કનૈયાલાલ મુનશી – જન્મ : 30-12-1887, મૃત્યુ : 8-2-1971

પ્રકાશ ન. શાહ
કુલપતિ ક.મા. મુનશીનો 138મો જન્મદિવસ ગયો, ત્યારે સ્વાભાવિક જ થોડા દિવસ પરની એક અખબારી નુક્તેચીની સાંભરી આવી. વીતેલા વરસમાં લોકસભાની ચૂંટણીના વારાથી યોગી આદિત્યનાથનું ખાસું ગાજેલું સૂત્ર ‘બટેંગે તો કટેંગે’ રહ્યું છે.
એક મિત્રે તે સંદર્ભે મુનશીને યાદ કરવાપણું જોયું. મુનશીની કીર્તિદા નવલત્રયી માંહેલો મુંજાલ અને કીર્તિદેવ વચ્ચેનો સંવાદ આ નિમિત્તે તરત સંભારવો એ કદાચ સહજ પણ છે. યવન આક્રમણકાર સામે સૌ એક થઈએ એવી આર્ષ આરત કીર્તિદેવની છે, તો પાટણના મહાઅમાત્ય મુંજાલનું વાસ્તવદર્શન પોતાની મઢુલી સાચવવા પર કેન્દ્રિત છે.

યોગી આદિત્યનાથ – જન્મ : 5-6-1972
કીર્તિદેવનું અને મુંજાલનું પોતપોતીકું લોજિક છે. પણ આદિત્યનાથ પ્રકરણને અને આ ચર્ચાને પરસ્પર પૂરક ને સમર્થક ધોરણે સાથે મૂકવાની રીતે, કહો કે એમની સહોપસ્થિતિના ધોરણે મૂકીએ એમાં હું કંઈક ખચકાટ અનુભવું છું. એનાં બે કારણ છે. એક તો, આદિત્યનાથનું રાજકારણ વિભાજનપૂર્વ મુસ્લિમ લીગના હિંદુ અડધિયાનું છે. બીજી બાજુ, મુનશી લખે છે એ કથાનક સોલંકી યુગનું છે, પણ લેખક પંડે તો સંકેલાતી ઓગણીસમી સદીનું ને વિકસતી-વિલસતી વીસમી સદીનું સંતાન છે. કાનૂનવિદ્દ છે. જિંદગીની સફરમાં એક મુકામ પર એ સ્વતંત્ર ભારતના બંધારણની મુસદ્દા સમિતિ પર હોવાના છે. સાત-આઠ સૈકા પરનું વસ્તુ હાથમાં લીધું છે, પણ ‘મોડર્ન સ્ટેટ’ એ શું તે જાણે છે. બંધારણનાં મૂલ્યોનો સહજ સ્પંદ પણ છે અને તમે એમનો વિવેક પણ જુઓ. સરદારે ભળાવ્યા એમણે નિઝામના હૈદરાબાદમાં ભારત સરકારના એજન્ટનું દાયિત્વ સાહ્યું છે, તો નેહરુ પ્રધાનમંડળના સભ્ય પણ રહ્યા છે. પણ કાઁગ્રેસથી છૂટા પડ્યા છતાં, જનસંઘનો વિકલ્પ સુલભ છતાં, એ સ્વતંત્ર પક્ષમાં પસંદગીપૂર્વક જોડાયા છે. આ વૈકલ્પિક પસંદગી એમની પ્રાચીન ભારત માટેની ભક્તિ, આગળ જતાં વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક સભ્યો પૈકી એક હોવા છતાં, રાષ્ટ્રવાદ અને રાજકારણની સાંકડી ને કોમી વ્યાખ્યા પરત્વે કંઈક અંતર સૂચવે છે.
તો, એકવીસમી સદીના પહેલા ચરણમાં યોગી આદિત્યનાથની બડકમદારી નહીં તો પણ સાહેદીમાં એમને ખડા કરવા બાબતે મને ચોક્કસ જ એક ખચકાટ છે. બટેંગે-કટેંગે એ લોકલુભાવન સૂત્ર વાસ્તે મુનશીની સર્વપ્રિય ત્રયીમાંથી મને અનુમોદના જરૂર મળે છે, પણ એનો સ્રોત જરી જુદો છે.
બે પાત્રો હું સંભારું, એમનાં આનંદસૂરિ અને ખતીબ; ને મારી વાત સ્પષ્ટ કરું. મોડેથી દાખલ થતા ખતીબની જિકર કરી વહેલા કરવા ઈચ્છું છું. ખંભાતમાં, ઉદયન મંત્રીના ઈલાકામાં, વિધિવત પ્રવેશ પૂર્વે કાક વૃક્ષ નીચે આરામ ફરમાવી સ્વયંપાક સારુ ઈંધણાંની વેતરણમાં હશે એવામાં ઉપરથી કંઈક ખખડાટ અનુભવાય છે. બીતી, નહીં ઓળખાતી આકૃતિ નીચે ઉતરે છે.
આ તે જન કે જનાવર, કેમ જાણે કાક વિમાસે છે. ઓળખાય નહીં એથી ને અન્યથા એ ઈતર છે – ધ અદર. વાત એમ છે કે મ્લેચ્છો વિશે સાંભળ્યું હશે, પણ આ પ્રથમ દર્શન છે. ઉદયન મંત્રીએ ખંભાતની મ્લેચ્છ વસ્તી પર ત્રાસ વરતાવ્યો તેમાંથી બચીને બીધેલો ભાગેલો આ જણ છે પાટણની રાજનીતિના પેચમાં ભૃગુકચ્છ પંથકના કાકના ને બીજાઓના પવિત્રામાં નહીં જતાં અહીં એટલું જ નોંધવું બસ થશે કે પાટણ દરબારમાં, ઉદયન મંત્રીના કેર સામે ખતીબને ન્યાય અપાવવાનો કાકનો અભિગમ જયદેવને ‘ગુજરાતનો નાથ’ સ્થાપવામાં – કહો કે જયસિંહદેવના ગ્રેજ્યુએશનમાં ઉપયોગી થઈ પડે છે. મોડર્ન કોન્સ્ટિટ્યૂશનલ સ્ટેટની જે રગ મુનશી પેઢીમાં કેળવાઈ એમાં ખતીબને (એક લઘુમતી નાગરિકને) ન્યાય મળે એ જરૂરી છે. જેમ ઉદયન કાક, ખતીબ તેમ ખુદ જયસિંહદેવ પણ મોડર્ન કોન્સ્ટિટ્યૂશનલ સ્ટેટની રૂએ નાગરિક છે, સાથી-નાગરિક છે, એમના લટિયા, જટિયા ગુંથાયેલ છે. સમજ્યા, ભાઈ? બટેંગે તો કટેંગે.
હવે આનંદસૂરિ વિશે ને મિશે. મીનળદેવીના પિયર પક્ષના (ચંદ્રાવતીના) આ સૂરિ, મુંજાલને ઠસાવવા મથે છે કે તમે જૈન, અમે જૈન, એવું ધર્મઝનૂન જગવીએ આપણે કે એની સામે યવનો ભાંગીને ભુક્કો થઈ જાય. પ્રતિકાર માટે એની લાગણી, માગણી ને વ્યૂહરચના બલકે એકંદરે માનસિકતા સહજ સ્વદેશવત્સલ નહીં પણ નિતાન્ત નિ:શેષ ઘોર ઝનૂની છે. મુંજાલ પટણી હોવાથી (નાગરિક હોવાથી) રાજી છે. એને ધર્મઝનૂની પેચપવિત્રા સ્વીકાર્ય નથી … અને આનંદસૂરિ? એમની જે ગતિ એટલે કે અવગતિ મુનશીએ કરી છે! ગુજરાતની અસ્મિતાની જે એક ખાસ સ્કૂલ છેલ્લા દાયકાઓમાં આપણી સામે આવી છે એને આ મુનશીવિવેકની સૂધબૂધ નથી.
મુનશીએ તો સોજ્જું વળતું પ્રતિમાન પણ મૂક્યું છે આપણી સામે – હેમચંદ્ર રૂપે. અલબત્ત, મુનશીએ પોતે હૈમસારસ્વત સત્ર જેવા આયોજન થકી કે ધૂમકેતુએ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રમાં વિગતે કરેલી માંડણીને અહીં નવલ અવકાશ નથી મળ્યો. પણ આનંદસૂરિ-હેમચંદ્ર વચ્ચે વિવેક કરવો અઘરો નથી.
થાય છે, ભેગંભેગું, લગરીક ‘જય સોમનાથ’ વિશે કહી દઉં. સરદારની પહેલ મુનશીએ પાર પાડી. એમની નવલકથાના અડવાણી સહિતના આશકોનો સુમાર નથી. અડવાણીને અયોધ્યા યાત્રા માટે જડી રહેલ પ્રસ્થાન તીર્થ પણ સોમનાથ હતું. માત્ર, સરદારે અયોધ્યામાં તાળાં મરાવવાનો અને સોમનાથમાં નિર્માણનો જે નિર્ણય લીધો એ બે વચ્ચેનો એમનો વિવેક (અલબત્ત, મુત્સદ્દીગીરી સમેતનો) વિભાજનપૂર્વ હિંદુ અડધિયાની રાજનીતિને નયે પકડાય.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 08 જાન્યુઆરી 2025