઇન્સ્પેકટર : (નાક પર આંગળી મૂકી) શીઇઇશ …. બેકસૂર નાગરિકો પોતાનાં ઘરમાં શાંતિથી ઊંઘી રહે છે, તમારી જેમ સડક પર નથી આવતા …

(ઇન્સ્પેકટર પિસ્તોલ કાઢે છે. હવાલદાર યુવાનની હાથકડી ખોલે છે. ઇન્સ્પેકટરના ચહેરા પર કુટિલ સ્મિત.)

યુવાન : તમે કાયદાની રક્ષા કરવાને બદલે કાયદાનો દુરુપયોગ …

ઇન્સ્પેકટર : (કંઈક વિચારે છે. પછી) ઓકે … પરફેક્ટ … આપણે સત્યવાદી હરિશ્ચંદ્ર માટે ચાલતા આંદોલનમાં થયેલી હિંસામાં રાષ્ટ્ર વિરોધી તત્ત્વોની સંડોવણી અંગે તપાસ માટે આને લઈને અહીં (ઘડિયાળ જોતાં) રાતે અગિયાર વાગે આવેલા …

યુવક : કોર્ટ પૂછશે કે રાતે અગિયાર વાગે જ કેમ લાવ્યા, તો?

ઇન્સ્પેકટર : (હસે છે, કોર્ટમાં જવાબ આપતો હોય તેમ અદબથી) એ એટલા માટે નામદાર કે દિવસે લાવત તો બની શકે કે આરોપીને છોડાવવા એના સાથીદારો તોફાન કરે અને એમાં નિર્દોષ નાગરિકોના જાનમાલનું નુકસાન થાય, અને નામદાર આજકાલ તો આવા રાષ્ટ્રદ્રોહનાં આરોપીઓને તપાસ માટે લઈ જતાં એ પણ ધ્યાન રાખવું પડે છે કે તેઓ જનાક્રોશનો ભોગ ન બને, (પછી પોતાના મૂળ અંદાજમાં) ખુશ! (હવાલદારને) તો આપણે આને રાતે અગિયાર વાગે લાવ્યા.. 

(પોતાનાં ખિસ્સામાંથી એક બીજી પિસ્તોલ કાઢી અચાનક યુવાન સામે ફેંકે છે, યુવાન અજાણપણે એને કેચ કરી લે છે. ઇન્સ્પેકટર એ જ સમયે પોતાની પિસ્તોલ એની સામે તાકે છે. નરસીનાં ગળામાં જાણે ચીસ ફસાઈ જાય છે. એ ચિતા પર ઊભો છે. ઇન્સ્પેકટર પિસ્તોલ લઇ ઊભો છે. હળવા સંગીત સાથે ચિતા ઉપર ભૂતનું કોરસ પ્રકટ થાય છે.)

ભૂતનું કોરસ : (ધીમા સ્વરે ગાય છે)  હરિશ્ચંદ્રનો દરબાર ….

                                  આ છે હરિશ્ચંદ્રનો દરબાર .. 

                     સરહદ પૂરી થાય જૂઠની …. પડ્યો રહે શણગાર … 

હવાલદાર : આ સાહેબ કેમ આમ ભૂત ભાળ્યું હોય એમ કેમ ઊભા રહી ગયા?

ભૂતનું કોરસ : સહુની ભીતર હરિશ્ચંદ્ર છે, કોઈ ન એને સુણતા,

સાચની વેદી પર બેસીને જૂઠના મંતર ભણતા,

ભીતરનો જે સાદ સાંભળે એનો બેડો પાર.

(યુવાન મોત સામે ભાળી ખૂબ ગભરાયેલો છે. વાતાવરણમાં સન્નાટો.)

હવાલદાર : સાહેબ ગોળી ચલાવો …. સાહેબ ગોળી ચલાવો ….

ભૂતનું કોરસ : (ધીમા સ્વરે ગાતું ગાતું મંચ છોડી જાય છે.)  હરિશ્ચંદ્રનો દરબાર ….

                                  આ છે હરિશ્ચંદ્રનો દરબાર .. 

                     સરહદ પૂરી થાય જૂઠની …. પડ્યો રહે શણગાર … 

ઇન્સ્પેકટર : (માથા ઉપર આવેલો પરસેવો રૂમાલથી લૂછે છે. હજુ પિસ્તોલ તાકેલી છે. હળવેથી આગળ વધે છે. યુવાનની બિલકુલ સામે આવે છે. યુવાન આંખો બંધ કરી દે છે. ઇન્સ્પેકટર એના હાથમાંથી પિસ્તોલ લઇ લે છે, એને ધક્કો મારે છે.) જા, જતો રહે ….

હવાલદાર : સાહેબ … આ તમે શું કરી રહ્યાં છો?

 (યુવાન હજુ જમીન પર પડ્યો છે. ઇન્સ્પેકટર એને ઊભો કરે છે.)

ઇન્સ્પેકટ ર: જા ભાઈ … આ તપાસ અહીં પૂરી થાય છે .. હું મારી રીતે કેસની સમરી ભરી દઈશ.

યુવાન : (ડરતા ડરતા) ના, મને ખબર છે તમે મારી પીઠમાં ગોળી મારશો … પછી સમરીમાં લખશો કે કેદીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશિશ કરી અને એમાં ઠાર મરાયો … એક ગોળી પગમાં … બીજી પીઠમાં અને મારો ખેલ ખતમ!

ઇન્સ્પેકટર : કઈ નવલકથામાં આ વાંચ્યું છે આ?

યુવાન : હજાર ચોર્યાશીની મા … મહાશ્વેતાદેવીની નોવેલ છે .. એમાં પોલીસ ક્રાંતિકારી યુવાનોને આ જ રીતે નક્સલવાદીમાં ખપાવી …..

ઇન્સ્પેકટર : (હસે છે) ચાલીસ વરસ પહેલાંની વાત છે એ … દુનિયા હવે ત્યાંથી પણ આગળ નીકળી ગઈ છે. ચલ, તું નીકળ હવે. જા કહું છું.

યુવાન : (જતાં જતાં) ઠીક છે, પણ કાલે પાછા અમે પ્રોટેસ્ટ કરીશું જ ..

થેન્ક્યુ સર ..

(યુવાન જાય છે. હવાલદાર જોઈ રહે છે.)

હવાલદાર : સાહેબ .. આપણે ઉપરવાળાને  જવાબ આપવો ભારે થઇ પડશે.

ઇન્સ્પેકટર : અત્યારે અંદરવાળાને જવાબ આપવાનો હતો.

(નરસી નીચે ઊતરી તાળીઓ પડે છે. પ્રકાશ લુપ્ત. ફરી પ્રકાશ થાય છે ત્યારે હરિશ્ચંદ્રને કેદી તરીકે પોલીસ દોરડાં બાંધી ફેરવી રહી છે, કોરસ ગીત ગાય છે.)

ગીત : ન્યાયની ચક્કી પીસે હોજી રે,

ન્યાયની ચક્કી પીસે.

સત કે અસત્ ન દીસે હોજી રે,

સત-અસત ન દીસે …..

બળિયાને માટે એ ખોલે છે બારી,

હાકેમ સામે એ બનતી  સન્નારી,

સીધાને સટસટ પીંજે હોજી રે,

સોટીથી સટસટ પીંજે …..

ન્યાયની ચક્કી પીસે હોજી રે,

ન્યાયની ચક્કી પીસે.

સત  કે અસત્ ન દીસે હોજી રે,

સત કે અસત ન દીસે …..

(હરિશ્ચંદ્ર કોર્ટનાં પાંજરામાં ઊભો છે. સામે ન્યાયધીશ છે.)

હરિશ્ચંદ્ર : મને આમ દોરડેથી બાંધીને ક્યાં સુધી ફેરવવામાં આવશે, સાહેબ? મારો અપરાધ શું છે? એ જ ને કે હું જે ખુરશી પર જે કામ માટે બેઠો હતો એ કામ પૂરેપૂરી નિષ્ઠાથી કરતો હતો. પણ સાહેબ, મને એ માટે રાખવામાં આવ્યો હતો. એ માટે તો મને પગાર આપવામાં આવતો હતો. 

વકીલ : મિલોર્ડ, અપરાધી કોર્ટને આડે પાટે ચડાવે છે.

હરિશ્ચંદ્ર : સાહેબ, મારી તો જિંદગી આ લોકોએ આડે પાટે ચડાવી દીધી છે. ખોટાં આળ મૂકીને.

વકીલ: તમારાં પર …. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવાના, નોકરીમાં ગેરરીતિ આચરવાના. આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાના. ઉપરી અમલદાર પર હુમલો કરવાના. સરકાર ઉથલાવવાનું ષડયંત્ર ઘડવાના આ બધાં ચાર્જીસ છે.

જજ : બે મહિના થયા,પોલીસ તપાસ ચાલે છે. એક પણ આરોપ સાચો પુરવાર નથી થયો.

વકીલ : પણ ખોટો ય પુરવાર નથી થયો મિલોર્ડ. આરોપી શકના દાયરામાં છે. અને ત્યાં સુધી એને છોડી ના શકાય.

હરિશ્ચંદ્ર : સાહેબ, હું એક બહુ મોટી વિસંગતીનો શિકાર બન્યો છું. મારી જેમ બીજાં અનેક લોકો બનતા હશે. હું જે વ્યવસ્થામાં કામ કરું છું એને હું સમજી જ નથી શકતો, મેં જાતે રેકોર્ડમાં કોઈના નામની હ્ર્સ્વ-ઈ કે દીર્ઘ-ઈ ખોટી લખી હોય તો ય મારી સામે ખાતાકીય તપાસ થાય છે અને મારી બઢતી મારાં ઇજાફા બધું રોકી દેવાય છે. 

જ્જ : એમાં ખોટું શું છે? વ્યવસ્થા યોગ્ય રીતે ચાલે તે જોવું સરકારની ફરજમાં આવે છે, મિસ્ટર હરિશ્ચંદ્ર કોસાંબી.

હરિશ્ચંદ્ર : આપે એકદમ ખરું કહ્યું, સાહેબ, પણ એ જ સરકાર જ્યારે મને ખોટાં રેકોર્ડ ઊભા કરવા કહે છે અને હું નથી કરતો તો’ મારાં પર આવા નિરાધાર આરોપ મૂકી મારી સતામણી કરે છે, સાહેબ. 

વકીલ : મિલોર્ડ, આરોપી સરકાર પર જે આરોપ લગાવે છે તે સાચા નથી.

જ્જ : હા, પણ એ ખોટા પુરવાર પણ નથી થયા.

હરિશ્ચંદ્ર : સાહેબ, એક કોવીડ નાયટીન નામનો વાયરસ શું આવ્યો … એણે આ સિસ્ટમમાં  દાયકાઓથી ઘર કરી ગયેલા અનેક ખતરનાક વાયરસોને આપણી સામે વરવામાં વરવા રૂપે છતાં કરી દીધા. હજૂર, હું બહુ નાનો માણસ છું. પણ અત્યારે જનતા પારાવાર મુસીબતોનો સામનો કરી રહી છે. હું એમ નથી કહેતો કે સરકાર કામ નથી કરતી, પણ સરકારે અત્યારે પોતાની ઈમેજમેન્ટેઇન કરવાની કે મારા જેવાઓને ઠેકાણે પાડવાની પ્રવૃત્તિ છોડી બધી શક્તિ અને બધાં સંસાધન મહામારી સામે લડવામાં કામે લગાડવા જોઈએ. 

વકીલ : મિલોર્ડ, આપ જોઈ રહ્યા છો કે આરોપી સરકારને સલાહ આપી રહ્યા છે.

જ્જ : એ એમનો નાગરિક અધિકાર છે, બેરિસ્ટર મહેતા … લાગે છે તમે સરકારના કેસ લડતા લડતા નાગરિક અધિકાર ભૂલી ગયા છો?

વકીલ : એવું નથી મિલોર્ડ, આરોપી નાગરિક અધિકારની આડ લઇ રહ્યા છે. તાજેતરમાં હરિશ્ચંદ્ર કોસાંબીનાં સમર્થનમાં જે  વિરોધ પ્રદર્શનો થયા એમાં દેશદ્રોહી તત્ત્વો …

જ્જ : બહુ થયું બેરિસ્ટર મહેતા, હવે … કોર્ટને વધુ શરમજનક સ્થિતિમાં ન મૂકો. તમે યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને, સાહિત્યકારોને, કલાકારોને તો ક્યારેક આ હરિશ્ચંદ્ર કોસાંબી જેવા સાવ સાધારણ સરકારી કર્મચારીને દેશદ્રોહની કલમો લગાવીને અમારી સામે ઊભા કરી દો છો. નાગરિકનો ન્યાયની પ્રક્રિયા પર વિશ્વાસ ટકી રહે એનું ધ્યાન રાખો. આ કેસમાં કોઈ ઠોસ પુરાવા છે?

વકીલ : મિલોર્ડ, જો નામદાર કોર્ટ થોડો વધુ સમય આપે તો અમે …

જ્જ : નો, બેરિસ્ટર મહેતા, ઇનફ ઇઝ ઇનફ … આ કોર્ટ હરિશ્ચંદ્ર કોસાંબી પરના બધા આરોપોને નિરાધાર માની નિરસ્ત કરે છે અને સત્વરે એમને છોડી મૂકવા આદેશ આપે છે. કોર્ટ એમને ફરીથી  સસંમાન નોકરી પર એ જ સ્થાન અને હોદ્દા પર લેવા માટે પણ સરકારને તાકીદ કરે  છે. આ કોર્ટ નોંધે છે કે સરકાર સાથે અસહમત થવું, સરકારનો વિરોધ કરવો એ કોઈ અપરાધિક શ્રેણીમાં આવતું કૃત્ય નથી પણ નાગરિક અધિકાર છે. (જ્જ હથોડો પછાડે છે. બહારથી ઢોલ વાગવાના અવાજો. પ્રકાશ લુપ્ત. પ્રકાશ થાય યથાવત થાય છે ત્યારે શામજી દામજી અને નરસીનું ભૂત દેખાય છે. ત્રણે ઉત્સાહમાં છે.)

શામજી : હમણાં હરિશ્ચંદ્ર સાહેબ, આવશે,  દામજી તું  કલ્પના નહીં કરી શકે કે મને કેટલો આનંદ થાય છે … મર્યા પછી કદાચ વીસ વર્ષે આજે હું આટલો બધો ખુશ છું …. આટલો ખુશ તો હું ત્યારે ય નહોતો થયો જ્યારે હું પહેલીવાર ધારાસભાની ચૂંટણી જીત્યો હતો … આ જીત જ અનોખી છે …

દામજી : હા, એમાં તલભારે ખોટું નથી થયું,

શામજી : આ જુવાનિયાઓએ જબરું કામ કર્યું.

દામજી : અને લેખકોએ નહીં?

શામજી : (થોડીવાર ચૂપ) લેખકડાઓએ રંગ રાખ્યો .. સેલ્યુટ. સાહેબ, પણ આપણાં કામથી ખુશ તો થશે જ, નહીં?  

નરસી : (ફૂલોની ટોપલી બતાવતા) હું તો આ બધાં ફૂલ એમના પર વસાવીશ.

દામજી : અને એમને આ ભૂત  દેખાશે નહીં એટલે કહેશે, શામજી, આ ફૂલ ક્યાંથી ટપક્યાં?

શામજી : હું કહીશ .. ઉપરથી દેવો વરસાવી રહ્યાં છે …  સત્યનો વિજય થયો છે એટલે …

(સાયરન. તારા અને યુવાનો પી.પી.ઈ. કીટમાં એક બોડી લઈને ધીમાં પગલે આવે છે. બધાં જોઈ રહે છે.)

શામજી : આ આ આ …

તારા : હરિશ્ચંદ્ર કોસાંબી … સદ્દગત …

(બે ઘડી સોપો પડી જાય છે.)

દામજી : ઓહ … નો …

યુવાન : આજે સવારે જેલ ઓથોરિટીએ અમને કહ્યું કે એમને અને બીજાં પાંચ કેદીઓને ચેપ લાગ્યો હતો ને’ છેલ્લાં ત્રણ દિવસથી એ બધાંને  જેલમાં ઊભા કરાયેલા આઇસોલેશન વોર્ડમાં રાખ્યાં હતાં.

યુવતી : સમજવા જેવું છે કે કોર્ટે ત્રણ દિવસ પહેલાં એમને છોડી મૂકવાનો ચુકાદો આપ્યો અને આજે પી.પી.ઈ. કીટમાં  લપેટીને ….. હત્યા છે આ … પણ આ પહેલી હત્યા નથી … છેલ્લી પણ નહીં હોય. સત્ય, ન્યાય સમાનતા લોકતાંત્રિક અધિકારો … આ બધા માટે લડનારા અત્યારે જ નહીં, હંમેશાંથી મરાતા આવ્યા છે. ક્યારેક કોઈને શેરી વચ્ચે સરેઆમ રહેંસી નાખવામાં આવ્યા છે. ક્યારેક કોઈ બદહાલી, ઉપેક્ષા આક્ષેપ અને અપમાનથી થાકી જઈને આત્મહત્યા કરી જીવ આપી ચૂક્યા છે. .. કયારેક કોઈને  ગોળી ધરબીને  શાંત કરી દેવાયા  છે … (યુવાનના ખભે માથું મૂકી દે છે.)

યુવાન : એટલે હરિશ્ચંદ્ર સાહેબ, આપણને જે શીખવી ગયા તે એ છે કે મૂલ્યો કે અધિકારોની લડાઈ કોઈ સત્તાપલટા માટેનાં આંદોલન કે રાજકીય પક્ષો દ્વારા યોજાતા ધરણા નથી કે સત્તાપલટા સાથે ખાધુંપીધુંને રાજ કર્યુંની જેમ વારતા પૂરી થાય, ને’ પાછી એની એ રમત શરૂ થાય. ના, આ લડાઈ બિલકુલ એવી નથી. આ એક અવિરત પ્રક્રિયા છે … પી.પી.ઈ. કીટમાં લપેટાઈને પડેલો આ સત્યવાદી હરિશ્ચંદ્ર આપણને એ જ સમજાવી ગયો છે. જેમ વ્યવસ્થાને ઘડાતાં વર્ષો લાગે છે તેમ એને બદલાતા પણ લાગે છે. પેઢીઓની પેઢી એ માટે પોતાનું જીવન હસીખુશી પોતાની ગરજે ખર્ચી નાંખે છે. એ લોકો જો એમ માનતા હોય કે અહીં બધું પૂરું થયું છે તો એમ નથી. આ એક પડાવ છે .. અહીંથી હવે આગળ …

યુવતી : જેલ સત્તાવાળાઓએ એમના સામાન સાથે આ બે પત્ર આપ્યા છે. (શામજીને આપતા) આ તમારા માટે છે.

(બીજો પત્ર તારાને આપે છે. શામજી પત્ર ખોલે છે અને હરિશ્ચંદ્ર પ્રકટ થાય છે. શામજી પાસે નિર્વિકાર ઊભો રહે છે.)

હરિશ્ચંદ્ર : શામજીભાઈ, દામજીભાઈ, મને એમાં લેશમાત્ર શંકા નથી કે તમે તમારું કામ બરાબર રીતે કરતા હશો. તમે કોણ છો એ મને ખરેખર ખબર નથી પણ તમે દેવદૂતથી કમ નથી. જ્યારે આ સ્મશાનમાં રોજના પંદરસો મૃતદેહો આવતા હતા ત્યારે તમે દિવસરાત, ચેપ લાગવાનો ભય રાખ્યાં વિના માનવસેવા કરી છે. મારી તો નોકરી હતી, પણ ઘણીવાર, તમે મૃતદેહોને અગ્નિસંસ્કાર આપતાં આપતાં તમારાં શરીરને પણ દઝાડતા હતાં. જાણે પાવક અગ્નિમાંથી સદેહે પસાર ન થતાં હો. વળી મારા સત્યાગ્રહને તમે અણીના સમયે ટેકો આપ્યો છે. કોઈ જાતની અપેક્ષા વિના. (અટકીને) એક વાત તમને ખાસ કહેવાની છે, અને તે એ કે તમે અહીં હાજર થયાં એનાં એક  દિવસ પહેલા  મને વિભાગ તરફથી પત્ર ક્રમાંક સા.સ.૭૦/૨૦૨૧ મળ્યો હતો, જેમાં જણાવાયું હતું કે સરકારે મહામારીને ધ્યાનમાં રાખીને આ વિભાગની તમામ નિમણૂંક હાલ મુલતવી રાખી છે. એટલે તમે અને દામજી ભાઈ, હવે મારા તરફથી મુક્ત છો. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. હરિશ્ચંદ્ર કૌસાંબીનાં સ્નેહ વંદન. 

(શામજી દામજી, પી.પી.ઈ. કીટમાં રહેલા મૃતાત્મા પાસે જઈ નમન કરે છે. તારા પત્ર લઈને ઊભી છે .. સંગીત. એ હળવેથી પત્ર ખોલે છે. હરિશ્ચંદ્ર એની સામે ઊભો છે.)

હરિશ્ચંદ્ર : તારા, આ બે અક્ષરનું નામ હંમેશાં મારી સામે આકાશની જેમ ઉઘડ્યું છે. મને આધાર દેનારી ધરતી બનીને સામે ઊભું રહ્યું છે. હું તારો સદાકાળ એટલે પણ ઋણી રહીશ કેમ કે તેં મને જેવો છું એવો સ્વીકાર્યો જ નથી પણ નિભાવ્યો છે, ટકાવ્યો છે. તારી સાથે સ્નેહતંતુ જોડાયો એ પહેલા જ, કદાચ બાળપણથી જ, આ સત્ય, ન્યાય, સમાનતા, વૈચારિક સ્વાતંત્ર્ય, આ મૂલ્યો મારામાં પાંગરવા  લાગ્યાં હતાં. ખુશી એ વાતની કે તેં સ્નેહપૂર્વક એનું સિંચન કર્યું. સંઘર્ષ ભલે મારો દેખાયો પણ એમાં શક્તિ તારી પણ હતી, અને એટલે જ હું  છેવટ સુધી અજેય રહ્યો. (થોભે છે.) એ તારા, ખબર નહીં આ જાણીને તને કેવું લાગશે, પણ હું હંમેશાં જ્યાં પણ ગયો ત્યાં મેં તને યાદ કરીને મોગરાના છોડ વાવ્યા છે. આ સ્મશાનમાં પણ ત્રણ છે. જ્યારેજ્યારે તને દુભવતો ત્યારે ત્યારે એ મોગરા પાસે જઈને થોડું રડી લેતો, તને ન કહી શકાયેલી વાતો કરી લેતો. (અટકે છે.) આપણો દીકરો, જો કે જ્યારે એને માટે મેં ડેથ-સર્ટિફિકેટ આપવાની ના પાડી  ત્યારે જ …. હું મારો પિતા તરીકેનો હક ખોઈ બેઠો હતો. એ વખતે બે ઘડી મારું મન કાચું પાડી ગયું હતું …. પણ પછી મને થયું કે આ ખરાખરીની ક્ષણે જો હું કાચો પડીશ તો આપણો જીવનભરનો સંઘર્ષ એળે જશે. સાચું કહું તો એ ઘડી પછી … મને આત્મહત્યા કરવાનું મન થઇ આવ્યું હતું … મેં સુસાઇડનોટ પણ લખી નાંખી હતી … પણ … તને છોડીને જાતા જીવ ન ચાલ્યો …. અત્યારે પણ જીવ નથી ચાલતો પણ જાઉં છું. આગળનું તારું જીવન સારી રીતે વીતે એવી અંતરની શુભકામનાઓ. …(હરિશ્ચંદ્ર થોડીવાર ઊભો રહે છે પછી હાથ જોડીને જાય છે. તારા પી.પી.ઈ. કીટને નમન કરે છે.)

તારા : ભવોભવ મળજો. 

(શામજી દામજી પોતે ધારણ કરેલો ગેટઅપ જે રીતે પહેર્યો હતો તે રીતે ઉતારતા ઉતારતા જાય છે. નરસીનું ભૂત પણ વિદાય લે છે. ગુલાટી આવે છે. હાથમાં બે કવર છે.)

ગુલાટી : માફ કરજો, મને આવતાં મોડું થયું … કેબિનેટ મિટિગ …. મંત્રીશ્રીને પણ કોસાંબીના સમાચારથી ખૂબ ધક્કો લાગ્યો. એમણે મારી સાથે વિચાર વિમર્શ કર્યો. પછી તત્કાળ અમલથી હુકમ કર્યો કે કોસાંબીના પત્ની તારાબે’ન કોસાંબીને કોમ્પ્નસેટરી ગ્રાઉન્ડ પર નોકરી આપવી અને આજે જ હરિશ્ચંદ્રનાં વળતર, પી.એફ. આદિ તમામની ચૂકવણી કરી દેવી. આ એનો ચેક. આ તમારી નિમણૂંકનો પત્ર. તમે ચાહો તો હું ઓફિસમાં ક્યાંક જગ્યા આપું, કેમ કે તમે બાઈ માણસ સ્મશાનમાં …

તારા : ના સાહેબ, હું અહીં જ કામ કરીશ .. મને સારું લાગશે … એમની હાજરી સતત અનુભવાશે …. આભાર.

ગુલાટી : કંઈ વાંધો નહીં બે’ન .. છેવટે આપણે સહુએ મળીને આ સિસ્ટમ ચલાવવાની હોય છે. બાકી નાનામોટા વિભાગીય મામલાઓ તો ચાલ્યા કરે. 

તારા : (યુવાનને) પેલું બોર્ડ આપો.

(યુવાન કાગળમાં લપેટાયેલું બોર્ડ આપે છે.)

તારા : સાહેબ, આપના વરદ હસ્તે આ બોર્ડ અહીં મૂકો.

(ગુલાટી બોર્ડ ખોલે છે. ટેબલ પર મૂકી વાંચે છે.)

ગુલાટી : સત્યની પીછેહટ થઇ શકે છે પણ સત્ય ક્યારે ય પરાજિત નથી થતું. ———રવીન્દ્રનાથ ટાગોર .. સારું કોટેશન છે. 

(બધાં પાત્રો મંચ પર શાંતિથી ઊભાં છે. હળવી રીતે હરિશ્ચંદ્રનો દરબાર ગીત ગવાય છે. પડદો પડે છે. સમાપ્ત)

H-901, Samrajya Flats, Near Manav Mandir, Memnagar, Ahmedabad-380 052, India
e.mail : pjagjivandas@gmail.com
27 July 2022 પ્રવીણ પંડ્યા
← સ્ત્રી, સ્ત્રીની દુશ્મન છે કે નથી? 
અમેરિકાની ગૃહ હિંસાનું કારણ ગન કલ્ચર છે. →

Search by

Popular Content

  • પિંડને પાંખ દઈ દીધી અને –
  • માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
  • વતનને પત્ર
  • ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
  • ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ

Diaspora

  • ડાયસ્પોરાને નામે ભળતું જ લખાય છે 
  • સામ્રાજ્યની સફર અને વિભિન્ન દેશોમાં વસતા  મૂળ વતનીઓ
  • અનુરાધા ભગવતી : Unbecoming : A Memoir of Disobedience : આજ્ઞાભંગની અસહ્ય સ્મૃતિયાત્રા 
  • Breaking Out : મુક્તિયાત્રા :  લેખિકા : પદ્મા દેસાઈ 
  • 1900થી 1921 સુધી હિંદી આયાઓના રહેઠાણ પર બ્લૂ તક્તિનું અનાવરણ – 16 જૂન 2022

Gandhiana

  • અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે
  • નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી
  • કસ્તૂરી મહેક
  • “હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ
  • મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા

Poetry

  • દેવકીની પીડા ..
  • રેશમ ગાંઠ
  • ફરી પાછા
  • બે ગઝલ
  • દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ

Samantar Gujarat

  • લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …
  • ગુજરાત, ૧ મે ૨૦૨૨
  • અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?
  • ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’
  • ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર …

English Bazaar Patrika

  • PEN–India at 75
  • Personal reflection on India’s 75th independence anniversary
  • The Father and the Assassin
  • In praise of Nayantara Sahgal
  • On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar

Profile

  • વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી
  • પપ્પા એટલે ….
  • પપ્પાનું પ્રગતિપત્રક
  • ગાંધીનું દૂધ પીધેલા
  • મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved