હા, બધું રાખ થઈ ચૂક્યું હોય પછી કૂવો ખોદીએ તો, પાણી તો બચે ! આવી માનસિકતા છે આપણી, આપણાં તંત્રોની ને આપણી સરકારની. તંત્રો એટલાં નીંભર છે કે તેમને કશાની અસર થતી નથી. અસર તો સરકારને પણ થતી નથી. થોડું ઘણું વેઠી લે છે ને બચાવ કર્યા કરે છે. તેના ભક્તો તો સરકાર ઊતરે તે પહેલાં જ બચાવમાં ઊતરી પડે છે. અત્યારે રાજકોટ અગ્નિકાંડ પછી તંત્રો ને સરકાર બચાવ અને ઢાંકપિછોડામાં લાગ્યાં છે. આ બધાં રંડાયા પછી મંડાયા હોય એવાં છે. મગરને પણ હવે મગરનાં આંસુ આવતાં નથી, પણ માણસને આવે છે. હવે એટલું થયું છે કે જેને શરમ કે સંકોચ ન હોય તે જ તંત્રોમાં ને સરકારમાં બેસે છે.
26 મે ને શનિવારે, રાજકોટના કાલાવડ રોડ પર આવેલ, ટી.આર.પી. ગેઇમ ઝોન એકાએક જ સ્મશાન ભૂમિ થઈ ઊઠ્યો. અગ્નિ સંસ્કારની જરૂર જ ન રહે એ હદે કેટલાંક બળ્યાં. બાળકો અને અન્ય, નિર્દોષ હતાં એટલે મર્યાં. ગેઇમ ઝોન, શેઇમ ઝોન બન્યો. આગ લાગતાં જ માલિક અને ત્યાંનો સ્ટાફ, બધાંને ભગવાન ભરોસે છોડીને ફરાર થઈ ગયા. કેટલાકે પોતાની તાકાત પર બચવા-બચાવવાનું કર્યું. બધું જ ગેરકાયદેસર, કાયદેસર હોય એમ વર્ષોથી ચાલ્યું. અનીતિ જ નીતિ બની. નાલાયકી જ લાયકાત ગણાઈ ને ઉપર ઉપરથી મહાનુભાવોએ દુ:ખ થયાં-ની લાગણી પ્રગટ કરી ને થોડાક લાખ મદદનાં ફેંકીને ફરજ બજાવી લીધી. પ્રજાના રોષનો સામનો કરવાનું મુશ્કેલ બન્યું, તો કેટલાક નેતાઓને ભાગી જવાની ય નાનમ ન લાગી. કોઈ તો દાંત કાઢીને રહી ગયું. કામ કોઈને ન હતું, તો ય કેટલાક મોડા પડ્યા. શું છે કે ચૂંટણીઓ ગુજરાતમાં પતી ગઈ હતી, એટલે આવીને તાબોટા જ ફોડવાના હતા. રેલી, રેલા હોત તો વાત જુદી હતી. અહીં તો ત્રીસેક જીવતા ધુમાડાઓ હતા. નકામું ગૂંગળાવાનું જને ! એક તરફ ડાઘુઓ ન મળે એટલી લાશો ધધકતી હોય ને બીજી તરફ રાજકીય ડાઘિયાઓ સામસામે દાંતિયા કરતા હોય ત્યારે રામ નામ સત્ય જ બાકી રહે. એક તો કાળઝાળ ગરમી ને ત્રણેક હજાર લિટર પેટ્રોલનાં હાડકાં ઓગાળી નાખતા ભયાનક ભડકાઓ. પીડાથી એવી તે કેવી ચર ચર બળી હશે કૂમળી ચામડીઓ કે તેમનાં અંગો શોધવા ગેઇમ ઝોન પર બુલડોઝર ફેરવવું પડે? એ શોધ માટે ફેરવાયું કે પુરાવાઓના નિકાલ માટે તે ઉપરવાળો જાણે !
અગાઉ ક્યારે ય ન હતો એવો હરામના પૈસા કમાવાનો એક જીવલેણ રોગ ગરીબ કે અમીરમાં છેલ્લા થોડા દાયકાઓથી લાગુ પડ્યો છે. આ એવો રોગ છે, જેમાં બીમાર નથી મરતો, પણ એની સાથે સંકળાયેલ નિર્દોષ મરે છે. થોડાક માણસોએ શોર્ટકટથી અમીર થઈ જવું છે. એને માટે તે શિકાર, નિર્દોષોનો કરે છે. કોઈ પુલમાં, નિર્દોષોને ભેરવે છે, તો કોઈ હોડીમાં બાળકોને ડુબાડે છે, તો કોઈ ભડકા પર નિર્દોષોનું ભડથું કરે છે. આ બધું અટકે, જો નીતિથી કોઈ ચાલે, પણ એમાં કમાણી નથી. કમાણી છેતરવામાં છે. NOC, લાઇસન્સ, ફાયર સેફટી વગેરેમાં કાચું કપાય તે વધુ કમાય એવું કેટલાક માને છે. કોઇની જમીન પડાવીને, કોઈનું ગજવું ગરમ કરીને જ પોતાની હોજરી ફાટફાટ કરી શકાય, એવું પણ મનાય છે. મોટે ભાગના ઉપરી અધિકારીઓ પણ વેચાઉ હોય છે. એમની પાસેથી ગેરકાયદે કામોની છૂટ, લાંચ આપીને મેળવી લેવાય તો પછી, કોઈને પણ વેતરી નાખો, ચાલે.
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો લીધી ને રવિવારે રજા હતી, છતાં ખંડપીઠે સુનાવણી કરી. કોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું કે રાજકોટ ગેઇમ ઝોને જી.ડી.સી.આર.ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હાઇકોર્ટે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ગેઇમ ઝોન અંગે કેવાક નિયમો છે, તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો. તંત્રો કે સરકાર પ્રજાનું તો બહુ સાંભળતાં નથી, પણ કોર્ટનું માન રાખે છે. કોર્ટનો ડોળો ફરતાં તંત્રો કેવાંક કામે લાગ્યાં, તે કાલનાં જ થોડાં છાપાં પર નજર નાખતાં ધ્યાનમાં આવ્યું –
આવું થાય તો તંત્રો, યંત્રો થઈ ઊઠે છે. જેમ કે, રાબેતા મુજબ સીટની રચના થઈ. ટી.પી.ઓ., ફાયર ઓફિસર, ઇજનેર વગેરેની પૂછપરછ ચાલુ થઈ. કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા, કેટલાકની બદલી કરી નાખવામાં આવી. 4 જૂને ચૂંટણીનું પરિણામ આવવાનું છે, ત્યારે ઉજવણી નહીં કરે એની જાણ કરવા રાજકોટ ભા.જ.પે. કાર્યાલય પર પત્રકાર પરિષદ બોલાવી તો જવાબદારો સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તેવા પ્રશ્નનો જવાબ ટાળીને મેયર, મંત્રી, સાંસદ વગેરે ભાગી છૂટયા. એક સાંસદે તો પત્રકારને – તું મારા ઘરમાં આવ્યો જ કેમ – જેવું કહીને ઘરની બહાર તગેડી મૂક્યો. 3,000થી વધુ લિટર જ્વલનશીલ પ્રવાહી ગેઇમ ઝોનમાં કેમ હતું તેના તપાસના આદેશ જિલ્લા કલેકટરે આપ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું ને 8 ગેઇમ ઝોનના સંચાલકો સામે ગુનો નોંધાયો. ગેઇમ ઝોનમાં પતરાંનું સ્ટ્રક્ચર હતું, એ ધ્યાને આવતાં શાળાઓનાં ગેરકાયદે ડોમ હટાવવા 48 કલાકનું અલ્ટિમેટમ અપાયું. છેલ્લાં ચાર વર્ષમાં રાજકોટમાં આવી ચૂકેલા તમામ કલેકટર, પોલીસ વડા સામે તપાસ શરૂ થઈ.
અઠવાડિયામાં માંડ બે ત્રણ અગ્નિશમન યંત્રો ખપતાં હતાં, તેને બદલે બે જ દિવસમાં સુરતમાં 10 કરોડનાં 50,000 યંત્રો વેચાયાં. બે ગેઇમના 8 ઝોન માલિકો સામે ગુનો નોંધાયો. સુરતની તમામ 1,650 સ્કૂલોમાં 124 ટીમો ફાયર સેફટીની તપાસ માટે કામે લાગી. સુરત સિટીમાં ત્રણ જ દિવસમાં 224 મિલકતો સીલ થઈ. ચાર મલ્ટિપ્લેક્સ લાઇસન્સ રિન્યૂ કરાવ્યાં વગર જ ચાલતાં હતાં તે ધંધે લાગ્યાં. કાપડ માર્કેટોને ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા તાકીદ કરાઇ. બારડોલીમાં ત્રણ ગેઇમ સંચાલકો સામે એફ.આઇ.આર. દાખલ થઈ. વલસાડના 21 શોપિંગ સેન્ટર્સ પાસે ફાયર સેફટીની સુવિધા જ નથી તે બહાર આવ્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે SOP બહાર પાડ્યા પછી ક્લાસિસ, ગેઇમ ઝોન, કોમ્પ્લેકસ સહિત 244 મિલકતમાં BU, ફાયર NOCની તપાસ હાથ ધરી અને 52 એકમો સીલ કર્યાં, જેમાં 25 તો હોસ્પિટલ છે. બોપલમાં ગેરકાયદે ચાલતાં 5 ગેઇમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ થઈ. ફાયર સાધનોનું વેચાણ ત્રણ ગણું વધી ગયું. કોઈને પણ બક્ષવામાં નહીં આવે એવું આ મામલે પણ કહેવાયું. રાજ્ય સરકારે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ-2016માં સુધારો કરવાની વાત કરી, જો કે, આ વાત સરકાર અગાઉ કરી ચૂકી છે ને પછી પણ કરતી રહેશે. સરકારનો એ ઉપકાર માનવો પડે કે એ બોલીને ફરી જતી નથી. બોલવાનું કારણ મળી રહે એટલે એકની એક વાત તે પ્રસંગોપાત કરતી રહે છે. સાચું તો એ છે કે કાયદા કે નિયમો પણ દુર્ઘટના પછી ઘડવા બેસવાનું થાય છે, તે પણ ઘડાય જ એવું નક્કી નહીં. બીજી કોઈ ઘટના બનશે તો વળી સાવ અબૂધની જેમ સૌએ નવેસરથી વિચારવાનું બનશે.
એક જ દિવસમાં તંત્રોની ગતિ ને પ્રજાની અધોગતિ સામે આવી. આવું રોજ થાય તો કેવો ફેર પડે ! પણ એવું થતું નથી. થાય તો એવું પણ બને કે તંત્રો વધુ વેચાય ને પ્રજા વધુ લાંચ આપતી થાય. આજે સૌથી વધુ ખૂટે છે તે વફાદારી ને ઈમાનદારી. એવો જરા પણ ભરોસો પડતો નથી કે અત્યારે ચાલતી તંત્રોની દોડધામ કોઈ કાયમી કે નક્કર પરિણામ આપશે. રાજકોટની ઘટના એ પહેલી નથી ને છેલ્લી પણ નથી. અગાઉ પણ આવું બન્યું જ છે. સુરતમાં તક્ષશિલાના વિદ્યાર્થીઓ અગન ગોળાની જેમ ઉપરથી નીચે પડ્યા તેની આપણને ખબર નથી? મોરબીનો નવો રીપેર થયેલો પુલ તૂટયો ને 135 ડૂબી ગયાં એ ભૂલી જવા જેવી વાત છે? વડોદરાની હરણી બોટ ઘટનાનાં બાળકો જીવવાને લાયક ન હતાં? એમનો વાંક હતો તેથી તે ડૂબ્યાં? રાજકોટમાં ગેઇમ ઝોન, ફાયર ઝોન થયો, તે શું તેમાં જનારને પાપે? જવાબદારોને સીધું પૂછવાનું કે કેટલી ઘટના પછી આ રૂટિનમાં ફેર પડશે? આટઆટલું બને છે, પણ આપણી સરકાર ને તેના અધિકારીઓ કોઈ બોધપાઠ લેતા નથી, કેમ? થોડો વખત બધા દરમાંથી બહાર નીકળે છે, થોડો વખત તપાસ ચાલે છે, બેચારને સસ્પેન્ડ કરાય છે, બે પાંચની બદલી થાય છે, કાયદા સુધારવાની વાત થાય છે ને પછી બધુ ટાઢું પડી જાય છે. પછી બીજી ઘટના બને છે, વળી દોડાદોડ થાય છે ને વળી બધું ઠપ થઈ જાય છે. ત્રીજી ઘટના બને છે, એ જ દોડધામ ને એ જ બે મિનિટનું મૌન ! તે સરકારને અને તેનાં તંત્રોને એમ લાગે છે કે પ્રજામાં અક્કલ નથી? એવું કઈ રીતે બને કે થોડે થોડે વખતે તપાસનું નાટક ચાલે ને પ્રજા તંત્રોની સક્રિયતાથી રાજીની રેડ થઈ જાય? એવા ભ્રમમાં રહેવા જેવું નથી.
અંધકાર ગમે એટલો વિકરાળ જ કેમ ન હોય, તેને ખતમ કરવા સૂર્યકિરણ જ પૂરતું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 મે 2024