1940માં રામમનોહર લોહિયા સાથે જયપ્રકાશ નારાયણ અને સાથીદાર
ના, હું એમાં નકરી તારીખી કરામત નથી જોતો, પણ એક સૂચક જોગાનુજોગ જોઉં છું કે જે મહિનામાં ગાંધીનું જન્મકલ્યાણક છે તે જ મહિનામાં જયપ્રકાશનું જન્મકલ્યાણક (11-10-1902) છે, અને લોહિયાનું મૃત્યુ કલ્યાણક (12-10-1967) પણ.
જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયા સન બયાલીસના વીરનાયકો છે, અને નેહરુ-પટેલ સહિતના કાઁગ્રેસ શ્રેષ્ઠીઓના મુકાબલે એમનાં તેવર ને મિજાજ કંઈક બગાવતી છે. સ્વરાજ સંક્રાન્તિ લગોલગ નેહરુ-પટેલ રાજ્યબાંધણીની જવાબદારી સાહે છે ત્યારે સરકાર બહારની જવાબદારી કોને ભળાવવી, એ સવાલના જવાબમાં ગાંધીને જડેલાં નામો પક્ષપ્રમુખ તરીકે જયપ્રકાશ અગર આચાર્ય નરેન્દ્રદેવનાં છે, તો મહામંત્રીપદ માટેનું એમનું સૂચન લોહિયાનું છે … ત્રણેય સમાજવાદી! જો કે, કાઁગ્રેસ શ્રેષ્ઠીઓને આ નામો સ્વીકાર્ય નથી લાગતાં.
લીગ સાથે વચગાળાની સરકાર ચલાવવાના કડવા અનુભવ પછી નેહરુ ને પટેલ, એક અર્થમાં ગાંધીને બાજુએ રાખીને, વિભાજનની અનિવાર્યતા સ્વીકારવા લાગ્યા છે. કાઁગ્રેસની બેઠકમાં વિરોધ-સૂર ઉચ્ચારવાની કામગીરી જે.પી. અને લોહિયા, એ સમાજવાદીઓને શિરે આવી છે. કદાચ, ગાંધી નેહરુ-પટેલથી કંઈક છેટું અનુભવી રહ્યા છે અને જે.પી.-લોહિયાની ઓર નજી કજઈ રહ્યા છે.
બેતાલીસની લોકક્રાંતિ વખતે જે.પી.-લોહિયાએ નેપાળમાં થાણું જમાવી ‘આઝાદ દસ્તા’તહેરની લશ્કરી જમાવટની કોશિશ કીધી છે જે સ્વાભાવિક જ ગાંધીમાર્ગ નથી. જો કે, આ અનુભવે કરીને એમને શાંતિમય પ્રતિકારની ગાંધીભૂમિકા સવિશેષ સમજાવા લાગી છે. વચગાળાની સરકારના વારાથી નેહરુ-પટેલ આદિને માથે રાજ્યબાંધણીનો મોડ છે. એ પણ છે તો સ્વરાજ નિર્માણની જ કામગીરી. પણ એથી કંઈ ગાંધીનું લોકાયન છૂટી શકે?
આ લખી રહ્યો છું ત્યારે નવેમ્બર 2016માં ગોવામાં દક્ષિણાયન રાષ્ટ્રીય પરિષદ મળી હતી એનું સ્મરણ થાય છે. દાભોલકર, પાનસરે, કલબુર્ગીની શહાદત અને એવોર્ડ વાપસીના સહજ ઉછાળ સાથે એક એવો રાષ્ટ્રીય મિજાજ બનવા લાગ્યો હતો જેવો ક્યારેક ગાંધીએ ‘કૈસરેહિંદ’ પરત કર્યો કે રવીન્દ્રનાથે નાઈટહુડ પાછું આપવાની હદે વિરોધ લાગણી પ્રગટ કરવાપણું જોયું હશે. પરિષદ નિમિત્તે ગોવામાં રવીન્દ્રભવનથી કૂચકદમ કરતા અમે સૌ જાહેર સભા સારુ જ્યાં પહોંચ્યાં એનું નામ લોહિયા મેદાન હતું : આ એ મેદાન હતું જ્યાં લોહિયાએ 1946ની 16મી જૂને પોર્ટુગીઝ ચુંગાલમાંથી ગોવાનો મુક્તિનો બુંગિયો બજાવ્યો હતો.
વસ્તુત: એ ત્યાં પહોંચ્યા તો હતા, 1942ના બંદીઓ પૈકી કદાચ સૌથી મોડા છૂટેલા બે બંદીઓ પૈકી એકને નાતે કંઈક આરામ માટે. લાહોર જેલમાં એમણે અને જયપ્રકાશે લાંબા જેલવાસ ઉપરાંત આકરા સિતમનો અનુભવ કર્યો હતો. બ્રિટિશ શાસન સાથે અવિશ્રાન્ત માથાકૂટ કરી ગાંધીએ બંનેને છોડાવ્યા હતા. ગોવામાં લોહિયાએ જોયું કે સામાન્ય કંકોતરી છપાવવા માટે પણ પોલીસ તપાસમાંથી ગુજરવું પડે એ તો ઠીક પણ ખાસ મોઝામ્બિકથી ભરતી કરી ઊભા કરાયેલ પોલીસ દળ થકી આખું એક ત્રાસ તંત્ર કાર્યરત હતું. બુંગિયો બજ્યો ને લોહિયા પકડાયા.
નવી દિલ્હીમાં કાર્યરત વચગાળાની સરકાર આ પકડાયા બદલ કંઈક કોકરવરણી હશે પણ ગાંધીએ વાઈસરોય વેવલને લખ્યું ને ‘હરિજન’માં ટિપ્પણી પણ કરી કેગોવામાં લોહિયા જેલબંધ છે તો ભારતનો મુક્તિવાંછુ અંતરાત્મા પણ જેલમાં છે. પોતાને અભીષ્ટ લોકાયન વાસ્તે ગાંધી તરુણ સમાજવાદી નેતાઓને હૂંફતા ને પાંખમાં લઈ રહ્યા હતા. બન્યું એવું કે છૂટીને લોહિયા ભારતને અડતી ગોવા સરહદે જાગૃતિ માટે ઘૂમી વળ્યા ને વળી પાછા ગોવા-પ્રવેશની તૈયારીમાં હતા ત્યાં તાર કરીને ગાંધીએ એમને પોતાની પાસે બોલાવી લીધા અને બંગાળના શાંતિ મિશનમાં સાથે લીધા.
1948ની ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી પટેલ સાથે વાત આટોપી પ્રાર્થના માટે નીકળ્યા. પ્રાર્થના પછી તરત નેહરુ આવવાના હતા અને વળતે દહાડે લોહિયા. બેઉ મુલાકાતો ઇતિહાસના ‘જો’ અને ‘તો’માં રહી ગઈ.
ગમે તેમ પણ, ગાંધીને જે આશા-અપેક્ષા હશે લોહિયા પરત્વે, એમાં લોહિયા આબાદ નિમિત્ત બન્યા એ તો અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વ હેઠળની અશ્વેત (આફ્રિકન-અમેરિકન) સમુદાયની નાગરિક અધિકાર ચળવળ માટેના ઇતિહાસધક્કા થકી. 1951માં લોહિયા અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે ટેનેસી પંથકમાં એમણે હાઈલેન્ડ ફોક સ્કૂલનીયે મુલાકાત લીધી હતી. અશ્વેત કર્મશીલો માટેની ગ્રીષ્મશાળાના અભ્યાસક્રમમાં એમણે કહ્યું, ગાંધી ને થોરો ન હોય, સિવિલ નાફરમાની (સવિનય કાનૂન ભંગ) ન હોય એ કેમ ચાલે? પછીનાં વર્ષોમાં અભ્યાસક્રમ સુધર્યો અને એમાંનાં એક કર્મશીલ છાત્રા રોઝા પાર્ક્સે 1955માં પોતાની બેઠક ગોરા સારુ ખાલી કરવાની ના પાડી એમાંથી અલાબામાનો બસ સત્યાગ્રહ આવ્યો. એ માટે બનેલી સમિતિની જવાબદારી કિંગને માથે આવી. લાંબા સત્યાગ્રહ પછી અમેરિકી ફેડરલ કોર્ટે ગોરા-કાળા ભેદવાળી બસ બેઠ કવ્યવસ્થા ગેરબંધારણીય ઠરાવી. કિંગની રાષ્ટ્રવ્યાપી ચળવળનો એ આરંભ ધક્કો હતો.
ગાંધી પછી કોણનો એક જવાબ હોઈ શકતા લોહિયા વહેલા ગયા. પણ 1974-77માં આ પ્રશ્નના ઉત્તરરૂપે જયપ્રકાશ ઉભર્યા : ન નેહરુ-પટેલમાં બદ્ધ – ન લોહિયા-જેપીમાંયે બદ્ધ – ગાંધી, તું અસંભવ સંભાવના છો.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 09 ઑક્ટોબર 2024