સાતમા ચરણના ઉંબરગાળે
ભા.જ.પ.ના ‘રાષ્ટ્ર‘માં નહિ એટલો સમાસ કૉંગ્રેસના સમવાયમાં શક્ય હોઈ શકે છે. એણે ઈન્દિરાજી કરતાં નહેરુ તરફ વધુ ઝૂકવાપણું છે …. કાશ, નાનાવિધ અસ્મિતાઓ અને મોટા પક્ષો આ લલિત કળા કેળવી શકે !
સાતમા ચરણના મતદાનનો આ ઉંબરગાળો છે. પહેલી જૂનના મતદાન અને ચોથી જૂનની મતગણતરી સાથે દેશનો રાજકીય ચહેરો કેવો હશે એને વિશે આશાઅપેક્ષા છતાં અનિશ્ચિતતાનો એક માહોલ બની રહ્યો છે.
બે-ત્રણ પૂર્વદૃષ્ટાંતો આ સંદર્ભમાં તરત જ નજર સામે આવે છે. ચૂંટણીની જાહેરાત સુધી પૂર્વનિર્ધારિત પરિણામ જેવી એક સહજ આશ્વસ્તિ સત્તાવર્તુળોમાં હતી તે વાસ્તવિક મતદાન પ્રક્રિયા શરૂ થતાં સાથે ચરણ-બ-ચરણ કરમાતી ગઈ અને આજે તો સત્તાપક્ષ 272ના જાદુઈ આંકડા વાસ્તે કોને કોને જોતરી શકાશે, એની ફિરાકમાં હોવાના હેવાલો સાથે રાયસીના હિલ્સમાં કર્ણોપકર્ણ પગેરાં દબાવાઈ રહ્યાં સંભળાય છે.
તો, પહેલું સાંભરતું પૂર્વદૃષ્ટાંત તો 1996નું છે જ્યારે, એક વાર નિમંત્રણ મળ્યું કે અમારી સાથે જોડાવા લાઈન લાગી જશે એવું બચકાના વિધાન અન્યથા પ્રતિભાવંત સુષમા સ્વરાજે કર્યું હતું. પણ વાજપેયી સરકાર તેર દિવસનું આયખું ભોગવી ઊકલી ગઈ હતી.
પરંતુ વધારે વ્યાપક સંદર્ભમાં બે પૂર્વદૃષ્ટાંત તો 2004 અને 1977નાં છે. 2004નો ઘટનાક્રમ ત્યારના નાયબ વડા પ્રધાન અડવાણીએ કહ્યું તેમ ફીલગુડના અહેસાસે ભરેલો હતો. સહજક્રમમાં પાછા આવી રહ્યા છીએ એવી ખાતરી સાથે ભા.જ.પ.શ્રેષ્ઠીઓ ચૂંટણીમાં ઊતર્યા હતા અને પરિણામો સાથે વળી કૉંગ્રેસનો પથ પ્રશસ્ત થયો હતો.
1977માં કૉંગ્રેસ પાસે જે અર્થમાં સત્તા હતી એની કોઈ તુલના નથી. ચૂંટણીજાહેરાત સાથે વિપક્ષ વંચિત જ વંચિત હોવાનું પ્રત્યક્ષ ચિત્ર સાધવસંજોગની રીતે હતું. પણ જનતા વિપક્ષ સાથે આવી અને ચિત્ર બદલાઈ ગયું. આ પૂર્વદૃષ્ટાંત સાથે 2024નું સામ્ય છે અને નથી. છેલ્લાં અઠવાડિયાઓનો અનુભવ એ રહ્યો છે કે સત્તાપક્ષ પરત્વે જનતામાં અંતરિયાળ કોઈક ઓછોવત્તો વિરોધપ્રવાહ હતો તે પ્રગટ થવા કરે છે, અને તે ઇચ્છે છે કે વિપક્ષ ગઠિત ને ઉદ્યુક્ત થાય.
1977, 1996, 2004 : આ પૂર્વદૃષ્ટાંતો, તેમ છતાં, એકંદર ચિત્રને સમજવા સારુ અપૂરતાં છે. તે વખતે જેવી હતી તેવી બે સ્પષ્ટ છાવણીઓ હતી. આ વખતે સ્પષ્ટ-અર્ધસ્પષ્ટ રેખાની કામગીરી જનતાએ ઉપાડી લીધી છે, અને વિપક્ષ ધીરેધીરે એમાં સમજીને અગર વખાના માર્યા ગોઠવાઈ રહ્યો છે. અલબત્ત, વિપક્ષ પાસે નાનામોટા વિચારટુકડા ને નાનામોટા વિચારકુંડાળાં જરૂર છે, અને તે આ જનસળવળાટને વ્યાખ્યાયિત કરી રહ્યાં છે. આ પ્રક્રિયામાં જે મુદ્દા ઊપસી અને ઊઘડી રહ્યા છે તેમાં વર્તમાન પક્ષના છેલ્લાં વર્ષોના ‘રાષ્ટ્ર’ કથાનક સામે એક ‘જન’ કથાનક આપણી સામે આવી રહ્યું છે.
જેમ બિનકૉંગ્રેસવાદનો એક રોલ હતો તેમ બિનભા.જ.પ.વાદ સારુ યે એક ભૂમિકા હોઈ તો શકે છે. પણ બિનભા.જ.પ. બળોએ એકત્ર થવું કિયે ધોરણે? કૉંગ્રેસને પણ દક્ષિણમાં પ્રાદેશિક પક્ષોનો પ્રશ્ન રહ્યો છે, તો ભા.જ.પ.ને પણ અકાલી દળ સાથે છેડો ફાટ્યો તેમ મહારાષ્ટ્રમાં બે અલગ શિવસેનાઓ એક જુદું જ ચિત્ર પ્રગટાવી રહી છે. તૃણમૂલ કૉંગ્રેસ ક્યારેક કૉંગ્રેસનો જ હિસ્સો હોઈ શકતી હતી.
વાત એમ છે કે ભા.જ.પ. વારેવારે ‘એક રાષ્ટ્ર’ના મુદ્દા પર ગોળબંદ ને એક લઠ્ઠ થવાની જિકર કરે છે એ આપણે ત્યાંની નાનીમોટી અસ્મિતાઓને એક હદ પછી અખરે છે. આ અસ્મિતાઓ અસ્વાભાવિક નથી, અને એમને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકૃત ધોરણે ગોળબંદ કરવાની પ્રક્રિયા વિપરીતપરિણામી અનુભવાતી રહી છે.
ઉલટ પક્ષે, ભારત કહેતાં જે વૈવિધ્યસમાસનું વ્યાપક ચિત્ર આપણી સામે આવે છે એમાં નાનાવિધ અસ્મિતાઓને ગોઠવાવું ફાવે છે. સ્વદેશવત્સલ સૌ હોઈ શકે છે, પણ ખાસ પ્રકારના ‘રાષ્ટ્ર’વાદી ઢાંચામાં સૌ સમાઈ શકતા નથી.
લાંબી ચર્ચાને અહીં અવકાશ નથી અને જેઓ ચૂંટણીમાં પડ્યા છે તેમ જ ચોક્કસ રંગે રંગાયેલા છે એમને ચાલુ અઠવાડિયે આ બધી સૂક્ષ્મ ચર્ચાની તૈયારી નયે હોય. એટલું જ કહીશું અહીં માત્ર કે રાષ્ટ્રકવિ રવીન્દ્રનાથ અને રાષ્ટ્રપિતા ગાંધી ‘રાષ્ટ્રવાદી’ નહોતા તે સમજીએ તો બેડો પાર.
ઓવર ટુ રાયસીના હિલ્સ!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 30 મે 2024