અક્ષય વૃક્ષનું હોવું વિનાશ અને વિધ્વંસનાં બળોની સામે અને વચ્ચે પ્રતિકારપૂર્વક નવજીવનની શક્યતાનો એક તરેહનો સાક્ષાત્કાર છે
હવે તો દસકો થયો એ વાતને. 2015માં ન્યૂયોર્ક જવાનું થયું ત્યારે 2001માં અમેરિકા ઓળખ શાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયા પછી ત્યાં જ, ગ્રાઉન્ડ ઝીરો પરની નવરચના સાથે મુખોમુખ થવાની સ્વાભાવિક જ હોંશ હતી.
વૈકલ્પિક ઈમારતનું નિર્માણ કે કોઈ મ્યુઝિયમ સરખું આયોજન તો સમજ્યા જાણે, પણ સ્થળ મુલાકાત દરમ્યાન જોઉં છું તો એક વૃક્ષ પ્રસન્ન ગરવી શૈલીએ જાણે ગહેંકી રહ્યું છે. આમ તો એની ઓળખ ‘કૉલરી પિયર ટ્રી’ તરીકેની છે, પણ હું તો એને અક્ષરશ: અક્ષય વૃક્ષ જ કહીશ.
વાત એમ છે કે નાઈન ઈલેવનની (નવમા એટલે કે સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની) ઇતિહાસઘટના સાથે ટ્વિન ટાવર્સ પરિસર પંથક આખો ઉદ્ધ્વસ્ત થઈ કેમ જાણે ખાવા ધાતો હતો. તે વખતે રોડા, કાંકરા, કપચી સહિત કાટમાળ આખો ઉશેટવાના જગન દરમ્યાન કામદારોને કશુંક ક્યારેક વૃક્ષ હતું એવું મળ્યું. શીર્ણવિશીર્ણ મૂળિયાં. લગભગ સૂકાં જેવાં. બળેલીઝળેલી ડાળીઓ. છતાં જીવનનો સહેજસાજ સંચાર વરતાતો હતો. કામદારોએ માધવ રામાનુજની ‘અમે કોમળ કોમળ’ રચના તો ક્યાંથી સાંભળી હોય? પણ એમણે હળવેકથી ને હેતથી, જેટલી સલુકાઈથી એટલી જ સિફતથી એ બધું સાચવી લીધું, જાણે એકલીઅટૂલી માંડ થોડા કલાકની શકુન્તલાને કણ્વયોગ થયો!
અર્ધ ધબકતું તો અર્ધ મૃતવત્ એ એમણે ન્યૂયોર્ક વિરાટ નગરના ઉદ્યાન વિભાગને મોકલી આપ્યું. ઉદ્યાન વિભાગની માવજત પામી એ 2010માં, 2001ના ઉદ્ધ્વસ્તમાંથી પુનનિર્મિત પરિસર પર પાછું ફર્યું. તે પછી પાંચે વરસે અમે એનાં દર્શન કરી રહ્યાં હતાં ત્યારે એ ખાસાં ત્રીસેક ફૂટની ઊંચાઈને આંબી ગયું હતું ને એનાં ડાળીડાળખાં ફૂલે લચ્યાં વાસંતી નર્તનનો સુખાભાસ કરાવી રહ્યાં હતાં. વિનાશ વચ્ચે અપૂર્વ ઊર્જા સમેત તે નવજીવનનો નેજો લહેરાવતું વરતાતું હતું.
આ અક્ષય વૃક્ષનું હોવું વિનાશ અને વિધ્વંસનાં બળોની સામે અને વચ્ચે પ્રતિકારપૂર્વક નવજીવનની શક્યતાનો એક તરેહનો સાક્ષાત્કાર છે. આ સાક્ષાત્કારી અનુભૂતિ ઇતિહાસમાં પાછે પગલે 1906ના સપ્ટેમ્બરની અગિયારમીએ છેક જોહાનિસબર્ગ લઈ જાય છે. સ્થળ છે એનું એમ્પાયર થિયેટર, જે ગેઈટી થિયેટર તરીકે પણ ઓળખાતું. (યુરોપીય ગેઈટી પરંપરાનો એક જમાનો હતો, જેની અંગ્રેજ વારાની ઇતિહાસસ્મૃતિ શિમલાના ગેઈટી થિયેટર રૂપે સચવાઈ છે. ત્રણેક દાયકા પર ‘ગદર’માં ફિલ્માવાતાં એણે વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું.)
થિયેટરની અંદરબહાર લોક ઉભરાતું હતું – એશિયાઈ સમુદાયને લગતા વટહુકમના વિરોધ માટે સૌ મળ્યું હતું. આ વટહુકમ ટ્રાન્સવાલ(દક્ષિણ આફ્રિકા)માં વસતા એશિયાઈ લોકોને સારુ ગળેફાંસો હોય એવો આકરો હતો અને એનો આશય એશિયાવાસીઓને ધીરે ધીરે હાંકી કાઢવાનો હતો. તેની સામે વિરોધ અને પ્રતિકારની ભૂમિકાએ કરાયેલ આ આયોજન પાછળનું બળ બ્રિટિશ ઇન્ડિયા એસોસિયેશનના મંત્રી ગાંધી હતા.
સભાની શરૂઆત બ્રિટિશ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ અબ્દુલ ગની હતા. તેમણે સભાની શરૂઆત ઉર્દૂમાં કરી. (પાછળથી એનો અંગ્રેજ તરજુમો અલબત્ત અપાયો હતો.) ગનીએ વટહુકમના તાનાશાહી સ્વરૂપનો ને એનો સામનો કરવામાં રહેલાં જોખમોનો ખયાલ આપી દો ટૂક શબ્દોમાં કહ્યું કે દરેક પ્રજાની જિંદગીમાં ક્યારેક એવી ઘડી આવે છે જ્યારે કાનૂનભંગ થકી પ્રતિકાર અને કષ્ટ સહન એ એનો ધર્મ બની રહે છે. આ વાત વિધિવત્ ઠરાવ રૂપે હાજી હબીબે મૂકી હતી. આકરી ગુજરાતી જબાનમાં એમણે કહ્યું હતું કે ઉમદા હેતુ માટે જેલમાં જવા બાબતે શરમાવાનું ન હોય. એમણે તિલક મહારાજના જેલવાસને ભાવપૂર્વક સંભારીને ઉમેર્યું હતું કે આપણે ખુદાની કસમથી આ ઠરાવ કરીશું અને સઘળાં કષ્ટ સહન કરીશું.
હાજી હબીબે ઈશ્વરને વચ્ચે રાખીને વાત મૂકી એથી પોતે કેવા ચમક્યા હતા એ ગાંધીજીએ વરસો પછી લખતાં સંભાર્યું છે. આમ તો, તાત્ત્વિક રીતે વિચારતાં કરેલ નિશ્ચય અને ઈશ્વરને નામે લીધેલ પ્રતિજ્ઞા વચ્ચે કોઈ ભેદ નથી, પણ સામાન્ય વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરને નામે લેવાયેલ પ્રતિજ્ઞા બદલ જે તે વ્યક્તિ ને બાકી લોકો સવિશેષ ગંભીર હોય છે. એમણે પ્રમુખની રજા લઈ સભામાં દરમ્યાનગીરી કે કસમ ખાવા એ નાનીસૂની વાત નથી. મરતાં સુધી પાલન કરશું એમ સમજીને જ પ્રતિજ્ઞા લેવી રહે … આ સાથે, મનુષ્યજાતિએ પશુબળથી નહીં સ્વેચ્છાએ કષ્ટ સહન થકી આત્મબળ વાટે અન્યાયનો પ્રતિકાર કરવાનો નવો રાહ ખૂલ્યો, સત્યાગ્રહ.
2001ની ટ્વિન ટાવર્સ ઘટના અને તેની પૂંઠે અલ-કાયદાનું નેતૃત્વ કરનાર બિન લાદીન, 1906માં સત્યાગ્રનો આવિર્ભાવ અને એમાં નિમિત્તભૂત ગાંધી : આશરે એક સૈકાને ફેરે (બરોબર કહીએ તો પંચાણું વરસના અંતરે) એક જ તારીખે બનેલી આ બે ઘટનાઓ બે વિકલ્પરૂપે આપણી સામે આવે છે.
અહીં લોર્ડ ભીખુ પારેખે પરિકલ્પેલ બિન લાદીન – ગાંધી સંવાદનું સ્મરણ થાય છે. ભીખુભાઈને લોર્ડ એવી ઓળખ સામાન્યપણે ગમતી નથી તે જાણું છું. પણ વાચકનું ધ્યાન ખેંચવામાં ઉપયોગી થઈ પડે એ ગણતરીએ તેઓ ઇંગ્લેન્ડમાં ઉપલા ગૃહના(હાઉસ ઓફ લોર્ડ્ઝ)ના સભ્ય છે એવો ઉલ્લેખ ચહીને કર્યો છે. યુનાઇટેડ કિંગ્ડમથી પ્રગટ થતા ‘પ્રોસ્પેક્ટ’માં એપ્રિલ 2004માં એમનો આ લેખ પ્રગટ થયો તે પછી તરતના મહિનાઓમાં ‘ઓપિનિયન’ (લંડન) અને ‘નિરીક્ષક’ (અમદાવાદ)માં વિપુલ કલ્યાણીના ગુજરાતી અનુવાદરૂપે સુલભ થયો હતો.
આ કાલ્પનિક સંવાદ પાછળનો આશય ભીખુ પારેખના શબ્દોમાં ‘એક તો, બિન લાદીને ચેતનવંતા રાખતા જગતભરમાં ફરી વળેલા વિકૃત વિચારને સમજવાનો છે, કેમ કે તે સમજ્યા વગર તેને પરાજિત કરી શકાય તેમ નથી. બે, અવગણાયેલા અહિંસક વિકલ્પ વિશે દુનિયાને જાગૃત કરવી જરૂરી છે.’
અક્ષય વૃક્ષ, આટલું તારી સાખે!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 સપ્ટેમ્બર 2024