તવારીખની તેજછાયા : કલાની સ્વરાજયાત્રા, ‘રાષ્ટ્ર’થી લોક ભણી

પ્રકાશ ન. શાહ
કેવળ અને કેવળ પોતીકી તરેહના કળાકાર હકુ શાહનું આત્મકથ્ય ‘માનુષ’ ગુજરાતીમાં ઊતરી રહ્યું છે, ત્યારે ચિત્ત સ્વાભાવિક જ સ્વરાજલડત અને સ્વરાજનિર્માણના વ્યાપક ફલક પર, ભલે ચિત્રકળાનું ઓઠું લઈને, થોડાંએક છબછબિયે ચઢવા ચહે છે. સ્વરાજ પછી તરતનાં વરસોમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને એની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી દેશના ચિત્રકળાનકશે વડોદરાને મૂકી આવે છે. એન.એસ. બેન્દ્રે અને કે.જી. સુબ્રમણ્યન્ સરખા ગુરુજનોએ ફોરતાં પરિસર ને પરિવેશમાં જે બધી સર્જક પ્રતિભાઓનું પ્રફુલ્લન થયું એમાં ગુલામ મોહમ્મદ શેખ, જ્યોતિ ભટ્ટ, ભૂપેન ખખ્ખર, જેરામ પટેલ, હમણાં જ ગયા તે વિવાન સુંદરમ્થી માંડીને હકુ શાહ પણ. સગવડ ખાતર એમને આપણે વડોદરા જૂથ જેવું નામ આપીને હાલ પૂરતું ચાલીએ. આ નામ પણ, જો કે, તારતમ્યની રીતે એકજૂટ, એકલઠ્ઠ, બધી વાતે ને બધો વખત બેસતું નથી.
બંગાળ-શાંતિનિકેતન મંડળીના ઉદય અને વિકાસ સબબ એટલો એક મુદ્દો આપણી હાલની વાતચીત પૂરતો જરૂર કરીશું કે યુરોપીય સંપર્કે રિનેસાંસની છાલકે આપણે ભીંજ્યા જરૂર, પણ બંગાળ મંડળીનો ઠીક હિસ્સો ‘સ્વ’ની ખોજમાં – અને એ રીતે રાષ્ટ્રભાવના તેમ ‘સ્વદેશી’ આદિથી પરિચાલિત હતો. ટાગોર કુટુંબના જ અવનીન્દ્રનાથે ચીતરેલાં ભારતમાતા આ સંદર્ભમાં તરત સાંભરે છે. પણ રવીન્દ્રનાથની ગતિ રાજલક્ષ્મી નહીં એટલી સમાજલક્ષ્મી ભણી છે, રાષ્ટ્ર કરતાં જન/ લોક ભણી છે. આ સ્કૂલના નંદબાબુ(નંદલાલ બોઝ)માં તમે એનો પ્રકર્ષ જોઈ શકો.
ગાંધીની હાકલે કાઁગ્રેસે શહેરોને બદલે ગ્રામપ્રદેશમાં અધિવેશન યોજવાનું નક્કી કર્યું ત્યારે સુરત કને હરિપુરામાં સુભાષબાબુના પ્રમુખપદે મળેલી કાઁગ્રેસ ટાંકણે સભામંડપ, નિવાસશિબિર આદિ સહિત સમગ્ર પરિસરનું કલાવિધાન ગાંધીનિમંત્ર્યા ને રવીન્દ્રદીધા નંદલાલ બોઝે કરેલું. એમનો અભિગમ જે તે પંથક બહારની કોઈ આયાતી સામગ્રી કરતાં સવિશેષ તો જે તે જનપદે સુલભ તળપદ સામગ્રી સંયોજવાનો હતો.
વાતની શરૂઆત આપણે હકુ શાહના પુસ્તક પ્રકાશન નિમિત્તે કરી હતી, અને વડોદરા-બંગાળ જૂથ જેવું જાડું વિભાજન કરતે કરતે સહસા રવીન્દ્રનાથ ને ગાંધીજીના લોકવિરલ સખ્ય પર આવી ઠર્યા તો એની આસપાસ પણ થોડીક ગુફ્તગુ કરી જ લઈએ. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી કાયમ માટે ભારત આવી રહ્યા હતા ત્યારે, 1914-15માં ત્યાંના આશ્રમવાસીઓની એક ટુકડી તેમણે શાંતિનિકેતન મોકલી આપી હતી. દેશમાં આવ્યા પછી આ ટુકડીની ભાળ લેવા તેઓ પહોંચ્યા ત્યાં એમનો ને દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર(કાકા)નો સંપર્ક થયો. કાકા તે પછી ગાંધીજીના થઈને રહ્યા. રવીન્દ્રનાથની એ મીઠી ફરિયાદ હતી કે તમે અમારા દત્તુબાબુને લઈ ગયા તે લઈ જ ગયા!
એ જ અરસામાં કાકાએ પોતાના મિત્ર, મુઝફ્ફરપુરમાં ત્યારે અધ્યાપક, કૃપાલાનીને તેડ્યા કે ગાંધીને મળવા આવો. આમ તો કાકા ને કૃપાલાની હિમાલયના હેવાયા હતા, પણ હવે વિકલ્પે એમની પસંદગી ગાંધી પર ઢળી. ગમે તેમ પણ, અહીં પાછા કલાવાર્તામાં આપણે પ્રવેશ કરશું જરી? ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠનો આરંભ કર્યો ત્યારે કૃપાલાની બનારસ હતા. એમને તેડાવ્યા અને 1923થી 1928 એ અહીં આચાર્ય તરીકે પંકાયા અને એમની એ ઓળખ કાયમી બની રહી. 1970-1982નાં એમનાં અંતિમ વર્ષોમાં મારો નિકટ પરિચય રહ્યો. ખાસાં પચાસ વરસના અંતરે એક વાર મેં એમને વિદ્યાપીઠકાળના પ્રિય વિદ્યાર્થીઓ વિશે પૂછ્યું તો એમણે સંભારેલાં પાંચ-સાત નામોમાં એક આપણા ભારતવિખ્યાત ચિત્રકાર કનુ દેસાઈનું હતું. કૃપાલાનીને અંતરનો આનંદ હતો કે કનુભાઈની કલાપ્રીતિ જોતાં પોતે એમને વિશેષ પ્રગતિ માટે શાંતિનિકેતન મોકલવાનું ગોઠવી શક્યા હતા.
ગુજરાત-બંગાળના ભાવાત્મક સંધાન અને અર્થપૂર્ણ આપલેની આ પિછવાઈ પર જરી વડોદરા જૂથ વિશે. લોકાયન અને ગ્રામાયનનું જે નવ્ય વલણ આપણે નંદબાબુ નિમિત્તે નોંધ્યું એનો જ એક અવનવો આવિષ્કાર કદાચ હકુ ઘટના રૂપે જોવા મળે છે. પોતાનાં છાત્રયુવા વર્ષો સંભારીને હકુ ભાઈએ લખ્યું છે કે મણિ સર (કે. જી. સુબ્રમણ્યન્) અમને જ્યાં કારીગરો કામ કરતા હોય ત્યાં લઈ જતા, મેળાઓમાં લઈ જતા. પરંપરામાં થતાં કામો સાથે અમારો એક સાર્થક આપલેનો નાતો બંધાતો, અને એમાંથી સર્જનાત્મક વળાંકો પણ સધાતા આવતા. આ સુબ્રમણ્યન્ મૂળે તો અર્થશાસ્ત્રના મેધાવી છાત્ર અને રાષ્ટ્રીય આંદોલનમાં પૂરેવાય પડેલા. પણ એમને રાષ્ટ્રીય જુવાળ ને રાજકીય ખેંચાણ વચ્ચે કશુંક ખૂટતું વરતાતું. એ ભાવઠ ભાંગી નંદબાબુની નિશ્રામાં. ચૈતન્યનો જે સંસ્પર્શ ગાંધીમાહોલમાં ને સુબ્રમણ્યન્ સરખાની સંનિધિમાં થયો, એણે હકુ શાહની વિશ્વદૃષ્ટિ (ને એથી કલારમણા) કંઈક ન્યારીનિરાળી જ કરી મેલી. શ્રમિક-બૌદ્ધિક જુવારાં ભાંગવાની જે ગાંધીગતિ તે અહીં કારીગર ને કળાકાર વચ્ચેનાં જુવારાં વટીને ચાલી. ક્રાફ્ટ અને આર્ટ વચ્ચેનું પારસ્પર્ય પમાયું. પકડાયું. એક આખું જાણે કે સામે આવ્યું.
જુઓ, હકુભાઈ કહેતા, ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે વસાવા પરિવારોને તમે મળ્યા છો કદી? તે ‘સેવિયા’ બનાવી સેવ પાડે છે. આ સેવિયાને વળી શણગારાય અને ગીતો પણ ગવાય. ને એનો આકાર? કોઈ ચોરસસપાટ એવો નિર્જીવ નહીં પણ બળદ શો સજીવ. કોણે કહ્યું, આર્ટિઝન ને આર્ટિસ્ટ જુદા છે? તમારી આ સ્કૂટરસવાર કોલેજકિશોરીઓ કેવી જવારિયાં લહેરાવતી જાય છે? ભાઈ, એ તો આદિવાસીએ એની જીવાતી જિંદગીના અભિન્ન અંગ શાં જવારદાણા થકી પાડેલી ટીપકી ભાત છે. માટે તો એને જવારિયું કહે છે … આ ધાટીએ એમણે સ્ટેલા ક્રેમરિશ સાથે રહી ફિલાડેલ્ફિયામાં મ્યુઝિયમ સર્જ્યું. ગૂજરાત વિદ્યાપીઠમાં આદિવાસી મ્યુઝિયમ વિકસાવ્યું. ઉદયપુર પાસે શિલ્પગ્રામની સંકલ્પના સાકાર કરી. શુભા મુદ્ગલનું ગાન ને હકુ શાહની ચિત્રકારી, એની જુગલબંધી શું ‘હમન હૈ ઈશ્ક’ પ્રકારનુંયે કામ કર્યું તો ‘નિત્ય ગાંધી’નીયે એક સૃષ્ટિ વિકસાવી. મુદ્દાની વાત એ છે કે સ્વરાજસંસ્કારે જેમ નીચે લગી ઝમવાપણું હશે તેમ નીચેથી ઉપર ભણી પૂગવાપણું પણ છે. જન સાધારણનો આ જે જગન, હકુ શાહ એના જોગંદર હતા.
પ્રગટ : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 ઍપ્રિલ 2023
સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર