નેતા વિપક્ષે ઊભો કરેલો મુદ્દો આપણી બંધારણીય ને કાનૂની સંસ્થાઓની સ્વાયત્તતાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે.

પ્રકાશ ન. શાહ
દેશના નવા ચૂંટણી વડા તરીકે જ્ઞાનેશકુમારે જવાબદારી સંભાળી એ ઘટના આગલા અનેક બનાવની જેમ વર્તમાન કેન્દ્ર સરકારની એકાધિકારી મનસ્વિતા વિશેની છાપ દૃઢાવેબઢાવે તો એ માટે કદાચ ફરિયાદનું કારણ ન હોવું જોઈએ.
સમજવું જ હોય તો મુદ્દો સાવ સાદો છે. 19મી ફેબ્રુઆરીએ દેશની સર્વોચ્ચ અદાલત ચૂંટણી વડાની નિયુક્તિ પ્રક્રિયા વિશે નિર્ણાયક – વિવાદમુદ્દો હાથ ધરવાની ઘડિયાં લગન પેઠે નિમણૂક થઈ જાય એમાં કોઈ ‘ગ્રાન્ડ કોન્સ્પિરન્સી’નું તત્ત્વ ન હોય તોપણ એની પૂંઠે રહેલી અભદ્ર અધીરાઈ સારુ આશંકાનું કારણ તો છે જ.
2023થી આ ચર્ચા ચાલી રહી છે. લોકસભાની તરતમાં આવનારી ચૂંટણીની દૃષ્ટિએ ત્યારે માનો કે ખમી ખાવાનું એક લૉજિક હોઈ શકતું હતું. પણ ચૂંટણી પરિણામના આઠનવ મહિને ય સત્તારૂઢ કેન્દ્રીય નેતૃત્વ આ બાબતે મુદ્દતપાડુ ઢબે પેશ આવતું વરતાય તો એને શા સારુ સવાલિયા દાયરામાં ન જોવું એ સમજ્યું સમજાતું નથી.
મુદ્દે, ચૂંટણી કમિશનર જેવા હોદ્દે નિમણૂક માટેની હાઇપાવર કમિટી પર દેશના વડા ન્યાયમૂર્તિ હોવા જોઈએ, એવી એક ભૂમિકા રચાયેલ છે. તેને બદલે વડા પ્રધાન અને એક કેન્દ્રીય પ્રધાન તેમ જ નેતા વિપક્ષની સમિતિ અત્યારે છે. દેખીતી રીતે જ, આ રચના સરકારની સીધી બહુમતીવાળી છે. સમિતિ પર જો વડા ન્યાયમૂર્તિ બેસતા હોય તો ચૂંટણી કમિશનરની નિમણૂક પરબારી સરકારી રાજરમતથી સહજક્રમે મુક્ત રહી શકે એ ઉઘાડી વાત છે.
ચૂંટણી કમિશન તાજેતરનાં વરસોમાં ઠીક ઠીક ટીકાપાત્ર રહ્યું છે. શેષન અને લિંગ્દોહ તરેહના ચૂંટણીવડા હવે વન્સ અપોન આ ટાઈમ એવી ઇતિહાસવસ્તુ બની ગયા છે. આ સરકાર હસ્તક અગાઉ બબ્બે ચૂંટણી કમિશનરોએ શંકાસ્પદ સંજોગોમાં ખસી જવું પસંદ કર્યું છે. લવાસા જેવા અધિકારીએ તો આ સંબંધે, સરકારી દબાણથી મુક્ત કારવાઈ આડે અવરોધના સંકેતો પણ પ્રસંગોપાત આપ્યા છે.
દસ વરસની સુવાંગ રાજવટ પછી ત્રીજી મુદ્દતમાં લોકચુકાદાવશ નેતા વિપક્ષની ઉપસ્થિતિના સંજોગો પેદા થયા તે સાથે અગાઉની ઉત્તરોત્તર વધુ સત્તા કેન્દ્રીકૃત કરવાનું વલણ એક યા જારી છતાં બીજી યા કંઈક પડકાર અનુભવી રહ્યું છે. આ કિસ્સામાં વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને નેતા પ્રતિયક્ષની બેઠકનો જે હેવાલ બહાર આવ્યો છે તે ચિંતાજનક છે. વડા ન્યાયમૂર્તિ હોવા જોઈએ એ બાબત તરતના કલાકોમાં સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરાવા પર હોય ત્યારે નિર્ણયમાં ઉતાવળ કરવાને બદલે ખમી ખાવું જોઈએ એ સાદો પણ બુનિયાદી મુદ્દો નેતા વિપક્ષ રાહુલ ગાંધીનો હતો. અને હવે તો એમની ‘ડિસેન્ટ નોટ’ (અસંમતિની નોંધ) પણ વિધિવત પ્રકાશિત થઈ ચૂકી છે.
દરમિયાન, કેન્દ્ર સરકારે તો લગભગ કૂ દે તા કહેતાં રાતવરત ગુપ્ત છાપામાર શૈલીએ જ્ઞાનેશ કુમારની નિમણૂક બહુમતીથી એટલે કે ધરાર સરકારી રાહે કરી દીધી, એમણે હોદ્દો સંભાળી લીધો — અને ચૂંટણી પંચ હંમેશ જનતા જોડે રહ્યું, છે અને રહેશે એમ પણ બુલંદપણે કહી દીધું. સરકારે તો જે કરવું હતું તે કર્યું, પણ આવા સંદિગ્ધ, સંજોગોમાં ખરું જોતાં જે તે જવાબદાર અધિકારીને તો સૂઝવું જોઈએ ને કે હોદ્દો અખત્યાર કરવો અગર ન કરવો.
પણ આપણા અધિકારીઓ વિશે શું કહેવું? કટોકટી બાદ શાહ તપાસ પંચનો હેવાલ બહાર પડ્યો ત્યારે અરુણ શૌરિએ માર્મિક ટીકા કરી હતી કે ગેરબંધારણીય કામોમાં પોતાને જોતરવામાં આવ્યા અને પોતે જોતરાયા પણ ખરા એ બધી વિગતો વિશે આપણી આઈ.એ.એસ. મંડળી કેમ કદાપિ ચર્ચા નથી કરતી. ત્યારે કટોકટીરાજ હતું. અત્યારે પોતાને કટોકટી સામેના લડવૈયા તરીકે દિવસરાત આગળ કરતો સત્તાપક્ષ છે. પણ પેલો પ્રશ્ન તો જેમનો તેમ ઊભો જ રહે છે.
19મીએ (બુધવારે) કેન્દ્ર સરકારના જવાબદાર વકીલે પોતે અન્યત્ર રોકાયેલ છે એમ કહી આરંભે મુદ્દતપાડુ કોશિશ કર્યાના હેવાલો પછી બીજું કશું કદાચ કહેવાનું કદાચ રહેતું નથી.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 ફેબ્રુઆરી 2025