રામ અને રીનેસાંસ
ગંભીરતાથી વિચારીએ કે લાલકૃષ્ણ અડવાણીએ 1992ની છઠ્ઠી ડિસેમ્બરને પોતાના જાહેર જીવનનો ‘સેડેસ્ટ ડે‘ કેમ કહ્યો હશે. એમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ ઢાંચો જાય તેમ જરૂર ઇચ્છતો હતો, પણ તે આ રીતે એટલે કે ટોળું કાયદો હાથમાં લઈને કરે તેવું બિલકુલ ઇચ્છતો નહોતો.
વચ્ચે, અપેક્ષિત છતાં ઉપેક્ષિત એવી થોડીએક ટિપ્પણી અડવાણી સંદર્ભે રામમંદિર મહોત્સવ નિમિત્તે કરી ત્યારે એક વિગત કદાચ સંભારી શકાઈ હોત. બાબરીધ્વંસ પછીના દિવસોમાં અડવાણીએ છઠ્ઠી ડિસેમ્બર(1992)ને પોતાના જાહેર જીવનમાં ‘સેડેસ્ટ ડે’ (સર્વાધિક ખેદજનક દિવસ) તરીકે ઓળખાવવું પસંદ કર્યું હતું. એમણે સ્પષ્ટ કર્યું હતું કે હું આ ઢાંચો જાય તેમ જરૂર ઇચ્છતો હતો, પણ તે આ રીતે એટલે કે ટોળું કાયદો હાથમાં લઈને કરે તેવું બિલકુલ નહોતો ઇચ્છતો. સરવાળે ઊઠતી છાપ એ છે કે,
આંદોલન અડવાણી આદિના કાબૂમાં રહ્યું નહોતું – અને શિવસેનાએ પોતે દાવો કર્યો હતો તે ઉપરાંત વિ.હિ.પ.-બજરંગ વર્તુળનાં ચોક્કસ તત્ત્વોએ આ અંજામ આપ્યો હતો. અહીં સ્મરણ રહે કે પૂર્વે રથયાત્રા દરમિયાન કોમી હિંસાના બનાવો વચ્ચે વાજપેયીએ અડવાણીને વારવાની કોશિશ કરી હતી કે તમે વાઘ પર સવારી કરી રહ્યા છો. છઠ્ઠી ડિસેમ્બરે, રાજ્યના મુખ્ય મંત્રી તરીકે કાનૂનરક્ષક હોવા જોઈતા કલ્યાણસિંહે (આગલા દિવસોમાં સર્વોચ્ચ અદાલત સમક્ષ ઘટતી એફિડેવીટ કર્યા છતાં) જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા અને તમે મને ‘કન્ટેમ્પ ઑફ ધ કોર્ટ’નું કહો છો પણ આ તો ભગવાન રામે જ આપણી પર ઉતારેલ કન્ટેમ્પ્ટ છે એવી શબ્દચાતુરી (અલબત્ત રાજીનામા સાથે) આગળ ધરી હતી.
ખેર 22મી જાન્યુઆરીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો તે સંદર્ભે સત્તાવર્તુળોને સમર્થકો એક વાત સતત કહેતા રહ્યા છે કે, અમે સર્વોચ્ચ અદાલતના ચુકાદા પ્રમાણે ચાલી રહ્યા છીએ. એમની વાત સાચી નથી એવું તો નહીં કહી શકાય. માત્ર, આ સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે હજુ ગુનેગારોને ન્યાયિક નસિયતનો મામલો બાકી હોવાનુંયે કહ્યું છે તે એમને યાદ કરાવવું રહે છે. મતલબ, કાયદાના શાસનની રીતે સત્તાપક્ષે કાંકકશુંક ખૂટે છે.
પ્રસ્તાવના જરી લંબાઈ ગઈ પણ આ લખવાનો આશય એ મુદ્દો ઉપસાવવાનો છે કે, રામ મંદિરના નિર્માણથી કોઈ ખરેખર નવજાગરણ કે રીનેસાંસ શરૂ થયાનો દાવો તપાસ માગી લે છે. જ્યાં સુધી મસ્જિદ-મંદિરનો સવાલ છે, તીસ્તા સેતલવાડના પતિ જાવેદ આનંદે છેક 1991માં લખ્યું હતું કે, મુસ્લિમ નેતૃત્વ આ ઢાંચો હિંદુઓને સોંપી દે એ ઇષ્ટ લેખાશે. ગુજરાતમાં યાસીન દલાલે અને પ્રો. બંદૂકવાલાએ પણ આવો મત પ્રગટ કર્યો હતો. પણ એમને અને જેમને આજકાલ લિબરલ હિંદુઓ તરીકે નિશાન પર લેવામાં આવે છે એવા ઘણાને જે આશંકા હતી તે એ કે આવી સોંપણીને હિંદુરાષ્ટ્રની ફતેહ તરીકે ઓળખાવાશે. મતલબ, બીજા શબ્દોમાં, આ પ્રશ્ન સાથી નાગરિકો વચ્ચેનો અને કાયદાના શાસનનો નહીં એટલો બે કથિત રાષ્ટ્ર વચ્ચેના મુકાબલાનો છે. ડાબે હાથે કાન પકડવા જેવા આ દ્વિરાષ્ટ્રવાદી ઘટનથી હટી એક જ વ્યાપક સંસ્કૃતિ અને સમુદાર બંધારણ તળે જીવતા ને વિકસતા હોઈ શકતા નાગરિકના દાયરામાં આ મુદ્દો આણવો જોઈતો હતો જે જાવેદ આનંદ, યાસીન દલાલ, બંદૂકવાલાને ઇષ્ટ હતું, પણ સૈયદ શહાબુદ્દીન વગેરેને સમજાયું નહોતું. નવજાગરણ કે રીનેસાંસ કોણ ન ઇચ્છે ? પણ તે ધર્મ અને સંસ્કૃતિના વ્યાપક અર્થમાં ને બંધારણના દાયરામાં નાગરિક સમાજને લાયક વિવેક ને સૌહાર્દથી આવા પ્રશ્નો ઉકેલાય ત્યારે જ શક્ય બને. આવા પ્રશ્ન રાજકીય હિંદુ-મુસ્લિમ વચ્ચેનો નહીં પણ સાથી નાગરિકોની વચ્ચેનો છે એટલો એક વિવેક ધોરણસરના નવપ્રસ્થાન વાસ્તે ઇષ્ટ છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 31 જાન્યુઆરી 2024