
પ્રકાશ ન. શાહ
જનજાતીય ગૌરવ દિવસના રાજસી તામઝામ વચાળે લગરીક ન્યારે છેડેથી, મેઘાણી ને જયન્ત કોઠારીના હવાલેથી વાત શરૂ કરવા ઈચ્છું છું. સહેજે ત્રણ-ચાર દાયકા થઈ ગયા એને – જયન્તભાઈનો ફોન આવ્યો કે આ બિરસા મુંડા કોણ છે.
એમની પૃચ્છાનું નિમિત્ત અલબત્ત મારી કલમકથની હતી. મેઘાણી જયંતીએ લખતાં મેં મારતી કલમે ટપકાવેલું કે જે રીતે મેઘાણી જનઆંદોલનનો સ્પંદ ઝીલતા હતા એ જોતાં, જો એ આપણી વચ્ચે હોત તો બિરસા મુંડા અને સૂ ચી (કી) સહિતના કેટલાયે પ્રજાસૂય જોધ્ધા વણગાયાં ન રહ્યાં હોત. કોઠારીની પૃચ્છામાં જે જિજ્ઞાસા ને નમ્રતા હતાં એ બેઉથી મહાત થવા સિવાય વિકલ્પે શો હોઈ શકે.
ખરું પૂછો તો મેં લખતા શું લખી નાખ્યું’તું, પણ બિરસા બાબતે નિરાંતે ને વિગતે વાત કરવાની સજ્જતા મારી કને ય ત્યારે ક્યાં હતી? સધિયારો અલબત્ત એક જ હતો, મહાશ્વેતાદેવીનો : એમની નવલકથા ‘અરણ્યેર અધિકાર’ (‘અરણ્યનો અધિકાર’, અનુવાદક : સુકન્યા ઝવેરી, 1985) વાંચવાનું બન્યું હતું અને બિરસા મુંડાના જીવનકાર્યની કંઈક ઝાંખી મળી હતી. ઝારખંડ શા આદિવાસી ઈલાકામાં, ટૂંકી જિંદગીમાં એણે જે જીવી જાણ્યું, લોક એને ભગવાન કહેતું.

બિરસા મુંડા
બિરસાનો જન્મ 1875ના નવેમ્બરની પંદરમીએ અને જેલજુલમે મૃત્યુ 1900ના જૂનની નવમીએ : પૂરાં પચીસ વરસમાં પણ પાંચ મહિના ઓછા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વારાથી શરૂ થઈ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાથી આરંભાયેલ બ્રિટિશ રાજઅમલનો ગાળો જળ, જમીન અને જંગલના અધિકારો મૂળ વતનીઓ પાસેથી ક્રમે ક્રમે રાજ હસ્તક જવાનો ગાળો છે. જંગલની જમીનોને ખેતીલાયક બનાવતાં બદલાતા માલિકી હક્ક એ પણ એક સંસ્થાનવાદની દાસ્તાં છે. બાળક બિરસા, કેમ કે પિતા એને ભણાવવા ચાહે છે ને પોતે પણ ભણવા ઈચ્છે છે, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી મિશન સ્કૂલમાં ભરતી થાય છે. ખેંચાણ અલબત્ત ધર્મનિષ્ઠા તરેહનું નથી. ખ્રિસ્ત મતાવલંબી એક શિક્ષકનાં મહેણાંટોણાંથી શાળા બદલે છે અને બહારની દુનિયામાં પગ મૂકતાં જે સિતમ ને શોષણ અનુભવે છે એમાં હજુ વીસી પણ વટાવે તે પહેલાં તીરકામઠાં સાહે છે. જુવાનોનું દળ ખડું કરે છે. બંદૂક સામે તીરની લડાઈ, પરિણામ નક્કી છે. પણ જે બની આવે છે તે નવો, પલટાતો મિજાજ. બિરસા થકી પ્રચલિત પ્રયોગ, ઉલગુલાન.
1857માં દેશજનતાએ રોટી ને કમલના સંકેત સાથે ‘મારો ફિરંગી કો’ એવો એક ભેરીઘોષ સાંભળ્યો હતો. પછીની પચાસીમાં ‘વંદે માતરમ્’ના નારાએ જનમાનસનો કબજો લીધો હતો. વીસમી સદીનો ત્રીજો દાયકો આવતે આવતે આ સ્વદેશવત્સલ જયઘોષ ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા સાથે નવાં નિશાન સાધતો આવતો હતો. પણ ‘વંદે માતરમ્’ અને ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ની સાથે અંતરિયાળ ભારતમાં આદિવાસી ઈલાકામાં પરચમ પેઠે લહેરાતો નાદ, સંભળાતો સાદ હતો ઉલગુલાન કહેતા ક્રાન્તિ.
બિરસા ચરિત્ર ક્યારેક યથાસંભવ જરૂર મૂકીશું, પણ અત્યારે તો એવી સાર્ધ શતાબ્દીનું નિમિત્ત પકડીને જે એક મુદ્દો ખાસ કરવો છે તે સ્વાતંત્ર્યલડતના સતત ચાલુ દોરનો 1857ની શતાબ્દી મનાવાઈ ત્યારે ભારતીય વિદ્યાભવનની સુપ્રતિષ્ઠ ભારત ઇતિહાસ શ્રેણીના વડા સંપાદક આર. સી. મઝુમદારે સત્તાવનના સંગ્રામને પહેલો સ્વાતંત્ર્યસંગ્રામ કહેવાની ના ભણી હતી. નહીં કે એમને સત્તાવનનું મહત્ત્વ નહોતું વસ્યું. પણ એમનું કહેવું એમ હતું કે 1857 પહેલાં અને તે પછી દેશમાં અલગ અલગ ઠેકાણે સ્વાતંત્ર્યસંઘર્ષ ચાલતો રહ્યો છે. દેશના આદિવાસી ઈલાકાઓમાં અઢારમી સદીથી આરંભીને ઓગણીસમી ઉતરતે પણ દોર જારી રહ્યો છે.
વેલ, બિરસા તો એકસો પચાસ વરસ પરનું નામ છે, પણ હજુ માંડ પાંચ દાયકા પર આપણી વચ્ચે નાગાલેન્ડ-મણિપુરનાં લક્ષ્મીબાઈનું બિરૂદ પામેલાં રાણી ગાઈદિન્લિયુ હતાં જ ને. 1931માં 16 વરસની આ કન્યકાએ ચાર હજારના સશસ્ત્ર દળ સાથે આસામ રાઈફલ્સનો મુકાબલો કરી જેલ વહોરી હતી. 1937માં એને મળ્યા પછી જવાહરલાલે ‘રાણી’નું માનબિરૂદ આપ્યું તે એના નામનો હિસ્સો બની ગયું. આઝાદ હિંદે એને સ્વાતંત્ર્યસેનાની સન્માન આપ્યું ને પદ્મભૂષણે પોંખી. બાય ધ વે, આખી લડતમાંથી એક નાનો વિગતમુદ્દો ઊંચકી ભા.જ.પ. પોતાની એન્ટિ-ક્રિશ્ચન રાજનીતિનો ખેલ આ કિસ્સામાં પાડે છે. જેમ, બિરસા ચરિતમાં જેકબ વકીલ અને બીજા ખ્રિસ્તી કર્મશીલોની સ્મૃતિ કોરાણે મેલી કોમી રંગની કોશિશ થતી માલૂમ પડી છે. વસ્તુત: ફ્રિન્જલાઈન ચર્ચવેડા બાદ કરતાં મેઈન લાઈન ચર્ચો તો ભીમા-કોરેગાંવ કેસ દરમ્યાન જેલમાં શહીદ થયેલા સ્ટેનસ્વામી પેઠે જળ-જમીન-જંગલના અધિકારો સારુ ઝૂઝતા કર્મશીલોની કાર્યાશાળા છે.
બ્રિટિશ અમલમાં ફોરેસ્ટ એક્ટ અને આનુષંગિક પગલાં સાથે કોલસા ને સોનાની ખાણોની જેમ જંગલો ને વેસ્ટલેન્ડ રાષ્ટ્રીય સંપત્તિ કહેતાં સુવાંગ સરકારી માલિકીના બની ગયાં … હા, રાજવીઓ ને લાટસાહેબો માટે મૃગયા સારુ અંકિત ઈલાકા બાદ!
સ્વરાજ પછી, મોડે મોડે જળ-જમીન-જંગલના અધિકારો મુદ્દે જરૂર હિલચાલ છે. 1988થી ગ્રામસભા અને વન અધિકારીઓની સહિયારી વ્યવસ્થા હેઠળ કંઈક ફેરફાર શરૂ થયો. 2006માં મનમોહન સિંહની સરકારે ધ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ (રેકગ્નિશન ઓફ ફોરેસ્ટ રાઈટ્સ) એક્ટ – એફ.આર.એ. અન્વયે કંઈક ભોંય ભાગવાની શરૂઆત કરી. પણ છેલ્લો દસકો એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદે સ્થાપવા જેવા ઉપચારો બાદ કરતાં આદિવાસી અધિકારોના સંકોચનનો છે. વનરક્ષણ અને આદિવાસી અધિકારોનો મુદ્દો રેલવે, વીજળી, કોલસા, પેટ્રોલિયમ મંત્રાલયોને અને નીતિ આયોગને વિકાસયાત્રામાં રુકાવટ (બોટલનેક) જેવો લાગે છે. એપ્રિલ 2024ના સર્વેક્ષણ પ્રમાણે વન-ગ્રામસભા મામલામાં સરકારી અધિકારીઓ કોમ્યુનિટી રાઈટ્સ પર હાવી માલૂમ પડે છે.
સાર્ધ શતાબ્દીના તામઝામમાં વિગતો સંભળાશે? ન જાને.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 નવેમ્બર 2024