ભીમા-કોરેગાંવ 2025
રાજકારણ
મુદ્દે, હિન્દુત્વ રાજનીતિને મહારાષ્ટ્રમાં તિલકોત્તર ગાંધી–આંબેડકર પ્રવેશની ગડ હજુ બેસી નથી લાગતી.
બરાબર સાત વરસ થયાં ભીમા-કોરેગાંવ ઘટનાના હિંસક ઉત્પાતને : જોવાની ખૂબી એ છે કે ત્યારે પણ મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર હતી, આજે પણ છે. પણ ત્યારે આ હિંસાસારુ જવાબદાર ગણાતાં તત્ત્વોને અદાલતી ઠપકા છતાં ફડણવીસની પોલીસ ઠીકઠીક સમય લગી શોધી શકી નહોતી, કેમ કે એ તત્ત્વો સંઘ પરિવાર સાથે સંધાન ધરાવતાં હતાં. વિકલ્પે, જે આખો કેસ ઊભો કરાયો તે આ ‘શૌર્ય દિવસ’ એટલે કે પહેલી જાન્યુઆરીને આગલે દિવસે પુણેમાં યોજાયેલી એલ્ગાર પરિષદ આસપાસ. આ પરિષદના યોજકો બે નિવૃત્ત ન્યાયમૂર્તિઓ હતા – કોલસે પાટિલ અને પી.બી. સાવંત. એટલે ‘એલ્ગાર’નો અર્થ સમજાવતાં કહ્યું હતું કે આ તો બુલંદ અવાજની વાત છે, દલિતોનો ઢંઢેરો જ કહો ને. ફડણવીસ સરકારે આ પરિષદ સાથે સંકળાયેલા ખરાંખોટાં માથાંઓ સામે અને એમણે કરેલી કહેવાતી ઉશ્કેરણી અગર એમની રાજવિરોધી સંડોવણીને નામે કેસ ઊભો કર્યો. કેટલાંકને જેલમાં નાખ્યા, એમાંથી કોઈ તો તબીબી કાળજીને અભાવે જેલમાં જ મરણ પામ્યું તો કેટલાંક લાંબું ગોંધાઈ રહ્યા પછી સાવ લૂલી એફ.આર.આઈ.ને કારણે જામીન પર મોડ મોડે ય બહાર આવી શક્યા છે.
કેમ કે જાહેર યાદદાસ્ત ટૂંકી પણ હોઈ શકે, માટે થોડો ઇતિહાસ : ભીમા-કોરેગાંવ લડાઈની આ ઘટના 1818ની પહેલી જાન્યુઆરીની છે. એક બાજુ પેશવાની સેના હતી, બીજી બાજુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની. ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફે મહાર કહેતાં દલિત સૈનિકોએ એવું જોર બતાવ્યું કે પેશવાની સેના પાછી પડી. એક રીતે આ સ્થાનિક સામે સાંસ્થાનિક બળોની જીત હતી. પણ બીજી બાજુ, પેશવાઈ બ્રાહ્મણશાહી હેઠળ ચંપાતા મહારોએ સરસાઈ બતાવ્યાનોયે અવસર તો હતો જ. 1927-28માં આંબેડકરે આ સ્થળની વિશેષ મુલાકાત લઈ ઘૂંટેલો મુદ્દો, આ સંદર્ભમાં, દલિત અસ્મિતાનો હતો. 2018માં ભીમા-કોરેગાંવ ઘટના સાથે તે સહસા રાષ્ટ્રીય ફલક પર મુકાયેલ છે.
મહારાષ્ટ્રનું રાજકારણ એક કાળે બહુધા તિલકનું હતું. અલબત્ત, ગોખલે સ્કૂલ પણ હતી જ. પણ અત્યારે એ ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે પોતાને તિલક પરંપરામાં જોતા ભા.જ.પ.ને પેશવાઈ બ્રાહ્મણશાહી અને આવડી એવી શિવાજીની વારસાઈની મંછા છે. સ્વરાજને જન્મસિદ્ધ હક્ક માનતા તિલકને શાહુ મહારાજના સુધાર-સંસ્કાર પરત્વે અસુખ હતું. (મતના રાજકારણના માર્યા કે અન્યતા આ મુદ્દો પકડાતાં, ક્ષતિપૂર્તિના ગણિતવશ ભા.જ.પે. રામમંદિર આંદોલનની જોડાજોડ મહારાષ્ટ્રમાં ફૂલે-આંબેડકરની જોડાજોડ હતી તે આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે.) આ સંજોગોમાં , ભીમા-કોરેગાંવ, 2018ને કારણે ઊભા થયેલા દલિત ને પ્રગતિશીલ મતપડકારનું વળી વારણ શોધવું ભા.જ.પ.ને સારું એક સવાલ છે. એટલે વચ્ચે જેમ ફૂલે-આંબેડકર યાત્રાથી કોર્સ કરેકશન – પથસંસ્કરણનો પ્રયાસ કર્યો તેમ આ વખતે ભીમા-કોરેગાંવ શૌર્ય અવસરને ફડણવીસ સરકારે ખાસ કાળજી અને દબદબાભેર અંગીકાર કર્યો એમ સમજાય છે. નાગપુર સ્થિત દીક્ષાભૂમિ અને મુંબઈ સ્થિત ચૈત્યભૂમિની પરંપરામાં ભીમા-કોરેગાંવ શૌર્યભૂમિ પણ એક સ્વતંત્ર અવસરમાંથી સરકાર હસ્તક (આ કિસ્સામાં સરકાર કહેતાં સવિશેષ ભા.જ.પ. હસ્તક) કાર્યક્રમમાં ફેરવાઈ જાય એવી ગણતરી પણ, આજે દૂરાકૃષ્ટ લાગે તોપણ, હોઈ તો શકે.
નવાઈ લાગે પણ ગોખલેમાં રાજકીય ગુરુ જોતાં ગાંધીજીએ જે રાજકારણ વિકસાવ્યું એમાં ગોખલેની વિનીત કે મવાળ ધારા અને તિલકની જહાલ ધારા બેઉ મળીને કંઈક નવું જ લઈ આવ્યા. તિલક-સાવરકરમાં પોતાનું દૈવત જોતી તરુણાઈને ગાંધીએ શીખવ્યું કે સમતા વિનાની સ્વતંત્રતા બેમતલબ છે. ફૂલે-આંબેડકર-ગાંધી યાત્રાને ખંડ નહીં પણ અખંડ દર્શનની રીતે જોઈએ તો તે તમે બ્રાહ્મણ હો કે મરાઠા અગર દલિત, સૌને ‘નાગરિક’માં સ્થાપવાની મથામણ છે.
પથ-સંસ્કરણની સત્તાશાઈ પેચપેરવી ટૂંકા ગણિતમાં કો-ઓપ્શનની રીતે સફળ વરતાય તોપણ તે પાયાની નાગરિક સમજનો અવેજ નથી તે નથી. સામસામાં કે સાથે મળીને ભીમા-કોરેગાંવ પ્રકારનાં ઉજવણાં આ ઉખાણું છોડાવી શકે તો વાત બને.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 08 જાન્યુઆરી 2025