ભગતસિંહ
(27 સપ્ટેમ્બર, 1907 : 23 માર્ચ, 1931)
ગાંધીજી
(2 ઓક્ટોબર, 1869 : 30 જાન્યુઆરી, 1948)
આવતા દિવસો, આપણી સ્વરાજલડત સંદર્ભે એક તબક્કે લગભગ સરખી લોકપ્રિયતાના મોજા પર સવાર હોઈ શકતી બે વિરલ પ્રતિભાઓના જયંતી પર્વના છે : ભગતસિંહ અને ગાંધીજી. 1920ની અસહકાર ચળવળ અને 1930ની દાંડીકૂચ સાથે દેશના રાજકીય જીવનમાં ઊપસી રહેલું કેન્દ્રીય વ્યક્તિત્વ સતત તો સ્વાભાવિક જ ગાંધીજીનું હતું. બીજી સંસ્થાઓ નહોતી એમ તો નહીં કહી શકાય, પણ રાષ્ટ્રીય ચળવળનું પ્લેટફોર્મ ત્યારે અલબત્ત કાઁગ્રેસ જ કાઁગ્રેસ હતું.
સન સત્તાવનની ધારા એક રોમહર્ષક ઉઠાવ પછી શમી ગઈ હતી, ને 1905માં બંગભંગ સાથે લાલ-બાલ-પાલ ફરતે લોકજુવાળ બાદ રાજકીય તખ્તે 1915માં ગાંધીપ્રવેશ સાથે એક તરેહના નવજીવનનો ઉન્મેષ વરતાવા લાગ્યો. 1920માં તિલક ગયા : એમની અર્થીને ખભો આપનારા પૈકી ગાંધીજી સર્વથી મોખરે હતા. સ્વતંત્રતાના સાદ સાથે હવે સમતાનો મંત્ર પણ ગુંજવા લાગ્યો. દરમ્યાન, ક્રાંતિધારાને નવજીવન મળ્યું તે સાથે ગુંજેલો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો હતો. આ ક્રાંતિધારાનો સ્વાભાવિક જ એવો કોઈ મોટો વ્યાપ હોઈ શકતો નહોતો. એની અપીલ અલબત્ત પ્રભાવક હતી, પણ લોકહિસ્સેદારીનું જે નવું વ્યાકરણ ગાંધીયુગમાં વિકસ્યું એનો આગળ-પાછળ કદાચ કોઈ જ જોટો નહોતો.
1930-31માં ભગતસિંહનો વિરલ ને વિશિષ્ટ પ્રવેશ અલબત્ત એમણે વડી ધારાસભામાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો જે હલકો-ફુલકો બોંબ પ્રયોગ કીધો એને આભારી હતો. અફરાતફરીમાં આઘાપાછા નહીં થતા, કેમ કે અદાલત મારફતે પોતાની ભૂમિકા લોક લગી પહોંચે, એમણે પકડાવું પસંદ કર્યું … જેમ ન પકડાવું તેમ પકડાવું પણ એક ક્રાંતિઘટના હોઈ તો શકે!
જે સજા થઈ ભગતસિંહને, એ કંઈ બોંબ ઘટનાને કારણે નહોતી. એમાં તો સોન્ડર્સની હત્યાનું નિમિત્ત હતું. એક ગોરા અફસરને બદલે ભળતો ગોરો અફસર ગોળીએ દેવાયો એ ચર્ચામાં નહીં જતાં અહીં આપણે એટલું જ નોંધીશું કે આ હત્યાનો હેતુ લાલા લાજપતરાય પર સાઈમન કમિશન સામેના વિરોધ સરઘસ દરમ્યાન અંધાધૂંધ લાઠીમારથી આગળ ચાલતાં નીપજેલ મોતનો બદલો લેવાનું હતું.
આ મુદ્દો જરી પોરો ખાઈને સમજવા જેવો છે. લાજપતરાય કાઁગ્રેસ નેતા હતા. એમના રાજકારણના કેટલાક અંશ ભગતસિંહ અને સાથીઓને કંઈક નાપસંદ પણ હતા. પણ રાષ્ટ્રીય ચળવળના એક સન્માન્ય નેતા સાથેના પોલીસ દુર્વર્તાવને કેવી રીતે સાંખી શકાય, એ સવાલ હતો. માટે, ભગતસિંહ ને સાથીઓએ જાન પર ખેલવાનો રસ્તો લીધો.
બાકી, ચંદ્રશેખર આઝાદનો દાખલો તો આપણી સામે જ છે. જ્યારે પોલીસથી ઘેરાયા ત્યારે પકડાવાની પળે પોતે મોત વહોરવું પસંદ કર્યું. અહીં આઝાદ અને બિસ્મિલને સંભારીને એક બીજોયે મુદ્દો કરવા જેવો છે. ક્રાંતિકારી પ્રવૃત્તિના ઉત્તરકાળમાં એ બંને ખુલ્લા શાંતિમય પ્રતિકારના વિકલ્પની તરફેણમાં વિચારવા લાગ્યા હતા. કોઈ પલાયની મનોવલણ એની પાછળ નહોતું, પણ સંદેશો લોકમાં સંક્રાન્ત થવો અને એની ફરતે લોકનું ઉદ્યુક્ત થવું એ ચાલના મુખ્ય હતી.
આરંભે મેં 1930-31ના કેટલાક મહિના ગાંધીજી અને ભગતસિંહની લોકપ્રિયતા સરખેસરખી સરસાઈ પર હતી એમ કહ્યું તે વાસ્તવમાં કાઁગ્રેસના અધિકૃત ઇતિહાસકાર પટ્ટાભિ સીતારામૈયાનું વિધાન છે. સરખેસરખી સરસાઈના, ખાસ તો ભગતસિંહને છેડેથી જોતાં જેટલા ટૂંકા એટલા જ તેજતર્રાર ગાળા બાદ સતત સંકળાયેલો એક વિવાદમુદ્દો ગાંધીજી ભગતસિંહને કેમ બચાવી ન શક્યા એ છે. એને અંગે ચર્ચાને અવશ્ય અવકાશ હોઈ શકે, પણ એ માટે ગાંધીજીને નાના કે ક્ષુદ્ર મનના દેખાડવાની ગણતરીથી ઊંચે ઊઠી ઇતિહાસ સમગ્રને જોવો પડે.
વાત એ છે કે ગાંધી-અરવિન સમાધાનીને અન્વયે જેમને છોડી મૂકવાના હતા એ સૌ શાંતિમય પ્રતિકાર સર પકડાયેલા હતા. એટલે સમાધાન સમજૂતીનો એક હિસ્સો આ માંગ બની શકે નહીં. સુભાષબાબુ જેવાને લાગતું હતું કે ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવાને મુદ્દે બાજી ફિટાઉસ કરી નાખવી જોઈએ. જો કે, તેમ છતાં, એમણે પણ નોંધ્યું છે કે ગાંધીજીએ પોતાના તરફથી અરવિનને કહેવામાં કોઈ કસર છોડી નહોતી. એમણે એક વહેવારુ મુદ્દા તરીકે એ પણ ધ્યાન દોર્યું હતું કે ભગતસિંહ અંગેની તીવ્ર લોકલાગણીને તમે માન આપશો તો સમાધાની સાથે અપેક્ષિત પરિસ્થિતિને પણ મદદ મળશે. અરવિનની (લોર્ડ હેલિફેક્સની) એ ગાળાની ડાયરી બોલે છે કે અહિંસાના પૂજારીને એક હિંસાના આરાધકને બચાવવાની આટલી બધી શું કામ પડી છે તે મને સમજાતું નથી.
આંબેડકર ત્યારે મરાઠીમાં ‘જનતા’ પત્ર ચલાવતા. માત્ર, વર્ણવાસ્તવ નહીં પણ વર્ગવાસ્તવને અનુલક્ષીને વ્યાપક – એક અર્થમાં સમાજવાદી રુઝાન – એવી ભૂમિકા હતી. એમણે ફાંસી પ્રકરણની જે ચર્ચા કરી છે તે મરાઠીમાં હોઈ વ્યાપક સમાજનું ધ્યાન એ તરફ ગયું નથી. પણ આનંદ તેલતુંબડેએ તાજેતરનાં વર્ષોમાં એ અંગ્રેજીમાં સુલભ કરી એમાં પ્રધાન મુદ્દો એ છે કે બ્રિટનની તે વખતની સરકાર માટે ઘરઆંગણાના રાષ્ટ્રવાદી ઉછાળ સામે, ચૂંટણીને લક્ષમાં રાખી ભગતસિંહની સજા મોકૂફ રખાવી શક્ય નહોતી. પ્રશ્ન ગાંધી-અરવિનના વશનો નહોતો. હિંદની અંગ્રેજ અફસરશાહી અને બ્રિટનમાં વિરોધમત, એ બે મુખ્ય ચાલક બળ હતાં. ગાંધીજીને છોડવાનું ને મંત્રણા માટે બોલાવવાનું પગલું જ બ્રિટનની સરકારને વિરોધમતની બીકે નામોશીભર્યું લાગતું હતું, અને એમાં જો ભગતસિંહને બક્ષ્યા તો –
વસ્તુત: સ્વરાજલડત અને સ્વરાજનિર્માણની દૃષ્ટિએ લોકહિસ્સેદારીનું વ્યાકરણ ને વિજ્ઞાન કેમ વિસ્તરે અને દૃઢમૂળ બને એ પાયાનો પ્રશ્ન છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 સપ્ટેમ્બર 2024