શાંત તળાવમાં કાંકરીચાળો
યુરોપની જેમ રાજ્ય અને ચર્ચનો મામલો ન હોય તોપણ ધરમ – મજહબને નામે ભાગલાનો ઇતિહાસ તો છે જ; અને સ્વરાજ પછી પણ લીગ ને ઝીણાના હિન્દુ અડધિયાની ખોટ નથી તે હકીકત છે.
તામિલનાડુના રાજ્યપાલ રવિએ અમથી જ શાંત તળાવમાં કાંકરો નાખવા જેવી ચેષ્ટા કરી છે કે આપણે વળી સેક્યુલરિઝમની વાતમાં પડવા જેવું ક્યાં હતું. એ તો ભાઈ, એમણે માસૂમિયતથી કહ્યું છે, એક યુરોપીય અવધારણા છે.
એક રીતે જો કે, એમણે આપેલો દાખલો દેખીતો ઠીક પણ છેઃ યુરોપમાં રાજા અને ધર્મતંત્ર (ચર્ચ) વચ્ચે સત્તાસંઘર્ષનો લાંબો ઇતિહાસ છે. આ અનવસ્થા દૂર કરવા સારુ સેક્યુલર અભિગમની, રાજસત્તા અને ધર્મતંત્રના જુવારાની જરૂર હતી અને છે.
એ રીતે આપણે ત્યાંનું ચિત્ર જુદું છે એટલે અહીં વળી સેક્યુલરિઝમની જરૂર શું છે. આટલે સુધી તો માનો કે રાજ્યપાલ રવિની (અગર એમની પૂંઠે રહેલ ભા.જ.પી. કેન્દ્ર સરકારની) વાત માનો કે નભી પણ જાય. પણ ત્યાં અટકે એ બીજા. એમણે એટલી હદે કહી નાખ્યું કે આ તો નકરું છળકપટ (ફ્રૉડ) છે – પોતાની સત્તા ભયમાં હોવાનું સમજાતાં એક વડા પ્રધાને બંધારણમાં સેક્યુલર હોવાનું ધરાર ઘુસાડ્યું છે.
વળી મુશ્કેલી ઇંદિરા ગાંધીના શાસનકાળમાં કટોકટીનું પગલું જેમને ટીકાપાત્ર કે વિરોધપાત્ર ન લાગતું હોય એમને પણ આ નિર્ણય વિવાદાસ્પદ તો લાગવાનો જ. એથી એક વિવાદાસ્પદ રાજકીય પગલાને છાવરવા વાસ્તે બંધારણમાં સુધારા વાટે સેક્યુલર ઓળખ ઠઠાડવાની કારવાઈ થઈ હતી એવું કહેવાની તક નથી જ એવું તો નથી.
આખી વાત સમગ્રપણે સમજવા સારુ આપણે ઇતિહાસમાં પાછે પગલે જવું જોઈશે. બંધારણ સભાની ચર્ચાઓમાં અને એમાં નેહરુ-આંબેડકર સહિતની દરમિયાનગીરીઓમાં જતાં સરવાળે ઊપસતું ચિત્ર શું છે ? આપણે એક બહુધર્મી દેશ છીએ એમાં કોઈ એક ધર્મ સાથે રાજ્યનું સંધાન ઇષ્ટ નથી. રાજ્ય સ્તરે સર્વ ધર્મથી સમાન અંતરની અગર તો સમાદરની ભૂમિકા ઇષ્ટ છે. ગમે તેમ પણ, જે રીતે સોવિયેત રશિયાના બંધારણમાં ધર્મવિરોધી ભૂમિકા છે તેવો કોઈ વિચારધારાકીય અભિગમ આપણા બંધારણમાં નથી એ સાચું, પણ કોઈ એક ધર્મ સાથે સંધાન નથી એ પણ સાચું. જ્યાં સુધી ઇતિહાસનો સવાલ છે, આપણી સ્વરાજલડતને આભડી ગયેલું દુર્દૈવ વાસ્તવ એ હતું કે હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ વખતોવખત એવી માનસિકતા દાખવતા અને ઉત્તેજતા કે આ કોઈ અંગ્રેજી રાજ સામે આપણ સૌની લડત કરતાં વધુ તો મુસ્લિમો સામે હિંદુઓની અગર તો હિંદુઓ સામે મુસ્લિમોની છે. આ સાંકડો વિચારધારાવાદ આપણને ભાગલા લગી લઈ ગયો. એટલે આ કોઈ હિંદુ રાજ નથી પણ બિનસાંપ્રદાયિક એથી સૌનું રાજ છે, એ મુદ્દો સ્વાભાવિક જ બંધારણ સભાની ચર્ચાઓમાં નાનાવિધ ઝોકફેરે અને અભિપ્રાયભેદે પણ ઊપસી રહ્યો.
રાજ્યપાલ રવિ અંતે તો કેન્દ્રની ભા.જ.પ. સરકારની નિયુક્તિ છે. એટલે ઇતિહાસવસ્તુ તરીકે એક વાત એમના વળના ભિલ્લુઓના ધ્યાન પર લાવવી જોઈશે કે ભા.જ.પે. પણ જનસંઘના જનતા અવતારના વારાથી ખરો કે ખોટો એવો જાહેર અભિગમ જરૂર લીધો છે કે અમે પોઝિટિવ કહેતાં સકારાત્મક સેક્યુલરિઝમમાં માનીએ છીએ. અલબત્ત, જનતા અવતાર પછી છૂટા પડ્યા બાદ એનું રાજકારણ ઝીણાના હિંદુ અડધિયા જેવું થઈ ગયું એ હકીકત છે.
અધૂરામાં પૂરું, રાજ્યપાલ રવિએ સંભાર્યું છે કે ભારત એક ધર્મકેન્દ્રી દેશ છે, એ વળી ધર્મથી અળગો એટલે કે સેક્યુલર થઈ શકે? શા સારુ થાય? ભાઈ, આ ધર્મ કોઈ હિંદુ કે મુસ્લિમ કે ઇસાઇપારસી અર્થમાં નથી. આપણા સમયમાં વિવેકાનંદ ને ગાંધીએ જે ધર્મજીવનનો મહિમા જીવી જાણ્યો એ કોઈ સંપ્રદાયની કંઠીરૂપ નહોતો. એમની ધર્મદૃષ્ટિ અને હિંદુત્વ રાજનીતિ વચ્ચે છત્રીસનો સંબંધ છે.
થોડીક સારરૂપ ચર્ચા પછી વિસ્તારભયે અહીં અટકતી વેળાએ એટલું જ પૂછવું રહે કે વિધાનસભાના સત્રારંભે રાજ્યપાલના વિધિવત સંબોધનમાંથી સેક્યુલરિઝમ જેવા શબ્દોની બાદબાકીનો અભિગમ સન્માન્ય રવિજીનો રહ્યો હોઈ એમનાં આ બધાં વિધાનોમાંથી કેન્દ્રની ભા.જ.પી. સરકારને ઇષ્ટ રાજકારણી બૂ તો નથી ઊઠતી ને.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 સપ્ટેમ્બર 2024