ભાગવતનાં હિતવચનો
નડ્ડાએ સંઘથી હાથ ઊંચા કરી નાખ્યા એ જોતાં તેમ જ જે પ્રકારનો પરિણામઆંચકો આવ્યો એ પછી ‘ઇતના તો બનતા થા’ : સવાલ જો કે શતાબ્દી લગોલગના સંઘને પક્ષે પણ આત્મનિરીક્ષણનો છે જ.

પ્રકાશ ન. શાહ
ચૂંટણી પરિણામો પછી સરસંઘચાલક ભાગવતની સીધી ટિપ્પણીમાં તેમ પરિવારના બંને મુખપત્રો ‘ઓર્ગેનાઇઝર’ અને ‘પાંચજન્ય’માં પ્રગટ થયેલાં વલણોમાં ભારતીય જનતા પક્ષ સંબંધે વ્યક્ત થયેલા વિચારો, બંનેનો (સંઘ અને ભા.જ.પ.નો) નિકટનાતો જોતાં જરૂર ધ્યાનાર્હ બની રહે છે.
1992ની છઠ્ઠી ડિસેમ્બર પછી સંબંધિત રાજ્ય સરકારોની બરખાસ્તગી થઈ – અને સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળભૂત માળખાને અનુલક્ષીને બિનસાંપ્રદાયિકતાને મુદ્દે તે બહાલ રાખી – એ પછી જે તે રાજ્યોમાં ભા.જ.પે. નવી ચૂંટણી વખતે રમતું મૂકેલું સૂત્ર ‘આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ’ હતું. તે જો કે, ભોંઠું પડ્યું અને અયોધ્યા લેતાં લખનૌ ખોયું ત્યારે દીનદયાલ શોધ સંસ્થાનમાં યોજાયેલી મંથન બેઠકમાં ઉમા ભારતીએ યાદગાર વચનો ઉચ્ચાર્યાં હતાં કે ચેહરા, ચાલ ઔર ચરિત્ર તીનોં બદલના હોગા.
આ વખતે ભા.જ.પ.-એન.ડી.એ.ના પરાજય ગર્ભ વિજયની ક્ષણે સરસંઘચાલક ભાગવતે નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગના સમાપન સત્રને સંબોધતા જે કહ્યું એમાં કેટલેક અંશે ઉમા ભારતીનાં વચનોનું જ કંઈક વાર્તિક તમને જોવા મળશે : “જો વાસ્તવિક સેવક હૈ, જિસકો વાસ્તવિક સેવક કહા જા સકતા હૈ, વહ મર્યાદા સે ચલતા હૈ … ઉસ મર્યાદા કા પાલન કર કે જો ચલતા હૈ વહ કર્મ કરતા હૈ લેકિન કર્મો મેં લિપ્ત નહીં હોતા. ઉસમેં અહંકાર નહીં હોતા કી મૈંને કિયા. ઔર વહી સેવક કહલાનેકા અધિકારી રહતા હૈ.(સાંભરે છે ‘મોદી કી ગારંટી’?)
‘એક અકેલા સબ પર ભારી’ શૈલીના નેતૃત્વને અંગે બલકે કાર્યશૈલી સહિત સમસ્ત જીવનશૈલી પરત્વે, ભાગવતની આ આલોચના પ્રગટપણે એક અંતરાલ પછી આવે છે. વડા પ્રધાનના બીજા કાર્યકાળમાં સરસંઘચાલકના જે ઉદ્દગારો સામે આવ્યા તે સામાન્યપણે શાસન પરત્વે અનુમોદનાવત્ હતા. સીધી આલોચના આ રીતે લાંબે વખતે આવી છે.
આરંભે સંઘ-ભા.જ.પ.ના નિકટનતાની જિકર મેં કરી. ખરું જોતાં, જનસંઘના જમાનામાં તો વસ્તુતઃ એ નાભિનાતો જ હતો. નેહરુ પ્રધાનમંડળમાંથી છૂટા થયેલા શ્યામાપ્રસાદ મુખર્જી કેવળ હિંદુઓ જ જેમાં હોય એવી હિંદુ મહાસભામાં પાછા જવા ઇચ્છતા નહોતા. ‘હિંદુરાષ્ટ્ર’ની સ્વીકૃતિપૂર્વક ભારતના નાગરિકમાત્રને જેમાં પ્રવેશ હોય તેવો પક્ષ એ ઇચ્છતા હતા. સંઘની પરિસ્થિતિ ત્યારે ગાંધીહત્યા પછીના ગાળામાં વ્યાપક જાહેર જીવનમાં કોઈ પ્રવેશબારી વગરની હતી. મુખર્જીને સંઘે મધોક, દીનદયાળ, વાજપેયી જેવા સાથીઓ પોતાના અધિકારીગણમાંથી આપ્યા અને એ રીતે જનસંઘ આવ્યો. આગળ ચાલતાં કાર્યપદ્ધતિના કેવા પ્રશ્નો થયા એનું એક નિદર્શન મધોકના રાજીનામા વખતના પત્રમાં મળે છે કે સંઘનીમ્યા સંગઠન મંત્રીઓ જનસંઘ પર ફાસીસ્ટ પકડ ધરાવે છે.
જરી ઉતાવળે વચગાળાનો પણ એક વિગતમુદ્દો કરી લઉં. જયપ્રકાશના આંદોલન વાટે જનસંઘના ભાવિ જનતાપ્રવેશનાં દ્વાર ખૂલ્યાં એ જાણીતું છે. વાજપેયી એ દિવસોમાં કહેતા કે અમારા કાર્યકરોનું ચારિત્ર્ય આમ જનતાના આંદોલન સાથે જોડાવાથી બદલાઈ રહ્યું છે. જ્યારે જનતા પક્ષ તૂટ્યો (જેનાં કારણો ઓછેવત્તે અંશે બધે છેડે હશે) એ વખતે વાજપેયીએ સંઘ જોગ જાહેર ટીકા પણ કરી હતી કે તમે નક્કી કરો, તમે સામાજિક સુધારસંસ્થા છો કે પછી રાજકીય પક્ષ.
ગમે તેમ પણ, જ્યારે જનસંઘે જનતા અવતારથી આગળ જવાનું નક્કી કર્યું ત્યારે એને આગલાથી માંડી ચિમનલાલ ચકુભાઈ અને તારકુંડે સહિતની પ્રતિભાઓનો ટેકો મળ્યો હતો કે જ્યાં જનતા પક્ષ ચિત્રમાં ના હોય ત્યાં ભારતીય જનતા પક્ષનો વિચાર કરવો જોઈએ. જો કે, અડવાણી લાઈન પછી આ અભિગમને અવકાશ ન રહ્યો અને મોદી ભા.જ.પ.નો તો પ્રશ્ન જ નથી. 2014માં એકવાર અડવાણીએ જ કહ્યું હતું કે અમે 1977-1979માં કટોકટી લાદી ન શકાય એવા કાયદા કર્યા એ સાચું, પણ હજુ ‘કટોકટી’ ન જ આવી શકે એમ હું માનતો નથી. ભાગવતનાં નિરીક્ષણો ને હિતવચનો અવશ્ય આવકાર્ય છે, પણ એમાં અડવાણીના આ આકલન સુધી પહોંચવાનું હજી બાકી છે.
ભા.જ.પ.નું તો સમજ્યા, પણ સંઘે પણ શતાબ્દી લાયક ખાસું મંથન કરવાપણું છે, એનું શું.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 જૂન 2024