રાજ્યોમાં ચૂંટણી જાહેરાત
એમને આ એક મુદ્દામાં સમેટ્યા સમેટાય એમ નથી. એ સાત ક્રાંતિના ઉદ્ગાતા હતા અને સિવિલ નાફરમાનીના સત્યાગ્રહીના ખયાલને ધોરણે ગાંધીના બગાવતી બેટા હતા
અગિયારમી ઓક્ટોબર જેપી જયંતી ગઈ, અને આજે બારમીએ લોહિયા સ્મૃતિઃ રામ મનોહર લોહિયાએ બિનકૉંગ્રેસવાદનો વ્યૂહ બનાવ્યો અને 1967માં એક તબક્કા ચંડીગઢથી કલકતા(કોલકાતા)ના રેલ પ્રવાસમાં તમારે કાઁગ્રેસશાસિત રાજ્યમાંથી પસાર થવું ન પડે એવો જોગ બની આવ્યો હતો. અલબત્ત, એ ચાલચલાઉ પણ સાદા અંકગણિતનો મામલો હતો, જેમાં નાના દેશમુખ ને દીનદયાલ ઉપાધ્યાય આદિ સહભાગી હતા. લોહિયા એ પછી તરત ગયા, પણ પેલું અંકગણિત તે પછીનાં વરસોમાં જયપ્રકાશ અને બિહાર આંદોલનને પ્રતાપે કંઈક રાસાયણિક પરિમાણ હાંસલ કરી શક્યું અને નકરા બિનકાઁગ્રેસવાદને બદલે જનતા રાજ્યારોહણના યશસ્વી અલબત્ત ટૂંકજીવી પ્રયોગની ભોં ભાંગી શક્યું.
બિનકાઁગ્રેસવાદ તો માનો કે એક વ્યૂહાત્મક રણનીતિગત વાત હતી, પણ સમાજવાદ-સામ્યવાદને કારણે આપણી વર્ગસભાન રાજનીતિને વર્ણ વિશે, ખાસ કરીને વચલીનીચલી જાતિઓને એમાં સમાવેશકારી બનાવવાની વિચારણા એમને આભારી છે. આપણે ત્યાં સમતાલક્ષી નવવિધાન વાસ્તે માત્ર વર્ગસીમિત ચિંતને નહીં અટકતાં સામાજિક વાસ્તવને લક્ષમાં લેવાનું એમને અનિવાર્ય લાગતું.
સામાજિક ન્યાયની આ રાજનીતિએ લાલુ, નીતિશ, મુલાયમ તરેહના નવા નેતૃત્વને સારુ અવકાશ સરજ્યો. તેઓ સત્તા લગી પહોંચ્યા તે પૂર્વે કેટલીક કામગીરી સામાજિક ઇજનેરીની રીતે કર્પૂરી ઠાકુરે ઠીક હાથ ધરી હતી. સ્થાપિત પરિસ્થિતિમાં ઊથલપાથલ થવા લાગે ત્યારે કેવા પ્રત્યાઘાતો પડે છે એનું એક અચ્છું નિદર્શન તે ગાળામાં બિહારમાં બોલાતા એ મતલબના સૂત્રમાં જોવા મળે છે કે સવર્ણ-દલિત ભાઈ ભાઈ, બીચમે પિછડી જાતિ કહાં સે આઈ!
તમે જુઓ કે 1992ના ડિસેમ્બરની છઠ્ઠી પછી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આદિ પાંચ રાજ્યોની ચૂંટણી વખતનું ભા.જ.પ.નું ઉમંગી સૂત્ર – ‘આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ’ – ભોંઠું પડ્યું હતું, કેમ કે, મુલાયમ ને માયાવતી વાટે કથિત વચલીનીચલી જાતિઓ એકત્ર આવી અને હિંદુત્વ રાજનીતિ પર એ ભારે પડી હતી. ઉમા ભારતી ને ગોવિંદાચાર્યે આ વાનું પકડ્યું અને ચાલ, ચરિત્ર, તહેરો બદલવાં પડશે તે સ્વીકાર્યું, અને ભા.જ.પી. રણનીતિએ આગળ ચાલતાં મંડલમંદિર યુતિનો અભિગમ લીધો.
તેમ છતાં, સ્વાભાવિક જ, હજુ વિશાળ સમૂહ લગી પહોંચી શકાયું નથી. આર્થિક – સામાજિક ન્યાયની રાજનીતિનો વિકલ્પ કંઈ કોમી ધ્રુવીકરણની રાજનીતિ તો હોઈ શકે નહીં. બિહારમાં નીતિશકુમારે જે સરવે કરાવ્યો એમાં 27 ટકા ઓ.બી.સી. ને 36 ટકા ઇ.બી.સી. એ આપણું દુર્દૈવ વાસ્તવ છે. આ સરવે સામે ભા.જ.પ.નો પ્રતિભાવ ગ્વાલિયરમાં બોલતાં વડા પ્રધાને કહ્યું તેમ સમાજમાં ભાગલા પડાવવાની પેરવીનો છે. યોગી આદિત્યનાથે યુ.પી.માં આવા કોઈ સરવેની ગણતરી નથી તેમ કહ્યું છે.
બે દિવસ પર જ પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખો જાહેર થઈ. ત્રીજી ડિસેમ્બરે પરિણામો આવશે ત્યારે, બને કે, ચિત્ર કંઈક ઉઘડે કે સામાજિક ન્યાયનું ક્ષેત્ર વિસ્તારવાની ઇન્ડિયા બળોની ભૂમિકા અને મંડલમંદિર યુતિની પૃષ્ઠભૂ છતાં ક્ષેત્રવિસ્તાર બાબતે ભા.જ.પ.ની દ્વિધાવિભક્ત ભૂમિકા અંગે મતદારો કેવીક રૂખ પ્રગટ કરે છે.
જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનનો કે રામ મનોહર લોહિયાના સપ્ત ક્રાન્તિ વલણનો પ્રભાવ આ બધી નાનીમોટી અલગ અલગ ઓળખોને સમતા ને ન્યાયને માર્ગે ‘નાગરિક’માં સ્થાપી શકે તે શક્ય છે. ભા.જ.પ. એની ઉછેરગત વાસ્તવિકતા જોતાં તે સૌને ‘હિંદુ’માં સ્થાપે તે શક્ય બલકે સહજ છે. ગાંધીની સત્યાગ્રહી ભૂમિકા અલબત્ત આ બધાને લાંઘી જતી વાત છે.
ચૂંટણીજાહેરાતવશ લોહિયાને એક મુદ્દામાં સમીતિ કરીને જોયા, પણ એમનું પ્રદાન અને ચિંતન બેઉ અસાધારણ છે. માર્ટિન લ્યુથર કિંગની સિવિલ રાઇટ્સ ચળવળમાં રોઝા પાર્ક્સનો બસ સત્યાગ્રહ, પોતાની બેઠક ગોરી જોહુકમીથી ખાલી નહીં કરવાનો શિવસંકલ્પ, એક મહત્વની ઘટના લેખાય છે. 1955માં અમેરિકાની મુલાકાત દરમિયાન એક વિચારશિબિરમાં લોહિયાએ ગાંધી અને સિવિલ નાફરમાની વિશે જે સમજાવ્યું હતું તેનું એ સીધું પરિણામ હતું, તેમ ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં ભારતવિદ રુડોલ્ફ દંપતીએ નોંધ્યું છે. તમે ક્યાં ક્યાં નથી, લોહિયા !
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 11 ઑક્ટોબર 2023