ભારતમાં પહેલી વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇ.વી.એમ.) કેરળમાં, 1982માં, પરાવુર વિધાનસભાના 50 મતદાન કેન્દ્ર પર ઉપયોગમાં લેવાયું હતું. એ ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર એ.સી. જોસે ઇ.વી.એમ.નાં પરિણામોને કોર્ટમાં પડકારતાં કોર્ટે ફરી ચૂંટણી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, મશીનમાં કોઈ ગરબડ પુરવાર થઈ ન હતી, પણ તે પછી ઇ.વી.એમ.થી થતી ચૂંટણી વારંવાર પડકારાતી રહી છે, ખાસ કરીને ઉમેદવાર હારી જાય છે, તો મશીનનો વાંક નીકળે છે. ઉમેદવાર જીતે છે તો તેને મશીનમાં ખામી જણાતી નથી એનું પણ આશ્ચર્ય જ છે.
અત્યારે મામલો સુપ્રીમમાં છે ને વિપક્ષની માંગ છે કે ઇ.વી.એમ.ને બદલે પહેલાંની જેમ બેલેટ પેપરથી ઇલેક્શન થાય. આ વખતે તો એ શક્ય લાગતું નથી, કારણ ચૂંટણી નજીકમાં જ છે અને ઇ.વી.એમ.થી ચૂંટણી યોજવાની બધી તૈયારીઓ ચૂંટણી પંચે પૂરી કરી લીધી છે. આમ તો આ મુદ્દો ચૂંટણી નજીક હોય ત્યારે જ ઊભો થાય છે. વિપક્ષ અને થોડા વકીલો દર ચૂંટણી વખતે જાગે છે ને એ પછી થોડાં વર્ષો બધાં શાંત પડી જાય છે. બધા વાંધા છતાં 1982થી ઇ.વી.એમ.થી ચૂંટણી થાય છે ને પડકારો છતાં મોડાં વહેલાં એ દ્વારા મળતાં પરિણામોનો સ્વીકાર પણ થાય છે. ભારતમાં ચૂંટણી બેલેટ પેપરથી જ થતી હતી, પણ તેમાં બુથ કેપ્ચરિંગથી માંડીને અનેક ગરબડો થઈ અને ઇ.વી.એમ.થી ચૂંટણી થવા લાગી. વખત જતાં એમાં પણ વિપક્ષોને વાંધો પડ્યો ને ફરી એકવાર મતપત્રકથી ચૂંટણી કરાવવાનો આગ્રહ વિપક્ષ રાખી રહ્યો છે, ત્યારે એ વિચારતો નથી કે વિપક્ષોને જ મતપત્રકથી ચૂંટણીનાં પરિણામો વરવાં લાગ્યાં એટલે તો ઇ.વી.એમ. તરફ વળવું પડ્યું, હવે એનો વાંધો પાડીને ફરી મતપત્રકનો રાગ આલાપવાનું ચાલ્યું છે ને દડો સુપ્રીમમાં નાખ્યો છે, તે કેટલું યોગ્ય છે તે પ્રશ્ન જ છે.
એક તરફ સૌ 2024ના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ને બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એ.ડી.આર.) અને સામાજિક કાર્યકર અરુણકુમાર અગ્રવાલે અરજી દાખલ કરીને ઇ.વી.એમ. વોટ અને (વોટર વેરીફાએબલ પેપર ઓડિટ ટ્રેલ) વીવેપેટ સ્લીપને 100 ટકા મેચ કરવાની માંગ કરી છે. એટલું છે કે ભારતમાં ચૂંટણીનું કાર્ય ગંજાવર છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી માટે વખતોવખત સુધારની ભૂમિકામાં હોય જ છે, તો તેને સતત શંકાથી જોવાનું ઠીક નથી. સુપ્રીમ દ્વારા ઇ.વી.એમ.ને લગતી અરજી પર સુનાવણીમાં એ.ડી.આર. તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટે આકરા સવાલો પૂછીને 18મી સુધી સુનાવણી ટાળી દીધી. એ પછી 18મીએ કોર્ટે, એ.ડી.આર., વકીલો અને ચૂંટણી પંચની દલીલો પાંચ કલાક સાંભળીને નિર્ણય અનામત રાખ્યો છે. પ્રશાંત ભૂષણની દલીલ એ હતી કે મોટાભાગના દેશો ઇ.વી.એમ.ને છોડીને બેલેટ પેપર પર પાછા ફર્યા છે. બેલેટ પેપર અંગે જર્મનીનો દાખલો અપાતા જસ્ટિસ દત્તે પૂછ્યું કે જર્મનીની વસ્તી કેટલી છે? જવાબ હતો – 6 કરોડ. દેખીતું છે કે ભારતના 98 કરોડ મતદાતાઓ માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનું સહેલું નથી. સુપ્રીમના જસ્ટિસ સંજીવ ખન્નાએ મતપત્રકથી થતી ચૂંટણી સંદર્ભે કહ્યું કે બેલેટથી થતાં મતદાનની સમસ્યા ને તેનો સમયગાળો અમે ભૂલ્યા નથી.
અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ સંજય હેગડેએ કોર્ટ પાસે માગણી મૂકી કે ઇ.વી.એમ.માં નોંધાયેલા મતોને 100 ટકા વીવીપેટ સાથે મેચ કરવામાં આવે. આ મુદ્દે ચૂંટણી પંચનું કહેવું છે કે તમામ વીવીપેટ સ્લિપની ગણતરીમાં 12 દિવસ જેટલો લાંબો સમય લાગી શકે. સર્વોચ્ચ અદાલતે પણ તે અવ્યવહારુ ગણાવ્યું. બીજું, કે માનવીય હસ્તક્ષેપ થતાં ભૂલ થવાની સંભાવના વધે જ છે. સુનાવણી દરમિયાન અરજદારે ઇ.વી.એમ. અને વીવીપેટમાં લાગેલી ચિપને પ્રોગ્રામ કરી શકાય છે એ વાત આગળ કરી. એ રીતે ચેડાં થાય તો પરિણામો બદલાઇ શકે છે. આ કારણોસર અરજદારે બેલેટ પેપરથી ચૂંટણી યોજવા, તમામ વીવીપેટ કાપલીઓની ગણતરી કરવા પરવાનગી માંગી હતી, પણ સુપ્રીમે કહ્યું કે એમ હાથેથી ગણતરી કરવા જતાં પરિણામ જુદાં જુદાં આવશે. સુપ્રીમે ચૂંટણી પંચને સીધું જ પૂછ્યું કે ઇ.વી.એમ. સાથે ચેડાં થઈ શકે?
પ્રશાંત ભૂષણે એક રિપોર્ટ એવો રજૂ કર્યો, જેમાં કેરળમાં મોક પોલિંગ દરમિયાન વધુ વોટ બી.જે.પી.ને ગયા હતા. ચૂંટણી પંચે એ આરોપને પાયાવિહોણો ગણાવ્યો. એક વાત સ્પષ્ટ છે કે જો મતપેટી ઉઠાવી જવાતી હોય તો ઇ.વી.એમ. સાથે પણ એવી કોઈ હરકત થઈ શકે એ વાત નકારી શકાય નહીં. રહી વાત વિપક્ષોની, તો એમણે એવી શંકા પણ કરી જ છે કે ઇ.વી.એમ. મશીનો રિપ્લેસ થઈ શકે. હેકર્સ એ સાબિત કરી ચૂક્યા છે કે ઇ.વી.એમ. પણ હેક કરી શકાય છે. ચૂંટણી પંચની ટ્રાયલમાં પણ એવું બન્યું છે કે કોઈ પણ બટન દબાવતાં મત ભા.જ.પ.માં જ પડતો હતો. વિપક્ષોને એવી પણ શંકા છે કે આખે આખું ઇ.વી.એમ. એ જ નંબરનું ભા.જ.પ.ની ફેવરનું, સ્ટ્રોંગ રૂમમાં મૂકીને ત્યાંનું મશીન ઉઠાવી શકાય. થઈ તો ઘણું શકે, પણ સારું છે કે ઘણું થતું જ નથી.
એક ફેરફાર એવો આવ્યો કે 2017થી વીવીપેટનો ઉપયોગ મતદાન મથકમાં કરવામાં આવ્યો. 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત વીવીપેટનો ઉપયોગ થયો, જેમાં મતદાતાએ કોને મત આપ્યો છે તે, તે સાત સેકન્ડ સુધી જોઈ શકે. વિપક્ષોની માંગ છે કે પડેલા મત અને વીવીપેટની સ્લિપ સરખાવવામાં આવે. આમ તો કોઈ પણ પાંચ ઇ.વી.એમ.માં પડેલ મત અને વીવીપેટની સ્લિપની સરખામણી કરવામાં આવે છે, પણ વિપક્ષની માંગણી છે કે બધી જ સ્લિપની સરખામણી કરવામાં આવે. જો કે, કોર્ટને એ વ્યવહારુ લાગતું નથી. 98 કરોડ મતદાતાઓના મતની આ રીતે સરખામણી માનવ હાથોથી કરવાનું મુશ્કેલ છે, એટલું જ નહીં, એમાં પણ ગરબડો થવાની શક્યતા નકારી શકાય નહીં. સાચું તો એ છે કે વીવીપેટ વ્યવસ્થામાં આજ સુધી કોઈ મોટી ગરબડ નોંધાઈ નથી, તો તેના પર ભરોસો રાખીને શંકા ને અવિશ્વાસનું વાતાવરણ ઊભું ન થાય તે વિપક્ષોએ પણ જોવું જોઈએ. જો ગરબડને કારણે ભા.જ.પ.નો ઉમેદવાર જીતતો હોય તો એ જ વખતે વિપક્ષનો કોઈ ઉમેદવાર જીતે પણ છે, તે યાદ રાખવાનું કે કેમ?
જ્યાં પણ માણસો મારફતે કામ થાય છે ને જ્યાં પણ માનવ સ્વભાવ, સ્વાર્થ, લાભ, હાનિની ભૂમિકા છે, ત્યાં ગમે તેવાં સાધનો સાથે ચેડાં થઈ શકે એમ છે. આવી સ્થિતિ હોય ત્યાં કોઈ પણ અનીતિ, ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ વધે જ છે. કરુણતા એ છે કે ક્ષતિઓ હંમેશ સામે જ જણાય છે. આરસીમાં જોવાનું ઇરાદાપૂર્વક ભૂલી જવાય છે, એટલે જ કોઈ પણ વાતમાં શંકા કરવાની, પાણીમાંથી પોરાં કાઢવાંની નવાઈ રહી નથી. જો બધાં જ ભલાં અને સત્યપ્રિય હોય, તો ગરબડો થાય જ શું કામ? પણ એવું નથી. દુષ્ટતા અને ભ્રષ્ટતા દેશ આખામાં પ્રવર્તમાન હોય, ત્યાં રાજકીય પક્ષોને સામો પક્ષ શંકાસ્પદ જણાય તે શક્ય છે. જીતવું દરેકે છે, એટલે સામાવાળો કઈ રીતે હારે એની ચિંતા બધા જ કરતાં હોય છે. એ હાર ચૂંટણી દ્વારા શક્ય હોય તો તેને માટે જે કઈં પણ કરી શકાય તે રાજકીય પક્ષો કર્યા વગર ન જ રહે. અત્યારે પણ ભા.જ.પ. વિપક્ષને અને વિપક્ષ ભા.જ.પ.ને ભાંડ્યા જ કરે છે. એ સિવાય કોઈ કામ જ નથી જાણે ! આવી સ્પર્ધામાં પક્ષના ભક્તો થાળી વગડીને કે આરતી ઉતારીને થોડો ટાઈમ રાજી રહેતા હોય છે, પછી તો એ પણ ધંધે વળગતા હોય છે. ખરેખર તો જે મત આપે છે તેનો હાથ પહેલાં પણ ખાલી હતો ને પછી પણ ખાલી જ રહે છે. કમાલ છે ને કે જેના મતથી પક્ષો સત્તા સુધી પહોંચે છે, તે પછી તેમના સુધી પહોંચી શકતો જ નથી. આ કદાચ દરેક મતદાતાની કમનસીબી છે, કરુણતા છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 એપ્રિલ 2024