રામકથા અનંતા
અદ્દભુત રામાયણમાં સીતા જુધ્ધે ચડી રાવણને સંહારે છે તો જૈન રામાયણમાં તમે જે રાવણને મળો છો તે વળી એકદમ માનવીય છે. રામ રાજ્ય જેનું નામ, એમાં આટલું તો ખુલ્લાપણું હોય જ ને ભાઈ
રામલલ્લાના ભાલે સૂર્યતિલકના પાવન ઉજાસમાં, રામ નવમીની વળતી સવારે થોડુંકેક પ્રગટ ચિંતન કરવાની હોંશ છે. જાન્યુઆરીમાં મંદિર ખુલ્લું મુકાયું ત્યારે સર્વોચ્ચ સત્તાસનેથી જે એક નવપ્રસ્થાનની ભાવના પ્રગટ થઈ હતી તેને અનુલક્ષીને વાત કરવા વિચારું છું ત્યારે દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદની માંડણી કરતાં આપેલી એ સમજૂતી સાંભરે છે કે, અહીં ધર્મરાજ્યની વાત કરીએ છીએ એનો અભિપ્રેત અર્થ કાયદાનું શાસન (રુલ ઑફ લૉ) છે. ભવ્ય મંદિર નિર્માણની પ્રક્રિયા વખતે સતત અપાતો રહેલો હવાલો પણ એ છે કે સર્વોચ્ચ અદાલતે લીલી ઝંડી ફરકાવી તે પછીનું આ પગલું છે. વિગતની દૃષ્ટિએ બેલાશક આ એક સાવ સાચી વાત છે, પણ એટલું જ સાચું એ પણ છે કે સર્વોચ્ચ અદાલતે 1992ના ડિસેમ્બરની છઠ્ઠીએ જે બન્યું હતું એને ગુનાઇત કૃત્ય લેખ્યું છે અને હજી તે અંગે શિક્ષાત્મક ચુકાદો બાકી છે. નવ પ્રસ્થાનની ક્ષણોનો તકાજો ખરું જોતાં સહજ આનંદોલ્લાસની જોડાજોડ જાતમાં ઝાંખતા રહેવાનોયે હોય છે એવી સમજથી આટલી એક આરંભિક નુક્તેચીની.
નવપ્રસ્થાનની હોંશમાં બીજો એક મુદ્દો તેરેક વરસ પાછળ જઈને કરવા જોગ છે. તેરેક વરસ પહેલાં એક વિદ્યાર્થી સંસ્થાએ, ભા.જ.પ.ના પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ સમર્થન સાથે ઊહાપોહ (અને તોડફોડ) કરીને દિલ્હી યુનિવર્સિટીના ઉચ્ચ અભ્યાસક્રમમાંથી રામાયણ વિષયક એક અભ્યાસનિબંધપડતો મુકાવ્યો હતો. વાચકને ખયાલ હોય જ કે રામાયણના આરૂઢ અભ્યાસી, ફાધર કામિલ બુલ્કેએ ઓછામાં ઓછાં ત્રણસોથી વધુ રામાયણ અસ્તિત્વ ધરાવે છે એવું પ્રતિપાદન કર્યું છે. કામિલ બુલ્કેનો આ વિગતમુદ્દો લઈને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન એ.કે. રામાનુજને લખેલ અભ્યાસનિબંધમાં જુદી જુદી રામકથાઓમાં દેશવિદેશમાં તેમ અલગ અલગ ભાષા પરંપરામાં અને જૈન, બૌદ્ધ આદિ ધર્મપ્રણાલિઓમાં કેવું ને કેટલું જુદાપણું છે એની ચર્ચા કરવા ઉપરાંત એ પણ સમજાવ્યું છે કે કોઈ એક મુખ્ય રામકથા (રામાયણ) હોય અને બાકી બધાં એનાં અલગ આવર્તનો હોય એવું પણ નથી.
અહીં સ્વાભાવિક જ રામાનુજનના નિબંધની ચર્ચામાં જવાનો ખયાલ નથી. જે મુદ્દો કરવા જોગ હતો અને છે તે એ કે જુદાં જુદાં રામાયણમાં આવતી કેટલીયે વાતો વાલ્મીકિ અને તુલસીને કારણે રૂઢ થયેલી પરંપરાથી જુદી છે. અદ્દભુત રામાયણ પ્રમાણે, જેમ કે, સીતા સ્વયં જુધ્ધે ચઢી રાવણને સંહારે છે. જૈન રામાયણ પરંપરામાં રાવણનું પાત્ર ખાસું માનવીય વરતાય છે.
જુદી જુદી પરંપરાઓનો પરિચય થાય ત્યારે આપણી પ્રચલિત માન્યતાઓ અને ખયાલોને આંચકો લાગે એવુંયે બને : તુર્કસ્તાનમાં ઇજાર પહેરેલી ગણેશ મૂર્તિ મળે ત્યાં સુધી તો બરાબર; પણ ત્યાં પ્રચલિત રામકથા પરંપરામાં સીતા રામને લક્ષ્મણ બેઉનાં પત્ની હોય એવું શું કરવું. બૌદ્ધ પરંપરામાં, દશરથ જાતકમાં, અયોધ્યાને સ્થાને વારાણસીનો નિર્દેશ છે એ તો ઠીક, પણ રામ ને સીતાને ભાઈબહેન વર્ણવ્યા છે, એનું શું કરવું.
આવી બધી વાતો સામે આવે ત્યારે કેમ કે શિક્ષાર્થી છીએ, પ્રજાઓ ને પરંપરાઓ કેવી અલગ અલગ રીતે વિચારે છે એ સમજવાની તક ઝડપવી પડે. જુદા માહોલમાં, જુદા સામાજિક-સાંસ્કૃતિક પરિવેશમાં, સમાજવિકાસના અલગ અલગ તબક્કે આ બધાં પાત્રો પોતપોતાની આગવી રીતેભાતે વિકસતાં ને વિલસતાં હોય છે. આપણે એક વિદ્યાર્થી છીએ, શિક્ષક કે વાચક છીએ. પાત્રોને એમના પરિવેશમાં સમજવાની કોશિશ કરીએ અને એક પ્રજા તરીકે સમાજવિકાસની આપણી યાત્રા વિશે પ્રકાશ પામતા ચાલીએ એથી રૂડું શું.
યુનિવર્સિટી કોઈ ધાર્મિક પાઠશાળા કે મધ્યયુગી સેમિનારી નથી. જે રામને તમે કે હું પૂજતાભજતા હોઈએ તે પોતાને ઠેકાણે ઠીક જ છે, પણ ઇતિહાસ અને સમાજવિકાસના મુમુક્ષી છાત્ર તરીકે આપણે નાનાવિધ પાત્રોને મળવા પ્રીછવાની તૈયારી રાખવી જોઇએ. એમની ને એમને સરજનાર પ્રતિભાઓ ને પરિબળોની કે અનામ લોકપરંપરાઓની ગત અલબત્ત ન્યારી જ હોય. એમનો સહૃદય અભ્યાસ હોય, કોઈ સેન્સરશાહી નહીં.
રામ રાજ્ય જેનું નામ, એમાં આટલું તો ખુલ્લાપણું, કમ સે કમ હોય જ ને ભાઈ.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 ઍપ્રિલ 2024