જમ્મુ-કાશ્મીર ચુકાદો
કાશ, ન્યાયમૂર્તિ કોલની એ નરવી ને ગરવી અપીલ સંબંધિત સૌને કાળજે વસે કે એક ‘ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશન‘ રચાય અને બાંધી મુદતમાં કામ પૂરું કરી વિશ્વાસનો માહોલ સરજે!
બંધારણની 370મી કલમ પડતી મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કાનૂની ધોરણે તેના અધિકાર હસ્તકનો લેખીને સર્વોચ્ચ અદાલતે બહાર રાખ્યો છે. સ્વાભાવિક જ, વડા ન્યાયમૂર્તિ ચંદ્રચુડના વડપણ હેઠળની પાંચ ન્યાયમૂર્તિઓની બેન્ચના આ ચુકાદાને વ્યાપક આવકારી મળી રહેલો માલૂમ પડે છે.
ફલી નરીમાન સરખા વયજયેષ્ઠ બંધારણ પટુએ જો કે, આ ચુકાદાને આવકારવા માટે એટલી ટિપ્પણી જરૂર કરી છે કે સરકારે બંધારણની 368મી કલમે સૂચવેલ પ્રક્રિયાને અનુસરવું પસંદ કર્યું હોત તો ઉચિત થાત. ક્યારેક જમ્મુ-કાશ્મીરના સદરે રિયાસત રહેલા કરણસિંહે હવે યુનિયન ટેરિટરીમાંથી સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં ભારત સરકારે વિલંબ ન કરવો જોઈએ એવું કહેવા સાથે રાજ્યના પક્ષોને કહ્યું છે કે, હવે બીજું બધું છોડી ચૂંટણીની તૈયારીમાં લાગી જવું જોઈએ. બીજી બાજુ, એમણે હાલના રાજ્યકર્તાઓને એ હકીકતની યાદ આપવાની પણ તક ઝડપી છે કે મહારાજા હરિસિંહના જાહેરનામામાં એવું જરૂર હતું કે જોડાણ પછી પણ અમારું સાર્વભૌમત્વ રહે છે, પરંતુ એમના અનુગામી તરીકે મેં બહાર પાડેલા જાહેરનામામાં સ્પષ્ટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીરના કોઈ પણ કાયદા પર ભારતના બંધારણની સરસાઈ રહે છે.
કરણસિંહના આ ઉદ્દગારો સામે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે વળી નેહરુની જવાબદારીનો રાગ આલાપ્યો છે તે અજબ જેવો વિરોધ સરજે છે. ન્યાયમૂર્તિ ચંદ્રચુડે બરાબર કહ્યું છે કે, 370મી કલમ ભારતના સંઘટન માટે હતી, વિઘટન માટે નહીં. મતલબ, ત્યારે શરૂ થયેલી (મહારાજા હરિસિંહની મોડી પડેલી) પ્રક્રિયા ઉત્તરોત્તર આગળ વધતી ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચુકાદા પછી તરતના કલાકોમાં લખેલ વિશેષ લેખમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની હંમેશની તરજ પર વાત જરૂર મૂકી છે, પણ એમણે પોતાના વલણને સારું ‘અ નુઆન્સ્ડ અન્ડરસ્ટેડિંગ ઓફ ધ સ્પેસિફિક્સ એન્ડ ધ કોમ્પ્લેક્સિટીઝ ઓફ ધ ઇશ્યૂ’ની જિકર કરી છે. દેખીતી રીતે જ, ‘નુઆન્સ્ડ અન્ડરસ્ટેડિંગ’ પ્રચારસભાઓના વશની વાત નથી. નેહરુના નિધન પછીનાં અંજલિવચનોમાં દીનદયાલ ઉપાધ્યાય ‘કોઈક રીતે એ કાશ્મીરને ભારત સાથે રાખી શક્યા’ એ મતલબનું કહ્યાનું આ લખતી વેળાએ સાંભરે છે. મુદ્દે અટલ બિહારી વાજપેયીએ એક કલાસિક ત્રિપદીમાં કહ્યું હતું તેમ જમ્હુરિયત, કશ્મીરિયત ને ઇન્સાનિયત જરૂરી છે.
આ દોર પ્રસ્તુત ચુકાદા સાથે એક પરિશિષ્ટ રૂપે ન્યાયમૂર્તિ એસ.કે. કોલે આગળ ચલાવ્યો છે.
‘આપણે આગળ વધીએ તે માટે ઘાવ ભરાય એ જરૂરી છે’ એમ કહેવા સાથે એમણે ‘ટ્રુથ એન્ડ રિકન્સીલિયેશન કમિશન’ રચવા સૂચવ્યું છે. આ પ્રકારના કમિશન સમક્ષ સૌ, રિપીટ સૌ નિખાલસપણે બહાર આવે તો ભારતના ભાગલા પણ જે કોમી ને સામાજિક સંવાદિતા નષ્ટ નહોતા કરી શક્યા તેની પુનઃ પ્રતિષ્ઠા સાથે સામાજિક નરવાઈ ફરીને બની આવે.
જમ્મુ-કાશ્મીરને શા વાસ્તે ભોગવવું પડે છે એ પણ એમણે ફોડ પાડીને કહ્યું છે. બહારનાં બળોની, સ્ટેટ અને નૉન-સ્ટેટ પરિબળોની જવાબદારી તો જગજાહેર છે. પણ આપણા લશ્કરનું શું ? ન્યાયમૂર્તિ કોલ કહે છે કે જેની ચોક્કસ જરૂરત હતી અને છે તે લશ્કરની હાજરીનાં બીજાં પણ પરિણામો જણાય છે. જમ્મુ-કાશ્મીરની એની બચાવ પ્રક્રિયાઓમાં કાશ્મીરના સ્ત્રી-પુરુષ અને બાળકોએ પણ આકરી કિંમત ચૂકવવી પડી છે. આ બધું ત્યાં બન્યું છે જે પ્રદેશને ક્યારેક ગાંધીજીએ ‘માનવતાનું આશાકિરણ’ કહી પુરસ્કાર્યો હતો.
ન્યાયમૂર્તિ કોલે બનતી ત્વરાએ આવું કમિશન રચાય અને બાંધી મુદ્દતમાં તેની કામગીરી પૂરી કરે એ વાત પર ભાર મૂકતાં કહ્યું છે કે, કશા પર ભરોસો નહીં એવું અનવસ્થામાં કાશ્મીરની યુવા પેઢી ઉછરી રહી છે. એના ઘાવ ભરાય અને આપણે એકબીજાને ચાહતાસમજતા થઈએ એ તાકીદની વાત છે.
કાશ્મીર ચુકાદા સાથે આપણે એટલું સમજીને ચાલીએ કે જેને આપણે એકતા કહીએ છીએ તે કેવળ એક શાસન તંત્ર હેઠળનું એકમ કે એકમો નથી પણ જીવંત માનવવ્યવહાર છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 ડિસેમ્બર 2023